નરેશ પ્ર. માંકડ
મણકો [૬]થી આગળ
કેટલીક રસપ્રદ વાતો
૧૯૯૦ના દશકમાં ડાયરેક્ટર અરુણ અરોરા, પર્સનલ મેનેજર ડી.એલ. ધવન, રેસીડન્ટ એડિટર દીના વકીલ અને બ્રાન્ડ મેનેજર ફૌઝિયા મદની ભવ્યનામધારી રિક્રુટીંગ કમિટીની મીટીંગ શનિવારે બોલાવતા. આવી એક મિટિંગમાં ધવને જાહેર કર્યું, ” આપણે spies ની સમસ્યા માટે કંઈ કરવું જોઈશે. ” દીના વકીલ કહે, Spies? કયા spies? મારા ડિપાર્ટમેન્ટમાં કોઈ spies નથી. અરુણ અરોરાના મનમાં પણ ફિકર પેઠી કે ટાઈમ્સમાં CIA કે આઇ.એસ. આઇ. ઘૂસી ગયું? ફૌઝિયા ધવનના ઉચ્ચારથી પરિચિત હતી, તેને ખ્યાલ આવી ગયો કે મુંબઈમાં પટાવાળાને sepoys કહે છે એની વાત છે.
****
સોળ વર્ષના અંતે ડિસેમ્બર ૨૦૦૩માં સલમાન રશદી એમના કૌમાર્યાવસ્થાના શહેર મુંબઈમાં પાછા ફર્યા. એ વચ્ચેના ગાળામાં તેમણે સેતાનિક વર્સિસ લખી હતી અને એમની સામે ફતવો બહાર પડ્યો હતો, એટલે તેઓ એમની સુંદર પત્ની પદ્માલક્ષ્મી સાથે તાજમહાલ હોટલમાં આવ્યા એ બહુ ખાનગી મિશન હતું, જેની ખબર બોલીવુડ મારફત ટાઇમ્સને મળી હતી. પદ્મા લક્ષ્મી ફિલ્મી શૂટિંગ માટે આવી હતી. તેના પર ફોકસ રહે તો સલમાન ઇન્ટરવ્યૂ આપવાના હતા. ” હું તો બોયફ્રેન્ડ તરીકે જ આવ્યો છું,” સલમાને કહ્યું. ઇન્ટરવ્યૂ લેનાર ટીમના ત્રણ લોકોમાં એક દીના વકીલ હતાં જેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં સલમાનના પુસ્તક મિડનાઇટ્સ ચિલ્ડ્રન પર લખ્યું હતું. સલમાન જ્યારે તોફાની છોકરો હતા એ સમયે તેમને એ મળ્યા હતા અને ‘ગ્રાઉન્ડ બિનીથ માય ફીટ માં તેઓ મીના વકીલ તરીકે રજૂ થયેલાં. ફોટોગ્રાફર શ્રીરામે થોડા અકળાયેલા રશદીને હળવા કરવા માટે પૂછ્યું, “મુંબઈમાં પહેલીવાર આવો છો ?” દીનાના ગુસ્સાનો પાર ન હતો પણ સલમાનને આંખમાં ચમક સાથે કહ્યું, ” Not quite.”
****
એક વખત ટાઈમ્સના સી.ઇ.ઓ.એ એક સંવાદદાતાને એક અત્યંત ખાનગી મિશન પર મોકલી – નેતાજી સુભાષચંદ્ર બોઝ કે એલ્વિસ નહોતા જોવા મળ્યા પણ વારાણસીમાં મેડોના દેખાઈ હતી. બે દિવસની પારાવાર રખડપટ્ટી પછી તેને એક સાહસિક સાધુ મળ્યો જેણે આ અફવા ફેલાવી હતી.
****
મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈન ન્યુઝ સ્ટોરીઝનું સંચાલન પણ કરતા. એમના સામાજિક સંપર્કોને કારણે અહેવાલમાં ઘણા મસાલા ઉમેરી શકાતા. ૨૦૦૯માં એમડીએ જાતે જ એક મોટી સ્ટોરી જાહેર કરી. રાજકીય સંપર્કો ધરાવતો મનુ શર્મા જેસીકા લાલ ખૂન કેસના હાઈ પ્રોફાઈલ કેસમાં મુખ્ય આરોપી હતો. તે માંદી માતાને મળવાના બહાને પેરોલ પર છૂટીને પાર્ટીઓ કરતો હતો. દિલ્હીના પોલીસ કમિશનરના પુત્ર સાથે અશોક હોટેલમાં બોલાચાલી કરીને તેણે ધ્યાન ખેંચ્યું અને પછી બાજુની સમ્રાટ હોટલના લાઉન્જ એન્ડ પાર્ટીમાં પહોંચ્યો, ત્યાં પોલીસ આવી ગઈ પણ મનુ છટકી ગયો. કપડાની નિકાસનો વ્યવસાય કરતો તેનો મિત્ર સલીલ ઢીંગરા સપડાઈ ગયો. પોલીસે ભૂલથી બિઝનેસ ટાયકૂન સમીર થાપરને પણ પકડ્યો જેણે વિનીત જૈનને ફોન કર્યો. વિનીતે દિલ્હી ટાઇમ્સના રિપોર્ટરને બોલાવ્યો અને એની સાથે ‘ લાઉંજ એન્ડ પાર્ટી ‘ માં ગયા અને દિલ્હીના રેસીડેન્ટ એડિટર વિકાસ સિંહને જાણ કરી કે એમ.ડી.ને પૂરી જાણકારી ન મળે ત્યાં સુધી આ કહાણી પકડી રાખવી. દરમિયાનમાં મુંબઈથી જયદીપ બોઝ વિકાસ પર બધી આવૃત્તિ માટે સ્ટોરી રિલીઝ કરવા વારંવાર ફોન કરતા હતા વિકાસે તેને કહ્યું, ‘રિપોર્ટર કહે છે સ્ટોરીને રોકી રાખો.’ જયદીપ ગરજ્યા, કોણ છે આ રિપોર્ટર? વિકાસે કહ્યું, ‘એમ.ડી.’
****
ટાઈમ્સની નીતિ એવી રહી છે કે નિરાશાજનક સમાચારોમાં એક પંક્તિમાં મરણ પામનારાઓનો આંકડો આપીને બચેલાઓની વાત અને માણસની ખુમારીની વાત કરવી. આશા આકાંક્ષાઓને ઉત્તેજવાનો તેનો પ્રયાસ હોય છે.
****
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઇમારતમાં નીચેના માળ પર ટાઈમ્સ બેંક ખુલી ત્યારે એનું સહુથી મોટું આકર્ષણ હતું તૈયબ મહેતાનું વિશાળ કદનું ચિત્ર મહિષાસુર. થોડા વર્ષો પછી બેંક તો બંધ થઈ ગઈ પણ તૈયબના ચિત્રની કિંમત વધતી રહી. પરંતુ સમીરના મિત્ર અને કલાના સંગ્રાહક હર્ષ ગોએન્કાના મતે આ ચિત્ર જોરદાર નેગેટિવ કંપનો આપતું હતું એટલે સમીરે સપ્ટેમ્બર ૨૦૦૨માં ક્રિસ્ટી માં હરાજી માટે મૂક્યું; તેને કોઈ પણ ભારતીય ચિત્ર કરતાં ઊંચી કિંમતે દર ચોરસ ઇંચના આધાર પર $૧૦૭,૫૫૦ માં વેચાયું.
****
ટાઈમ્સની પુરાણી ઇમારત આધુનિકતાના બહાના સામે પોતાનું ગૌરવ જાળવી શકી છે. બહારનો દેખાવ જળવાઈ રહયો છે, અંદર ફેરફાર થતા રહ્યા છે. છતાં અંદર પણ લોખંડના ઢાળાના થાંભલા રહેવા દેવાયા છે.
****
સરકાર કે રાજકારણીઓને બનાવી કે મિટાવી શકે એવાં એક શક્તિશાળી સામ્રાજ્યના અધિપતિ હોવા છતાં સમીરને ક્યારેય રાજકારણમાં રસ ન હતો. પ્રફુલ પટેલ હજી ઉડ્ડયન ખાતાંના પ્રધાન નહોતા બન્યા ત્યારે સમીર એમને મળ્યા અને પૂછ્યું, ” તમે કયા પક્ષમાં છો?” એમનો પરિચય કરાવનાર પ્રદીપ ગુહા માટે આ સરી એવી મૂંઝવણ ઉભી કરનારી વાત હતી.
****
ગુહા શિવ સેનાના સુપ્રીમો ની વાત ખુશી ખુશી કરતા. એ વારંવાર ફોન પર ગુહાને ટાઇમ્સમાં શું આવવું જોઈએ અને શું ન આવવું જોઈએ તેની સલાહ આપતા. ” તો મેં એક દિવસ એમને કહી દીધું, ‘ બાલાસાહેબ, તમે અહીં આવીને મારી ખુરશી પર શા માટે બેસી નથી જતા?'”
****
કોઈ પણ સંસ્થામાં જાતીય સતામણી સ્ત્રીઓ માટે અને મેનેજમેન્ટ માટે એક વ્યાવસાયિક ખતરો છે. પર્સનલ મેનેજર કે ક્યારેક તંત્રીઓ પણ એવું કરતા હોય છે. ટાઇમ્સમાં મેડિકલ રૂમમાં આવો ડોકટર હતો. મહિલાઓનું પ્રતીનિધી મંડળ જી.એમ. ડૉ. તરનેજાને મળ્યું. આ રીતે ત્રણ વાર રજૂઆત કર્યા પછી એ માણસને દૂર કરવામાં આવ્યો.
****
ટાઇમ્સમાં રોમાંસના કિસ્સાઓ બન્યા હતા અને એમાં કેટલાકમાં સુખદ પરિણામ પણ આવ્યાં હતાં.
****
જૈન પરિવારના રહેણાક ઘરો દિલ્હી અને મુંબઈમાં મુલાકાતે આવતા સિનિયર સ્ટાફના ગેસ્ટ હાઉસ તરીકે પણ વપરાતા. ભોજન ઘરના ખોરાકની જેમ કાળજી લઈને બનાવવામાં આવતો. સવારના નાસ્તામાં સામાન્ય રીતે શાકભાજી ઉમેરેલા પૌવા, સંભાર સાથે ઈડલી કે ઢોસા બનાવવામાં આવતા, સાથે તાજી બનાવેલી ચટણી પણ બનતી. પછીથી ઈંડાં નો ઉમેરો થયો પણ એનો માત્ર સફેદ ભાગ જ આપવામાં આવતો.
નામકરણની રમત
ટાઇમ્સના સ્ટાફમાં દરેકની કોઈ લાક્ષણિકતા પરથી કે નામ પરથી ટૂંકાવીને નવું નામ પાડવાની રમત ચાલતી રહેતી અને એમાં આર. કે. લક્ષ્મણનો પણ ફાળો રહેતો. જેમ જયદીપ બોઝને જોજો કહેવામાં આવતા એમ કે. સુબ્રહ્મમનીયમને બોમ્બમામા કહેવામાં આવતા (અણુબોમ્બની વકીલાતને કારણે). તેઓ ડાયાબિટીક હતા અને પછી તેમને કેન્સરનું પણ નિદાન કરવામાં આવ્યું. તેઓ ટોપ મેનેજમેન્ટ સાથેની પીડાકારક મુલાકાતોને કેમોથેરપી કહેતા દિલીપ પડગાંઓકરને પેડી કહેતા અને તેમના મજબૂત ફ્રેન્ચ સંધાનને કારણે દિલીપને ફિલિપ પણ કહેતા.
જગ સુરૈયાનું તો કંઈ નામ નહોતું પાડ્યું, એનું નામ પહેલેથી જ ટૂંકું હતું. એમના મૂળ શહેર કલકત્તામાં મોટાભાગના લોકો બંગાળીમાં યુગનો જે રીતે ઉચ્ચાર કરે છે એમ જુગ કહેતા. આ બાબતમાં જગ ખુદ ક્યારેક આ વાત કરવાનો આનંદ લેતા. એકવાર જગ કલકત્તાના સૌથી જાણીતા બંગાળી હોમિયોપેથ પાસે ગયા. રોગગ્રસ્ત લોકો વચ્ચે બે કલાક સુધી રાહ જોઈને કંટાળ્યા એટલે ધોતીધારી રિસેપ્શનિસ્ટ પાસે જઈને એમના પછી આવેલા લોકોને ડોક્ટર પાસે મોકલ્યા પણ પોતાને હજી કેમ બોલાવ્યા ન હતા એ વાતનો ઉગ્ર વાંધો ઉઠાવ્યો. બંગાળી રિસેપ્શનિસ્ટે તેનો ટોકન નંબર જોયો અને સામો ઉગ્ર વિરોધ કર્યો, ” આપની કી નોનસેન્સ બોલ ચે ? તમારું નામ મેં ત્રણ વાર ઉચ્ચાર્યું હતું, યુગ શુરજો, યુગ શુરજો, યુગ શુરજો.”
મુંબઈની ટાઈમ્સ ઇમારતના ચોથા માળ પર ખુશવંત સિંહની રમૂજપ્રેમી ટીમ લેબલ લગાવવાના કામમાં બહુ પ્રવૃત્ત રહેતી. કુર્રતુલએન હૈદર ” અન્ની ” જબરદસ્ત બૌદ્ધિક હતાં પણ સ્કૂલની છોકરી જેવી તોફાની ટીખળની સમજ ધરાવતાં અને અજોડ “નામ પાડનારા” હતાં .
ધર્મયુગના તંત્રી ધર્મવીર ભારતીના મોઢામાં હંમેશાં સિગાર રહેતી એટલે એમને અલ કપોન નામ અપાયું હતું. ફાતમા ઝકરિયા “મા ઝેક્સ” કહેવાતાં અને એ કહેનારા હતા જીગ્સ (જય ઇન્દર) કાલરા અને બિક્સ (બિક્રમ) વોરા. એક સહકર્મચારીના પુત્રને કાઉબોયની જેમ બોલાવતા રમેશ ચંદ્રનને એ છોકરાએ ‘ બેંગ બેંગ ‘ નામ આપ્યું હતું. ક્રોસવર્ડ બનાવનારા, ક્રિકેટ અને ફિલ્મ સંગીત પર લખતા રાજુ ભારતનને કોઈએ આ રીતે બોલાવ્યા: ” રા – જુ – ભા – ર – તન, તમારો ફોન ! ” ભારતને ઊંચું જોઈને એમની ટેવ મુજબ નાકની બંને બાજુએથી આંગળી લગાડીને કહ્યું, ” મને તમારા અવાજમાં irony લાગે છે. ” એટલે એમનું નામ પડ્યું The Irony Detector.
*******
બેનેટ કૉલમેન દ્વારા વર્ષ ૨૦૦૫ માં ભારતનું પ્રથમ કોમ્પેક્ટ પેપર મુંબઈ મિરર બહાર પાડવામાં આવ્યું અને એના પ્રિન્ટિંગ માટે હિન્દુસ્તાન ટાઇમ્સના પ્રેસનો ઉપયોગ કર્યો, કેમકે તેમની પાસે છાપવાની ક્ષમતા રહી ન હતી. મુંબઈ મિરર પણ ટાઈમ્સના બધા જ પ્રકાશનોની જેમ મુખ્ય જહાજનું રક્ષણ કરવા માટેની સમીર જૈનની ફ્લોટિલ્લા (નાના જહાજોનો કાફલો) સ્ટ્રેટેજી નો ભાગ હતો.
આનો એકદમ સ્પષ્ટ દાખલો હતો વિજયપત સિંઘાણીયાના ઇન્ડિયન પોસ્ટ ની સામે શરૂ કરાયેલ ધ ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટમાં ઉત્તમ પ્રકારના કાગળ પર સુંદર છાપકામ કરવામાં આવતું અને એના માટે ઇન્ડિયન પોસ્ટમાંથી છુટા કરાયેલ વિનોદ મહેતાને તંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એમ છતાં આ બધું તો ૨૦૦૫માં હિન્દુસ્તાન ટાઈમ્સ મુંબઈમાં આવ્યું અને દૈનિક ભાસ્કરનું નવું ડીએનએ પ્રગટ થયું એની સરખામણીમાં રમકડાના સૈનિકોની લડાઈ સમાન હતું. એ બંને અખબારો દેશના સૌથી મોટા જાહેર ખબર ના બજારમાંથી મોટો ભાગ ખેંચી લેવા માગતા હતા. ટાઈમ્સએ તમામ સ્થાપિત તેમજ નવા ઉપાયો દ્વારા પોતાના ઇજારાશાહી ગઢને બચાવવા પ્રયત્ન કર્યા. હજુ પણ જાહેરાતની આવક અને ફેલાવવામાં ટાઈમ્સ આગળ રહ્યું છે. બેંગલોરમાં ડેકન હેરાલ્ડનું વર્ચસ્વ હતું ત્યાં ટાઈમ્સએ પોતાના વિશિષ્ટ આધુનિક કોસ્મોપોલિટન વલણથી તેને પાછું પાડી દીધું . “ચેન્નાઇમાં એક સમયે પાટલૂન જોવા ન મળતી, હવે લૂંગી ભાગ્યે જ દેખાય છે,” આ પરિવર્તનને પકડવાનો અમારો હેતુ હતો, એમ રવિ ધારીવાલે કહ્યું હતું. એના માટે એક અજોડ જાહેરાત સર્જવામાં આવી હતી – A Day In The Life of Chennai. [1]ચેન્નાઈની ૩૬૯મી જયંતિ વખતે એને રિલીઝ કરવામાં આવી. આ જીંગલ ‘નક્કા મુકા ‘ ને કેન્સનો એવોર્ડ 2009 માં મળ્યો હતો. ચેન્નાઈમાં હિન્દુનું વર્ચસ્વ હતું ત્યાં થોડા જ માસમાં ટાઈમ્સે અઢી લાખ કોપી નો આંકડો પાર કરી દીધો.
+ + +
દોઢ શતાબ્દિની ઉજવણી
૧૯૮૮ – ૧૯૮૯નું વર્ષ sesquicentennial હતું એટલે કે ૧૫૦ વર્ષની જયંતિ. એવી શંકા થાય કે આ શબ્દ ટાઈમ્સથી થોડા સમય પહેલાં જ પોતાની જયંતિ ઉજવનાર લા માર્ટીનીઅર દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો હોય અને, બચી કહે છે તેમ, ટાઇમ્સમાં થોડા સમય પહેલાં જ આવેલા તેના હોંશિયાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ચંદન મિત્રા અને સ્વપન દાસગુપ્તા દ્વારા સૂચવાયો હોય શકે.
આ દોઢસોમી જયંતીથી ઓલ્ડ લેડી ઓફ બોરીબંદર ને એક શક્તિશાળી યુવતી બનાવી દીધી અને ટાઈમ્સને એક અખબારમાં બ્રાંડમાં પરિવર્તિત કરી નાંખ્યું. સમીર જૈનનું આ જ વિઝન હતું અને એની ઉજવણી એમની તરવરતભરી બહેન નંદિતાનું સર્જન હતી. એને નક્કર સ્વરૂપ આપનારા હતા એડવર્ટાઇઝિંગના વડા પ્રદીપ ગુહા અને ૧૯૮૨ના અંતમાં જોડાયેલા પ્રીતિશ નંદી, જેમને ” ઇલસટ્રેટેડ વિકલી, ફિલ્મફેર, ધ ઈંડીપેન્ડન્ટ, ઈવનીંગ ન્યૂઝ – જે બીજું કોઈ ન ચલાવી શકે તે – નો ચાર્જ સોંપાયો હતો” એવું એમની આગવી નમ્રતાપૂર્વક તેઓ કહેતા.
આ ઉજવણીમાં કંઈક અદભૂત, ઝમકદાર કરવાનો ઇરાદો હતો. કૈંક મોટું, એવું જે કલ્પના અને શક્તિનું પ્રદર્શન કરે એને એ પણ એવી રીતે જે કેવળ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જ કરી શકે. જયુબિલીથી એના જન્મના શહેર સાથે પુનઃ સંધાન કરવાની તક ઝડપી લેવામાં આવી.
નવેમ્બર ૩, ૧૯૮૮ના રોજ વડા પ્રધાન રાજીવ ગાંધી મુંબઈ આવ્યા અને સોનેરી પાર્શ્વભૂ પર લક્ષ્મણના સામાન્ય માણસની સ્ટેમ્પ રિલીઝ કરી.
નંદીનું વિકલી કલાકારોને ઉત્તેજન આપવાનું કરી કરતું હતું એટલે મુંબઇના હાર્દ સમા વિક્ટોરિયા ટર્મિનસ પર જ એક મોટો આર્ટ ઇવેન્ટ યોજવાનો વિચાર રજૂ થયો.
“અરે, ગાંડા થયા છો? લોકો ધમાલ મચાવી નાંખશે, સલામતીની વ્યવસ્થા પાછળ પૈસાનું આંધણ થશે.”
નંદીએ જવાબ વાળ્યો, ” મારો વિશ્વાસ કરો, આપણને સિક્યુરિટીની જરૂર નહિ પડે. દરેક કામની જવાબદારી હું લઈશ. આપણે પ્રદર્શનનો વીમો લઈશું.”
ટાઈમલેસ આર્ટ નું લોકોના આશ્ચર્ય અને અહોભાવ સાથે ઉદઘાટન થયું. સ્ટેશનના પ્રવેશખંડ અત્યાર સુધી અંધકારમાં રહેલ ફ્રેડરિક વિલિયમ સ્ટીવનના બોમ્બે ગોથિક સર્જનના આર્કિટેકચરની શોભા લાઈટિંગને કારણે એક માસ્ટરપીસ તરીકે પ્રગટ થઈ. પછીના બે સપ્તાહ સુધી આમ જનતાને આ પ્રદર્શન આકર્ષિત કરતું રહ્યું. લાખો લોકોએ એમની રોજની દોડધામમાં સ્ટેશનને આવા દર્શનીય પ્રકાશમાં જોયું ન હતું. તેઓની ટ્રેન ભલે જતી રહે, રાત્રિભોજન ભલે મોડું થાય. આવો નજારો ફરી ક્યારે જોવા મળે? ત્યારે પ્રમાણમાં ઓછા જાણીતા અસ્તાદ દેબુએ પોતાનો દેશી – ગ્લોબલ સ્પર્શ આપ્યો. આધુનિક નૃત્યનો એ પ્રથમ પુરસ્કર્તા હતો જે પોતાની ભરત નાટ્યમ, કુચિપૂડી અને કથકની તાલીમને માર્થા ગ્રેહામ હેઠળ શીખેલ કોરિયોગ્રાફી સાથે સંયોજતો હતો.
પ્રદર્શનનો આખરી પડાવ હતો હરાજી. એના માટે કોઈ સ્થાનિક હરાજી કરનારો ન ચાલે. સ્કોટ કવિ વોલ્ટર ડી લા મેરનો પરભત્રીજો (grandnephew) એ કાર્ય કરવા માટે સંમત થયો. સોધબીઝ ના રેકર્ડમાં પણ તેની અભૂતપૂર્વ હરાજી તરીકે પ્રશંસા થઈ છે. એમાં નવા અને જુના 35 કલાકારોના કામનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એના દ્વારા ઘણા કલાકારો આંતરરાષ્ટ્રીય તખ્તા પર આવ્યા નલીની માલિની, મનજિત બાવા, એન.એસ. બેન્દ્રે, ભુપેન ખખર, મનુ પારેખ, માધવી પારેખ, ગીવ પટેલ, એલેક્સ મેથ્યુ, તૈયબ મહેતા, મૃણાલીની મુખર્જી, પુષ્પમાલા, રવિન્દ્ર રેડી, હિંમત શો, નીલિમા શેખ, જી.એમ. શેખ, કે.જી. સુબ્રમણ્યમ અને વિવાન સુંદરમ ઇત્યાદિ.
આ માટેનું સ્થળ પણ અભૂતપૂર્વ હતું: નેવી નગરનું ટ્રેનિંગ શિપ જવાહર. સફળ બીડ કરનારા માં હિન્દુજા હતા, પણ એ રાત્રે ઇતિહાસ સર્જનારા બીજા હતા. એમ એફ હુસૈનું એક ચિત્ર ત્યારે બહુ મોટી લાગે એવી ₹ ૧૦,૦૦,૦૦૦ ની રકમમાં વેચાયું. એ ચિત્ર હીરાના એક વેપારીએ લીધું અને નંદીના કહેવા પ્રમાણે, ” એવી અફવા હતી કે એ કલાકારે એવો સોદો કર્યો હતો કે જો એ હરાજીમાં ૧૦ લાખની બોલી આપશે તો તે એમને પોતાના ત્રણ ચિત્રો મફત આપશે.”
અન્ય એક યાદગાર ઉજવણી હતી “અસામાન્ય રાગો”. જેની સંપૂર્ણ જવાબદારી નંદિતાએ ઉઠાવી હતી.[2]
આ અવસર પર આઠ સુંદર કોફી ટેબલ બુક્સ પ્રગટ કરવામાં આવી જે આજે પણ કલેકટર્સ આઈટમ ગણાય છે.
સૌથી મોટી હાજરીને આકર્ષનારો કાર્યક્રમ હતો હ્યુમન રાઈટ કોન્સર્ટ. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલ હ્યુમન રાઇટ્સ નાઓ કોન્સર્ટમાં રજૂ થયા ટ્રેસી ચેપમેન, પીટર ગેબરીયલ, સ્ટિંગ અને બ્રુસ સ્પ્રિંગસ્ટીન .
મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને સીરી ફોર્ટ પર ફેશન શો યોજાયો.
મુંબઈના ડી એન રોડ પરની ઇમારતમાં ઇન્ટિરિયર હાફિઝ કોન્ટ્રાક્ટરે (જેને મજાકમાં ફુલ ફીસ કોન્ટ્રાક્ટર કહે છે તેણે) ડિઝાઇન કર્યો.
સૌથી મોટો કાયાપલટનો દાખલો હતો બીજા માળનો. ગરમ અને ગાંડા ટાઇપ સેટિંગના રૂમની જગ્યાએ શો પીસ જેવો નવો ખંડ બન્યો, જ્યાં રિસ્પોન્સ ” નામ અપાયેલા એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ ને મૂકવામાં આવ્યું. આ માળ પર બહારના લોકો સૌથી વધુ આવતા. રાજસ્થાની ઝરોખા, ફ્રેમમાં મઢેલી મહત્વની જાહેરાતો અને વર્તમાન કલાની નકલો મૂકવામાં આવી હતી. જૂના લોખંડના સ્તંભ પર ચમકદાર બ્લુ અને ઓરેન્જ રંગો લગાડવામાં આવ્યા હતા. ન્યૂઝ રૂમમાં રેસીડેન્ટ એડિટર ડેરિલ ડી મોન્ટેએ ફ્લોર ગ્રેનાઇટનું ન બનાવવા દીધું, એની બદલે કોટા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો.
ડેરિલ આઠ વર્ષ બહાર કામ કર્યા પછી ટાઇમ્સમાં પાછો ફર્યો હતો. ટાઈમ્સના સેસ્ક્વીસેંટેન્નીઅલ માટે વિશેષ અંકો બહાર પાડવાનું આયોજન કરવાનું હતું. ઘણા ડમ્મી બન્યા, રદ કરાયા, એ બધાં કામમાં બે સિનિયર મહિલા પત્રકારો ટાઇમ્સમાં પાછી ફરી હતી તેઓ ડેરિલને મદદ કરી રહી હતી. એક વાર તંગ મનોદશામાં ડેરીલે તેના સેક્રેટરીને પૂછ્યું, ” પેલાં બે જૂનાં ડમી ક્યાં છે?” કાર્ટૂનિસ્ટ ઉન્નીએ જવાબ આપ્યો, “તેઓ ભોજન કરવા ગયાં છે.”
ઉજવણીમાં નંદિતા જૈનને મદદ કરનારી રિસ્પોન્સ ટીમની બે યુવાન મહિલાઓમાંની એક ઇન્દિરા દેઇશ નું કહેવું હતું, કે તેઓ ચાર વાગ્યે ઊઠીને પાંચ ત્રીસ વાગ્યે Morning Ragas ના પ્રસંગમાં પહોંચી જતાં, પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં કતારમાં ઉભા રહેતાં અને મહેમાનો પર ગુલાબજળનો છંટકાવ કરતાં; સામાજિક હળવા – મળવાનો અનુભવ થયો, આતિથ્યના અનેક પાસાંઓ શીખ્યાં. આ બધું ઓર્ડરથી નહિ પણ નંદિતા જૈન પોતે આ બધું જે રીતે કરતાં હતાં એના ઉદાહરણથી શીખ્યાં. ટીના સિંહ કહે છે, અમે અમારી વિશીની વયમાં હતાં અને આવા ઉચ્ચ કક્ષાના સંગીત, નૃત્ય અને ફેશન અંગે અજાણ હતાં. અહીં અમે ખુદ ઇવ સાં લોરાં (Yves St Laurent) ના કે સ્ટિંગ, બ્રુસ સ્પ્રિંગસ્ટીન અને ટ્રેસી ચેપમેનના શો સાથે સંકળાયા હતાં.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
[1] તંત્રી નોંધઃ આ વિડીયો ક્લિપ યુ ટ્યુબ પરથી સાંદર્ભિક સ્પષ્ટતા માટે જ અહીં લીધેલ છે.
[2] તંત્રી નોંધઃ આ ક્લિપ HOME / Music in context / Raga in Context/ TIME/ Morning Ragas પર જવાથી સાંભળી શકાય છે.
૧૭ -૧૦ ૨૦૨૪ના હવે પછીના, છેલ્લા, મણકામાં, બચી કરકરિયાની નજરે ટાઈમ્સ ગ્રૂપ અને જૈન પરિવાર વિશે પરિચય કરીશું.
