દીપક ધોળકિયા
આ લેખ શરૂ કરતાં પહેલાં એક ભૂલ બદલ ક્ષમા માગવાનું જરૂરી છે. ઘટનાક્રમમાં આ બન્ને વિદ્રોહોની કથા ચોરી ચૌરાથી પહેલાં અને ગદર પછી છે, પણ એ શરતચૂક થઈ છે. જાગ્રત મન તો આદિવાસીઓના સંગ્રામનું મૂલ્ય જરાય ઓછું નથી આંકતું પણ સુષુપ્ત મન કદાચ અંદરના શિક્ષિત, શહેરી મધ્યમ વર્ગીય માણસની ટેવોથી મુક્ત નથી થયું એટલે જ આ બન્ને ઘટનાઓ ક્રમમાં હોવા છતાં લખવાનું રહી ગયું. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર.
૦૦૦
રાજસ્થાન અને ગુજરાતમાં ભીલોનો બળવો;
છોટા નાગપુર (ઝારખંડ)માં ટાના ભગતનું આંદોલન
ભીલો
કોંગ્રેસની સ્થાપના પછી દેશમાં ત્રણ મોટા જન સંહાર થયા. જલિયાંવાલા બાગની ઘટનાથી આપણે પરિચિત જ છીએ. તે પછી કિસ્સા ખ્વાની બજારમાં અહિંસક પઠાણો પર બેફામ ગોળીબાર. પણ સૌથી પહેલો નરસંહાર ગુજરાત અને રાજસ્થાનની સરહદે બાંસવાડા જિલ્લાના માનગઢના પહાડોમાં થયો. અંગ્રેજો અને દેશી રાજાઓએ મળીને ૧૫૦૦ ભીલોને મોતને ઘાટે ઉતારી દીધા. આજે પણ ભીલો એને માનગઢ ધામ તરીકે ઓળખે છે.
આ આંદોલનના નેતા ગોવિંદ ગુરુ પોતે ભીલ નહોતા, એ લંબાડા (વણઝારા) હતા પણ અંગ્રેજો અને રાજાઓ સાથે મળીને શોષણ કરતા હતા તે એમનાથી જોઈ શકાયું નહીં. ભીલોએ મહારાણા પ્રતાપની સેનામાં ભારે કૌવત દેખાડ્યું હતું પણ એમનો ગૌરવશાળી ઇતિહાસ હવે શોષકોના પગ તળે ચગદાવા લાગ્યો હતો. એમના સ્વાભિમાન પર સતત હુમલા થતા હતા.
ગોવિંદ ગુરુએ પહેલાં તો એમનામાં સામાજિક સુધારા શરૂ કર્યા. દારૂ ન પીવો, માંસાહાર છોડવો, સ્ત્રીઓનું સન્માન કરવું, ચોરી ન કરવી, વગેરે.
ધીમે ધીમે ગુજરાત અને રાજસ્થાનના ભીલો એમના ઉપદેશોને માનતા થઈ ગયા. એમણે ગીતો પણ રચ્યાં:
अंग्रेजिया नई मानू. नई मानूं
हरि ना शरणा में गुरु गोविंद बोल्या
जांबू (देश) में जामलो (जनसमूह)जागे है,
अंग्रेजिया नई मानू. नई मानूं।।
(અંગ્રેજોને હું નહીં માનું. જંબુદેશમાં લોકો હવે જાગી ગયા છે. અંગ્રેજોને હું નહીં માનું…)
એમનું બીજું એક ગીત છે, જેમાં એમણે કહ્યું છે કે ભૂરિયા (અંગ્રેજો) જમીન લઈ લેવા આવ્યા છેઃ
दिल्ली रे दक्कण नू भूरिया, आवे है महराज।
मगरे झंडो नेके आवे है महराज।
नवो-नवो कानून काढे है महराज।।
दुनियां के लेके लिए आवे है महराज।
जमीं नु लेके लिए है महराज।।
હવે આદિવાસીઓ સંગઠિત થવા લાગ્યા અને એમના શોષક કોણ છે તે સમજવા લાગ્યા. ૧૮૮૩માં એમણે આદિવાસીઓ માટે સંપ સભાની સ્થાપના કરી. ૧૯૦૩માં એનું પહેલું સંમેલન મળ્યું ભીલોમાં જાગૃતિ આવી હતી. દેશી રાજાઓ પહેલાં એમની પાસે વેઠમજૂરી કરાવતા પણ હવે ભીલોએ એના માટે ચોખ્ખી ના પાડી દીધી. એમણે દારૂ છોડ્યો એટલે પીઠાં બંધ પડ્યાં અને સરકારની આવક ઘટવા લાગી. એમણે હવે ઉધાર લેવાનું બંધ કરી દીધું એટલે શાહુકારોની કમાણી પણ બંધ પડી. દેશી રાજાઓને ડર લાગવા માંડ્યો કે આટલી સશક્ત જાતિ જાગી જશે તો ક્યાંક એમનાં રાજપાટ ઝુંટવી ન લે!
૭મી ડિસેમ્બર, ૧૯૦૮ના રોજ સંપ સભાનું વાર્ષિક અધિવેશન માનગઢ ધામ ખાતે યોજાયું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ફરી ૧૯૧૩માં, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા. તેમના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે આદિવાસીઓ રજવાડાઓ કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.
તે સમયે ગુજરાત બોમ્બે પ્રાંત હેઠળ હતું.૧૦ નવેમ્બર ૧૯૧૩ના રોજ બોમ્બે પ્રાંતની સેના ટેકરી પાસે પહોંચી પણ ભીલોએ અંગ્રેજ ફોજને પીછેહઠ કરવા ફરજ પાડી. ટેકરીથી દૂર લશ્કર થંભી ગયું. ૧૨મી નવેમ્બરે એક ભીલ પ્રતિનિધિ ટેકરી પરથી નીચે આવ્યો અને ભીલોનો માંગણી પત્ર સેનાના ઊપરીને સોંપ્યો પરંતુ સમાધાન ન થઈ શક્યું. કરારના અભાવે, ડુંગરપુર અને બાંસવાડાના રજવાડાઓએ અમદાવાદના કમિશનરને જાણ કરી કે જો “સંપ સભા”ના ભીલોને જલ્દી દબાવવામાં નહીં આવે, તો તેઓ તેમના રાજ્યને લૂંટી લેશે અને પોતાનું રાજ્ય સ્થાપશે. અંગ્રેજ અધિકારીઓએ મેવાડ છાવણીમાંથી સેનાને બોલાવી. આ સેના ૧૭મીએ માનગઢ પહોંચી અને પહોંચતાની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો. કુલ પંદરસો મૃતદેહો એક પછી એક પડ્યા. ગોવિંદ ગુરુને પગમાં ગોળી વાગી હતી. તેઓ ત્યાં પડી ગયા. એમની ધરપકડ કરવામાં આવી. કેસ ચાલ્યો તેમાં એમને ફાંસીની સજા ફટકારવામાં આવી. પરંતુ બાદમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી. સારા આચરણને કારણે તેમને ૧૯૨૩માં મુક્ત કરવામાં આવ્યા. તેમની મુક્તિ પછી, તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના કંબોઇ ગામમાં રહેવા લાગ્યા. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લોકકલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહ્યા. ત્યાં ૧૯૩૧માં તેમનું અવસાન થયું.
આજે પણ માનગઢ ટેકરીના પથ્થરો પર પંદરસો આદિવાસીઓની શહાદત કોતરેલી છે. ભીલોએ જે ધૂણી પ્રગટાવી તે આજે પણ જીવંત છે.
ઝારખંડમાં ટાના ભગત આંદોલન
બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની અસર છોટા નાગપુર (હવે ઝારખંડ)માં પણ દેખાઈ. અહીં વટાળ પ્રવૃત્તિમાં માત્ર બ્રિટિશ મિશનરીઓ નહીં, જર્મની અને ઑસ્ટ્રિયાના મિશનરીઓ પણ સક્રિય હતા. વિશ્વયુદ્ધમાં બ્રિટન અને જર્મની સામસામે હતાં. આદિવાસીઓમાં જર્મન મિશનરીઓનો પ્રભાવ વધારે હતો. એમ મનાય છે કે જર્મન મિશનરીઓ એમના આદિવાસી અનુયાયીઓની બહુ મોટી સંખ્યાનો લાભ લઈને કંઈ અળવીતરાં ન કરે એટલા માટે બ્રિટિશ મિશનરીઓએ ટાના ભગત આંદોલન શરૂ કરાવ્યું. પરંતુ ટાના ભગત આંદોલન મુખ્યત્વે બ્રિટિશ સરકારની વિરુદ્ધ રહ્યું. એમાં ખાસ કરીને મુંડા અને ઉરાંવ આદિવાસી જોડાયા.
ટાના ભગત આંદોલનની શરૂઆત જતરા ભગત નામના એક વીસ-પચીસ વર્ષના યુવકે કરી. એણે જાહેર કર્યું કે એને ‘ધર્મેશ’ (ભગવાન)નાં દર્શન થયાં અને ભગવાને આદેશ આપ્યો છે કે ઉરાંવ આદિવાસીઓ હવેથી માત્ર ભગવાનની ભક્તિ કરશે
મતિયાવ (ભૂતપ્રેત) ની પૂજા વગેરે બંધ કરી દેશે. દરેક જણે સાદું જીવન જીવવાનું છે, માંસ, દારુ, નાચગાન, આભૂષણો છોડવાનાં છે. જતરા ભગતના આદેશોમાં વૈષ્ણવ અને કબીરપંથીઓની અસર સ્પષ્ટ દેખાય છે.
જતરા ભગતે આ સાથે જ ઉપદેશ આપ્યો કે ઉરાંવ કાયમી ખેતજમીન નહીં ખેડે અને એમની પરંપરાગત ઝૂમ ખેતી કરશે( આ પ્રકારની ખેતીમાં એક જગ્યાએ ઝાડઝાંખરાં બાળીને ખેતી કરાય છે, બીજા વર્ષે એ જમીનને પડતર રહેવા દેવાય છે કે જેથી એનાં રસકસ સચવાઈ રહે, દરેક પ્રદેશમાં એનાં જુદાં જુદાં નામ હોય છે). ઉરાંવને જમીનદારો કે સરકારના કર ચુકવવાની પણ મનાઈ કરી. થોડા જ વખતમાં દૂર દૂરના આદિવાસીઓ પણ એના અનુયાયી બની ગયા. હવે માત્ર ઉરાંવ જ નહીં બીજા આદિવાસીઓ પણ ભળ્યા. આમ ભૂતપ્રેતમાં આસ્થા હટાવવા માટે શરૂ થયેલું આંદોલન હવે આર્થિક બની ગયું. સત્તાધારીઓ અને જમીનદારો આદિવાસીઓને કૂલી સમજતા પણ હવે આદિવાસીઓ કૂલીગીરી કરવાની ના પાડતા થઈ ગયા. જતરાના ઉપદેશમાં ઉપભોગવાદ માટે જગ્યા નહોતી. એટલે એવાં કામો છોડવાનું આદિવાસીઓ માટે સહેલું થઈ ગયું.
સરકારે જતરા સામે કામમાં આડે આવવા બદલ કેસ કર્યો અને બે વરસની સજા કરી. તે દરમિયાન એની પત્નીએ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. ૧૯૧૫માં સજા પૂરી થતાં જતરા પાછો આવ્યો ત્યારે એ આંદોલનથી દૂર થઈ ગયો અને એક કોંટ્રૅક્તરને ત્યાં નોકરીએ લાગી ગયો. પણ જેલવાસ દરમિયાન એને રોગ લાગુ પડી ગયો હતો અને એનું થોડા જ વખતમાં મૃત્યુ થઈ ગયું.
જતરા પછી બીજા પણ ભગવાનનો આદેશ લઈને આવ્યા અને આંદોલન સંપૂર્ણપણે અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયું. ઉરાંવ હવે જર્મનીના વિજયનાં ગીતો બનાવતા થઈ ગયા. એમણે ‘જર્મન બાબા’ માટે ભજનો પણ બનાવ્યાં. એવામાં દુકાળ પડ્યો અને આદિવાસીઓ બીજે હિજરત કરવા લાગ્યા.
દરમિયાન સરગૂજાના નાના રજવાડામાં બળવો થઈ ગયો એમાં ૫૩ માણસ માર્યા ગયા. આ બળવો કિશન અને ઉરાંવ આદિવાસીઓએ કર્યો હતો. એમનો હેતુ બ્રિટન માટે દેશમાં અંધાધૂંધી ફેલાવવાનો હતો. જો કે એમણે હિંસાનો માર્ગ પહેલી વાર લીધો હતો. હિંસાચારમાં ઉરાંવનો ફાળો ઓછો રહ્યો તે ટાના ભગત આંદોલનનો પ્રભાવ ગણાય.
ધીરે ધીરે ભગત આંદોલનમાં નવા નેતા આવ્યા એમણે જતરા ભગતે આચારવિચાર માટે નક્કી કરેલાં ધોરણો હળવાં બનાવ્યાં, આંદોલન પણ રાષ્ટ્રીય આંદોલન તરફ ઢળવા લાગ્યું અને અંતે ગાંધીજીની રાંચીની એક મુલાકાત પછી પૂરેપૂરું ગાંધીજીના આંદોલનમાં ભળી ગયું.
૦૦૦
સંદર્ભઃ
૧. લેખક જનાર્દન ગોંડ https://www.forwardpress.in/2020/04/history-mangarh-bhil-tribes-hindi/
૩. સંજય કુમાર – Kumar, S. THE TANA BHAGAT MOVEMENT IN CHOTANAGPUR (1914-1920). Proceedings of the Indian History Congress, 69, 723-731. https://www.jstor.org/stable/44147236
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
