સંવાદિતા

આખરે માનવીમાં એવું તે શું છે જે આખર લગી બદલાતું નથી ?

ભગવાન થાવરાણી

શિપ ઓફ થિસિયસનું તત્વજ્ઞાન એક ગ્રીક પુરાણકથા સાથે સંકળાયેલું છે. એથેન્સ શહેરના સંસ્થાપક રાજા થિસિયસ એથેન્સના બાળકોને ક્રૂર મિનોટોરથી બચાવી એનું હનન કરી જે વહાણમાં નાસી છૂટેલા એને ગ્રીસવાસીઓએ એક સ્મૃતિચિહ્ન તરીકે સદીઓ લગી સાચવી રાખેલું. સમયાંતરે એ વહાણના પાટિયાં ખખડી જતાં એ એક પછી એક બદલી નંખાયેલાં. બધા જ પાટિયાં નવાં નંખાઈ જતાં દાર્શનિકોએ પ્રશ્ર ઉઠાવ્યો કે બધું જ બદલાઈ ગયા પછી પણ શું વહાણ એનું એ જ રહે છે ? કાઢી નંખાયેલા પાટિયાંઓને જોડીને નોખું વહાણ બનાવીએ તો શું એ અસલ વહાણ કહેવાય ? એવું તે શું છે જે બદલી નંખાયા પછી પણ અસલ રહે છે ? આ જ તત્વજ્ઞાન માનવીય અસ્તિત્વ અને એના દેહ સંબંધે પણ પ્રયોજી શકાય. વિજ્ઞાન કહે છે કે દર સાત વર્ષે માનવ શરીરના બધાં જ કોષો વિઘટન પામી નવેસરથી નિર્માણ પામે છે. માનવી ભૌતિક અને વૈચારિક દ્રષ્ટિએ બદલાય છે. તો એવું શું છે જે યથાવત રહે છે ?

ગુજરાતી ફિલ્મસર્જક આનંદ ગાંધીએ આ વિચારનો વિસ્તાર કરતી એક ઉત્કૃષ્ટ ફિલ્મ શિપ  ઓફ થિસિયસ1 ૨૦૧૩ માં સર્જી. આનંદ ત્યાં સુધી પારિવારિક મનોરંજનના બ્લોક બસ્ટર સોપ ઓપેરા ક્યોં કિ સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કી ના લેખન સાથે સંકળાયેલા હતા. એ આવી ગંભીર ફિલ્મ બનાવી શકે એવું કોઈ સપને ય ન વિચારે !

અઢી કલાક લાંબી આ ફિલ્મમાં પ્રથમ દ્રષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર લાગતી ત્રણ વાર્તાઓ છે. ફિલ્મના અંતે ત્રણેય ચમત્કારિક રૂપે એકમેક સાથે સંકળાય છે. ફિલ્મના પ્રારંભે આવતી અને સૌથી અસરકારક વાત એક ઈજિપ્શિયન મહિલા ફોટોગ્રાફર આલિયાની છે. એણે કોઈક રોગના કારણે દ્રષ્ટિ ગુમાવી છે. એ નવી આંખો મેળવવાની શસ્ત્રક્રિયા માટે મુંબઈ આવી છે. દ્રષ્ટિવિહીન આલિયા જીવંત દ્રશ્યોની તલાશમાં મુંબઈ શહેરમાં ફરતી રહે છે. પોતાના કેમેરા સાથે જોડાયેલા સેન્સરના ઈશારે એ અવાજોનો પીછો કરે છે. એની સ્પર્શેન્દ્રિય એને મદદ કરે છે. દ્રષ્ટિ વિના એણે ઝડપેલાં દ્રશ્યો એટલાં અસરકારક હોય છે કે કલાજગતમાં એની બોલબોલા છે.

કોર્નિયાના દાતા મળતાં આલિયાનું સફળ ઓપરેશન થાય છે. કોણ જાણે કેમ પણ દ્રષ્ટિ પાછી મળતાં દેખતી આંખે એણે ઝડપેલાં ફોટોમાં એવું ઓજ નથી આવતું જે એણે દ્રષ્ટિ વિના ઝડપ્યાં હોય છે. બંધ આંખે એ જોઈ – અનુભવી શકતી હતી એ ઉઘાડી આંખે ગુમાવે છે. એ પોતે અસંતુષ્ટ છે અને એના પ્રશંસકો પણ !

બીજી કહાણી એક જૈન મુનિ મૈત્રેયની છે. અબોલ પ્રાણીઓ ઉપર ક્રૂર પ્રયોગો કરી દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓના એ વિરોધી છે અને એમની સામે કાયદાકીય ઝુંબેશ ચલાવે છે. પોતાની માન્યતાઓ માટે એમની પાસે સબળ અને તાર્કિક દલીલો છે. એમના યુવાન વકીલ મિત્ર ચાર્વાક સાથેની એમની દલીલો એમની બુદ્ધિમતા અને દ્રઢતાના પરિચાયક છે અને ચાર્વાકનાં તલસ્પર્શી અભ્યાસના પણ ! નસીબજોગે એમને સિરોસીસ ઓફ લિવર થાય છે જેનો ઉપચાર તો શક્ય છે પણ એ માટે એમણે એવી ઔષધિઓ લેવી પડે જેના ઉત્પાદકો સામે એ આજીવન લડ્યા છે. એ મક્કમતાપૂર્વક સારવારનો ઈનકાર કરે છે. સંથારો પસંદ કરે છે. ધણા મનોમંથન અને ‘ લગભગ ‘ મૃત્યુના સાક્ષાત્કાર પછી એ ઝુકે છે.

ત્રીજી વાત પૈસાને સર્વસ્વ માનતા યુવાન શેરદલાલ નવીનની છે. એના શરીરમાં કોઈ અજાણ્યા દાતાની કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. એને અચાનક ખબર પડે છે આપણા દેશમાં એપેંડીસાઈટીસ જેવા ઓપરેશનના બહાને શરીરના મહત્વના અંગો ચોરી લેવાના કારસ્તાન ચાલે છે. આવો એક પ્રત્યક્ષ કિસ્સો એના ધ્યાનમાં આવે છે. તો શું એના શરીરમાં રોપવામાં આવેલી કિડની પણ ચોરીની હતી ? નવીનની આ શંકા તો નિર્મૂળ સાબિત થાય છે પણ જેની કિડની ચોરી લેવામાં આવેલી એ મેળવનારનું પગેરું શોધી એ છેક સ્વીડન જાય છે જેથી પેલા ગરીબને કિડની પાછી અપાવી શકે. એ કિડની ખરીદનાર સાથે મોઢામોઢ થાય છે. વિડંબના એ કે જેની કિડની ચોરાઈ એ તો એને આ ધનિકે આપેલા લાખો રુપિયાથી રાજી છે ! એને કોઈ ‘ ન્યાય ‘ જોઈતો નથી. એક કિડનીથી શરીર ચાલે જ છે અને આવડો મોટો દલ્લો નફામાં !

ત્રણે વાર્તા પૂરી પણ અધૂરી લાગે ત્યાં એક અજબ વળાંક. એક સેવાભાવી સંસ્થા શોધખોળ કરી એવું સાબિત કરે છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા એક અભાગીની આંખ, લિવર અને કિડની જેવાં આઠ અવયવો આઠ અલગ અલગ ભાગ્યશાળીઓના શરીરમાં પ્રત્યારોપિત કરી એમને નવજીવન આપવામાં આવેલું. આ આઠમાંના ત્રણ એટલે આલિયા, મૈત્રેય અને નવીન ! આ ત્રણ સહિત આઠેયને એક મનોવૈજ્ઞાનિક વિડિયોના સ્ક્રીનીંગ માટે નિમંત્રવામાં આવે છે.

તત્વચિંતક પ્લેટોની કથામાં એક ગુફાનો રૂપક તરીકે ઉલ્લેખ છે. એ કહેતા કે માનવી એના અસ્તિત્વની ગુફામાં કેદ છે. એ ક્ષણિકને શાશ્વત માની બેઠો છે. દાર્શનિકનું કામ લોકોને આ ગુફામાંથી બહાર કાઢી દિશાસૂચન કરવાનું છે. આપણા ત્રણ પાત્રો સહિતના આઠ દર્શકો વિડિયોમાં એક ગુફા જૂએ છે જેની દિવાલો ઉપર એક માણસનો પડછાયો દેખાય છે. એ પડછાયો સંભવત: ( પ્રતીકાત્મક રીતે ) એ માણસનો છે જેણે આ આઠને પોતાના અવયવો બક્ષ્યા છે. અહીં ફિલ્મ પૂરી થાય છે પણ એના દ્વારા ખડાં કરાયેલાં પ્રશ્નો યથાવત રહે છે.

ફિલ્મના મુખ્ય ત્રણ પાત્રો ઈજિપ્શિયન અભિનેત્રી ઐડા અલ કાશેફ, ઉત્તમ ભારતીય અભિનેતા નીરજ કબી અને આ ફિલ્મના ગુજરાતી સહનિર્માતા સોહમ શાહ દ્વારા ભજવાયાં છે.

વિવેચકોએ આ ફિલ્મને ‘ વર્ષો પછી ભારતમાંથી આવેલી એક અગત્યની ફિલ્મ ‘ તરીકે નવાજી છે. ફિલ્મ સમીક્ષક ડેરિક માલ્કમ એને ‘ જીવન બદલી નાંખનારી ફિલ્મ ‘ કહે છે. મિડ ડેના શુભા શેટ્ટીના મતે આ ફિલ્મ ‘ આપણા અંતરાત્માને હચમચાવે છે અને પ્રેક્ષકાગારમાં હાજર હોવા બદલ કૃતકૃત્યતાનો અનુભવ કરાવે છે. ‘ આ લખનાર પણ, ૨૦૧૩ માં પૂનાના એક સિનેમામાં ફિલ્મ જોતી વખતે જીવનમાં પહેલી વાર ફિલ્મના અંતે સર્વે પ્રેક્ષકોએ ઊભા થઈ ફિલ્મને સ્ટેંડીંગ ઓવેશન અપાયું એના સાક્ષી છે.

ફિલ્મની મુખ્ય ભાષા અંગ્રેજી છે. ત્રણેય વાર્તાનું કથાવસ્તુ મુંબઈ શહેરમાં આકાર લે છે. એ શહેરના અનેક અદ્ભુત દ્રશ્યો કચકડે કંડારાયાં છે. જૈન મુનિ મૈત્રેયનું પાત્ર શ્રીમદ રાજચંદ્રજીના જીવન ઉપરથી પ્રેરણા લઈને સર્જાયું હોવાનું માનવામાં આવે છે.

ફિલ્મની કથા અને સંવાદો પણ આનંદ ગાંધીના જ છે. આનંદ ગુજરાતી કવિઓ મરીઝ, રમેશ પારેખ અને શેખાદમ આબુવાલાના પ્રશંસક છે.


1


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.