સંવાદિતા
વિભાજનને કેંદ્રમાં રાખી સરહદી વિસ્તારોની ભાષાઓમાં ઘણું સંવેદનશીલ સાહિત્ય રચાયું છે
ભગવાન થાવરાણી
દેશની સ્વતંત્રતાના આનંદની હેલી સાથે જ આવ્યું હતું દેશના વિભાજનનું દર્દ અને એની સાથે જોડાયેલ ખૂનામરકી, પીડા અને બર્બરતાનું તાંડવ. આશરે દોઢથી બે કરોડ લોકોએ એ ગાળામાં પોતાના વતનથી હિજરત કરવી પડી જે આજ સુધીના માનવ ઈતિહાસની સૌથી મોટી હિજરત છે. એ દરમિયાન આઠથી દસ લાખ માનવ જિંદગીઓ હણાઈ હોવાનો અંદાજ છે.

આ વિષયે અંગ્રેજી, હિંદી, ઉર્દુ, બંગાળી, પંજાબી અને સિંધી ભાષાઓમાં ખાસ્સા પ્રમાણમાં સાહિત્ય પણ રચાયું. આપણા વરિષ્ઠ લેખિકા શરીફાબહેન વીજળીવાળાએ આમાંના ઘણા હિંદી અને ઉર્દુ પુસ્તકોના ગુજરાતી અનુવાદો કરી આપણા સૌ માટે સુલભ બનાવ્યાં છે. આવા કેટલાક કથા સાહિત્યને સંક્ષેપમાં જોઈએ.
સૌથી પહેલાં સ્મરે હિંદી લેખક યશપાલની મહાનવલ ‘ જૂઠા સચ ‘. ૧૯૫૮ ના અરસામાં લખાયેલી આ નવલકથા બે ભાગ – ‘ વતન ઔર દેશ ‘ અને ‘ દેશ કા ભવિષ્ય ‘ – અને આશરે એક હજાર પાનામાં વિસ્તરેલી છે. કેટલાક વિવેચકોએ એને ટોલ્સટોયની ‘ વોર એંડ પીસ ‘ સાથે સરખાવી છે. એની ગણના હિંદીના સર્વોત્કૃષ્ટ ઉપન્યાસોમાં થાય છે. હિંદી મેગેઝીન ‘ નવનીત ‘ ના જાન્યુઆરી ૧૯૫૯ ના અંકમાં તો એને વિશ્વની દસ શ્રેષ્ઠ કૃતિઓમાંની એક તરીકે બિરદાવાઈ હતી.

એની કથા ભારતના એ સમયના સામાજિક જીવનનું એક ઈમાનદાર ચિત્ર ખડું કરે છે. એક જ પરિવારના ભાઈ બહેન એવાં તારા અને જયદેવ પુરી ઉપરાંત કનક, ગિલ અને ડોક્ટર નાથ જેવાં પાત્રો વાચકના મનમાં જડાઈ જાય છે. વિભાજન પહેલાંના એક વર્ષથી માંડી એ પછીના દસેક વર્ષના વિશાળ ફલકને આવરી લેતી આ કથા હિંદી અને ભારતીય સાહિત્યની અનમોલ ઉપલબ્ધિ છે.
જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉર્દુ લેખિકા કુર્રતુલૈન હૈદરની ઐતિહાસિક નવલકથા ‘ આગ કા દરિયા ‘ નો સમય પટ્ટ આમ તો બે હજાર વર્ષનો છે જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય કાળથી માંડીને ભારત વિભાજન અને વિભાજનોત્તર સમયને આવરી લેવાયો છે પણ એમાં વિભાજનની ઘટના અને દ્વિ – રાષ્ટ્ર સિદ્ધાંત વિષે ઘણી છણાવટ છે.
ખુશવંત સિંગની મૂળ અંગ્રેજીમાં લખાયેલી નવલકથા ‘ ટ્રેન ટૂ પાકિસ્તાન ‘ ( અથવા પાકિસ્તાન મેઈલ ) ૧૯૫૬ માં લખાઈ. મનોમાજરા નામના કાલ્પનિક પંજાબી સરહદી ગામમાં આકાર લેતી વાર્તા જગત સિંહ નામના શીખ યુવાન અને નૂરાં નામની મુસ્લિમ યુવતીની પ્રેમ કથાના માધ્યમ દ્વારા સરહદી વિસ્તારોમાં પ્રવર્તતી ભાઈચારા અને સહઅસ્તિત્વની ભાવના તેમજ સ્વાર્થી તત્વો દ્વારા એ ભાવનાને કલુષિત કરવાની વાત હૃદયદ્રાવક રીતે કહે છે. પુસ્તકનો હિંદી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. ફિલ્મ સર્જક પામેલા રુક્સ દ્વારા એના પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે.
ભીષ્મ સાહનીની ‘ તમસ ‘ નવલકથા વધુ લોકપ્રિય બની ગોવિંદ નિહાલાનીએ એ કથા ઉપરથી બનાવેલી દૂરદર્શનની સિરીયલના કારણે. ૧૯૭૩ માં લખાયેલી આ કૃતિ માત્ર પાંચ જ દિવસની કથા છે. આઝાદીના થોડાંક સમય પહેલાંના આ પાંચ દિવસમાં સાંપ્રદાયિકતા અને કોમવાદનો સહારો લઈને જે પાશવિકતા આચરાઈ એનું જીવંત ચિત્રણ છે. આ એ તમસ – અંધકારની વાત છે જે માણસની માણસાઈ અને સંવેદનશીલતાને હરી એને શૈતાન બનાવી દે છે.
અમૃતા પ્રીતમની ‘ પિંજર ‘ મૂળ પંજાબીમાં ૧૯૫૦ માં લખાયેલી. એ પછી હિંદી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં એના અનુવાદ થયાં. ગુજરાતી અનુવાદ પણ શરીફાબહેન દ્વારા થયો છે. પોતાના અંગત અનુભવોનો નિચોડ લેખિકાએ આ નવલમાં દર્શાવ્યો છે. એક હિંદુ સ્ત્રી પૂરો અને એનું અપહરણ કરી જનાર મુસ્લિમ શખ્સ રશીદ વચ્ચે પાંગરતા પ્રેમ અને સમર્પણની આ વાત છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ એના પરથી ૨૦૦૩ માં એ જ નામની ખૂબસુરત ફિલ્મ બનાવેલી.
‘ છાકો કી વાપસી ‘ એ હિંદી લેખક બદીઉઝ્ઝમા લિખિત નવલ છે. અહીં કથા છે પૂર્વ ભારત – બિહારના ગયા નગરના મુસ્લિમ સમાજની. લેખક દ્વારા કથક તરીકે વર્ણવાયેલી વાર્તા પૂર્વ પાકિસ્તાનના સર્જન અને માત્ર ધર્મના કારણે ત્યાં પહોંચેલા ગરીબ નાયક છાકોની થયેલી દુર્દશાની છે. એ આડકતરી રીતે ધર્મ આધારિત વિભાજનના વિચારની પોકળતાનો પર્દાફાશ કરે છે.
‘ કિતને પાકિસ્તાન ‘ એ સુખ્યાત હિંદી લેખક કમલેશ્વરની વિશિષ્ટ નવલ છે. રૂપકો અને વાસ્તવિકતાના સંયોજન દ્વારા એ માનવ ઇતિહાસના વિશાળ ફલકને આવરી લે છે. જન સમુદાય માટે તઘલખી નિર્ણય લેનારા મુઠ્ઠીભર લોકોનો અસલી ચહેરો આ કૃતિ પ્રતિબિંબિત કરે છે.
હિંદી લેખક અસગર વઝાહતનું નાટક છે ‘ જિસ લાહૌર નહીં વેખ્યા ઓ જમ્યા ઈ નંઈ ‘ ( જેમણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી ) . આ કૃતિને પણ શરીફાબહેન ગુજરાતીમાં લાવ્યા છે. એ એક એવી હિંદુ વૃદ્ધાની વાત છે જેને એના કુટુંબીઓ બોજારૂપ અને નક્કામી માની લાહૌર પોતાની હવેલીમાં છોડીને હિંદુસ્તાન ભાગી છૂટ્યા છે. ત્યાંથી હિજરત કરી આવેલા એક મુસ્લિમ પરિવારના લોકો બંધ મકાનમાં આ વૃદ્ધાને ભાળે છે અને અસંમંજસમાં પડી જાય છે કે એનું શું કરવું ? વૃદ્ધાને પોતાનું મકાન અને શહેર કોઈ પણ સંજોગોમાં છોડવું નથી, અને સર્જાય છે એક કરૂણ મંગલ કથા !
મહાભારત સિરીયલના લેખક રાહી માસૂમ રઝાની નવલકથા ‘ આધા ગાંવ ‘ બયાન કરે છે ઉત્તર પ્રદેશના ગંગૌલી ગામમાં રહેતા મુસ્લિમોની. શાંતિથી પોતપોતાની પરિસ્થિતિઓ અનુસાર રહેતા આ લોકો પર અચાનક વિભાજનનો સંત્રાસ આવી પડે છે. સાંપ્રદાયિક ઘટનાઓના કારણે એમની વિભિન્નતામાંની એકતાના હાલહવાલ થાય છે. ફરી એક વાર શરીફાબહેનનો અનુવાદ.
પાકિસ્તાની લેખકો ઈંતિઝાર હુસેન અને અબ્દુલ્લા હુસૈનની નવલકથાઓ બસ્તી ( ૧૯૮૦ ) અને ઉદાસ નસ્લેં ( ૧૯૬૩ ) વિભાજન વિષયક ઉત્તમોત્તમ કલાકૃતિઓ છે. બસ્તીનો અનુવાદ શરીફાબહેને કર્યો છે.
ભારતીય લેખક બલવંત સિંહની મૂળ ઉર્દુમાં લખાયેલી નવલકથા ‘ કાલે કોસ ‘ પંજાબની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલ નવલકથા છે જેની શરુઆત જ પંજાબના વિભાજનથી થાય છે.
મનોહર મૂલગાંવકરની અંગ્રેજીમાં લખાયેલી નવલકથા ‘ અ બેંડ ઈન ધ ગેંજીસ ‘ ( ૧૯૬૪ ), પારસી પણ પાકિસ્તાનના લેખિકા બેપ્સી સિધવાની ‘ આઈસ કેંડી મેન ‘, અંજલિ એંજેટીનું ‘ ધી પાર્ટેડ અર્થ ‘, ભાસવતી ઘોષનું ‘ વિક્ટરી કોલોની – ૧૯૫૦ ‘ અને અમિત મજમુદારનું ‘ પાર્ટીશન્સ ‘ પણ આ વિષયની પઠનીય કૃતિઓ છે.
ટૂંકી વાર્તાઓની વાત કરીએ તો સઆદત હસન મંટોની આ વિષયની વાર્તાઓ તો અવિસ્મરણીય છે જ. એમના ઉપરાંત કૃષ્ણ ચંદર, ઈસ્મત ચુગતાઈ, અશફાક અહમદ, ગુલઝાર, રાજીંદરસિંગ બેદી અને અહમદ નદીમ કાસમી ( ઉર્દુ ), વિષ્ણુ પ્રભાકર, મોહન રાકેશ, ખ્વાજા અહમદ અબ્બાસ, મહીપ સિંહ, રામાનંદ સાગર, ઉપેંદ્રનાથ અશ્ક, દેવેંદ્ર સત્યાર્થી, નાસિરા શર્મા, રાજી સેઠ, સ્વદેશ દીપક અને કૃષ્ણા સોબતી ( હિંદી ), મનોજ બસુ અને સમરેશ બસુ ( બંગાળી ), મોતીલાલ જોતવાણી અને શેખ અયાઝ ( સિંધી ), કરતારસિંહ દુગ્ગલ ( પંજાબી ) અને જયંતિ દલાલ ( ગુજરાતી ) દ્વારા પણ આ વિષયમાં ખેડાણ થયું છે.
આ સર્વે. લેખકોની કૃતિઓ વાંચીને લાગ્યા વગર રહે નહીં કે એ બધા જ દેશ વિભાજનની પીડા હાડોહાડ જીવ્યા છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

આપનાં સરસ માહિતી પૂર્ણ લેખબાદલ આભાર. આપણા કલંકિત ઇતિહાસનાં સંદર્ભ માં દેશનાં ભાગલાની વાત શ્રી યશપાલજીની કલમે વાંચતાં રૂવાંડા ખડા થઈ જાય છે. આપે ઉલ્લેખ કરેલાં દેશનાં ભાગલા નાં અનુસંધાનમાં લખાયેલાં પુસ્તકો બધાંજ પશ્ચિમી સરહદે શું થયેલું તે બાબતનાં છે. પૂર્વ ભારતમાં બંગાળ નાં ભાગલા બે વખતે થયેલા. પહેલી વખત ૧૯૦૫ અને બીજા સમયે ૧૯૪૭ માં. નોઆખલી માં જે થયું તે એટલું ભયાનક હતું કે આપણને મનાવતા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. ઈસ્મત ચૂક્તાઇ, મહાશ્વેતા દેવી, પ્રોફેસર બ્રાશબિ ફ્રેઝર, જોયા ચેટરજી, સુનિલ ગંગોપાધ્યાય, કાયસ અહેમદ. અઝીઝુલ હક વગેરે ઘણાએ આ બાબત લખ્યું છે. વર્ષો પહેલાં શ્રી જયંતિભાઈ મોરારજી મહેતા સંપાદિત અઠવાડિક “ભાવનગર સમાચાર માં શ્રી મનુબેન ગાંધી ની ડાયરી હપ્તાવાર પ્રગટ થતી. તેમાંનું એક પ્રકરણ “નોઆખલી યજ્ઞમાં” વાંચવા જેવું છે.
-નીતિન વ્યાસ
LikeLike