ફિર દેખો યારોં

બીરેન કોઠારી

વિવિધ વન્ય તેમજ ઘરેલુ પશુપક્ષીઓનું માહાત્મ્ય આપણાં ધર્મગ્રંથો અને પુરાણોમાં કરેલું છે, પણ આટલા અનુભવે એ હકીકત પુરવાર થઈ ગઈ છે કે એ બધું છેવટે ‘પોથીમાંનાં રીંગણાં’ જેવું પુરવાર થયું છે. એનો અર્થ એટલો કે વાસ્તવમાં એ જીવોની આપણને કશી પરવા નથી, અને આપણે એના માહાત્મ્યને ગ્રંથનાં પાનાં પૂરતું મર્યાદિત કરી મૂક્યું છે.

જેમ કે, હાથી વિશે વાત નીકળે એટલે આપણી સંસ્કૃતિમાં હાથીના માહાત્મ્ય વિશે પોપટપાઠ કરનારા અનેક મળી આવશે, પણ એ પુસ્તકિયું જ્ઞાન થયું. જ્ઞાન નહીં, માહિતી. વાસ્તવિકતા શી છે? આંકડા પર નજર કરવાથી ખ્યાલ આવશે.

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતમાં હાથીની શી સ્થિતિ છે? દર પાંચ વર્ષે ‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઈન્‍ડિયા’ (ડબલ્યૂ.આઈ.આઈ.) દ્વારા હાથીની વસતિગણતરી કરવામાં આવે છે. આ સંસ્થા પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન હાથ ધરાયેલી હાથીઓની વસતિગણતરીનો અહેવાલ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તૈયાર થયેલો પડ્યો છે, પણ હજી તે સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો નથી. સાત વિજ્ઞાનીઓ અને દહેરાદૂનસ્થિત ‘ડબલ્યૂ.આઈ.આઈ.’ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે એ તૈયાર કરાયેલો છે. ઈશાન ભારતમાં હાથીઓની ગણતરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જણાવીને સરકારે આ અહેવાલ હજી સુધી પ્રકાશિત કર્યો નથી.

અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ દ્વારા આ અપ્રકાશિત અહેવાલની કેટલીક વિગતો પ્રકાશમાં લાવવામાં આવી છે. એ મુજબ, પાંચ વર્ષ પહેલાંની સરખામણીએ આ વખતે હાથીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઘટાડો છે. એમાંય મધ્ય ભારત અને પૂર્વ ઘાટના વિસ્તારમાં આ ઘટાડો અગાઉની સરખામણીએ ૪૧ ટકા જેટલો ખતરાસૂચક છે. સંખ્યામાં ઘટાડાની સાથોસાથ આ અહેવાલમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિકાસ પ્રકલ્પોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી આ પ્રજાતિને સીધો ખતરો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અહેવાલ ‘વચગાળાનો’ છે. ઈશાન ભારતના હાથીઓની સંખ્યાને સમાવતો આખરી અહેવાલ જૂન, ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થશે.

મધ્ય ભારત અને પૂર્વ ઘાટ વિસ્તારોમાં નોંધાયેલા સૌથી મોટા ઘટાડામાં પશ્ચિમ બંગાળના દક્ષિણ વિસ્તારમાં ૮૪ ટકા, ઝારખંડમાં ૬૮ ટકા અને ઓરિસ્સામાં ૫૪ ટકા જેટલો મહત્તમ કહી શકાય એવો ઘટાડો છે. આ ત્રણે વિસ્તારોમાં લગભગ ૧,૭૦૦ હાથીઓની સંખ્યા ઓછી થઈ છે, જેમાંના ૪૦૦ જેટલા હાથીઓ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થયા હોવાનો અંદાજ છે.

તેની સરખામણીએ પશ્ચિમ ઘાટ વિસ્તારમાં થયેલો ઘટાડો ૧૮ ટકા જેટલો છે. એના મૂળમાં કેરળમાં ૨,૯૦૦ હાથીઓ (૫૧ ટકા) ઓછા થયા હોવાનું કારણ છે. શિવાલિક ગિરિમાળાના ઉત્તર ભાગે અને ગંગાનાં મેદાનોમાં ૨ ટકા જેટલા મામૂલી ઘટાડા સાથે હાથીઓની સંખ્યા લગભગ સ્થિર કહી શકાય એવી રહી છે.

જે વિસ્તારના હાથીઓના આંકડા માટે આ અહેવાલનું પ્રકાશન વિલંબીત કરાયું છે એવા ઈશાન ભારતના આંકડાને અગાઉ, ૨૦૧૭ના આંકડા પરથી અંદાજિત કરી લેવામાં આવ્યા છે. એ અનુસાર આ વિસ્તારમાં કુલ ૧૦,૧૩૯ હાથીઓ છે. એટલે કે દેશના કુલ ૨૯,૯૬૪ હાથીઓની સંખ્યામાં આ વિસ્તારના  હાથીઓ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે.

આ પ્રકલ્પ સાથે સંકળાયેલા એક વિજ્ઞાનીએ જણાવ્યું કે ઈશાન ભારતની ગણતરી માટે કોઈ સમયમર્યાદા નહોતી, અને પાંચ વર્ષના અંતરાલ અનુસાર અમે મોડા હતા. આથી ભારતના બાકીના ભાગના હાથીઓનો અહેવાલ પ્રકાશિત કરવાનું નક્કી કરાયેલું, પણ છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો. અમને ઈશાન ભારતના આંકડા માટે રાહ જોવા જણાવાયું.

પર્યાવરણ મંત્રી ભૂપેન્‍દ્ર યાદવના જણાવ્યા અનુસાર હાથીઓની સંખ્યામાં થતા ઘટાડા પર મંત્રાલય વિવિધ સ્તરે દેખરેખ રાખી રહ્યું છે. અહેવાલમાં દર્શાવાયેલી વિગતો કશી કાપકૂપ વિના પ્રકાશિત કરવામાં આવશે તો તે ઘણાં તથ્યો ઉજાગર કરશે. જેમ કે, હાથીઓના ભ્રમણવિસ્તારમાં આકાર લઈ રહેલા વિવિધ વિકાસપ્રકલ્પોની અસર. એ શક્ય છે કે આવા પ્રકલ્પો અને તેની વિપરીત અસર અંગે પૂરેપૂરો અભ્યાસ રજૂ કરાયો હશે. પણ શું કેવળ અભ્યાસ પૂરતો છે? કોઈ પણ ભોગે પ્રકલ્પો આગળ વધવાના જ હોય તો એનો ભોગ હાથીઓએ બનવાનું આવશે. હાથીઓ કંઈ ઓછા પોતાને થતા નુકસાન વિશે બોલવા આવવાના છે?

આવા વિકાસપ્રકલ્પોને લઈને રેલ અથડામણ, માનવ-પશુની અથડામણ, શિકાર, વીજપ્રવાહથી મૃત્યુ પામવું જેવા બનાવોમાં સતત વૃદ્ધિ થતી રહેવાની એ નિશ્ચિત છે. વ્યાપારી ધોરણે થતા વાવેતરને લઈને પણ જમીનમાં ઘટાડો થતો રહે છે.

કેવળ હાથીઓ નહીં, વાઘ, દીપડા સહિત અન્ય વન્ય પશુઓને પણ આ બાબત લાગુ પડે છે. તેમના નામના દિવસોની ઉજવણી કરવાની, તેમની છબિઓ મૂકવાની, પણ તેમના રક્ષણ માટે ભાગ્યે જ કશું કરવાનું, બલકે તેમના ભોગે વિવિધ વિકાસકાર્યો કરવાનાં, જેનો લાભ કોને થતો હશે એ સંશોધન કરવું પડે.

ભલે જૂન,૨૦૨૫માં હાથીઓની સંખ્યા દર્શાવતો આ અહેવાલ પ્રકાશિત થાય, પણ તેમાં દર્શાવાયેલી અને સૂચવાયેલી વિગતો અંગે કશું નક્કર થશે ખરું કે કેમ એ મુખ્ય સવાલ છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિકાસપ્રકલ્પો કંઈ પોતાની મરજીથી અને ગેરકાયદે નથી ફૂટી નીકળતા. એને માટે જરૂરી સરકારી વિધિમાંથી પસાર થવું પડતું હોય છે. આવા પ્રકલ્પોને મંજૂરી મળે એ જ સૂચવે છે કે કશું અણઆયોજિત નથી, બલકે સુઆયોજિત રીતે થાય છે.

અહેવાલ તૈયાર કરાય એ ભલે ઔપચારિકતા હોય, પણ એ ઔપચારિકતાય જરૂરી છે. ભલે એમાં સૂચવાયેલા નિર્દેશો અમલી બને કે ન બને, એ એટલું તો દર્શાવે છે કે અગાઉની સરખામણીએ વિવિધ પ્રાણીઓના રક્ષણમાં આપણે કેટલા પાછા હઠ્યા છીએ અને તેમના ભોગે કરાતાં વિકાસકાર્યોમાં કેટલા આગળ વધ્યા છીએ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)