સંવાદિતા

લેખક તરીકે નિર્મલ વર્મા શરુઆતમાં અઘરા પડે પણ ખંતથી એમને વાંચવાનું ચાલુ રાખીએ તો સમજાતા જાય.

ભગવાન થાવરાણી

લેખક – ચિંતક રિચાર્ડ બાક કહે છે

“ એક ઝીણેરો અવાજ મને કહે છે કે આ ગલીના નાકેથી જમણે કેમ નથી વળી જતો, ડાબાને બદલે, જ્યાંથી તું હંમેશા વળે છે ?  એ સાંભળી, આશ્ચર્યચકિત છતાં સસ્મિત હું જમણે વળું છું અને મને દેખાય છે સંયોગની નદી, જે મને ઉઠાવીને લઈ જાય છે એ જગ્યાએ જ્યાં મારે હોવું જોઈતું હતું ! “

મીરદાદ કહે છે

“ વધુ પડતું શાને બોલો છો ? બોલાયેલા હજારો શબ્દોમાંથી એકાદ બે જ છે જે ખરેખર બોલાવાને લાયક હતાં. બાકીના મનને ધુંધળું કરે છે, કાનને પ્રદુષિત કરે છે,વાચાને અવરુદ્ધ કરે છે અને હૃદયને અંધ !

ઉપરોક્ત બન્ને ઉક્તિઓની સાર્થકતા સમજવી હોય એણે હિંદી લેખક નિર્મલ વર્માને વાંચવા જોઈએ. એમનું ગદ્ય એક નવી દિશા ચીંધે છે અને નિરર્થક શબ્દાળુતાથી છુટકારો અપાવે છે. એમની ભાષાનું સેવન ખરા સાહિત્યમાં રસ ધરાવતા દરેક પ્રબુદ્ધ ભાવકે કરવું ઘટે.

પાંચ નવલકથાઓ – લાલ ટીન કી છત, એક ચિથડા સુખ, વે દિન, રાત કા રિપોર્ટર અને અંતિમ અરણ્ય – આઠ વાર્તા સંગ્રહો, ત્રણ પ્રવાસ સંસ્મરણ, દસ નિબંધ સંગ્રહ, એક નાટક અને અનેક અનુવાદ આપનાર નિર્મલ વર્મા ૨૦૦૫ માં ૭૬ વર્ષની વયે અવસાન પામ્યા એ પહેલાં સાહિત્ય અકાદમીની આજીવન ફેલોશીપ, પદ્મભૂષણ અને જ્ઞાનપીઠ પુરસ્કાર અર્જિત કરી ચૂક્યા હતા. ભારત સરકાર દ્વારા એમનું નામ નોબેલ પારિતોષિક માટે પણ નામાંકિત કરવામાં આવેલું. એમના મરણોપરાંત એમના પત્ની ગગન ગિલ દ્વારા – જે પોતે હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત લેખિકા અને કવયિત્રી છે – એમનું પત્ર સાહિત્ય, ઈંટરવ્યુ અને અધૂરી રહી ગયેલી નવલકથાઓના અંશ પુસ્તકરૂપે સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

એમની થોડીક વધુ ઓળખ. હિંદી સાહિત્યમાં ‘ નઈ કહાની ‘ ચળવળના એ પ્રણેતાઓમાંના એક છે. (બીજા લેખકોમાં રાજેંદ્ર યાદવ, કમલેશ્વર અને મોહન રાકેશ ગણાવી શકાય. ) ૧૯૬૦ ના દશકમાં એમની વાર્તાઓ ‘ પરિંદે ‘ અને ‘ જલતી ઝાડી ‘ થી હિંદી સાહિત્યમાં એક નોખો જ ચીલો પડેલો. એમને પહેલી વાર વાંચીએ ત્યારે એમની શૈલી આપણને વિસ્મયમાં મૂકી દે. એમનું દરેક પાત્ર નિતાંત એકલું હોય અને પોતાની મૂળ જગાએથી ઉખાડીને કોઈક ખોટી જગાએ રોપી દેવાયેલું. લગભગ એ બધાં અવસાદના ધુમ્મસથી ભીતરે ઠાંસોઠાંસ ભરેલાં હોય ! આ પાત્રોનાં માધ્યમથી નિર્મલ આપણને મનના અગોચર, અંધારિયા, અવાવરુ ખૂણાઓમાં આંગળી ઝાલીને લઈ જાય અને પછી આપણા ભરોસે છોડી દે !

આપણા મૂર્ધન્ય સાહિત્યકાર વિનેશ અંતાણી નિર્મલના પરમ પ્રશંસક છે. એમના ગદ્ય ઉપર નિર્મલની લેખનશૈલીની ઊંડી છાપ છે. એમની કેટલીક વાર્તાઓ ‘ માયા દર્પણ ‘ નામના પુસ્તક દ્વારા એમણે ગુજરાતીમાં અનુદિત કરી છે અને એમની નવલ ‘ એક ચિથડા સુખ ‘ પણ. એ નિર્મલ વર્મા વિષે કહે છે

‘ જ્યારે મેં એમને પહેલી વાર વાંચ્યા ત્યારે મને કલ્પના નહોતી કે એ મારી સાથે શું કરશે. કોઈ પુસ્તક ખોલતાં પહેલાં આપણા મનમાં એ કૃતિ કે એના સર્જક વિષે કોઈ દહેશત ન જ હોય. જે થાય એ અંદર પ્રવેશ્યા બાદ જ થાય. નિર્મલ જેમ જેમ મારી સામે ખૂલતા ગયા, મને અહેસાસ થતો ગયો કે આ સર્જક નિર્દયતાથી મને યાતનાનાં પ્રદેશમાં ઢસડી રહ્યા છે. એ મારામાં ગાઢ ધુમ્મસ ભરી રહ્યા છે. મારી ભીતર ચીડ અને દેવદારનાં પાન ખરી રહ્યાં છે અને એ પાંદડાં ઉપર કોઈ ચાલી રહ્યું છે. એ મારી ભીતર પહાડોનું એકાંત ઉઘાડી રહ્યા હતા, મારી અંદરના ખંડિયેરોમાં અણીદાર શબ્દો દ્વારા ઉઝરડા પાડી રહ્યા હતા !  એમની કોઈ પણ રચના વાંચ્યા બાદ એવું લાગે જાણે એમણે મને એકલો છોડી દીધો છે જ્યાં કેવળ હું હોઉં, એક વિચિત્ર રુંધામણ હોય અને વિક્ષિપ્ત કરતી બેચૈની ! એમને વાંચતી વખતે મને હંમેશા લાગ્યું છે કે મારી અંદર એક વ્યક્તિ અને સર્જક તરીકે જે કંઈ અવ્યક્ત રહી જાય છે એ બધું એ વ્યક્ત કરી શકે છે. ‘

નિર્મલ વર્માની કક્ષાનાં લેખકો આપણને તર્ક અને ચેતનાનાં અંતિમ છેડા સુધી લઈ જાય છે જ્યાંથી આગળ એક સાવ નવી દુનિયા શરુ થાય છે. એમનું લેખન એક પાસપોર્ટ છે એ સીમા ઓળંગવાનો અને એક વાર એ પ્રદેશમાં પ્રવેશી પાછા વળીને જોઈએ ત્યારે ખબર પડે પાછળ રહી ગયેલી દુનિયા નરી મૂર્ખામીભરી હતી !

એમની નવલકથા ‘ એક ચિથડા સુખ ‘ માંથી એમના ગદ્યનો એક નમૂનો આસ્વાદીએ.

‘ એને લાગતું કે સમય કોઈ ઊંચો પર્વત છે અને બધાં પોતપોતાના પોટલાં ઉપાડી ઉપર ચડી રહ્યાં છે – હાંફી રહ્યા છે, એ જાણ્યા વગર કે ટોચ ઉપર પહોંચતાં જ બધાં હવામાં અદ્રશ્ય થઈ જશે અને એમના ધૂલિધૂસરિત પોટલાં, જેમાં પ્રેમ, ઘૃણા, નિરાશાઓ, દુખ અને કોણ જાણે શું – શું ભર્યું છે એ બધા નીચેની તરફ ગબડી પડશે જેને અન્ય લોકો પકડી લેશે અને ફરીથી પીઠ પર લાદી ચઢાણ શરુ કરશે ! ‘

વિખ્યાત વિવેચક નામવર સિંહ એમની વાર્તાઓ વિષે લખે છે

‘ વાર્તા એના પ્રભાવ – પરિઘની દ્રષ્ટિએ સંગીતની સરહદોને સ્પર્શી શકે કે કેમ એ હું જાણતો નથી પણ એટલી ખબર છે કે નિર્મલની વાર્તાઓ સંગીત જેવો પ્રભાવ ઊભો કરવામાં સક્ષમ છે. ‘

નિર્મલ પોતે એક અઠંગ વાચક હતા. માર્સેલ પ્રુસ્ત, મિલાન કુંડેરા, કેથેરીન મેન્સફિલ્ડ, વર્જીનિયા વુલ્ફ, રિલ્કે, ચેખવ અને દોસ્તોએવસ્કી સમ લેખકો એમને પ્રિય હતા. રિલ્કેના પત્રો વિષે એ લખે છે ‘ હું એમના પત્રો વાંચું છું. એ મારું પીઠબળ અને સહારો છે. હું એ પાઠની જેમ દરરોજ વાંચું છું, જાણે કોઈ દર્દી સમયાનુસાર પોતાની દવાનો ડોઝ લેતો હોય ! પીડામાંથી છુટકારા માટે નહીં, એને સાફસુથરી રાખવા માટે ! જેમ આપણે જંગલમાં આવેલી કોઈ ઝૂંપડી વાળી-ઝૂડીને સાફ કરીએ, ત્યાં થોડાક દિવસ રહેવા, સહેવા, ત્યાંની દુનિયા જોવા માટે. ‘

માનવ સ્વભાવ વિષે એ કહે છે

‘ કેટલાક લોકો પારકાંઓને જે સહેલાઈથી પોતાની ગુપ્ત વાતો કહી શકે છે એટલું પોતીકાંને નહીં. આપણા પોતાના લોકોનું જજમેંટ હૃદયમાં શૂળ – શું વાગે છે. જે તમને ચાહે છે એ તમને ક્યારેય માફ નથી કરી શકતા. ‘

આપણા જીવન વિષે એ કહે છે

‘આ જ દુનિયામાં કેટલીય દુનિયાઓ ખાલી પડી રહે છે અને લોકો ખોટી જગ્યાએ રહીને જિંદગી વેડફી નાખે છે. ‘

‘ માયા દર્પણ ‘ સહિત એમની કેટલીક કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે.

એમના પત્ની ગગન ગિલે એમના મૃત્યુ બાદ એ બન્નેએ સાથે કરવા ધારેલી કૈલાસ – માનસરોવરની યાત્રા એકલાં કરેલી. એ યાત્રાના સંસ્મરણરૂપે એમણે લખેલા પુસ્તક ‘ અવાક્ ‘ માં ડગલે ને પગલે નિર્મલ વર્મા સુક્ષ્મ રૂપે દ્રષ્ટિગોચર થાય છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.