વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

હું સાચે અતિ સુંદર હતી. કુમુદની પાંખડી જેવી આંખો, એ આંખોમાં સેંકડો સપનાં,  કાલિદાસ હોત તો મારા વિશે કેવુંય વર્ણન કરત ! મને જોતાં જ સૌની આંખો અંજાઈ જતી. મારા સૌંદર્યની પ્રશસ્તિ સાંભળીને ગુસ્સે થયાનો ડોળ કરતી પણ અંતરથી હું પ્રસન્ન થતી.

કૉલેજનો અભ્યાસ પૂર્ણ થયો. આગળ ભણવાની ઈચ્છા ન થઈ. રમણી, જાનકી, ઈંદિરા અને હું. અમારાં ઘર નજીક નજીક હતાં. રમણી વીણા સરસ વગાડતી. જાનકીનો અવાજ ખૂબ સરસ હતો. ઈંદિરા તો વળી મસ્તમૌલા હતી. વાતો કરતાં કરતાં એ કંઈકનું કંઈક કર્યા કરતી. બસ, એક હું હતી કે જે સદાય સપનામાં રાચતી છતાં સૌ મને વધુ પડતું ઇમ્પોર્ટન્સ આપતાં. કૌશલ્ય કરતાં સૌંદર્ય ચઢિયાતું હશે એટલે?

બી.એ.પાસ કર્યું તો ઘરમાં બધાં ખુશ. ‘ભારે ભાગ્યશાળી છે.’ સૌએ કીધું.

એકાદ અઠવાડિયાં પછી મારાં લગ્નની વાતો શરૂ થઈ. છોકરો એન્જિનીયર હોવાની સાથે લેખક  હતો. એને હું પસંદ છું એવા સમાચારથી ઘરમાં આનંદ છવાયો.

‘ભારે ભાગ્યશાળી છે.’ ફરી એ જ વાત થઈ.

સખીઓ, સ્વજનોને છોડીને લગ્ન પછી તરત એમની સાથે હૈદરાબાદ આવી. કોઈ જવાબદારી વગરનો થોડો સમય આનંદથી આઝાદ પંખીની જેમ પસાર થયો.

એક દિવસ ખબર પડી કે, હું મા બનવાની છું. મારાં કરતાં એ અધિક પ્રસન્ન થયા. અચાનક જાણે જીવનમાં પરિવર્તન આવ્યું. હવે સમજાયું કે આજ સુધી જે જીવન જીવી એ અલગ હતું. અર્થસભર જીવનનો હવે આરંભ થઈ રહ્યો છે.

હજુ તો ગળામાં પહેરેલા મંગળસૂત્રનું મૂલ્ય સમજું એ પહેલાં ઉદરમાં અલગ અનુભૂતિ થવા માંડી. આનંદની સાથે થોડો ભય લાગતો. જોકે એ ડર આનંદદાયક હતો.

દીકરી જોઈતી હતી ને દીકરો આવ્યો. કેટલાય પુસ્તકોમાંથી શોધીને નામ રાખ્યું -સુમંત. જીવનમાં પહેલી વાર કોઈ કામ પૂર્ણ શ્રદ્ધાથી કર્યું હોય એવું લાગ્યું બાકી મારી પ્રકૃતિ તો ભારે આરામપ્રિય.

મા બનવાની સાથે મારી એ પ્રકૃતિ સાવ બદલાઈ ગઈ. સુમંત જાગે એ પહેલાં મારી સવાર શરૂ થતી. દૂધની બોટલો સ્ટરિલાઇઝ કરવાથી માંડીને હર એક મિનિટ સુમંત માટેની રહેતી. સુમંત મોટો થતો ગયો. સ્કૂલમાં દાખલ કર્યા પછી એના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપવાં માંડ્યું. એ મારો સુવર્ણયુગ હતો. એ પ્રત્યેક ક્ષણ મને યાદ છે. સુમંત સિવાય સંસારમાં બીજું કશું છે જ નહીં એટલી એની સાથે ઓતપ્રોત થઈ ગઈ હતી.

એ ખૂબ સવાલો કરતો. ન તો મારી પાસે અગાધ જ્ઞાન હતું કે ન તો હું બાળમાનસની અભ્યાસી હતી, પણ બાળકોનાં કુતૂહલનો સંતોષ થાય એવા જવાબો એમને મળવાં જોઈએ એવું અનેકવાર  વાંચ્યું હતું એટલે એનાં દરેક સવાલોના જવાબ શક્ય હોય એવી રીતે આપવા મથતી. પૂરાં પચીસ વર્ષ સુધી એ મારું સર્વસ્વ હતો.

આજ સુધી સંસારની તમામ જવાદારીઓ મારાં માથે મૂકીને એ તો સાવ નિશ્ચિંત થઈ ગયા. કેવળ અભ્યાસુ બનીને પોતાનાં જ્ઞાનમાં ઉમેરો કરતા રહ્યા. હું એમની, ઘરની, સુમંતની જરૂરિયાતોની અગત્યતા સમજી એ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહી. સુમંતનાં લગ્ન થયાં. એને પણ દીકરો છે. હેમંત એનું નામ. આજ સુધી સુમંત અને મારું પ્રગાઢ બંધન હતું, પણ હવે એમાં તિરાડો દેખાવા માંડી.  પત્ની આવી, દીકરો જન્મ્યો પછી સુમંતનો વ્યહવાર મારી સાથે બદલાવા માંડ્યો. એની ઉપેક્ષા મને કઠવા લાગી.

ઑફિસમાં એકથી એક ચઢિયાતા દોસ્ત, ઘરમાં મેઘાવી પિતા, વાતો કરવા પત્ની, હવે માનું શું મૂલ્ય? ધીમેધીમે સૌ પ્રત્યે મારી અકળામણ વધવા માંડી, એમાં ભગવાન પણ બાકાત નહોતા.

સાંભળ્યું હતું કે, જે પોતાનું ઉત્તરદાયિત્વ સંભાળે એની પર ભગવાન પ્રસન્ન રહે. મેં મારું ઉત્તરદાયિત્વ પૂર્ણ સમજ અને સ્નેહથી નિભાવ્યું હતું તો આમ ઢળતી ઉંમરે આ એકાંત, તિરસ્કાર કેમ?

જીવનભર પોતાનાં જ્ઞાનથી સરસ પુસ્તકોની રચના કરીને જગતમાં એ ‘મેઘાવી’ નામથી સન્માનને પાત્ર બન્યા. અપૂર્વ પ્રેમથી સુમંતને ભણાવ્યો અને વૈજ્ઞાનિક બનાવ્યો, પણ એમાં મારી શું ઓળખ રહી ? ઘરમાં સૌ મારાથી દૂર થવા માંડ્યાં. સૌ સાથે મળીને ટી.વી, જોતાં ને હું એકલી બેઠી દેવદેવીઓની ફિલ્મો જોઈને ભગવાનને સવાલો કરતી, “ શું આ જ મારી દિનચર્યા, મારાં ભાગે આવી એકલતા કેમ?”

ક્યારેક વિચાર આવતો કે, એક યુવતી, જે હંમેશાં સપનામાં રાચતી રહી, મા બન્યાં પછી, નિજી જીવનને, સ્વ-અસ્તિત્વ ભૂલીને જે તપસ્યા કરી એની ફળશ્રુતિરૂપે આ ડરામણું એકાંત કેમ?

આંખોમાંથી આંસું વહી રહ્યાં હતાં. નજર સામેની બાલગોપાલની મૂર્તિ પરના હોઠોનું સ્મિત પણ અસ્પષ્ટ, ધૂંધળું થવા માંડ્યું. અચાનક બહારથી હેમંતનાં રડવાનો અવાજ અને સુમંતની બૂમો સંભળાઈ. હેમંત દોડતો મારી પાસે આવ્યો. પાછળ મારા પતિ, સુમંત, પુત્રવધૂ….

“શું થયું?”

“બેવકૂફ જેવા સવાલ કરે છે. પૂછે છે કે, ચાંદ રાત્રે જ કેમ આવે છે?” સુમંત બોલ્યો.

મેઘાવી પતિ, વૈજ્ઞાનિક પુત્ર, સૌ એને જ્ઞાન આપવા મથતા હતા જે એની બાળકબુદ્ધિને સમજાતું નહોતું. પૃથ્વીનું પરિભ્રમણ, સૂર્યચંદ્રની ગતિ જેવી અઘરી વાતો એની સમજ બહાર હતી.

“દાદી, તમે જ કહોને કે, ચાંદ રાત્રે જ કેમ આવે છે?”

આ જ સવાલ સુમંત હેમંત જેવડો હતો ત્યારે એણે મને પૂછ્યો હતો. હેમંતને સ્નેહથી મારા ખોળામાં બેસાડીને સુમંતને સમજાય એવો જે જવાબ આપ્યો હતો એ હેમંતને આપ્યો.

“ચાંદ રાત્રે જ આવે છે કારણ કે, એને રાત બહુ ગમે છે.”

હેમંતની આંખો આનંદથી ચમકી ઊઠી.

“સાચે?” બરાબર સુમંતના ચહેરા પર ઝળક્યું હતું એવું જ હાસ્ય હેમંતના ચહેરા પર હાસ્ય ઝળકી ઊઠ્યું. સૌના ચહેરા પર સ્મિત દેખાયું. મને ખબર હતી કે એ સ્મિત પાછળ મારી મજાક હતી. મારો આવો બાલિશ, સમાધાનકારી જવાબ સાંભળીને સૌ હસીને ચાલ્યાં ગયાં.

મને વળગીને હેમંત બોલ્યો, “દાદીમા, આ કોઈને કશી ખબર નથી પડતી. હવે હું કોઈની સાથે ક્યારેય વાત નહીં કરું.”

અને મને સમજાઈ ગયું કે, ભગવાને મને કયા સ્વરૂપે શું ભેટ આપી છે.


શ્રીવલ્લી (તેલુગુ લેખિકા)ની વાર્તા ‘ઉપહાર’ને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.