આ મહિનેથી દર બીજા અને ચોથા રવિવારે કેપ્ટન નરેન્દ્ર ફણસે દ્વારા સંપાદિત જીવનકથા ‘બાઈ’ ધારાવાહિક સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરીએ છીએ.
તેમનાં આ પુસ્તકને વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવા માટે કેપ્ટન નરેન્દ્ર ફણસે એ આપેલી સહમતિ બદલ આપણે તેમનાં આભારી છીએ.
માત્ર એક જ અઠવાડીયાંથી  પણ ઓછા સમયમાં સુશ્રી રાજુલબેન કૌશિકે ખુબ જ અર્થસભર અને રસસભર તે બદલ આપણે તેમનાં પણ આભારી છીએ.
સંપાદન મડળ, વેબ ગુર્જરી 


વેબ ગુર્જરીના પાનાં પર ‘બાઈ’ -જીવનકથા મુકાઈ રહી છે તે પૂર્વે કેપ્ટ્ન શ્રી નરેન્દ્રભાઈ ફણસેએ પુસ્તક પરિચય લખાય એવી ઈચ્છા પ્રગટ કરી. કેપ્ટ્નસાહેબની ‘ઈચ્છા સર આંખો પર’ કહીને પુસ્તક પરિચય લખવા માટે હામી ભરી.

સૌ પ્રથમ તો ‘બાઈ’ની જીવનકથા વાંચી જવી જરૂરી હતી. ‘બાઈ’ વાંચવાની શરૂઆત કરી ને થોડાં પાનાં પછી સમજાયું કે એ માત્ર હામી ભરવાની વાત નહોતી. ‘હામી ભરવા’ની સાથે હિંમત એકઠી કરવાનીયે વાત હતી.

કારણ ?

કારણ કે, ‘બાઈ’ પુસ્તકમાં આલેખાયેલ બાઈની જીવનકથા પુસ્તક પરિચયથી વિશેષ ‘વ્યક્તિ પરિચય’ છે.

ક્યારેક ‘વ્યક્તિનું હોવું’ કરતાં એનું ‘ન હોવું’, ‘સદેહી હાજરી’ કરતાં ‘અદેહી હાજરી’ થી એ વધુ નજીક લાગે. ‘બાઈ’ આત્મકથા વાંચતાં વાંચતાં પ્રત્યેક શબ્દે બાઈની અદેહી હાજરીનો અનુભવ થયો.

હવે જો માત્ર આત્મકથા વાંચતા આવી લાગણી થાય તો જે વ્યક્તિઓ બાઈના જીવનનું અવિભાજ્ય અંગ બનીને જીવી હશે એમના મન-હૃદયમાં બાઈના સ્વજન હોવાનો અને બાઈની સાથે જીવ્યાનો સંતોષભાવ જીવનભર ચિરંજીવ જ રહેવાનો જ ને !

બાઈનું મૂળ વતન મહારાષ્ટ્રના મહાડ નજીકનું દેવળે ગામ, પણ જન્મ થયો વડોદરામાં. માતાપિતાએ નામ આપ્યું લીલા.

૧૯૧૫માં જન્મેલી લીલાએ દીકરી હોવાનો દંડ જીવનભર વેઠ્યો. બાપુજીની સારી નોકરી છતાં વ્યસનના લીધે ઉત્તરોત્તર પડતી થતી ગઈ અને નાનપણથી જ અપાર અસુવિધા અને અસુખમાં ઉછરેલ લીલા નામની છોકરીનું જીવન અસાધારણ રીતે સંઘર્ષમાં જ પસાર થયું.

કિશોરાવસ્થા, તે પછી પરાણે પ્રીત જેવો પરિણય, જોકે એ લગ્ન નહીં એને છેતરપિંડી જ કહેવાય એવી અવસ્થાય જીરવી લીધી. આજીવન લગભગ વણજારાની જેમ સતત સ્થળાંતર કરતા રહેવું પડ્યું, સગાં એવાં જે વહાલા ન થયાં, જેમને સ્વજન માન્યા એમનું પરાયું વર્તન સહી લેવા મહદ અંશે સંત જેવી સમતા કેળવી લીધી હશે ત્યારે જ આટઆટલી ઉપેક્ષા સામે એ ટકી શક્યાં હશે ને ?

નાનપણથી જ જેની ઈચ્છા-અનિચ્છા, મત કે મંતવ્યનો સ્વીકાર થયો જ નહીં એ લીલાએ ઘરમાં જાણે ચુપકીદી જ સેવી લીધી. પણ, એ પછી એમનું મૌન શબ્દોમાં મુખરિત થવા માંડ્યું અને વાચકોને મળી એક એવી આત્મકથા જેમાં બળબળતા રણમાં ખુલ્લા પગે ચાલ્યાની વેદના ઠલવાઈ છે.

માત્ર ચાર ચોપડી સુધીનું ભણતર હોવા છતાં જીવનનો મર્મ જેમણે પામી લીધો હશે એવાં ‘બાઈ’ એ સરળ ભાષામાં એમના જીવન વિશે જે કંઈ આલેખ્યું એમાં ક્યાંય એમનાં નસીબને કોસ્યું નથી કે નથી કોઈનું ખરાબ ઈચ્છ્યું.

‘બાઈ’ ની આત્મકથા વાંચતાં વાંચતાં વિચાર આવ્યો કે, સતત સામા પ્રવાહે જીવેલાં, સંજોગોનો શિકાર બનેલાં ‘બાઈ’ એક સ્ત્રી થઈને આ લખવાનું સાહસ ક્યાંથી લાવ્યાં હશે.

કોઈ એક સ્ત્રી લેખકે આત્મકથા લખી હોય તો એમાં અમૃતા પ્રિતમનું નામ યાદ આવે છે.

અમૃતા પ્રિતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ માં માનવમનનાં તળમાં ઉદ્ભભવતા મનોવ્યાપારોનું આલેખન છે. જોકે અમૃતા પ્રિતમને જીવનમાં સુખ, સ્નેહ, સંપત્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ પ્રાપ્ત થયાં જ્યારે બાઈને શું પ્રાપ્ત થયું? માત્ર ને માત્ર આપાર વિડંબણા.

‘બાઈ’ના બાપુજીનું બેવડું વ્યકતિત્વ, એ બેવડા વ્યક્તિત્વ (Double-personality)ને લીધે એમની બા તથા પરિવારને વેઠવી પડેલી તકલીફો, અસુવિધાભર્યું જીવન અને એવી જ રીતે લગ્ન પછી વેઠવી પડેલી એ જ બધી આપદાઓની અત્યંત અસુખભરી વાતો વાંચીએ તો મનમાં આક્રોશ ઊઠે કે, કેમ…કેમ..એક વ્યક્તિને, એના પરિવારને ઈશ્વરે આટઆટલી પીડાઓ કેમ આપી ?

બાઈના માતાના અવસાન પછી સતત પરાધિનતા વચ્ચે એમનું જીવન પસાર થયું. ભાઈ-બહેનોના શીતળાના લીધે કે પિશાચીનીના વળગાડથી થયેલાં અકાળ અવસાન,  માસી તો મા સમાન હોય એનાં બદલે બાઈજીમાસીનોય એમની સાથે અનુચિત વ્યવહાર…ક્યાં જઈને કોની પાસે ઠલવે એ પોતાની પીડા ?

‘બાઈ’ની આત્મકથા એટલે એમ લાગે કે સતત એક શહેરથી બીજા શહેર વચ્ચે ફંગોળાતી જિંદગી અને પરિવારના સદસ્યોની સિલસિલાબંધ અવસાન નોંધ.

પુસ્તકનું એક નવું પાનું શરૂ  થાય ને મન ફફડી ઊઠે, ‘ હે પ્રભુ, અહીં કોઈની જીવનલીલા સંકેલાઈ ન હોય એવું આ પાનું  હોય..’

પણ ના.. એવું કશું બને એ પહેલાં બાઈની સામે કોઈ નવી આપત્તિ સામે ઊભી જ હોય.

અને એ નવી આપત્તિ એટલે ‘બાઈ’ના એમનાથી ૨૫ વર્ષ મોટા, આઠ સંતાનોના પિતા સાથે લગ્ન. લગ્ન પછી પતિ, પતિના પૂર્વસંસારના આઠ સંતાનો, સંતાનોના પરિવારે આપેલો ત્રાસ.

છતાં પણ ‘બાઈ’ એ સૌની અપરમા હોવાનો ભાવ મનમાં ક્યારેય ન કેળવ્યો. અન્યનાં સંતાનોના દુઃખ પણ એમના પાલવમાં સમેટવાનો જ સતત પ્રયાસ કર્યો. ‘બાઈ’નાં પોતાનાં સંતાનોનેય કેટલીય વિપદા ભોગવવી પડી, પણ લોખંડી મનોબળવાળા બાઈએ એનો પણ ઈશ્વર સામે કોઈ ફરિયાદ કર્યા વગર સામનો કર્યો.

જીવનમાં વેઠવી પડેલી આપદા, બાળકોની માંદગીને લીધે ભલભલી વ્યક્તિ મનથી ભાંગી પડે. પતિ, પતિના પૂર્વ પરિવારના સંતાનોની સતત અવહેલનાને લઈને સીતાની જેમ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય એવી પરિસ્થિતિમાં પણ ‘બાઈ’એ મક્કમ મનથી ટકી રહેવા, પોતાની જાતને અડીખમ રાખવા કેવા કેવા પ્રયાસો કર્યા હશે ? એમની એ કથા વાચકને પણ વ્યથિત કરશે.

પતિ તરફથી પ્રેમ ન મળ્યો. છતાં બાઈએ એમની આત્મકથામાં પતિની ખામીઓ વિશે જરૂરી વાત કરીને તટસ્થતાપૂર્વક પતિની ખૂબીઓનોય ઉલ્લેખ કર્યો છે. પતિની છત્રછાયા નીચે દરેક સારા-નરસા પ્રસંગને મધુર પ્રસાદ તરીકે સ્વીકારી લેવાની ભક્તિ કે શક્તિ બાઈમાં ક્યાંથી આવી હશે !

આ પુસ્તકને આત્મવ્યથાની દૃષ્ટિએ મૂલવવા જેવી છે. વાંચવા માત્રથી જો મનને ધક્કો પહોંચે તો એ  સમય અને સંજોગો સહન કરવાનું ‘બાઈ’ માટે કેટલું કપરું રહ્યું હશે !

કાળા ડીબાંગ જેવાં વાદળોથી ઘેરાયેલ આકાશમાં માંડ એક રૂપેરી કોર જોવા મળે, એ કોરનો એક છેડો માંડ હાથમાં આવે, વાચકને પણ ‘બાઈ’ની જેમ આશા બંધાય કે હવે એ પેલાં કાળા વાદળો ખસશે અને  રૂપેરી અજવાસ રેલાશે ત્યાં તો ફરી વધુ ઘેરા વાદળોથી આશાની રહી સહી  એ કોર પણ ઢંકાઈ જાય એમ માંડ કંઈક શુભ બનવાની આશા બંધાય તે પહેલાં સતત કોઈને કોઈ અણધારી, અણગમતી પરિસ્થિતિ બાઈના જીવનમાં સર્જાઈ છે છતાં ‘બાઈ’ જીવની સઘળી આકરી કસોટી પાર કરીને ‘સો ટચનું સોનું’ કહી શકાય એવી રીતે જીવ્યાં.

શ્રેષ્ઠ સંસ્કાર આપીને સંતાનોને ઉછેર્યાં. દીકરીઓને સામાજિક સંસ્થામાં જોડાઈને પ્રવૃત્તિ અને પ્રગતિ કરવા સંમતિ આપી. ત્રણ દીકરીઓ પર એક જ દીકરો હોવા છતાં દીકરાને દેશની સેવા માટે સમર્પિત થવા સંમતિ આપી. જે વાતાવરણમાં બાઈ જન્મ્યાં, ઉછર્યાં એમાં મનની આટલી મોકળાશ એમને મુઠ્ઠી ઉંચેરા સાબિત કરે છે.

‘બાઈ’ પુસ્તક માટે કશું કહેવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે આ પુસ્તક અંધકારમાં ઘેરાયેલ,  આપમેળે બહાર આવવા મથતી કોઈ પણ વ્યક્તિ માટે દીવાદાંડી છે.

રાજુલ કૌશિક


હવે પછી ૨૪ – ૧૧ -૨૦૨૪ના રોજ પુસ્તકની પૂર્વભૂમિકા વાંચીશું