કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)

જગત જતનકર

માનવ મગજ અત્યંત ક્લિષ્ટ વ્યવસ્થા છે. તેમાંના વિવિધ વિભાગો, તેમાંના ૮૬ અબજ ન્યૂરોન્સ (ચેતાકોષો) અને અબજો જોડાણ કઈ રીતે કામ કરે છે તે હજી સુધી પૂરું સમજમાં આવ્યું નથી. વિશ્વભરમાં અજાયબ ગણાતી અનેક શોધોની પાછળ માનવમગજે કામ કર્યું હોવા છતાં કહેવાય છે કે “Brain can not solve it’s own mystery”. માનવશરીરમાં દોઢેક કિલો વજન ધરાવતું મગજ શરીરના વજનનો ૪૦મો ભાગ થાય પણ શરીરમાં વપરાતી ઊર્જાનો ચોથો હિસ્સો એકલું મગજ વાપરી જાય છે. ઊર્જાની આટલી મોટી જરૂરિયાત પૂરી પાડવા તેનો ૬0% હિસ્સો ચરબીનો બનેલો છે.

તેમાં સ્નાયુઓ નથી, તેને હલનચલન કરવાનું નથી પણ શરીરની તમામ પ્રક્રિયાઓ જેવી કે, ઉષ્ણતામાન જાળવવું, ભૂખ-તરસનો અહેસાસ કરવો, અંત:સ્ત્રાવી ગ્રંથિઓ પર નિયંત્રણ રાખવું, અંગો-અવયવોના સ્નાયુ પર નિયંત્રણ, શ્વસન, હૃદયના ધબકાર, ઊંઘ જેવાં આપમેળે થતાં કામો પર નિયંત્રણ, દષ્ટિ-શ્રવણ-સ્વાદ-સુગંધ-સ્પર્શનો અહેસાસ કરવો. ઊંઠ- બેસ કરતા શરીરનું સમતોલન જાળવવું, ભાષા અને બોલવા પર નિયંત્રણ વગેરે તમામ કામો જન્મથી મૃત્યુ પર્યત ને દિવસ-રાત બખૂબી કરે છે.

આ ઉપરાંત ભાવનાઓને સમજવી, જીવનભરમાં મળેલી માહિતી અને અનુભવોને સાચવવાનું, તેમનું વિશ્લેષણ કરવું, ગણતરી કરવી, કાર્ય-કારણ સંબંધ સ્થાપવો-સમજવો, તારણ કાઢવું, તેમાંથી બોધ પ્રામ કરવો અને જરૂર પડે યોગ્ય નિર્ણય લેવાનું અને તેને અમલમાં મૂકવાનું તથા તે માટે યોગ્ય કૌશલ્ય પ્રાસ કરી ધાર્યું પરિણામ મેળવવા મથવાનું કામ પણ આખરે મગજ જ કરે છે. સામાન્ય ભાષામાં હૃદય અને મન જેને માટે જવાબદાર ગણવામાં આવે છે તે દાક્તરની ભાષામાં મગજનાં જ
કામો છે. શરીરતંત્રને ચલાવવા સિવાયનાં જે કામોની યાદી ઉપર આપી છે તે એક રીતે બુદ્ધિ છે. દરેક વ્યક્તિની બુદ્ધિ અને તેના વિકાસ માટે માતા-પિતા તરફથી મળેલો વારસો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમ છતાં ઉછેર દરમ્યાનના વાતાવરણ અને તાલીમની અમુક અંશે અસર થતી હોય છે.

બુદ્ધિ એટલે શું?

ઓક્સર્ફ્ડના શબ્દકોષમાં કહેવાયું છે કે “બુદ્ધિ એટલે સમજવા, શીખવા અને વિચારવાની ક્ષમતા’. મેરિઅમ-વેબસ્ટરના શબ્દકોષમાં જણાવ્યા પ્રમાણે “બુદ્ધિ એટલે શીખવા કે સમજવા કે નવી પરિસ્થિતિ સાથે પનારો પાડવાની ક્ષમતા’. એમાં બીજો અર્થ છે, “આસપાસના વાતાવરણને બદલવા જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા’ અથવા “નિરપેક્ષ રીતે વિચારવાની એવી ક્ષમતા જે માપી શકાય’. ખેર, વિવિધ માનસશાસ્ત્રીઓએ બુદ્ધિની વિવિધ વ્યાખ્યા કરી છે.

દરેક બાળક પ્રાકૃતિક રીતે બુદ્ધિ લઈને જ જન્મે છે, તેનાથી તે ઓછા સમયમાં વધુમાં વધુ શીખવા પ્રયત્ન કરે છે. આ શીખને કારણે ભવિષ્યની ઘટનાઓ અને જરૂરિયાતોનો વિચાર કરી આયોજન થાય છે. ભૂતકાળમાં પ્રાસ અનુભવોનો લાભ લેવાની ક્ષમતા આવે છે. તેનાથી સારા-નરસાનો વિવેક કરવાની સભાનતા પ્રાસ થાય છે. પુરુષો અને સ્ત્રીઓને પ્રાસ જન્મજાત બુદ્ધિમાં કોઈ ઝાઝો ફેર નથી પણ દરેક વ્યક્તિ અલગ અલગ રીતે અને માત્રામાં બુદ્ધિ ધરાવે છે. બુદ્ધિનો વિકાસ કિશોરાવસ્થા સુધીમાં થઈ જાય છે. આપણે ત્યાં કહ્યું છે ને કે સોળે સાન અને વીસે વાન !

બુદ્ધિનો પ્રકાર

હોવર્ડ ગાર્ડનર નામના એક માનસશાસ્ત્રીએ ૧૯૮૩માં લખેલ પુસ્તક “frames of mind“માં બુદ્ધિના આઠ પ્રકાર વર્ણવ્યા છે.

૧. વિશેષ પ્રકારની બુદ્ધિ : કોયડાને સારી રીતે ઉકેલી શકે,પેટર્નને સારી રીતે ઓળખે અને ચિત્રોનું સારું અર્થઘટન કરે.

૨. શરીર અને અંગમરોડ માટેની બુદ્ધિ : શારીરિક હલચલ અને સ્નાયુઓ પર સારો કાબૂ, રમતોમાં હોંશિયાર, શરીરનાં અંગોનું અદ્ભુત સંયોજન કરવાની ક્ષમતા, સાંભળીને કે જોઈને નહીં પણ જાતે કરીને યાદ રાખવાનું પસંદ કરે.

૩. સંગીત માટેની બુદ્ધિ : ગીત-સંગીતને માણી શકે, અવાજ અને પેટર્નને આધારે વિચારે, સંગીત રચે.

૪. તર્કમય અને ગાણિતિક બુદ્ધિ : ગણિતના દાખલા ફટાફટ ગણે, અઘરી ગણતરીઓ પણ સમજે, એબ્સ્ટ્કેટ વિચારો પર વધુ મગજ ચાલે.

પ. આંતરવ્યક્તિ બુદ્ધિ : બીજાને સારી રીતે સમજે, તંદુરસ્ત દોસ્તી બાંધે ભાવનાત્મક સંબંધો ખૂબ મજબૂત હોય, બે જણ વચ્ચેનાં ઘર્ષણોને સારી રીતે ઉકેલે.

૬. વ્યક્તિકેન્દ્રી બુદ્ધિ : જાતનું નિરીક્ષણ અને આત્મસંશોધન વધુ કરે, પોતાની ક્ષમતા-નબળાઈઓને વધુ સારી જાણે, પોતા માટે ખૂબ જાગૃત રહે, પોતાની ભાવનાઓ માટે સંવેદનશીલ હોય.

૭. ભાષાવૈભવ માટેની બુદ્ધિ : શબ્દો, ભાષા, વાંચન અને લેખનમાં રસ પડે, જાહેર સંભાષણ સારું કરે, સારી રીતે સમજાવી શકે.

૮. પ્રકૃતિ તરફની બુદ્ધિ : પ્રકૃતિના તાણા-વાણા સારી રીતે સમજે. વનસ્પતિશાસ્ત્ર, જીવશાસ્ત, પ્રાણીશાસ્ત્રમાં રસ પડે. પ્રકૃતિની કદર કરે, ખેતી-બાગકામ-પ્રકૃતિભ્રમણને વિશેષ માણે.

અલબત, આવા વર્ગીકરણનાં સ્પષ્ટ ચોકઠાં નથી હોતાં. જેમ મગજનું છે તેમ બુદ્ધિ વિશેના ખ્યાલો હજી સ્પષ્ટ નથી, અને વિકસી રહ્યા છે. નિષ્ણાતોમાં પણ મતમતાંતર પ્રવર્તે છે. પણ ઉપરોક્ત સમજણ એટલા માટે જરૂરી છે કે બુદ્ધિ એટલે માત્ર તાર્કિક, ગાણિતિક અને કોયડા ઉકેલવાની ક્ષમતા નહીં પણ ઉત્તમ સંગીતકાર, ખેડૂત, પક્ષીવિદ્‌, શિલ્પકાર, ટીમનો કેપ્ટન કે કુટુંબને સાચવતી ગૃહિણી પ્રખર બુદ્ધિશાળી હોય છે! આવી સમજના અભાવે ભ્રમમાં રહેતા લોકો ગણિત-વિજ્ઞાનમાં ઓછા ગુણ લાવનારા બાળકને “ડફોળ’નું લેબલ લગાવી દે છે, આવા બાળકની બુદ્ધિનો સારો ઉપયોગ તેને
રમતવીર કે કવિ કે પ્રકૃતિવિદ્દ બનવાની તક આપવાથી અચૂક થયો હોત! એ દષ્ટિએ બીથોવન, લતા મંગેશકર, સચિન તેંદુલકર, રતન ટાટાને પણ બુદ્ધિશાળી ગણવા જોઈએ; માત્ર સ્ટીફન કોવીન કે રામાનુજનને જ નહીં! દરેકે પોતાની બુદ્ધિ કઈ રીતે અને શેના ભોગે વાપરી તે વાત અલગ છે!

બુદ્ધિનો વિકાસ : મગજ અને બુદ્ધિ વિશેની આ છણાવટ કૃત્રિમ બુદ્ધ (AI)ને સમજવાની પૂર્વભૂમિકા રૂપે છે. આ લેખનો હેતુ ટેક્નોલોજી અને માનવજાત વચ્ચેના સંબંધને સમજવા માટે છે, કેળવણી વિશે નથી ; એટલે એ ચર્ચાને અહીં જ રોકીએ. ખેર, ઉત્ક્રાંતિ દરમ્યાન માણસજાતની બુદ્ધિનો વિકાસ થયો છે. મગજના કદનો વિકાસ અને બુદ્ધિના વિકાસને સીધો સંબંધ છે. આદિમાનવ પાદડાં-કંદ ખાઈને જીવતો ત્યારે તેનું જઠર મોટું, આંતરડાં લાંબાં હતાં અને મગજ નાનું હતું! બુદ્ધિના વિકાસને લીધે જ તેણે સાધનો (Tools) શોધ્યાં, પૈડું શોધ્યું, અમિનો ઉપયોગ કરતો થયો.

આ સાધનોના વિકાસમાંથી ધીરે ધીરે ટેક્નોલોજીનો વિકાસ થયો. તેનો પોતાનો એક અદ્ભુત ઇતિહાસ છે. આજે વિજ્ઞાનની વિવિધ શાખાઓને આધારે મંગળ પર પહોંચવાથી માંડી, જનીન ઈજનેરી થકી ડિઝાઈનર બેબી વિકસાવે, લંડનમાં બેઠેલા દાક્તર દિલ્હીની હોસ્પિટલના ઓપરેશન થિએટરમાં સૂતેલા દર્દીનું ઓપરેશન કરે અને મીઠી વીરડીના અણુમથક સામે વ્યૂહાત્મક આંદોલન થકી યોજના પડતી મુકાય તે બધા જ અલગ અલગ રીતે બુદ્ધિના આવિર્ભાવ ગણાય! અલબત્ત, બુદ્ધિ સિવાયનાં ય પરિબળો જરૂર કામ કરતાં હોય છે! આમ, ઉત્ક્રાંતિ દરમ્યાન માનવબુદ્ધિનો ક્રમશઃ વિકાસ થયો અને આજે એ જ માનવબુદ્ધિ કૃત્રિમ બુદ્ધિનો પણ એવો વિકાસ કરવા માંડી છે કે એ બે વચ્ચે હરીફાઈ થઈ શકે!


સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩