હરેશ ધોળકિયા

ભારતીય સંસ્કૃતિ ભારે ચતુર છે. અનેક પ્રોત્સાહનો પછી કશુંક એવું કહી દે કે ઉત્સાહ વચ્ચે માણસ ગંભીર થઈ જાય.

ભારતના બધા જ ઉત્સવોમાં સૌથી મહત્વનો અને પ્રથમ ઉત્સવ છે ” નવું વર્ષ.” વર્ષનો છેલ્લો ઉત્સવ “દીવાળી” ઉજવાઈ જાય કે બીજા જ દિવસે આ નવું વર્ષ શરુ થાય. આ ઉત્સવનો અર્થ છે કે આવનારું વર્ષ જેવું જાય તેવું, પણ તેની શરુઆત તો ઉત્સવથી જ થવી જોઈએ. અને આ દિવસે બધા પરિચિતોએ ફરજિયાત એકબીજાને મળવાનું અને સમગ્ર વર્ષની શુભેચ્છાઓ આપી-લઈ લેવાની. શુભેચ્છા સાથે નવું વર્ષ શરુ થાય તો વર્ષ દરમ્યાન કદાચે કંઈ તકલીફો આવે તો આ શુભેચ્છાઓને સહારે વ્યકિત વર્ષ પસાર કરી જાય. પણ આ શુભેચ્છાઓ પણ ઉત્સાહથી અને મીઠું મો કરીને લેવા-આપવાની હોય છે.

પણ આ ઉત્સાહ વચ્ચે સંસ્કૃતિ એક છૂપી આજ્ઞા કરે છે કે નવા વર્ષે કોઈ સંકલ્પ લઈ વર્ષ શરુ કરવું. આ સંકલ્પ એક જાતનું ” ટાઈમ મેનેજમેન્ટ” કહી શકાય. આખું વર્ષ ગમે તે પ્રવૃતિઓ કરી શકાય, પણ એ બધા વચ્ચે ”સ્વ-વિકાસ ” માટે કોઈ એક ચોકકસ પ્રવૃતિ તો કરતા જ રહેવાનું છે. ” ચા નહીં પીઉં” કે ” પ્રવાસ કરવા જઈશ” જેવા સંકલ્પો ઠીક છે, લઈ શકાય, પણ તે સ્વ-વિકાસના સંકલ્પ નથી. ચા ન પીવાથી કદાચ પેટ સ્વસ્થ રહે, પણ તેનાથી કોઈ વિકાસ ન થઈ શકે. કોઈ પ્રવાસ કરવાથી જ્ઞાન વધે, પણ મોટા ભાગે તે સ્વવિકાસમાં ખાસ મદદ નથી કરતું.

સંકલ્પ તો એવો કરાય જે વ્યકિતને આગળ વધવામાં મદદ કરે.

એવો શ્રેષ્ઠ કોઈ સંકલ્પ હોઈ શકે ?

ભારતીય સંસ્કૃતિ પાસે બધાના ઉતમ જવાબો છે. આનો પણ જવાબ છે. અને તે શાસ્ત્રીય છે. કઠોપનિષદમાં એક શ્લોક છે જે શ્રેષ્ઠ સંકલ્પ બની શકે તેમ છે. આપણને આ શ્લોકની જાણ છે, પણ તે ઉપનિષદનો છે એની કદાચ ખબર નથી. આપણે તો તેને સ્વામી વિવેકાનંદનું વાકય માનીએ છીએ. પણ વિવેકાનંદે પણ તેને કઠ ઉપનિષદમાંથી જ લીધું હતું.

આ વાકય છેઃ

” ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત.”

એટલે કે ” ઉઠો, જાગો અને ધ્યેય માટે મંડ્યા રહો.”

આ વિધાન શ્રેષ્ઠ સંકલ્પ કહી શકાય.

શું છે તેનો અર્થ ? દેખાય સાદું વાકય છે, પણ તે ઊંડાણભર્યું છે. શબ્દે શબ્દ સમજવા જેવો છે. પ્રથમ કહે છે કે ‘ઉઠો.” જગતના નવ્વાણુ ટકા લોકો, મોટા ભાગે, ભલે જાગતા દેખાય, પણ સમગ્ર જીવન ઊંઘતા જ રહે છે. ઊંઘતા રહેવું એટલે અભાનપણે જીવવું. મનની વૃતિઓને વશ થઈ જીવવું. મન કહે તે કર્યા કરવું. તે યોગ્ય છે કે નહીં તે વિચાર ન કરવો. બસ, વૃતિ ઉઠી કે તેનો અમલ કરવાનો જ. ભલે પછી નુકસાન થાય. આના સામે શ્લોક કહે છે કે “ઉઠો. ઊંઘ ઉડાડો. ”

પણ માત્ર ઊંઘ ઊડે કે આંખ ઉઘડે તે પૂરતું નથી. સંભવ છે કે આંખ ઉઘડયા પછી પણ ઊંઘ તો ચાલુ જ રહે. મન ધૂંધળું જ રહે. તો ? એટલે બીજો શબ્દ વાપરે છે કે ” જાગો.” માત્ર ઉઠવાનું જ નથી કે આંખ જ ઉઘાડવાની નથી. સમાંતરે જાગૃત પણ થવાનું છે. સભાન થવાનું છે. એટલે કે મન કહે તે બધું જ કરવાનું નથી. મનની વૃતિઓ સામે પણ જાગૃત થવાનું છે. મનને વશ ન
થતાં તેને વશ કરવાનું છે. ગુલામમાંથી શેઠ થવાનું છે. તેને જ જાગૃતિ કહેવાય.

માની લો કે ઉઠયા અને જાગી પણ ગયા. તો કામ પૂરું?

ના, જાગીને શું કરવાનું છે તે પણ વિચારવાનું છે. જાગીને પોતાના વિકાસમાં મદદરુપ થાય એવું કશુંક ઉપયોગી-જરુરી- કરવાનું છે. એ કામ એવું હોય જે સમગ્ર વર્ષ કરવાનું હોય અને જેના કારણે વ્યકિત સતત વિકાસ કરે. આવાં ચોકકસ કામને ” ધ્યેય” કહે છે. ઘ્ેય એટલે કોઈ ચોકકસ કામ કરવું. સતત કરવું જેનાથી વિકાસ ઝડપી બને. પણ મનુષ્ય અનેક બાબતો નકકી તો કરે છે. સંકલ્પો પણ લે છે. વારંવાર લે છે, પણ લીધા પછી ઝડપથી ભૂલી જાય છે અને પુનઃ રૂટિનમાં-સામાન્યતામાં- પડી જાય છે. સંકલ્પ તો ધૂમધામથી લે છે, આ ધ્યેય પાળવાની કઠોર પ્રતિજ્ઞા લે છે, પણ થોડા જ દિવસોમાં ફરી ભૂલી જાય છે અને ફરી અભાન બની જાય છે.

એવું ન થાય માટે આ વિધાનમાં વધારાના બે શબ્દો ઉમેરે કે ” મંડયા રહો.” માત્ર ધ્યેય લેવાનું જ નથી. તે પૂર્ણ થાય માટે મંડયા રહેવાનું છે. મંડયા રહેવું એટલે સતત કરતા રહેવું. કયારેય
છોડવું નહીં. જયાં સુધી ઘ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી તેને સતત કરતા રહેવું. તો જ ધ્યેય સિધ્ધ થશે.

એટલે નવા વર્ષે, કઠોપનિષદના મતે, સમગ્ર વર્ષ દરમ્યાન, ચાર કામ કરવાનાં છે. એક, ઉઠવાનું છે. બે, જાગવાનું છે. ત્રણ, ધ્યેય નકકી કરવાનું છે અને ચાર, તેને પૂરું કરવા મંડયા રહેવાનું છે. અને ફરી નવું વર્ષ આવે ત્યાં સુધી બને તેટલું ધ્યેય સિધ્ધ કરતા રહેવાનું છે.

પણ, ફરી વિચાર આવે કે, સ્વ-વિકાસ માટે ઉતમ ધ્યેય કયું?

આવાં અનેક ધ્યેયો છે. વર્તમાનમાં આપણે જે કરવા અશકિતમાન હોઈએ તે કરી શકીએ એવું ધ્યેય નકકી કરાય. વહેલા ન ઉઠી શકતા હોઈએ, તો વહેલા ઉઠવું. વાંચતા ન હોઈએ તો વાંચવું. નબળા હોઈએ તો સતત કસરત કરવી. આળસુ હોઈએ તો સક્રિય થઈએ. નિષ્ક્રિય હોઈએ તો સર્જનાત્મક થઈએ, વગેરે.

પણ આ બધાં ધ્યેય ઠીક છે, ચોકકસ લઈએ, પણ તે શ્રેષ્ઠતમ ધ્યેય નથી.

તો શ્રેષ્ઠતમ ધ્યેય કયું છે ?

જો સંકલ્પ વિવેકાનંદે આપ્યો છે, તો શ્રેષ્ઠતમ ધ્યેય પણ તેમના પાસેથી જ મેળવીએ.

શું કહે છે તે ? કયું શ્રેષ્ઠતમ ધ્યેય હોઈ શકે ?

વિવેકાનંદ કહે છે કે શ્રેષ્ઠતમ ધ્યેય છે ” મુકત થવું.”

લ્યો! આપણે તો મુકત જ છીએ. આપણે કોઈના ગુલામ નથી. નથી કોઈના નોકર. નથી કોઈએ આપણને બાંધી રાખ્યા. પરમ સ્વતંત્ર છીએ આપણે.

પણ વિવેકાનંદ કંઈ બોલવા ખાતર ન બોલે. એટલે આપણે તેમને સમજીએ.

વિવેકાનંદ કહે છે કે માણસ એટલે સુષુપ્ત ઈશ્વર. માણસ પાયામાં ઈશ્વર જ છે. તેણે કયાંય ઈશ્વર શોધવાનો નથી. તે પોતે જ ઈશ્વર છે. પણ ” સુષુપ્ત” ઈશ્વર છે. એટલે કે તેનામાં રહેલો ઈશ્વર છૂપાયેલો છે. માણસને ખબર નથી કે પોતે ઈશ્વર છે. તે તો પોતાને મર્યાદિત, સંકુચિત, શરીર-મનવાળો જ માને છે. એક દિવસ મરી જશે એમ માને છે. અને આવી મર્યાદિત, મરણશીલ વ્યકિત વળી ઈશ્વર કેમ હોઈ શકે ? એટલે, તે માને છે કે, પોતે ઈશ્વર નથી. સામાન્ય માણસ જ છે. અને તે સામાન્ય માણસ જેમ જ જીવે છે, નાનક કહે છે તેમ ” બચપન ખેલ મેં ખોયા, જવાની નિંદભર સોયા અને બુઢાપા પેટભર રોયા.”

પણ, વિવેકાનંદ કહે છે કે, હકીકતે એવું નથી. ” ખોયા-સોયા કે રોયા”ની જરુર નથી. ધારે તો હસતે હસતે જીવી શકાય છે. અને હકીકતે મનુષ્યને હસવા માટે જ જીવન મળ્યું છે.

પણ તો તે સતત રડે કેમ છે ?

કારણ કે તે સમગ્ર જીવન ખોટા ખ્યાલોમાં જીવે છે. કેવા ? તો કે, પોતે શરીર છે, મન છે, પુરુષ છે, સ્ત્રી છે, ભારતીય કે યુરોપીયન છે, સવર્ણ કે અવર્ણ છે, ફલાણી જ્ઞાતિનો કે ધર્મનો છે, ધોળો કે કાળો કે ઘઉંવર્ણો છે, હોશીયાર કે ઠોઠ છે, લાંબો કે ટૂંકો છે. વિદ્ધાન કે મૂર્ખ છે…વગેરે વગેરે. આવા હજારો ખ્યાલો મનમાં લઈ સમગ્ર જીવન તેને આધારે જીવ્યા કરે છે. પણ આ કેવળ ખ્યાલો છે, ભ્રમણાઓ છે, સત્ય નથી. સત્ય તો માત્ર એટલુંજ છે કે તે ઈશ્વર જ છે અથવા તો ઈશ્વરનો અંશ છે-શુધ્ધ, બુધ્ધ, અનંત, સર્વશકિતમાન. એટલે કે તે ઈચ્છે તેવું જીવી શકે એવી શકિત ધરાવનાર વ્યકિતત્વ.

પણ આ બધા ભ્રમણાત્મક ખ્યાલો તે જયાં સુધી તે ન છોડે ત્યાં સુધી તેનું મન ધૂંધળું રહે છે અને ધૂંધળું મન કયારે પોતામાં રહેલ એશ્વર્ય-ઈશ્વરત્વ-ને ઓળખી ન શકે. જયારે મન બધા જ ખ્યાલોમાંથી મુકત થઈ શુધ્ધ અને પારદર્શક બને, ત્યારે જ તે સ્વતંત્રતાનો અનુભવ કરી શકે, મુકિતનો અનુભવ કરી શકે. એટલે જયારે વિવેકાનંદ “મુકત થાવ” કહે છે ત્યારે તેના બે અર્થ છે કે

એક તો ભ્રમણાત્મક ખ્યાલોથી મુકત થાવ અને બે, પોતે ઈશ્વર છે એવું સ્વીકારો. પોતાના દિવ્યત્વ પર શ્રધ્ધા રાખો. તેની અનુભૂતિ કરો. જેવી ભ્રમણાઓ દૂર થતી જશે, તેમ તેમ પરમ સ્વતંત્રતાનો અનુભવ વધતો જશે. અને જો પૂર્ણ દૂર થઈ ગઈ તો અહાહા! પૂર્ણ સ્વતંત્રતાનો અનુભવ થશે.

આ માટે શું કરવાનું છે ? તેની પઘ્ધતિ કઈ?

એક છે દરેક બાબતનું વિશ્લેષણ કરવું. ” આ બાબત મારા દિવ્યત્વને ઉપયોગી છે ‘ એમ પૂછતા રહેવું. જે પણ સંકુચિત લાગે તેનો ત્યાગ કરતા જવું. માત્ર વિશાળતાને જ સ્વીકારવી. તો નવ્વાણુ ટકા ખ્યાલો અદશ્ય થઈ જશે અને મન શુધ્ધ થઈ જશે. અને આ શુધ્ધ મનમાં જ દિવ્યત્વ ઝળહળવા લાગશે.

પણ, ફરી, વિવેકાનંદ તો એક “ઈન્સ્ટંટ” ઉપાય બતાવે છે. અલબત, એ બહુ અઘરો છે, પણ કરી શકાય તો શ્રેષ્ઠ છે.

વિવેકાનંદ કહે છે, ” હું મુકત છું એમ જાહેર કરવાની તમે હિંમત કરી શકો તો આ પળે જ તમે મુકત છો.” દવા કે લેપ નહીં, સીધું ઈન્જેકશન ! આમાં ટુકડે ટુકડે વિચારવાનું નથી. અહીં તો ચોવીસે કલાક એક જ વિચાર કરવાનો છે કે ” હું ઈશ્વર જ છું. માટે મુકત જ છું. મને કોઈ જ મર્યાદા અસર ન કરી શકે. હું અનંત છું. વિરાટ છું. માટે મુકત છું. મારે મુકત થવાનું નથી, માત્ર
‘જાણવાનું’ છે કે હું મુકત છું. કેવળ જ્ઞાન જ મુકિત આપી દેશે.” આ વિચારને પળેપળ-સમગ્ર દિવસ અને રાત, જાગૃતિપૂર્વક ભમળાવતા રહેવાનો છે. એ સ્તરે મમળાવવાનો છે કે તે લોહીમાં ભળી જાય. લોહી આ વિચારમય થઈ જાય. સમગ્ર વ્યકિતત્વ આ વિચારમય થઈ જાય. તો વ્યકિતમાં ઈશ્વરત્વ પ્રગટ થતું જશે. શરત છે આ વિચારને સિધ્ધ કરવા ” મંડયા રહેવું.” એક જ ધ્યેય- પોતામાં રહેલ એશ્વર્યને પ્રગટ કરવું. પધ્ધતિ ચોવીસે કલાક પોતાના ઈશ્વરત્વનું રટણ. પરિણામ ભ્રમણાત્મક ખ્યાલોરૂપી સાંકળોનું ખરી પડવું. “મુકિત”ની અનુભૂતિ વધતી જવી. પરમ સ્વાતંત્ર્યનો આનંદ માણવો.

તો, આ છે પરમ ધ્યેય. એક માત્ર ધ્યેય. બહાર જે પણ કરાય તે કરવું, પણ અંદર તો આ એક જ એશ્ચર્યનું રટણ કરવું.

આહા! તો પછીના નવા વર્ષે “સાચો અને પરમ” આનંદ મળશે. ખાતરી. આજીવન વોરંટી !

નવા વર્ષની આ જ શુભેચ્છા.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com