પ્રવાસી યુ. ધોળકિયા
આપણા લોક લાડીલા કવિ અવિનાશ વ્યાસે આદ્યાશક્તિનાં વિરાટ અને મહાન સ્વરૂપને અંજલિ આપીને કરોડો ભારતીયોની માતાજી માટેની આદરભાવનાનો પડઘો ઝીલ્યો છે. આપણા આ મહાદેવીને બલૂચીસ્તાનમાં હિંગળાજ માતા, જમ્મુ હિમાલયમાં વૈષ્ણોદેવી, આસામમાં કામાખ્યા, બંગાળમાં મહાકાળી, ગુજરાતમાં અંબાજી અને ભદ્રકાળી તથા દક્ષિણમાં કન્યાકુમારી તરીકે અનન્ય ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે. આસો નવરાત્રીમાં ગુજરાતમાં ગરબાના અને બંગાળમાં દુર્ગાપૂજાના ભવ્ય ઉત્સવથી માતાજીની આરાધના કરવામાં આવે છે. એ દિવસોમાં સમસ્ત સૃષ્ટિ માતામય બની રહે છે. માન્યતા એવી છે કે આ ઉત્સવ પછી સત્વ, રજસ અને તમસના ત્રણેય ગુણોને સમેટીને આદ્યાશક્તિએ સમગ્ર સૃષ્ટિનું સર્જન પળવારમાં પૂર્ણ કરેલ છે.
દેવી પુરાણ જણાવે છે કે બ્રહ્માજીથી લઈને ઘાસનાં તણખલાં સુધી માતાજીનો જ વાસ છે. માતાજી પોતે વિષ્ણુને કહે છે કે જે કંઈ દૃશ્યમાન છે તે હું છું. પ્રલય કાળ વખતે વિશ્વ દેવીના ઉદરમાં સમાઈ જાય છે. આ સતત ચાલતી વિનાશ અને નવપલ્લવિતતાની ક્રિયા માતાજીની લીલા છે. ગુજરાતના અન્ય કવિએ ગાયું છે કે,
મા તારાં સર્જન અને વિનાશ, કે ફરતી ફુદડી રે લોલ
માડી તારાં મંદિર ઝાકઝમાળ, કે નવલખ દીવડા રે લોલ.
આદ્યાશક્તિ સર્વવ્યાપી, ક્ષેત્રસ્વરૂપ, વિશ્વનું ગર્ભ અને જગતનો આધાર છે. તે જગન્માતા, સર્વજ્ઞા અને પરબ્રહ્મ છે. સૌંદર્યલહરીમાં જણાવ્યા પ્રમાણે આ જગત માતાજીનું ચરણ છે.
લલિતા સહસ્ત્રનામ, દેવી મહાત્મ્ય અને દેવી ભાગવતમાં આદ્યાશક્તિને તેના અનેક ગુણોના સંદર્ભમાં નિરૂપમા, પરમેશ્વરી, અનેક કોટિ બ્રહ્માંડ જનની તરીકે સંબોધવામાં આવે છે, તેમના દશ નખમાંથી વિષ્ણુના દશ અવતારો પ્રગટ્યા છે. બ્રહ્માજીની સર્જન શક્તિ, વિષ્ણુની પાલન શક્તિ અને શિવની સંહાર શક્તિ, સૂર્યનો પ્રકાશ, અગ્નિની ઉગ્રતા, વાયુની ચલન શક્તિ આ મહાદેવીના પ્રતાપે જ છે. માતાજી પોતાની શક્તિ પછી ખેંચી લે તો ત્રિમૂર્તિ નિર્બળ બની જાય અને વિશ્વ ધ્વસ્ત થઈ જાય.
આટલું ઓછું હોય તેમ માતાજીએ સતીના સ્વરૂપે શિવનાં પત્ની થવાનું સ્વીકાર્યું. પોતાના પિતા દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં પતિનું માન ન સચવાતાં, પોતાનું આત્મબલિદાન કરીને અત્યાર સુધી યજ્ઞોમાં શિવ-રુદ્રને જે ભાગ ન મળતો હતો તે અપાવ્યો. તે પછી તેમના દેહના બાવન ટુકડા સમગ્ર ભારતભરમાં જે બાવન જગ્યાએ વેરાયા ત્યાં વિરાટ શક્તિપીઠો બન્યાં. તે દ્વારા ભારત દેશને ભારત માતાનું બિરુદ પ્રાપ્ત કરાવ્યું. શૈલપુત્રી રૂપે ઉમા – પાર્વતીએ ફરીથી શિવને પતિ તરીકે પામીને શિવને માનવજાત વડે પૂજવા યોગ્ય દેવ બનાવ્યા. આ દંપતિએ વિશ્વને કાર્તિકેય અને ગણપતિ જેવા હાજરાહજૂર ભગવાનોની ભેટ આપી. કામદેવને ભસ્મ કરાવી તેને દેહશૂન્ય બનાવી તેની તાકાત ઘટાડી નાખી. અર્ધનારીશ્વર સ્વરૂપે શિવમાંથી પ્રગટ થઈને બ્રહ્માજીનું મૈથુની ચક્ર ચાલુ રાખ્યું. લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુનાં અર્ધાંગિની બન્યાં. તેમની કૃપાથી વિશ્વને ઐશ્વર્ય, રાજશ્રી અને ધન – ધાન્યની વિપુલતા મળી. માતા લક્ષ્મી ભગવાન અને ભક્તને જોડતો સેતુ છે. પછી આ ક્રમ રામનાં પત્ની સીતા, અને કૃષ્ણનાં પટરાણી રૂક્ષ્મણી રૂપે ચાલુ રહ્યો. આ વિશ્વમાં જે વ્યવસ્થિત, સત્યરૂપ અને ઉદાત્ત છે તે મહાશક્તિની દયાને કારણે છે.
દુર્ગ નામના દાનવને પાર્વતીએ શિવની વિનંતિથી દુર્ગારૂપ ધારણ કરીને હણી નાખ્યો. વિષ્ણુના કાનના મેલમાંથી પેદા થયેલા મધુ – કૈટભ દાનવોને પણ માતાજીએ એવા મોહમાં નાખ્યા કે બન્નેએ વિષ્ણુના હાથે જ મોત પામવાનું પસંદ કર્યું. ચંડ, મુંડ અને રક્તબીજનો શક્તિએ ભયાનક સ્વરૂપ ધારણ કરીને નાશ કર્યો. મહિષાસુરનો વધ પણ આખરે દેવીએ કાળી સ્વરૂપે કરવો પડ્યો. પછી ભલે શાસ્ત્રો એવું સાબિત કરવા પ્રયત્ન કરે કે આ સમયે માતાનું મુખ શિવનું અને હાથ વિષ્ણુના હતાં. તે ઉપરાંત, હથિયાર તરીકે દેવીએ શિવનું ત્રિશૂળ, વિષ્ણુનું સુદર્શન ચક્ર અને વાયુનાં બાણોનો ઉપયોગ કર્યો હતો. રાવણ સાથેનાં યુદ્ધમાં રામ જ્યારે હતાશ બની ગયા હતા, ત્યારે દુર્ગાની સ્તુતિ કરીને યુદ્ધના નવમા દિવસે રાવણનો સંહાર કરી શક્યા હતા. પાંડવોનો તેર વર્ષનો વનવાસ અને અર્જુનની શસ્ત્ર નિપુણતા દુર્ગાની આરાધનાને લઈને જ શક્ય બન્યાં હતાં.
માનવજાત પર આટઆટલી દેવીકૃપા હોવાથી જ વેદોએ પણ માતાજીની ઉષા, રાત્રિ, દેવોની માતા અદિતિ, સમગ્ર જ્ઞાનની દેવી વાક્ – ઈલા – ભારતી સ્વરૂપે સ્તુતિ ગાઈ છે. વેદો સરસ્વતીને નદી રૂપે ઉપાસે છે. તે ઉપરાંત પુણ્યતા, પવિત્રતા, સૌંદર્ય, સંસ્કાર અને સંસ્કૃતિની દેવી તરીકે વેદો સરસ્વતીનો આદર કરે છે. તેથી જ માનવજાતે અથર્વવેદના એક શ્લોકમાં (૧૨.૧.૨૨) પૃથ્વીને ઉદ્દેશીને કહ્યું છે કે તમે અમારી માતા છો અને અમે તમારાં સંતાનો – माता भूमिः पुत्रो अहं पृथ्वियाः. વિશેષમાં આ પૃથ્વી મૃતકોને પણ પોતાના આઘોષમાં સમાવીને શાશ્વત આરામ આપે છે.
એક બે અપવાદ સિવાય સમગ્ર જગત દેવીને આજ સુધી કુમારી, યુવતી અને વૃદ્ધા તરીકે વંદન કરતું રહ્યું છે. વિદ્વાનો એમ માને છે કે મધર મેરી અને કન્યાકુમારીમાં કશો ફેર નથી. શિવાનંદ રચિત ‘જય આદ્યાશક્તિ’ આજે ગુજરાતમાં દરેક ધાર્મિક પ્રસંગે રાષ્ટ્રગીત જેટલો દરજ્જો પ્રાત કરી ચુકી છે.
આપણા દરેકમાં આ વિષ્ણુમાયા, ચેતના, બુદ્ધિ, નિદ્રા, ક્ષુધા, તૃષ્ણા, લજ્જા, ભ્રાન્તિ, શાંતિ, કાન્તિ, લક્ષ્મી, વૃત્તિ, તુષ્ટિ, દયા જેવાં વિવિધ સ્વરૂપે સમાયેલાં છે. આ માતાને નમન કરતાં કહીએ કે
दारिद्र दु:ख भयहारिणि का त्वदन्या।
सर्वोपकारकारणाय सदाह्यद्र्रचिता।।
સચરાચરમાં વ્યાપ્ત એવાં આદ્યાશક્તિ દેવીનું રહસ્ય
આદ્યાશક્તિ દેવી સચરાચરમાં વ્યાપ્ત, બધાની માતા, જગદ્ધાત્રી, બુદ્ધિ-વિદ્યા રૂપિણી ભગવતી અને આદરણીય છે. માતાજી પોતે પણ કહે છે કે જગતમાં મારૂં જ અસ્તિત્વ છે, મારા સિવાય અન્ય છે પણ કોણ? બધું મારામાંથી પ્રગટ થાય છે અને મારામાં જ સમાઈ જાય છે. માતાજી આનંદ અને સૌંદર્યનો સાગર છે. તેમની કરુણાનો કોઈ પાર નથી. તેમનાં રૂપ અનેક છે પણ તે તો એક જ છે, એટલે જ તેઓ આદ્યાશક્તિ, પરાશક્તિ અને પરબ્રહ્મ છે.
દેવીનાં બે સ્વરૂપો છે – સૌમ્ય અને રૌદ્ર. સૌમ્ય સ્વરૂપમાં ગાયત્રી, સાવિત્રી, અંબાજી, દુર્ગા, વૈષ્ણવી, લક્ષ્મી, પાર્વતી, ભુવનેશ્વરી,, સરસ્વતી, આશાપુરા અને અન્નપૂર્ણા છે. આદ્યાશક્તિ અદ્વિતિયા હોવા છતાં સૃષ્ટિના સર્જન હેતુ પુરુષની સહધર્મચારિણી, વિષ્ણુમાયા અને શિવશક્તિ બન્યાં. તે વિના સૃષ્ટિનું સર્જન અને સંવર્ધન શક્ય નહોતું. આદ્યાશક્તિ ભાગ લે તો જ ભૌતિક જગત દિવ્ય બની જાય. જગતની આકૃતિ અને અસ્તિત્વ પણ આદ્યાશક્તિ વિના સંભવિત નથી. સમગ્ર વિશ્વ માતાનું ગર્ભ ગૃહ છે, એટલે વૈષ્ણોદેવીના સ્થાનકમાં ગુફાની પુજા થાય છે. સર્જનની પ્રક્રિયામાં અગ્નિનું ખુબ મહત્ત્વ છે. તેથી તાંત્રિકો દેવી પૂજામાં અગ્નિને પ્રાધાન્ય આપે છે. દેવીનાં રહસ્યને સમજવું હોય તો તંત્રની મહાન પરંપરાને સમજવી પડે. તંત્ર સાધના એક પવિત્ર સાધના છે. તેમાં મૈથુન, મદિરા, માંસ વગેરે પાંચ ‘મ કાર’ નું અવલંબન લઈને આત્મસંયમ દ્વારા અને માનવ સુલભ નબળાઈઓનું અતિક્રમણ કરીને માનવે મોક્ષ પામવાનો છે.
માતાજીનં સૌમ્ય સ્વરૂપ લક્ષ્મીજીનું રહસ્ય સમજાવતાં ડેવિડ કિંગ્સલેના નામના વિદ્વાન જણાવે છે કે ભગવાન વિષ્ણુ જો વાણી છે તો લક્ષ્મીજી તેનો અર્થ છે. વિષ્ણુને જો સમજ ગણીએ તો લક્ષ્મી બુદ્ધિ છે. વિષ્ણુ સર્જક છે તો લક્ષ્મી સર્જન છે. વિષ્ણુ પ્રેમ છે તો લક્ષ્મી તેઓનો આનંદ છે. આદ્યાશક્તિ કરોડો સુર્યના તેજથી પણ વધારે તેજોમય છે, સૃષ્ટિની તમામ ચળ – અચળ અવસ્થાઓનો આદ્યાશક્તિ અર્ક છે.
અતિ રૌદ્ર અને ભયાનક સ્વરૂપે દેવી કાલિ, છિન્નમસ્તા, તારા, માતૃકા, ચામુંડા, ભૈરવી, સંહારિણી, મહારુદ્રા છે. તંત્રમાંનું કાલિનું આ વર્ણન આપણામાંના કાચાંપોચાંનું હૃદય ધ્રુજાવી નાખી શકે છેઃ “સાવ આછાં પાતળાં, મુંડમાળાનાં અને વ્યાઘ્રચર્મનાં વસ્ત્રો ધારણ કરતી દેવી વિચિત્ર અને ભયાનક લાગે છે. માતાનાં જડબાં ખુબ પહોળાં છે. રક્તરંજિત લાલ જીભ લસલસી રહી છે. તેઓ લાલઘૂમ આંખો વડે તાકી રહે છે. ભયાનક ચીસો પાડતી માતા આમતેમ ઘૂમી રહી છે. મૃત:પાય શિવના દેહ પર અર્ધનગ્ન દેવી નર્તન કરી રહી છે.”
તાંત્રિકો અને રહસ્યવાદીઓના જણાવ્યા પ્રમાણે દેવીનાં આ સ્વરૂપનું રહસ્ય એ છે કે જીવનનાં સાતત્ય માટે મૃત્યુ પણ આવશ્યક છે. સૃષ્ટિની સમગ્ર પ્રક્રિયા પાછળ ‘આપો’ અને ‘મેળવો’નું તત્ત્વજ્ઞાન રહેલ છે. કાલિ એટલે તમસ – અંધકાર. અધ્યાત્મના માર્ગે આગળ વધવા માગતા, સંયમિત જીવન જીવતા, સાધકનાં જીવનનો અંધકાર કાલિ દૂર કરે છે. તેમણે ધારણ કરેલી મુંડમાળા માનવ મનમાં રહેલ અશુભ વિચારોનું પ્રતિક છે. ભક્તના ભયને કાલિ દૂર કરે છે. ચંડ અને મુંડ માનવમાં રહેલા ક્રોધ અને વાસનારૂપી દૈત્યો છે. તેના સંહાર થકી કાલિ ભક્તને શંતિનો અનુભવ કરાવે છે. રક્તબીજ માનવ મનમાં હર પળ ઊઠતી ઈચ્છાઓની પ્રતિકૃતિ છે. કાલિ તમોગુણી માયા અને મહારાત્રિ છે. અહીં રાત્રિનો અર્થ પ્રલય અને પુનઃસર્જન વચ્ચેના વિરામનો સમય છે. તેથી દિપાવલીનું પર્વ રાત્રિનું પર્વ છે. આ વખતે શક્તિ – પ્રકૃતિ પોતાના પ્રેમમાં ગળાડૂબ છે, આત્મરમણમાં છે. મૃતપ્રાય વિશ્વને માતાજીએ વ્યાઘ્રચર્મ રૂપે ઓઢ્યું છે. શિવ એ થીજી ગયેલો કાળ છે. શિવ મૃત નથી, પણ મૂર્છિત છે. માતાજીના શિરકમળ પર ચંદ્ર શક્તિની કૃપાથી સૃષ્ટિ પુનઃ જાગૃતિનું પ્રતિક બને છે. અહીં માનવીને પણ માતાજીની કૃપાથી તેનાં તમસમાંથી જાગૃત થઈ નવાં સ્વરૂપે પ્રગટ થઈ શકવાનો સંદેશ છે. એટલે કે तमसो मा ज्योतिर्गमय ની પ્રક્રિયા ચાલી રહી છે.
કાલિના ચાર હાથ બધી દિશામાં ફેલાયેલા અવકાશ અને કાળને પ્રતિબિંબિત કરે છે. માતાજીની અભય મુદ્રા સાધકનો ભય દુર કરી આશીર્વાદ આપે છે. બીજા હાથની તલવાર કામના કાળનું પ્રતિક છે. હાથમાં રહેલી મુંડમાળા જગતની ક્ષણભંગુરતાનું પ્રતિક છે. માતાજીના મુખ પર પરમ આનંદનું જે હાસ્ય છે તે તેના ભક્ત કે સાધકને પણ સુલભ છે. કલિ આપણને સતત પ્રતીતિ કરાવે છે કે જીવન એ મૃત્યુ છે અને મૃત્યુ એ જીવન છે. પરિણામે સાધકને કોઈ માનસિક ગ્લાનિ કે પરિતાપ રહેતાં નથી. ચાલુની બોલચાલની ભાષા આ રહસ્યો સમજાવી શકે તેમ નથી એટલે તંત્રના પચાસ બીજ મંત્રો આ સત્યને ગૂઢ ભાષામાં વર્ણવે છે. જીવન – મૃત્યુને માતાજીએ ખોપરીની મુંડમાળા તરીકે ધારણ કરેલ છે. સામાન્ય માનવી મૂળાક્ષરોના પચાસ શબ્દો વડે માતાજીનું સામર્થ્ય સમજી શકે છે એટલે માતાજીએ કપાયેલા પચાસ હાથોવાળું આછું પાતળું અધોવસ્ત્ર પહેર્યું છે તે મૂળાક્ષરોની પચાસની સંખ્યા સાથે બંધ બેસે છે. આખું જગત અવકાશ છે એટલે તંત્ર પુજકો માતાજીને આપણી સમક્ષ નગ્ન સ્વરૂપે રજૂ કરે છે.
દેવી રહસ્યનો ઉપસંહાર શ્રીયંત્રના ઉલ્લેખ વગર અધૂરો છે. આ શ્રીયંત્રની સાધના કરવાથી આપણા આવેગો ઉપર એક પ્રકારનો સ્વયંભૂ કાબુ આવે છે. આપણામાં એક પ્રકારનું આધ્યાત્મિક શિસ્ત ઉદ્ભવે છે. યંત્ર એક વિરાટ વિશ્વનું પ્રતિક છે. આપણે પ્રગાઢ ધ્યાન દ્વારા એ વિશ્વના આપણા આતરિક અનુભવમાં ઉતરવાનું છે. યંત્રમાંની ગાણિતિક રેખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સાધક વૈશ્વિક ચેતના સાથે તાદાત્મ્ય સાધી શકે છે. સાધક આ રીતે શક્તિ અને તેના અંગભૂત વિશ્વ સાથે એકાત્મકતા કેળવતો થઈ જાય છે. સાધક પોતે પણ આવું એક શ્રીયંત્ર છે કેમ કે તે પણ આદ્યાશક્તિના વિશેષ ભાવ રૂપે છે.
દેવી-માતાજી પરંપરા ભારતમાં આજે પણ એટલી જ જીવંત અને શક્તિશાળી છે. આ ચેતનવંતી પરંપરાને સમાજના બધા વર્ગોનો ટેકો છે. તેમાં પણ શોષિત અને દલિત વર્ગોનો તો ખાસ. એટલે જ કુલદેવી, ગ્રામદેવી, ચોસઠ જોગણીઓ અને ખોડિયાર માતા જેવાં જૂજવાં રૂપે દેવી આપણા જીવનમાં ઓતપ્રોત છે. ગુજરાતના ગરબા અને માની આરતીમાં દેવીનાં રહસ્યો સહજપણે ચૌરેચૌટે ગવાય છે. માનાં કંકુનું ખરવાની અને સૂરજ થઈને ઉગવાની વિરાટ ઘટનાને સાંકળી લેવાથી અવિનાશ વ્યાસ ગુજરાતના આદરણીય કવિ બની શક્યા છે.
માતાજીની સ્તુતિઓ /સાધના
૧) ચંડીપાઠ (શક્રાદય – દેવી સ્તુતિ)
૨) સપ્તશ્લોકી દેવી પાઠ
૩) રાત્રિ સૂક્તમ
૪) દુર્ગાષ્ટોત્તર નામ સ્તોત્ર
૫) કુંજિકા સ્ત્રોત્ર
૬) શ્રી સૂક્ત
૭) દેવી કવચ
સાધના
૮) દસ મહાવિદ્યા
કળિયુગનાં સર્જક માતાજી છે જેથી માનવ જાતનાં બધાં પાપો છતાં થઈ શકે. આ યુગનો અંત પણ માતા કાલિ કલ્કિ અવતારનું સર્જન કરાવીને તેના દ્વારા કલિ દાનવનો અંત કરશે. તે પછી ઇ.સ. ૨૦૮૨થી કલ્કિ દ્વારા જ માતાજી સુવર્ણ યુગની સ્થાપના કરશે. માતાજીનાં ઐશ્વર્યનો ડંકો વિશ્વભરમાં વાગશે..
આવાં આદ્યાશક્તિ માતાજીને આપણાં શત શત નમન.
या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ‘જગતનો આત્માઃ સૂર્ય દેવતા’ ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
