વસુધા ઈનામદાર

 

‘જરા ગાડી ધીમી ચલાવ ‘ સૌમ્યાએ સાર્થને કહયું.

સાર્થે હસીને ચાલુ ગાડીએ સૌમ્યા સામે જોયું. ,ને તે બોલ્યો , ‘તને મારા ડ્રાઇવિંગની બીક લાગે છે ?’
‘ના , એમ નથી પણ …… ‘

‘પણ શું ? સૌમ્યા જો તો ખરી આ રોડની શોભા ! એકબીજા તરફ ઢળેલાં આ વૃક્ષોએ કેવી સરસ કમાન બનાવી છે ! આ પેલા ઘનઘોર વાદળાં જો તો ખરી ! ગાગર છલકાય તેમ હમણાં જોતજોતામાં છલકાવાનાં, અરે એટલું જ નહીં ,ધોધમાર વરસી પડવાનાં, ને એના ઝાપટામાં આપડે ન સપડાઈએ એટલેજ સ્તો !! ‘

‘બસ બસ હવે રહેવા દે ! સાચું શું છે તે કહી દે ! ‘ સૌમ્યાએ સાર્થને કહયું.

‘સાચું કહું સૌમ્યા ,નીતા આંટીએ જ્યારથી આનિયાની વાત કરી છે ને , ત્યારથી મારું મન જાણે એ નાનકડી આનિયાની પાછળ પતંગિયાની જેમ ઉડાઉડ કરે છે. એના ફોટા જોયા ત્યારથી એક સુખદ અજંપો મનમાં ફેલાયો છે. એના નાના નાજુક હાથ, એના કાલાઘેલા શબ્દોની સરગમ, પણ પછી મારું મન ધીરેધીરે એના ચહેરા પર સ્થિર થાય છે. એનો નિર્દોષ ચહેરો અને એ ભલી ભોળી આંખો અને મા માટે એની આંખમાંથી દદડતાં આંસુ ! ‘

‘બસ કર સાર્થ , હું આનિયાને મળું તે પહેલાં જ તારે મને રોવડાવવી છે ?’

‘સોરી, સોરી સૌમ્યા ! પણ સાચું કહું સૌમ્યા ! મારા મનમાં વલોવતી મારી લાગણીના ફુવારા છે ! ‘

સાર્થે ,સ્ટીઅરિંગ પરથી હાથ ઉઠાવીને સૌમ્યના હાથ પર મુક્યો ! સૌમ્યા ક્યાંય સુધી સાર્થના
હૂંફાળા સ્પર્શને માણતી રહી !

થોડીવાર પછી હળવેથી સાર્થનો હાથ સ્ટીઅરિંગ પર મુકતા કહ્યું . ‘સાર્થ આપણે આનિયાના ફોટા અને વીડિયો જોયાં અને આપણને ફેસબુક પર જોયા,છતાં મને ખબર નથી કે આપણને જોતાં જ નાનકડી આનિયાની શું પ્રતિક્રિયા હશે, તે હું નથી જાણતી પણ મારા આ બે હાથોની, મારા હૃદયની, મારા છાતીમાં ધબકતા મારા ધબકારની એક જ પ્રતિક્રિયા હશે,
…… હું આનિયાને જોશથી મારી છાતીએ વળગાડી, મારા હૃદય સરસી ચાંપીને એને વહાલથી નવડાવી દઈશ ને કહીશ , ઓ મારી દીકરી આનિયા, તું જ મારી દીકરી છો ! ‘

સાર્થ ગંભીર અવાજે બોલ્યો ,’ સૌમ્યા, તને આ આપણો નિર્ણય બરાબર લાગે છે ? આપણે તો કોઈ સરોગસી કરવાવાળાં બહેનની શોધમાં હતાં ને આમ અચાનક તેં નિર્ણય બદલ્યો ! જોકે હું પણ તારી સાથે જોડાયો છું, પણ તને લાગે છે કે આપણે આ નિર્ણય લીધો છે તે બરાબર છે ? આપણાં માટે એ યોગ્ય નીવડશે ? કે પછી …… ?’

‘જો સાર્થ, સાચા ખોટા નિર્ણયની મને ખબર નથી ,નીતુ આંટી કહે છે તેમ , આપણે આ એક ઉમદા અને માનવતાભર્યું કામ કરવા જઈએ છીએ. જોકે એમાં આપણો સ્વાર્થ પૂરેપૂરો છે. આપણે મા-બાપ બનવાના સાર્થ ! કોવિડને કારણે અનાથ થયેલી દીકરીને, હું કાંઈ માત્ર દયા કે કરુણાથી નથી અપનાવતી. એના વિષે આખી વાત જાણી, એને ફેસબુક પર જોયા પછી મારી ઝંખનાની ઝાલરે જાણે વાત્સલ્યના સૂર રેલાવ્યા છેં અત્યારે તો હું આનિયાની મા બનવાની છું એની તૃપ્તિ અને પ્રસન્નતા અનુભવું છું ,એથી વિશેષ કાંઈ નહિ ! આપણે હવે એક જ નિર્ણય લેવાનો છે અને તે છે આનિયાને એના અસલી માબાપની ખોટ જિંદગીભર નહિ સાલવા દેવાની !

સાર્થે એની વાતમાં ટાપસી પુરાવી તેને કહયું, ‘ તારી વાત એકદમ સાચી છે સૌમ્યા !’
વાતવાતમાં બંને જણ નીતુ આન્ટીની દીકરીને ત્યાં આવી પહોંચ્યા. રસ્તામાં વરસાદમાં ના ભીંજાયા, પણ વરસાદી મોસમમાં લાગણીથી છલોછલ થઈને તેઓએ એકબીજાની સામે જોયું ,
ને દરવાજાની બેલ મારી !!

દીપાએ દરવાજો ખોલ્યો ,એની પાછળ એનો ડ્રેસ પકડીને ઉભેલી આનિયાને સૌમ્યા જોઈ જ રહી ! પોતાની મા જેવા જ પંજાબી ડ્રેસમાં આવેલી સ્ત્રીને આનિયા પણ જોઈ જ રહી, પોતાની મા સમજીને દોડી ગઈ ,પણ નજીક જઈને અજાણ્યો ચહેરો જોતા જ આનિયાએ રડવાનું શરું કર્યું. તે પાછી ફરીને દીપાને વળગી પડી ! સાર્થ એકીટશે તે બંનેને ચુપચાપ જોઈ રહ્યો ! દીપાએ બંનેને સોફા પર બેસવાનું કહ્યું.

સૌમ્યાએ આનિયાની સામે જોતાજોતા પોતાની પર્સમાંથી જુદાજુદા રંગની ,નાનીનાની બંગડીઓ કાઢી, એટલું જ નહીં આનિયાને ગમતી લાલ રંગની માળા પણ એણે કાઢી ! પોતાના બંને હાથનો ખોબો કરીને આનિયાને આંખના ઈશારા વડે બોલાવી .આનિયાએ આગળ આવીને માળા સૌમ્યાના હાથમાંથી લઈ લીધી. એની આંખો રડતી હતી પણ ચહેરા પર સ્મિત રેલાયું ! માળા ડોકમાં નાંખી તે દીપાની પાછળ સંતાઈ ગઈ !

સાર્થે સૌમ્યાને પૂછયું ,’તું આ બધું કયારે લાવી ?’

સૌમ્યાએ હસીને કહ્યું  ,’ મને નીતુ આંટીએ કહયું હતું, કે આનિયાને માળા અને બંગડીઓ ગમે છે .’

દીપાએ આનિયાને પોતાના ખોળામાં બેસાડી અને બોલી, ‘આનિયાની મમ્મી પણ મારા જેવી નર્સ હતી. આનિયાના પપ્પા ડોક્ટર હતા. કોવીડના દર્દીઓની સેવા કરતા કરતા એમને પણ કોવીડ થયો. તેઓ દસેક મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા. આનિયાની મમ્મીનું નામ શશી હતું. એ થોડા મહિના પહેલાં જ અમારી હૉસ્પિટલમાં આવી હતી. અમે બંને એક જ શિફ્ટમાં કામ  કરતા હતાં .અમને જયારે સાથે રહેવાનો ટાઈમ મળતો ત્યારે તે હંમેશા આનિયાની જ વાતો કરતી, આનિયાના માતા પિતાના લવ મેરેજ હતા.’

બંને પક્ષે એમના લગ્ન મંજૂર નહોતા. આનિયાના પિતાના મૃત્યુ પછી શશી ડરવા લાગી હતી , એણે પોતાના માતાપિતા અને પતિના  કુટુંબનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો અંતે ના છૂટકે તે આનિયાને આયા પાસે મૂકતી. કોવીડના કારણે આયા પણ જતી રહી. ડોક્ટર અને નર્સ ને ત્યાં કોવિડને કારણે કોઈ કામ કરવા તૈયાર નહોતું, ત્યારથી હું અને શશી આનિયાને સાચવતાં.
એક દિવસ શશી હોસ્પિટલમાંથી તાવ લઈને આવી, તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. તેને કોવીડ થયાનું નિદાન આવ્યું, અમે બંને ડરી ગયાં. મેં કોવીડના બીકથી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી !શશીની તબિયત બગડવા લાગી, તેણે એક સાદા સ્ટેમ્પ પેપર પર પોતાને કશુંક થાય તો આનિયાને દત્તક આપવી એમ લખીને ડોક્ટર અને નર્સની હાજરીમાં આ પેપર પર સહીઓ કરીને સહુની વચ્ચે કહયું કે, મારી અંતિમ ઈચ્છા છે કે, દીપાએ આનિયાને રાખવી અથવા કોઈ એડપ્શન એજન્સીની મદદથી સારું ઘર શોધીને આનિયાને દત્તક આપવી.

તમે તો જાણો છો જ મારી મમ્મી સોશિયલ વર્કર છે , અને તે કોઈ દત્તક એજન્સીની કાયેદેસર મદદ લઈને આ દત્તકની સમગ્ર પ્રક્રિયામાં મદદ કરશે .આ કાયદાકીય દૃષ્ટિએ જોઈતી બધી જ મદદ કરવાનું મારી મમ્મીએ માથે લીધું છે.

સૌમ્યાબહેન, મારા મમ્મી કહેતાં હતાં કે, તમે થોડા દિવસ રોજ આવીને આનિયા સાથે રહેવાના છો. આ તમારો વિચાર ખૂબ જ સારો છે. આનિયા તમારી સાથે ભળી જશે. શશીએ એડપ્શનનાં પેપર પર સહુની હાજરીમાં સહીઓ કરી છે તેથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે.આનિયાના પિતાએ શશીને કહયું હતું કે ,’ જો તું મારી જેમ કોવીડમાં સપડાય તો આપણી આનિયાને તારા કે મારા પરિવારમાં ના સોંપતી, આપણાં પ્રેમની સજા આનિયાને નહિ આપતી ! ‘ કદાચ તેથી જ એ બંને પરિવાર તરફથી શશીને કોઈ અપેક્ષા નહોતી .મારા મમ્મી કહેતાં હતાં ,’ તમારા સિવાય આનિયાને આટલો સારો પોતીકો લાગે એવો પરિવાર નહીં મળે’. મમ્મીની વાત મને સાચી લાગે છે .

સાર્થ અને સૌમ્યા જયારે ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે રાતરાણીની સુગંધથી સમગ્ર  વાતાવરણમાં પ્રસન્નતા ફેલાઈ હતી.

આજે એ વાતને પાંચેક વર્ષ થઈ ગયા. આનિયા હવે સ્કૂલમાં જાય છે. વર્ષો પહેલાં દીપાને ઘરેથી નીકળતી વખતે દીપાએ સૌમ્યાને શશીની પંજાબી ડ્રેસની ઓઢણી આપતા કહયું હતું , ‘સૌમ્યા બહેન ,આનિયાને એની મમ્મીની આ ઓઢણી બહુ જ ગમે છે. રાતે એને ઊંઘ ના આવે તો તેને આ ઓઢણી આપજો .’ એ ઓઢણી સૌમ્યાએ હજી સુધી સાચવી રાખી હતી.

રોજની ટેવ મુજબ સૌમ્યા આનિયાના વાળ ઓળે છે , અરીસામાં જ સૌમ્યાની સામે જોઈ આનિયા બોલી , ‘મમ્મી, તમને ખબર છે ,મારી મમ્મી કેવી દેખાતી હતી ?’

સૌમ્યા હસી. કબાટના ઉપરના ખાનામાં મૂકેલી શશીની ઓઢણી આનિયાને ઓઢાડીને બોલી,  ‘જો  આનિયા, તારી મમ્મી બિલકુલ આવી જ, તારા જેવી જ દેખાતી હતી .’

આનિયા અરીસામાં જોઈ જ રહી. ક્યાંય સુધી ,બસ જોઈ જ રહી !!


સૌજન્યઃ અખંડાઅનંદ


વસુધા ઇનામદાર :  ફોન – +૧ -૭૮૧ ૪૬૨ ૮૧૭૩