કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)
સોપાન જોષી

સંસ્કૃતમાં એક શબ્દ છે ‘ઉપકરણ’. એનો અર્થ થાય છે – ‘કર’ એટલે કે હાથનો વિસ્તાર. એ ઓજાર જે હાથ પાસે હોય, જે કોઈ કામ કરવામાં સહાયક બને. ઘણા જીવો પોતાના શરીરના કોઈક અંગ વડે કોઈક ને કોઈક પ્રકારનાં ઉપકરણ ચલાવે છે. હાથી પોતાની સૂંઢથી, જળબિલાડી હાથથી, ડોલફિન પોતાના મોઢામાં પથ્થર રાખીને ! સુગરી અને કાગડો પોતાની ચાંચથી.
આ બાબતમાં મનુષ્ય સાથે કોઈ જીવની સરખામણી થઈ શકે તેમ નથી. આજથી ૩૦ લાખ વર્ષ પહેલાં આપણા આદિમાનવ પૂર્વજોએ ઓજારો બનાવ્યાના પુરાવા મળી આવ્યા છે. સમયની સાથે સાથે પથ્થર, લાકડી અને હાડકાંથી બનાવેલાં ઉપકરણોના મનુષ્ય દ્વારા ઉપયોગના પુરાવા વધતા જ જાય છે. આગનો ઓજારના સ્વરૂપમાં ઉપયોગ કરવો એ તેનાથી પણ જૂની બાબત છે. આ જ ગુણ આપણને વિશેષ બનાવે છે.
જટિલ સામાજિક રચનાઓ ઘણા પ્રકારના જીવોમાં અને વનસ્પતિમાં પણ મળી આવે છે, અને જાણવા-સમજવાની શક્તિ પણ તેમનામાં જોવા મળે છે. પરંતુ જે જાતજાતનાં ઉપકરણોનું સર્જન આપણે કરી શકીએ છીએ, તેની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. આ સર્જનશક્તિના મૂળમાં બીજા લોકોનો સાથ તેમજ સહકાર છે, સહજીવન તેમજ સામાજિકતા પણ છે. આપણે આપણા સમાજના લોકો પાસેથી શીખીએ છીએ અને તેમના જ બનાવેલાં બીબાઓ ઉપર પોતાના નવા લેખ લખીએ છીએ. આ રચનાશીલતા સામાજિક જીવનમાંથી આવે છે.
સહકાર તેમજ કલ્પનાશીલતાનું મૂલ્ય આજકાલ ઓછું આંકવામાં આવે છે. આજે સર્જનનું બજાર બની ગયું છે, જેમાં તેને વ્યક્તિગત ઉપલબ્ધિ માનવામાં આવે છે. કાયદો તેના પર વ્યક્તિગત અધિકાર પણ માન્ય કરે છે. છેલ્લાં ત્રણ-ચાર હજાર વર્ષોથી ઉપકરણ બનાવવાની આપણી ક્ષમતામાં વિસ્ફોટક વધારો થયો છે. તેનાં અનેક કારણોમાંનાં બેની વાત અહીં કરવા જેવી છે. એક છે, પ્રકૃતિમાં રહેલા ભૌતિક તેમજ રાસાયણિક સિદ્ધાંતોને સમજવા અને બીજું છે, ગણિતના આધારે બધી જ વસ્તુઓને માપીને તેનો નમૂનો બનાવી શકવાની ક્ષમતા.
વન-ટૂ કા ફોર, ફોર-ટૂ કા વન
મનુષ્યના જ્ઞાન પર ગણિતનો પ્રભાવ વીસમી શતાબ્દીમાં ખૂબ વેગથી વધતો ગયો. તેની પાછળનું કારણ હતું ખૂબ ઝડપમાં મોટી મોટી ગણતરી કરનારું એક નવું સાધન (ઉપકરણ) – કમ્પ્યૂટર. જે કોડ પ્રમાણે ગણતરી કરવાનું નિર્દેશન (સૂચના) કમ્પ્યૂટરને આપવામાં આવે, તે એ જ પ્રમાણે ગણતરી કરીને આપી શકે છે. જેમ મનુષ્યનું જ્ઞાન સાપેક્ષ છે, તેવી જ રીતે ઘણાં મૂલ્યો પણ સાપેક્ષ હોય છે. કોઈ વસ્તુની કિંમત રૂપિયામાં આંકી શકાય છે, અને તેને એ મૂલ્યના આધારે ખરીદી કે વેચી શકાય છે. રૂપિયા-પૈસાથી લઈને શરીરની મેડિકલ તપાસને પણ આપણે ગણતરીથી સમજીએ છીએ. તેથી જ આપણો યુગ કમ્પ્યુટર યુગ બની ચૂક્યો છે.
આ શક્તિ વધતાં-વધતાં આજે ત્યાં સુધી પહોંચી ગઈ છે કે કેટલાક વિખ્યાત વિજ્ઞાનીઓને તેનાથી ડર લાગવા માંડ્યો છે. ક્યાંક આ કૃત્રિમ-બુદ્ધિ અથવા આર્ટિફીસિયલ ઇન્ટેલિજન્સ માણસના નિયંત્રણની બહાર તો નહીં ચાલી જાય ને ? તે મનુષ્ય પ્રજાતિનું નુકસાન તો નહીં કરી બેસે ને ? શું આપણો સર્વનાશ થઈ જશે ? આ ડરનો પ્રભાવ વ્યાપક બની રહ્યો છે, જ્યારે કે બહુ ઓછા લોકો સરખી રીતે જાણે છે કે આ કૃત્રિમ-બુદ્ધિ આખરે છે શું ?
એક આધુનિક ભસ્માસુર
વિનાશના આ ભયમાં કેટલીક વ્યાવહારિક વાતો ધ્યાનમાં નથી લેવાઈ રહી. આ કૃત્રિમ-બુદ્ધિનું ખરું જોખમ કંઈક બીજું જ છે -અને આ જોખમ એકદમ નવું છે. આ કૃત્રિમ-બુદ્ધિ અગાઉનાં બધાં ઉપકરણો કરતાં એકદમ જુદી છે. આજ સુધી આપણે જે સાધનો બનાવ્યાં તેનાથી આપણને કંઈક ને કંઈક સગવડ મળી છે. તેમના દ્વારા આપણે એવાં કામો કરી શકીએ છીએ જે પહેલાં થઈ જ નહોતાં શકતાં. અથવા તે કરવામાં કઠોર પરિશ્રમ કરવો પડતો હતો. આ બધાની પાછળ મંછા એ જ હતી કે મહેનત ઓછી થાય. માનવ પાસે સર્જન માટે વધારાનો સમય હોય, જેમાં તે વિચારવા-સમજવાનું કામ કરી શકે તેમજ પોતાનું મનોરંજન પણ કરી શકે.
કૃત્રિમ-બુદ્ધિની વાત જુદી છે. તે મહેનત ઓછી નથી કરતી પરંતુ રચનાત્મકતા ઓછી કરે છે. તેને કારણે કેટલીક સગવડો જરૂર મળે છે જે ઘણા લોકો માટે ખૂબ કિંમતી છે. પરંતુ આ એવાં સાધન નથી જે આપણને સામાજિકતા અને કલ્પનાશીલતા તરફ લઈ જાય. ટી.વી. અને કમ્પ્યુટર પર ચાલતા કાર્યક્રમો પૂરા થતાં પહેલાં જ આપણને બીજા કાર્યક્રમોની જાહેરાતો આવવા માંડે છે. આ એવા કાર્યક્રમો હોય છે જે જોવામાં આપણને રસ પડે. આ કેવી રીતે બને છે ? આ કૃત્રિમ-બુદ્ધિ આપણા દરેક કામ, દરેક નિર્ણયનો એક રેકોર્ડ બનાવે છે, પછી તેનું ગણિત કરીને આપણા સ્વભાવનું અલગોરિધમ બનાવે છે. તેને હંમેશ માટે યાદ રહે છે કે આપણે કયા-કયા વીડીયો ક્યારે જોયા હતા, કયા ટી.વી.ના કાર્યક્રમમાં આપણે રસ ધરાવીએ છીએ.
આના આધારે તે આપણને બીજા કાર્યક્રમોની યાદી સતત પીરસતી રહે છે. આપણને તે સતત એ જ વાતોમાં ફસાયેલા રહેવા માટે ઉત્તેજિત કરે છે જેમાં આપણને રસ હોય. બિલકુલ એવી જ રીતે જેમ “નો વન કેન ઈટ જસ્ટ વન” (કોઈને એકથી ધરવ ન થાય)ના સિદ્ધાંત પર ખાદ્ય પદાર્થોની જાહેરાતો આપણને સતત એવી વસ્તુઓ ખાવા માટે ઉત્તેજિત કરતી રહે છે જે ખાવાથી આપણું આરોગ્ય બગડે છે. કોઈ કહી શકે કે, “તેને ખાવા-જોવાનો નિર્ણય તો આપણા હાથમાં જ છે ને” – પરંતુ આ બુદ્ધિનો પ્રમાદ માત્ર છે.
આ બાબતમાં થયેલાં ઘણાંબધાં વૈજ્ઞાનિક સંશોધનો એ દર્શાવી ચૂક્યાં છે કે સમજી-વિચારીને નિર્ણય લેવાની આપણી ક્ષમતા આ જાહેરાતોની ચાલબાજીની સામે પડી ભાંગે છે. આપણે એમ નથી વિચારતા કે સ્વાદિષ્ટ ભોજન બનાવીને પ્રિયજનોની સાથે તેની લિજ્જત કેવી રીતે માણીએ. પરંતુ, આપણે તો તાત્કાલિક આપણી તીવ્ર ઉત્તેજનાને તૃપ્ત કરવાની જાળમાં ફસાઈ જઈએ છીએ.
નેટફ્લિક્સ કે યુ-ટ્યૂબ પર એક વીડીયો જોયા પછી આપણે બીજો વીડીયો જોવા વિવશ થઈ જઈએ છીએ. આ કૃત્રિમ-બુદ્ધિ આપણને સતત તાત્કાલિક-તૃપ્તિના કૂવામાં ધકેલતી રહે છે. તેને યાદ રહે છે કે આઠ વર્ષ પહેલાં કયું ગીત સાંભળ્યા બાદ આપણે કઈ વાનગી ઓનલાઈન ઓર્ડર કરી હતી. ફટાક દઈને તે એની જ જાહેરાત આપણી સામે લાવીને મૂકી દે છે. આને કારણે એ નવી સંવેદનાઓ, નવા અણસારોની ગુંજાશ પણ નથી રહેતી જેને કારણે સામાજિકતા, કલ્પનાશીલતા, સહકાર તેમજ સર્જનના રસ્તાઓ ખૂલી શકે. એટલું જ નહીં, તે જે પ્રકારનું ભોજન તેમજ મનોરંજન આપણને સતત પીરસતી રહે છે તેને કારણે આપણાં શરીર તેમજ મનને અસ્વસ્થ બનાવે છે.
અંદાજ કરવાની જરૂરિયાત
આ અઈંને અંદાજ લગાવવા માટે જ બનાવવામાં આવી છે. આગળ શું થવાનું છે એ જાણવાની ઇચ્છા મનુષ્યમાં મૂળભૂત રીતે રહેલી હોય છે. ચેતાતંત્રના વિજ્ઞાનમાં આજે એવું માનવામાં આવે છે કે આપણું મગજ એક પ્રકારનું પ્રેડીક્શન મશીન છે, એટલે કે અંદાજ અથવા તુક્કા લગાવનારું યંત્ર. આપણે સૃષ્ટિને તેટલી જ જાણી શકીએ-સમજી શકીએ જેટલું આપણું મગજ અનુમાન લગાવી શકે, ભલે પછી તેને આપણે જોઈ શકતા હોઈએ તો પણ.
સમાજ અને પરિવાર જેવી કુદરતી સંસ્થાઓ માટે તેમાં કોઈ મુશ્કેલી નથી. કારણ કે આ સંસ્થાઓ કુદરતી છે, તેને વિશ્ર્વની અનિશ્ર્ચિતતાઓ સાથે જીવતાં આવડે છે. તેને અસ્થિરતામાં પણ જીવતાં આવડે છે, તેમાં જ તે ફૂલે-ફાલે છે. પરંતુ માણસે બનાવેલી બે એવી સંસ્થાઓ છે જેને માટે અનિશ્ર્ચય અને અજ્ઞાન બે બહુ જોખમકારક હોય છે – રાજ્ય તેમજ વ્યાપાર. આ બંને સંસ્થાઓએ મોટાં-મોટાં જોખમો ઉપાડવાં પડતાં હોય છે. બંને પોતાની આજુબાજુ નિયંત્રણ ઇચ્છે છે, જેથી તેમની સત્તા જળવાઈ રહે. બંને માટે પૂર્વાનુમાન (અંદાજ) ખૂબ જરૂરી રહ્યું છે.
પહેલાંના જમાનામાં આ જરૂરિયાત જ્યોતિષી દ્વારા પૂરી થતી હતી. રાજાઓ યુદ્ધ તેમજ સુલેહ કરવાના નિર્ણયો જ્યોતિષીની સલાહથી કરતા હતા. અન્ય રાજ્યો તેમજ પોતાના હરીફોની માહિતી રાખવા માટે ગુપ્તચર રાખવામાં આવતા, જેથી અગાઉથી ખબર પડે કે પાડોશી રાજ્યો શું કરી રહ્યાં છે. તેવી જ રીતે વ્યાપારીઓએ જ્યારે મોટા-મોટા સોદા કરવાના થતા, એવા લોકો સાથે, એવી જગ્યાઓએ જેને અંગે વિશેષ માહિતી ન હોય; એ લોકો પણ જ્યોતિષ પાસેથી ભવિષ્ય જાણી લેતા હતા. તેઓ પણ બહુરૂપિયાને મોકલીને જાણકારી મંગાવતા હતા. ક્યાંક વળી આ અનુમાન ગ્રહો-નક્ષત્રોને જોઈને કરાતા હતા, તો ક્યાંક બલિ ચઢાવેલ પશુઓના આંતરડાને ખોલીને અથવા પક્ષીઓની ઉડાન જોઈને.
આજે મોટાભાગના દેશો પર કોઈ રાજવંશનો કબજો નથી રહ્યો. વ્યાપાર પણ પારિવારિક કારોબારનો નથી રહ્યો, તે તો હવે કોર્પોરેટ જગતના ઝાકઝમાળવાળી અને અદૃશ્ય એવી ઓફિસોમાં ખોવાઈ ગયો છે, શેર બજારમાં વેચાઈ તેમજ ખરીદાઈ રહ્યો છે. તેમ છતાં અંદાજ લગાવવાની જરૂરિયાત ઓછી નથી થઈ, બલ્કે વધી જ છે. રાજનેતા ચૂંટણી જીતવા તેમજ સત્તા મેળવવા માટે પૂર્વાનુમાન ઇચ્છે છે. કોર્પોરેટ જગતમાં તો શેરના ભાવથી લઈને બજારની નાનામાં નાની વિગતને કારણે અરબો રૂપિયાની મૂડી અહીંથી ત્યાં થઈ શકે છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી આ બંને સંસ્થાઓએ અંદાજ લગાવવાનું કામ અર્થશાસ્ત્રને સોંપી દીધું હતું. રાજ્ય તેમજ કંપનીઓની નીતિ તેમજ રીત-ભાત, એ બધાં પર આજે અર્થશાસ્ત્રનો પ્રભાવ છે. દરેક મૂલ્યાંકન પણ અર્થશાસ્ત્રીઓ પાસે કરાવવામાં આવે છે.
પૂર્વાનુમાન કરવાનું ગણિત આજે ‘આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સ’ને સોંપી દેવામાં આવ્યું છે. કારણ કે તેની શોધ જ આ કામ માટે કરવામાં આવી છે. તેથી તે દરેક વ્યક્તિની દરેક ઓનલાઈન ક્રિયાઓ રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ કૃત્રિમ-બુદ્ધિ તમને માત્ર એ જ નથી પીરસતી જેને તમે અગાઉ પસંદ કરી ચૂક્યા છો. ના, તે ધીરે ધીરે તમારો સ્વાભવ બદલે છે જેની તમને ખબર સુધ્ધાં નથી પડતી. જેમ જેમ તેનું ગણિત તથા તેની શક્તિ વધતી જાય છે, તેમ તેમ તેનો આપણા પરનો કબજો વધતો જાય છે. તે આવું કેમ કરે છે ?
મશીનની સગવડોથી આકાર પામેલો નવો માણસ
કૃત્રિમ-બુદ્ધિ પૂર્વાનુમાન કરવા માટે બની છે. તેથી તે એવું ઘણું જાણે છે કે જે અગાઉ થઈ ચૂક્યું છે. તેને માટે એ બાબત અનુકૂળ નથી કે તમારો વ્યવહાર, તમારા નિર્ણય તેની સમજમાં ન હોય. તેને માટે તે એવું ઇચ્છે છે કે તમે જે પણ કરો, તે કોઈ જાણીતી પ્રણાલી કે ઘરેડમાં બેસે તેવું હોય. જો તમને તમારી જ્ઞાતિના લોકો ગમતા હોય તો તે તમને દરરોજ એવી સામગ્રી પીરસશે જેમાં તમારી જ્ઞાતિને સારી દેખાડવામાં આવે અને અન્ય જ્ઞાતિઓને ખરાબ. તેવું જ તે ધર્મની બાબતમાં કરશે. તમારા ધર્મના ગુણગાન ગાશે અને અન્ય ધર્મોની બૂરાઈ કરાતી સામગ્રી તમને બતાવશે. જો તમને કોઈ વિશેષ રાજકીય નેતા પસંદ છે તો કૃત્રિમ-બુદ્ધિની સગવડ એમાં જ સચવાયેલી છે કે તે તમને તમારા પ્રિય નેતાની વાહવાહ કરનારી બાબતો બતાવે. જો તે નેતાએ કંઈ ખોટું કામ કર્યું, તો તેની વાત કરનારી સામગ્રીને તે તમારાથી દૂર રાખશે. જ્યારે દરરોજ તમને આવી જ સામગ્રી જોવા મળે, ત્યારે આપણને પાકો વિશ્ર્વાસ બેસી જાય છે કે સત્ય એ જ છે જે આપણે માનીએ છીએ. જે લોકોની માન્યતા આપણાથી જુદી છે તે આપણી નજરમાં ઘૃણાપાત્ર બની જાય છે.
આ કૃત્રિમ-બુદ્ધિની પાછળ ખૂબ મોટાં કોર્પોરેશન્સ છે, જેમની શક્તિ દેશોની સરકારોનો મુકાબલો કરી શકે તેમ છે. આ કંપનીઓનો સ્વભાવ પણ બદલાઈ ગયો છે. એક સમય હતો જ્યારે કોર્પોરેશન્સ કોઈ પરિવાર કે ગ્રુપને હસ્તક હતાં, તેથી જ વ્યાપારી ઘરાનાઓનાં નામ આટલાં લોકપ્રિય છે. અમેરિકામાં રોકફેલર અને કાર્નેગી જેવાં નામ છે, આપણે ત્યાં ટાટા-બિરલા, અંબાણી-અદાણી જેવાં. મૂડીવાદનું આ કડવું સત્ય જગજાહેર છે કે આ મૂડીવાદીઓ પોતાના નફા માટે કંઈ પણ કરી શકે છે.
ગુલામીનું ગણિત, સગવડોની લાલચ
આજનાં કોર્પોરેશન્સ પારિવારિક માલિકીથી પણ મુક્ત છે. તેમની પાછળ છે માત્ર પોતાની સગવડો માટે કામ કરનાર તેમજ કરાવનાર અલગોરિધમ. જે મનુષ્યને પોતાના હિસાબે ઢાળી શકે છે. ફેસબુક અથવા ટ્વીટર જેવી સોશિયલ મીડિયાની કંપનીઓ આજે કોઈ ચૂંટણીનાં પરિણામોને આમથી તેમ કરી દઈ શકે છે. એક જમાનામાં આખી દુનિયા પર વર્ચસ્વ જમાવવાની ઇચ્છા રાખનારા રાજાઓને મોટી સેના ભેગી કરવી પડતી હતી. આજે આ કામ ‘વર્ક ફ્રોમ હોમ’ કરનારા નવી કંપનીઓના અદૃશ્ય માલિકો કરી શકે છે, જેમની બુદ્ધિ કૃત્રિમ-બુદ્ધિને બનાવી રહી છે, અને તેને વશ પણ થઈ રહી છે.
વિશ્ર્વભરમાં સરમુખત્યારશાહ નેતાઓની લોકપ્રિયતા વધવાનું મુખ્ય કારણ એ છે કે લોકો પોતાના જેવા લોકોને જ બરાબર માને છે, પોતાનાથી જુદા લોકોને તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. દરેક પ્રકારના ઉગ્રવાદી રાજકીય મતની લોકપ્રિયતા વધતી જાય છે. કેટલીક જગ્યાએ તે પરંપરાના બહાના હેઠળ થઈ રહ્યું છે, તો કેટલીક જગ્યાએ આધુનિકતાના નામે. ક્યાંક વળી તે દેશના નામે થાય છે, તો ક્યાંક ધર્મને નામે. ક્યાંક ભાષા, તો ક્યાંક વંશને નામે.
આપણા સહુના ઓળખપત્ર ((I Card) કૃત્રિમ-બુદ્ધિની સુવિધાથી બની રહ્યાં છે. આ ગણિત જે આપણને સુવિધા પ્રદાન કરી રહ્યું છે તેની કિંમત છે – આપણો વિવેક, આપણી સામાજિકતા અને સર્જનશીલતા, સહજીવનની આપણી ઇચ્છા સુધ્ધાં ! આ એક એવું ઉપકરણ છે જેની સામે માનવસમાજ એક કઠપૂતળી બનીને રહી જાય છે. ખૂબ ઝડપથી બેવકૂફ બની રહેલા મનુષ્યનો હાથ આજે કૃત્રિમ-બુદ્ધિનું ઓજાર બની ચૂક્યો છે. આપણે તેના પૂર્વાનુમાન પ્રમાણે આકાર લેવા માટે તૈયાર જ નહીં, આતુર છીએ ! વિજ્ઞાન તેમજ ટેકનોલોજીએ ખૂબ પ્રગતિ કરી છે. માણસ જ્યાં હતો ત્યાંથી નીચે ખસવા માટે તૈયાર છે. લાવો, કઈ જાહેરાત છે તમારી પાસે ?
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
