સંવાદિતા

પુરુષસત્તાક સમાજે સ્ત્રીને પૂજાપાત્ર બનાવીને આખરે તો પોતાનું જ આધિપત્ય જાળવ્યું છે. 

ભગવાન થાવરાણી

કોઈ ફિલ્મસર્જકને મહાન ઠેરવવા એણે સર્જેલી કૃતિઓની વિપુલતા ઉપરાંત એનું વિષય વૈવિધ્ય પણ તપાસવું ધટે. સત્યજીત રાય આ બન્ને કસોટીઓમાં પાર ઉતરે છે. ઓગણત્રીસ ફીચર ફિલ્મો ( બે હિંદી ), ચાર દસ્તાવેજી ફિલ્મો, ત્રણ લઘુ ફિલ્મ એમણે આપી. પોતે સર્જી એ સિવાયની પંદર ફિલ્મોમાં સંગીત, પાંત્રીસ ફિલ્મોની કથા અને / અથવા પટકથા, ત્રણ ફિલ્મોમાં સૂત્રધાર અને એક – એક ફિલ્મમાં સહાયક નિર્દેશક, ગીતકાર અને ચિત્રકાર ! એક ખરા સર્જક તરીકે પોંખાવા બીજું શું જોઈએ ?
અનેક વિષયોને આવરી લેતી એમની ફિલ્મોમાં અંધશ્રદ્ધાના વિરોધમાં એમણે બે ફિલ્મો સર્જેલી. ૧૯૬૦ માં ‘ દેવી ‘ અને ૧૯૯૦ માં ‘ ગણશત્રુ ‘ . બન્ને ફિલ્મોનો રૂઢિચુસ્તો દ્વારા ખાસ્સો વિરોધ થયેલો. આજે એમાંની ‘ દેવી ‘ ની વાત. ફિલ્મમાં અંધશ્રદ્ધાનો વિરોધ હોવા છતાં કેટલાંય ધાર્મિક સંગઠનો અને સાંસદો સુદ્ધાંએ એના પ્રદર્શન સામે વિરોધ નોંધાવેલો. પંડિત નહેરૂની વ્યક્તિગત દરમિયાનગીરી બાદ ફિલ્મને ભારત બહાર દર્શાવવાની અનુમતિ અપાયેલી.
રાયની મોટા ભાગની ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પર આધારિત છે. એ પોતે પણ બંગાળના ગણમાન્ય સાહિત્યકાર હતા. ‘ દેવી ‘ પણ બંગાળી સાહિત્યકાર અને ગુરુદેવ ટાગોરના સમકાલીન પ્રભાતકુમાર મુખર્જીની ટૂંકી વાર્તા પર આધારિત છે. એમણે એ બંગાળમાં જ બનેલી એક સત્યઘટનાનો આધાર લઈને લખેલી. ફિલ્મનો ઘટનાક્રમ ૧૮૬૦ ની આસપાસ આકાર લે છે.
વાત છે વિદ્વાન જમીનદાર અને પ્રખર કાલીભક્ત કાલીકિંકર રાય ( છબી બિશ્વાસ ) અને એમના પરિવારની.  એમના ઘરમાં બે દીકરાઓ, એમની પત્નીઓ અને મોટા દીકરાનો નાનકડો પુત્ર ખોકા છે. ખોકા એના માબાપ કરતાં કાકા – કાકીનો હેવાયો અને લાડકો છે. નાની પુત્રવધુ દયામયી ( શર્મિલા ટાગોર, જે ત્યારે ખરેખર પંદર વર્ષના હતા ! ) માંડ પંદરની છે. જમીનદારની કાલિભક્તિનો મહિમા આસપાસના ગામો લગી પ્રસરેલો છે.  નાની વહુ સસરાની માનીતી છે. એ આજ્ઞાંકિત, ઓછાબોલી છે અને સસરાની સેવા પરમ ભાવથી કરે છે એટલે.
એક દિવસ કાલીબાબુને સપનું આવે છે. એમાં મા કાલી એમને દર્શન દે છે. દેવીનો ચહેરો અદ્દલ એમની નાની વહુ દયાને મળતો આવે છે. થઈ રહ્યું ! એ ઊઠીને સીધા વહુના શયનખંડમાં જાય છે અને ‘ મા મા ‘ પોકારતાં એના ચરણોમાં પડી જાય છે ! ઊંધમાંથી ઊઠેલી દયા કિંકર્તવ્યવિમૂઢ બધું જોતી રહે છે. કાલીબાબુ પોતાના જ્યેષ્ઠ પુત્ર અને ઘરમાં અન્ય સૌને પણ ‘ દેવી ‘ ના ચરણે પડવા મજબૂર કરે છે. દયાનો પતિ તો અભ્યાસાર્થે કલકત્તા છે. અપવાદ છે મોટી પુત્રવધુ જે આ બધું ધતિંગ માને છે.
કિશોરી દયાની સ્થાપના દેવી તરીકે કરવામાં આવે છે. એ હવે સાક્ષાત કાલી છે. ગામ અને આસપાસના વિસ્તારોમાંથી એની કૃપા મેળવવા ભક્તોની કતાર લાગે છે. અધૂરામાં પૂરું, એક ભક્તનો નાનકડો પૌત્ર યોગાનુયોગ – પણ ભક્તોના મતે દેવીમાના આશીર્વાદથી સાજો થઈ જાય છે. પછી તો પૂછવું જ શું ?
ભક્તોની ભીડ અને ધૂપદીપના ધૂમાડાથી ‘ દેવી ‘ મૂર્ચ્છિત થઈ જાય તો કાલીબાબુ એલાન કરે કે ‘ મા સમાધિમાં ચાલ્યા ગયા છે ‘ ! ઘરમાં અને બીજે બધે કાલીબાબુ કહે એ જ બ્રહ્મવાક્ય લેખાય છે.
સૌથી કરૂણ વાત એ કે દેવી તરીકે પ્રસ્થાપિત થયા પછી દયાનો લાડકો ખોકા એની આસપાસ પણ ફરકતો નથી ! એ હવે પૂજ્ય છે પણ પ્રેમપાત્ર બિલકુલ નહીં ! બાળક હવે એનાથી ડરે છે. દયા હેતથી પાસે બોલાવે તો પણ એ ભાગી છૂટે છે.
ખોકા માંદગીમાં સપડાય છે. ગામના વૈદરાજ કહે છે, તમારે ત્યાં તો સાક્ષાત દેવીમાં હાજરાહજુર છે, મારું શું કામ ? કાલીબાબુ પૌત્રને દેવીના ખોળે મૂકી એને સાજો કરી આપવા આજીજી કરે છે. માત્ર મમતાથી કંઈ રોગ મટે ? દયા નિ:સહાય છે. એ જાણે છે કે ખોકાનો ઈલાજ ડોક્ટર જ કરી શકે. દેવીનું ચરણામૃત પીને દયાના ખોળે આખી રાત પડેલો છોકરો સવારે મૃત્યુ પામે છે. કુટુંબના કુળદીપકને દેવી બચાવી ન શકી. એ જ એને ભરખી ગઈ.
જેને દેવીના સ્થાને પ્રતિષ્ઠિત કરી હતી હવે એ જ અંધશ્રદ્ધાળુઓના રોષનો ભોગ બને છે. દયાને તો માનવી, સ્ત્રી, પ્રેમાળ પત્ની, હેતાળ કાકીમાં અને સેવાભાવી વહુ જ રહેવું હતું. એને પરાણે દેવી બનાવીને માનવી મટાડી દેવાઈ. માનસિક સંતાપ સહન ન થતાં એ ભાગીને જાતને નદીમાં વિસર્જિત કરે છે. જેમ દેવી દુર્ગાની મૂર્તિનું વિસર્જન થાય છે તેમ ! એની પાસે કોઈ વિકલ્પ રહેવા દેવામાં આવ્યો નહોતો.
વિડંબના તો જૂઓ કે એક તબક્કે કાલીબાબુની નાગચૂડમાંથી છટકવા દયા અને એનો પતિ ગામ છોડી કલકત્તા ભાગી છૂટવા નીકળે છે. રસ્તામાં દયાને વિચાર આવે છે કે ક્યાંક હું ખરેખર દેવી હઈશ તો ? એવું હશે તો દેવીને ભગાડી જનારા મારા પતિનું શું થશે ? બન્ને ઘરે પાછા ફરે છે.
દયાને ધરાર દેવી-પદ આપનાર કાલીબાબુ આમ તો સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન છે. એમની અંધશ્રદ્ધા વધુ એકવાર પૂરવાર કરે છે કે ધાર્મિક બાબતોમાં સુશિક્ષિત માણસ પણ અનપેક્ષિત રીતે વર્તે છે. શિક્ષણ એ જાગૃતિ નથી. 
 
દયાનું ઉત્થાન પણ એની મરજી મૂજબનું નહોતું, પતન પણ નહીં. એ કેવળ સાધન હતી. એનું દેવીત્વ કાલીબાબુના અહમનું પ્રતીક હતું. ‘ દયામાં દેવી તો હતી જ પણ શોધી કોણે ? મેં ! એ મારું સપનું હતું. મેં એ શોધ્યું ન હોત તો લોકો એની કૃપાથી વંચિત રહી જાત. ‘
 
યાદ રહે કે અહીં દર્શાવેલી પરિસ્થિતિઓ દોઢસો વર્ષ પહેલાંના ભારતની છે. ત્યારે પુરુષનો અહમ જ એ નક્કી કરતો કે સ્ત્રીને કયા ચોકઠામાં મૂકવી ? દેવી, રાક્ષસી, મા, પત્ની કે નોકરાણી ! એ ઘરની લાજ પણ હતી અને કેદી પણ. એ પ્રદર્શનમાં મૂકાયેલું પુતળું હતી જેણે એના ભાવકો આગળ એમની કામના મૂજબના પાત્રને મૂર્તિમંત કરવાનું હતું. અત્યારે પરિસ્થિતિઓ શું છે એનું મૂલ્યાંકન વાચકો પર છોડીએ.
સત્યજીત રાયની પાંચ ફિલ્મોમાં શર્મિલા ટાગોરે કામ કરેલું. એમાંની ‘ અપૂર સંસાર ‘ પછીની આ બીજી અને એમની શ્રેષ્ઠ કહી શકાય એવી ફિલ્મ. ફિલ્મમાં એ ભાગ્યે જ કોઈ સંવાદો બોલે છે. જે કંઈ કહે છે તે એની આંખો. એમનું પાત્ર વિચારશીલ નહીં, સંવેદનશીલ છે. કાલીકિંકર બાબુનું પાત્ર ભજવતા મહાન અભિનેતા છબી બિશ્વાસની તો વાત જ શી ! રાયની ‘ જલસા ઘર ‘ અને ‘ કાંચનજંઘા ‘ માં પણ એમણે યાદગાર પાત્રો ભજવેલાં. ફિલ્મનું સંગીત વિખ્યાત સરોદવાદક અલી અકબર ખાનનું હતું. આ ફિલ્મ પછીની રાયની દરેક ફિલ્મમાં સંગીત એમનું પોતાનું હતું.
‘ દેવી ‘ રાયની સૌથી વધુ કરૂણ ફિલ્મ છે. એમની મોટા ભાગની ફિલ્મો દરમિયાન જે કંઈં થાય, ફિલ્મના અંતે હંમેશા આશાનું કિરણ દેખાતું. આ ફિલ્મમાં એ ક્યાંય નથી. એક ફિલ્મ દર્શક તરીકે આ ફિલ્મ આપણા શિક્ષણમાં વૃદ્ધિ કરે છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.