તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
૧૯૭૫માં એકવાર અનાયાસ જ પ્રકાશવીર શાસ્ત્રીને મળવાનું થઈ ગયું. પ્રહલાદભાઈ પટેલ- આપણા પ્રહલાદનગરવાળા. એમને ત્યાં. જનતા મોરચાની પ્રચાર જવાબદારી ભોગીલાલ ગાંધી અને મારી હતી, ભાઈદાસભાઈ પરીખ તો તત્રલુપ્તા સરસ્વતીની જેમ સાથે જ હોય. પ્રચાર સાહિત્યમાં ચિત્રકારની પીંછી પાયાની જરૂરત. રજની વ્યાસ સહાયમાં સાક્ષાત. પ્રહલાદભાઈને પ્રેસલાઇનનો પરિચય એટલે એમનુંયે અનૌપચારિક સંધાન.
સરદાર જયંતી નિમિત્તે લગરીક તવારીખવાળી કરવા સારું કલમ ઉપાડી ત્યાં પ્રકાશવીર ચિત્તમાં દોડી આવ્યા, કેમકે આર્યસમાજી પૃષ્ઠભૂવાળા આ જનસંઘ સાંસદે ત્યારે દિલ્હીમાં વરસોવરસ સરદાર જયંતી મોટે પાયે ઊજવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને એ અવસરે નિમંત્રણ આપતા અને સરદારના સંકીર્તનનો સમો એમ બંધાતો આવતો. નેહરુના કાળમાં ઉત્તરોત્તર સરદાર સ્મૃતિ કંઈક બાજુએ રહી ગઈ એવી લાગણીવશ એમનો આ ઉપક્રમ હતો. વાત પણ સાચી કે એક તબક્કો કોંગ્રેસને પક્ષે સરદારને ભૂલવાનો (‘ડિસ્ યુઝ’નો) આવી ગયો જેમ હમણેનાં વરસો ભાજપ આદિને પક્ષે એમને સંદર્ભ બહાર ઉછાળવાનો, કહો કે એમના ‘મિસ્ યુઝ’નો છે. પ્રકાશવીરે વાતવાતમાં કહ્યું કે એક વાર અમે રાજાજીને (ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને) નિમંત્ર્યા હતા. એ સરસ બોલ્યા કે વડાપ્રધાન સરદાર અને વિદેશમંત્રી જવાહર એ એક રૂડી રચના હોત.
પણ પછી એમણે એક એવી વિગત ઉમેરી કે સરદારના મહિમા મંડનની (પ્રકાશન્તરે એમને નેહરુથી ઊંચા ચિત્રિત કરવાની) અમારી ગણતરી ભોંઠી પડી. રાજાજીએ કહ્યું કે ભાગલા માટે ગાંધી કે નેહરુની એક પ્રકારની નિર્બળતા (અગર વેગળી ભૂમિકા)નો મુદ્દો ઉછાળાય છે, પણ વ્યાપક લોકમાનસ એ વિગતથી લગભગ અણજાણ જેવું છે કે વચગાળામાં લીગ સાથે સરકાર ચલાવ્યા પછી સરદાર એ તારણ પર પહોંચ્યા હતા કે ભાગલા અનિવાર્ય છે. કોંગ્રેસને પક્ષે આ દિશામાં નિર્ણાયક પહેલ સરદારની હતી. સરદાર અને જવાહરને સામસામે મૂકવાની અને એ રીતે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળામાં સર્જેલી એકંદરમતી તેમ ભરપડકારે સ્વરાજ સુવાણની સ્થિતિ માટેની ભૂમિકાના કંઈક અવમૂલ્યનની કોશિશ એ એક ધીખતો ધંધો રહેલ છે.
ગમે તેમ પણ, સરદારના ખાસ તરેહના ચાહકો અને એવા જ ખાસ તરેહના ટીકાકારો, બેઉ છાવણીઓમાં નિરામયતા પ્રસરાવવા સારું એક દાખલો બસ થઈ પડશે. વલ્લભભાઈ ૧૯૫૦ના ડિસેમ્બરની ૧૫મીએ ગયા. તે પછીનાં અઠવાડિયાંમાં પુનામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે સરદારના નિધન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી મૂકવામાં આવ્યો હતો! (‘સંસ્કૃતિ’માં ઉમાશંકરે ટિપ્પણી કરી હતી- સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?’)
સરદારે મુંબઈમાં દેહ મૂક્યાના સમાચાર આવ્યા ત્યારે લોકસભામાં એ સમાચાર આપતા જવાહરલાલે શું કહ્યું હતું, સાંભળો : ‘એ એક વિરાટની વાર્તા છે. દેશ આખો એ જાણે છે અને ઇતિહાસ પાનાંનાં પાનાં ભરીને દર્જ કરશે કે એ નવભારતના નિર્માતા હતા-અને બીજું પણ કહેશે. પણ આ ગૃહમાંનાં આપણામાંના ઘણાને તો એમને સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના એક મહાન કપ્તાન તરીકે યાદ કરશે અને જેના પર અચૂક ભરોસો મૂકી શકાય એવી નક્કર સલાહ- પછી એ મુશ્કેલીઓનો કાળ હોય કે વિજયની ક્ષણો- આપનાર તરીકે સંભારશે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ, આપણાં હાલંડોલં હૈયાને હામ સંપડાવનાર તરીકે એ સંભારાશે.’ નેહરુ ગૃહમાં તો બોલી શક્યા પણ અંતિમ યાત્રામાં જોડાવા મુંબઈ પહોંચ્યા ત્યાં એવા ડૂસકે ચડ્યા હતા કે કંઈ બોલી જ શક્યા નહોતા.
સાધારણપણે આપણે વલ્લભભાઈને દેશી રિયાસતોના વિલીનીકરણ માટે યાદ કરતા હોઈએ છીએ અને એ ખરેખર જ એક અસાધારણ કામ હતું. પણ એ જ મહિનાઓમાં એમણે વહીવટીતંત્રને જડબેસલાક કાર્યક્ષમપણે ગોઠવ્યું હતું તો એ બ્રિટિશરાજની સરજત, પણ એને આશ્વસ્ત કરી એમણે સાથે લીધું અને સ્વતંત્રતાનું દૃઢીકરણ કર્યું. પણ સરદાર એ ઓળખ એમને મળી તો બારડોલીના કિસાનોની લડત સાથે. આ લડત તો ગઈ સદીનો ત્રીજો દાયકો ઊતરતે લડાઈ હતી. ત્રીજો દાયકો બેસતે ૧૯૨૨માં વઢવાણમાં મળેલી અંત્યજ પરિષદ, વસ્તુતઃ એમના નેતૃત્વને વ્યક્તિત્વના પૂરા ઉઘાડની રીતે એક કટ ઑફ લાઈન છે. પરિષદમાં ભાગ લેવા એ પહોંચ્યા ત્યારે એમણે જોયું કે દલિત ભાઈબહેનોને અલાયદા બેસાડ્યાં હતાં. તરત વલ્લભભાઈએ પોતાની બેઠક એમની વચ્ચે લીધી. દરબાર ગોપાળદાસ અને ભક્તિબા સાથે હતાં. તેમણે પણ એમ જ કર્યું…સંદેશો પહોંચી ગયો!
આ જ ત્રીજો દાયકો રવિશંકર મહારાજે ખેડા જિલ્લામાં પાટણવાડિયાઓને સારુ રોજિંદી જિંદગીમાં સાધેલ સુવાણનો પણ હતો. ‘માણસાઈના દીવા’માં મેઘાણીએ એનાં સરસ ચિત્રો ઝીલ્યાં છે. મહારાજ પાછળનું મૂંગું પીઠબળ અલબત્ત વલ્લભભાઈનું હતું. લોકશાહીમાં સરદાર થવું એ નકરી ક્ષાત્રવટ અગર મુત્સદ્દીપણાનો મામલો નથી. છેલ્લા છેલ્લા માણસ સાથે તમે જોડાઈ શકો છો? આ પ્રશ્નનો ઉત્તર આપીએ ત્યારે સમજાય કે ખેડૂતપુત્ર વલ્લ્ભભાઈને ઉમરાવપુત્ર બિસ્માર્ક સાથે સરખાવવું કેમ અણસમજભર્યું છે.
વિષય જોકે અખંડ દર્શનનો છે, પણ આ થોડુંકેક ભલે ખંડ દર્શન પણ અહીં એ આશા અપેક્ષાએ કે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટીની રીતે તેમ સરદારની પોતાની પ્રતિભાની રીતે આપણે એમને ઓળખીએ. મિસ્ યુઝ અને ડિસ્ યુઝની રાજનીતિ લાગી જવાનો પડકાર આ તો છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
