નરેશ પ્ર. માંકડ
મણકો [૩]થી આગળ
બ્રેઇન ટ્રસ્ટ
તંત્રીઓની કોન્ફરન્સ ટાઇમ્સનું બ્રેઇન ટ્રસ્ટ હતું જે તેના એડિટ પાનાને ઘાટ આપતું હતું. એમાં ૧૯૭૦ અને ૧૯૮૦ ના દશકોમાં ઇન્દર મલ્હોત્રા, કે. સી. ખન્ના, એ. એસ. અબ્રાહમ, એમ. વી. મેથ્યુ અને પ્રેમશંકર ઝા ઉપરાંત રાહુલ સિંહ, ડેરિલ ડી મોન્ટે, ગૌતમ અધિકારી જેવા પત્રકારો હતા જેમાંના મોટા ભાગના ઑક્સબ્રિજ થી આવેલા હતા; તે સમયની એ પ્રણાલી હતી. મંદિરના ગર્ભગૃહ જેવી તંત્રીઓની ઓફિસમાં મળતી આ મીટીંગોમાં તેઓ રાજ્યના સંચાલનની કામગીરી બજાવે છે એવું માનતા.
તંત્રી અને મૅનેજમૅન્ટનું વડું મથક ૧૯૮૦ ના દશકના છેલ્લા ભાગમાં દિલ્હી ખસેડાયું ત્યારે લક્ષ્મણે મુંબઈથી ખસવાનો ઇનકાર કર્યો. એમની માન્યતા એવી હતી કે સત્તાના રાજકીય સૂર્યની વધુ નજીક જવાથી એમની વસ્તુલક્ષિતા ઓગળી જશે.
આ તંત્રીમંડળની મીટીંગ વર્ષો જૂની પ્રણાલી દ્વારા સ્થપાયેલી હતી. દરેક તંત્રી પોતાની સાથે પોતાની ગંભીરતા અને વિચિત્રતાઓ લાવતા. તંત્રીઓ બધા પુરુષ હતા, એ જાતીભેદની રેખા ફાતમા ઝકારીયાએ ગિરીલાલ જૈનના સમયમાં તોડી. પ્રોફેસર જેવા શામલાલના સમય કરતાં ગિરીલાલના કાળમાં આ બેઠકો વધુ શાહી ઠાઠવાળી બની. એ બેઠકો બરાબર દસ વાગ્યે શરૂ થતી અને મદદનીશ તંત્રીઓ પોતાની કેબીનમાં તૈયાર રહેતા. ગિરીનો પટાવાળો ભગવતી દરેકની પાસે જઈને સંદેશો આપતો, “ચાય તૈયાર છે.”
ગિરીલાલ ચામાટેની આ મિટિંગમાં પોતાની પાઇપ સળગાવી સુદૂર દ્રષ્ટિપાત કરતા, વિશ્વની પરિસ્થિતિ વિશે ગંભીર કથન કરતા; ત્યારબાદ હિન્દુ માનસ અને ભારતના ‘ આઈડિયા ‘ જેવી કોઈ ઉચ્ચ કક્ષાની વાતો વિશે કે મોટા વિખવાદો વિશે વાત કરતા પણ વિંધ્યની દક્ષિણ પછીની બાબતોમાં એમને કંઈ રસ ન હતો. એમના માટે રાષ્ટ્રની વ્યાખ્યા તેને જોડી રાખે એવા મજબૂત કેન્દ્રમાંથી ઉદભવતી હતી. તંત્રીના મોટા ડેસ્ક ફરતા સહાયક તંત્રીઓ બેસતા જેમાં એ .એસ. અબ્રાહમ સહુથી સિનિયર હતા, એ વચ્ચે બેસતા, અને એમને ફરતાં સચિન વિનાયક, ગૌતમ વોરા, પ્રફુલ બીડવાઈ અને ફાતમા ઝકારીયા ગોઠવાતાં. ક્યારેક દિલ્હીથી આવેલા પ્રેમશંકર ઝા કે ઇન્દર મલ્હોત્રા પણ હાજરી પુરાવતા. લક્ષ્મણ આ બધામાં એમના ઉચ્ચતર સ્થાનને કારણે આ અર્ધવર્તુળની બહારની ધાર પર બેસતા અને બીજા છેડા પર ગૌતમ અધિકારી બેસતા. લક્ષ્મણ ગિરીની નજરની બહાર રહે.કારણ કે તેઓ આર કે લક્ષ્મણ હતા એટલે તેઓ ચહેરાના હાવભાવ બનાવ્યા કરતા અને તંત્રી પાઇપ ફૂંકતા હોય ત્યારે એમની નકલ કરતા. આ બધું તેઓ ગૌતમની નજર સામે કરતા એટલે ગૌતમ માટે ભારેખમ ચર્ચાઓમાં ધ્યાન આપવાનું અને હસી ન પડાય એનું પણ ધ્યાન રાખવાનું મુશ્કેલ હતું. એક કલાકની છેલ્લી પંદર મીનીટ મૂળ હેતુ માટે વપરાતી.
એડિટ સોંપાઈ ગયા પછી ભોજન પહેલાં એ પૂરું કરવાનું રહેતું. આ બધા એડિટ ગિરીના બે અંગત મદદનીશને મોકલવામાં આવતા. તેઓ શબ્દની સંખ્યા અને સ્પેસ બરાબર ગોઠવીને સહાયક તંત્રીઓને પાછું મોકલતા. ગિરી સામાન્ય રીતે ડિરેક્ટર્સ લંચ રૂમમાંથી ટ્રે મંગાવતા અને ફાતમા તથા કદાચ લક્ષ્મણ સાથે ભોજન કરતા. ક્યારેક એમનો જ્યોતિષી આવી ચડતો. ભોજન બાદ કેબીનની બત્તી બુઝાવીને તેઓ ૩૦ મિનિટ ઝોકું ખાઈ લેતા. તાજામાજા થઈને તેઓ તંત્રીલેખ પર આવતા. ક્યારેક એ લેખો કાપકૂપ વિના બહાર આવતા, તો ક્યારેક સંપૂર્ણ રીતે ફરી લખતા. એમાં પણ વિષય જો ઇન્દિરા ગાંધી કે કોઈ મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ હોય તો એમાં ગિરીની છાપ સ્પષ્ટ કળાતી.
બપોરના ૩:૩૦ સુધીમાં એડિટ તૈયાર થઈ જતા પણ પછીના બે કલાક સુધી તેઓએ ઓફિસમાં રહેવું પડતું. એ સમયમાં પુસ્તકો, અખબારો અને સામયિકોના વાચનથી તેઓ પોતાને વધુ સજ્જ રાખવા પ્રયત્ન કરતા રહેતા.
ગિરી પછીના સમયમાં એડિટ પેજને સ્વતંત્ર અસ્તિત્વ આપવામાં આવ્યું. એનો અખત્યાર એડિટ પેજના તંત્રીને સોંપાયો, જે એક્ઝિક્યુટિવ તંત્રીને જવાબદાર નહોતો. સમાચાર જે રીતે રજૂઆત પામતા એનાથી તંત્રીની ટિપ્પણીનું અંતર જાળવવા માટે એમ કરવામાં આવ્યું હતું.
*****
મહાકાય ટાલિયા ટેડી બેર જેવા પ્રેમ શંકર ઝા સહુથી વધુ અવ્યવસ્થિત સહાયક તંત્રી હતા. સવારે જીમમાંથી જ સીધા એડિટ મિટિંગમાં આવતા અને અચૂક મોડા પડતા. પરસેવાથી નીતરતા, હેલ્મેટ અને રેકેટ હાથમાંથી અણઘડ રીતે પાડતા અને કહેતા, ” માફ કીજીએ શામ લાલજી, માફ કીજીએ.”. શામ લાલ આ માણસનું શું કરવું એ નક્કી ન કરી શકતાં મિટિંગ આગળ ચલાવતા.
પ્રેમનો હસ્તલિખિત તંત્રીલેખ સદાયે ગુમ થયા કરતો, તેઓ ગુસ્સા અને અકળામણથી બબડાટ કરતા અને વીસ મિનિટમાં ફરી લખી કાઢતા. હજી કોમ્પ્યુટર આવ્યાં ન હતાં; કેટલાકે ટાઇપરાઉટરને અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારી લીધું હતું તો બીજા થોડા એવા હતા જેઓ ફાઉન્ટન પેનને વળગી રહ્યા હતા. એવા લોકોમાં જગ સુરૈયા આખર સુધી ટકી રહ્યા હતા.
પ્રેમ હંમેશા ધાંધલિયા હતા, જે તે સમયે એમના ચિત્તનો કબજો જમાવી બેઠેલી બાબત અંગે ઉગ્રતાથી વાત કરતા; કોઈ પણ ચાલી રહેલી વાત પર બુલ્ડોઝર ફેરવી દેતા. એક વાર. વિયેતનામ યુદ્ધ પર પંદરેક મિનિટથી વાત ચાલતી હતી એવામાં ગુસ્સાથી ધમધમતા પ્રેમ ધસી આવ્યા અને બોલ્યા, “શામ લાલજી, અરબી સમુદ્રમાં ઠલવાઇ રહેલા આટલા બધા કચરા અંગે આપણે તંત્રીલેખ કરવાની જરૂર છે.”
બચીના શબ્દોમાં, “તેઓ અને તેમની પત્ની ઉષા મિલનસાર દંપતી હતાં પણ મૃદુભાષી અને ગ્રેસફુલ ઉષા કમળ તળાવડીનું પાંદડું હતાં, જ્યારે પ્રેમ વિષવમન કરતા મહાસાગરના મંથન જેવા હતા.”
*******
સમીર જૈને એમની આગવી ચાલ દ્વારા યુયુત્સુ અરુણ શૌરીને ટાઇમ્સમાં લઈ આવીને ગિરીલાલ જૈનના આત્મસંતોષને બરબાદ કરી નાખ્યો. એ બન્ને એક બીજાના પહેલેથી જ વિરોધી રહ્યા હતા. પંજાબ સમસ્યા ત્યારે ટોચ પર હતી અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધમાં તેઓ બંને ઉગ્ર ભાષામાં લખતા હતા તેથી એમના માટે અંગત સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હતા. એ કારણે એવી જોક ચાલી રહી હતી કે આ બંને ‘વાઈલ્ડ વેસ્ટ’ની રીતે શૂટ આઉટ કરીને એકબીજાના મતભેદનો નિકાલ કેમ નથી કરી નાંખતા?
+ + +
સ્ટાર એડિટર: ખુશવંત સિંહ
પહેલા જ દિવસે ઓફિસના સમયથી ૪૫ મિનિટ પહેલાં સવારે ૮:૪૫ વાગ્યે ઓફિસમાં પગ મુક્યો એ એક ક્ષણે જ એમનો બિનપરંપરાગત ક્રમ શરૂ થઈ ગયો. ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ ઇન્ડિઆનો પટાવાળો મનોહર ફર્નિચરને ઝાપટીને સાફ કરતો હતો ત્યારે તેણે એક ઢીલા જૂના પેન્ટ અને ટીશર્ટ પહેરેલા લઘરવઘર સરદારને જોયા. નવા સરદારના આગમન પહેલા જ સરદારોનું આક્રમણ શરૂ થઈ ગયું એમ બબડતાં તેમણે કહ્યું , “એડિટર અભી તક નહીં આયે હૈ.” આગંતુકે કહ્યું, ” મૈં હી એડિટર હું.”
આ દ્રશ્ય સાથે સરદાર ખુશવંતસિંહનો વિકલીમાં પ્રવેશ થયો.
ડેન્ટિસ્ટના વેઇટિંગ રૂમમાં જોવા મળતા કુતરાના કાન જેવા વળી ગયેલા પાનાવાળા ઇલેક્ટ્રીટેડ વિકલીને ઉગાર્યું ખુશવંતસિંહે અને પછી તેને સર્ક્યુલેશનના રેકોર્ડ તોડી નાખતું લોકપ્રિય સામયિક બનાવ્યું. એમણે સામાયિક પત્રકારત્વને તેની બોચીએથી ઝાલીને ઝંઝેડી નાખ્યું અને વાંચનક્ષમ બનાવવાની નવી ફોર્મ્યુલા બતાવી, જેને આજે પણ અખબારો અને સામયિકો અનુસરે છે.
કુખ્યાત સીરીયલ ખૂની રમણ રાઘવ પર ચાલતા ખટલા દરમિયાન કોર્ટમાં જાતે હાજરી આપીને તેના પરના લેખોની શૃંખલા કરી. તેઓ સામાજિક પ્રવાહના જાણકાર હતા, એટલે નવા ધનપતિઓ અને ઓશોના વિશાળ અનુયાયી વર્ગ અંગે અતિ સફળ કવર સ્ટોરી કરી, ક્રિકેટ પર લંબાણપૂર્વક લખાણો આપ્યા; રાજકારણ, વિજ્ઞાન, સ્પોર્ટ, સાહિત્ય, બધા જ ક્ષેત્રની નામી વ્યક્તિઓએ ખુશીથી વિકલી માટે લખ્યું, એમના સુસજ્જ સબ – એડિટરોએ પોતાનાં અઘરાં ભારેખમ ગદ્યને સામાન્ય અંગ્રેજીમાં ફેરવીને રજૂ કર્યું અને એની સાથે જોક્સ આપવાનું શરૂ કર્યું. એ બધું આટલા ઉત્સાહપૂર્વક થયું એના માટે વધારાનું વળતર ચુકવવામાં આવ્યું એ પણ એક કારણ હતું. લોકો પોતાની જ્ઞાતિઓ સાથે લાગણીના બંધનોથી જોડાયેલા હતા એ બાબત પર પણ એમનું ધ્યાન ગયું અને ભારતની અગણિત જ્ઞાતિઓ પર કવર સ્ટોરી કરીને એ લોકોને વીકલીના આજીવન ચાહક બનાવી દીધા. સન્માન્ય ભારતીય પત્રકારત્વના તેઓ પહેલા માર્કેટિંગ એડિટર હતા.
ખુશવંત જેવા સફળ નવલકથા લેખકને બેનેટ કૉલમેન કંપની લિ. દ્વારા વિકલીને સંભાળી લેવા માટે સમજાવવામાં આવ્યા. પણ એમના પ્રત્યાઘાત વિકલીમાં વિપરીત આવ્યા, “એ મોટા લેખક હશે પણ સામયિકને એડિટ કરવામાં શું જાણતા હોય?” આમ થવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓમાંના એક આસિસ્ટન્ટ એડિટર સુબ્રોતો બેનર્જીની બદલે આ નિમણૂક થઈ હતી. પૂર્વ તંત્રી એ એસ રામને વિકલી છોડ્યા પછી સુબ્રતો બેનરજીને કાર્યકારી તંત્ર બનાવાયા હતા. આ બધા ટીકાકારો સરદારનો જાદુ જોઈને અને વિશેષ તો તેઓ વિકલીમાં બિનઅધિક્રમિક (non-hierarchical ) મિત્રાચારી લાવ્યા એ કારણે એમના પ્રશંસક બની ગયા.
તેમનો વધુ ગંભીર ગુનો એ હતો કે અમને શહેરના ધનવાન અને ખ્યાતિવાન માણસો સાથે ઓળખાણ કેળવવા સારા રેસ્ટોરમાં લઈ જવાની બદલે તેઓ જ્યોર્જ અને કેફેક્સ જેવા ફોર્ટ વિસ્તારના એમના માનીતા ઇરાની રેસ્ટોરમાં લંચ માટે લઈ જતા હતા. બચી કરકરિયા યોગ્ય રીતે બચાવ કરતા કહે છે જ્યારે એ જાતે જ ધનવાન અને ખ્યાતિવાન હતા, તો એમણે એવી ફિકર શાને કરવી જોઈએ? પરંતુ છેડાયેલા સિનિયરોએ એમને ‘બિરયાની બ્રિગેડ’ તરીકે ઉતારી પાડ્યા હતા વાસ્તવમાં ખુશવંત તો કોન્સ્યુલેટ્સના કોન્સલ જનરલ ને પણ કોરોનેશન દરબાર જેવી જગ્યાએ લઈ જતા.
બચી કરકરિયાને વિકલીમાં ખુશવંતના શાસનકાળ સમયે તાલીમાર્થી તરીકે કામ કરવાનો અમૂલ્ય લાભ મળેલો. એ જ રીતે પછીથી પ્રસિદ્ધિ મેળવનારા અન્ય યુવાનોમાં એક મિનહાસ મર્ચન્ટ પણ હતા. ખુશવતં સિંહ લોકશાહીવાદી હતા. પ્રિતેશ નાંદી કરતાં સ્વભાવ, વર્તન, દેખાવ, બધી જ બાબતમાં તેઓ ખૂબ સાદા અને સરળ હતા. અસુઘડતાને એમણે એમની વેશભૂષાની સ્ટાઈલ બનાવી હતી. એમણે પોતાનાં આગવાં સામાજીક ધોરણો સ્થાપ્યાં હતાં. બચીના શબ્દોમાં, ભોજન પર નિમંત્રણ આપનારી ‘મલબાર હિલ કી મૈના’ જેવી મહિલાઓને દરવાજે આઠ વાગે પહોંચીને નવ સુધીમાં ભોજનનો આગ્રહ રાખીને ફફડાટ ફેલાવતા ખુશવંત સિંહ પાર્ટીઓમાં પોતાના વ્હીસ્કીના બે પેગ સાથે લઈ જતા. પોતાના મહેમાનો પણ સાંજના સાત વાગ્યાના સમયે અચૂક આવી જાય એવું ઈચ્છતા. એમને ઘરે આવેલા ગમે તેવા ચમરબંધીને ૧૦ વાગ્યા પહેલાં વિદાય કરી દેતા. એક વાર વડાપ્રધાન રાજીવ ગાંધી એમને મળવા જવાના હતા પણ તેઓ રાતે દશેક વાગ્યે પહોંચ્યા ત્યારે ખુશવંત સિંહ સૂઈ ગયા હતા. એમને જગાડવામાં આવ્યા અને થોડી વાર વાતચીત કરીને રાજીવ વિદાય થઈ ગયા.
સવારે ખૂબ વહેલા ઉઠીને જીનસેંગની ચા પીને ટેનિસ રમવા જતા, રસ્તામાં કુદરતના નજારા નિહાળતા જતા. ઋતુઓના બદલાતા રંગો વિશે એમને Nature Watch નામની એક નાનકડી પુસ્તિકા લખી છે. પછી એમનો લેખનકાર્યનો સમય શરુ થતો. તેઓ પોતાનું લેખન વિદેશથી મંગાવેલી A 3 સાઈઝની નોટબૂકમાં કરતા. પોતાની ઘસાઈ ગયેલી જૂની બ્રીફ કેસમાં એ નોટબુકો અને ક્રોસ વર્ડ માટે લંડનના ધ ટાઇમ્સ ભરીને ઓફિસમાં લઈ જતા. ઓફિસમાં અલી સરદાર જાફરી અને કૈફી આઝમી જેવા તેમજ અન્ય ક્ષેત્રના મહાનુભાવો નિયમિત એમને મળવા આવી જતા. આકર્ષક રમણીઓની પણ કમી નહોતી. એમાં સાહિત્યિક મહત્વાકાંક્ષા ધરાવતી અથવા પોતાની પાર્ટીઓને ઝમકદાર બનાવવા માટે ટ્રોફી ગેસ્ટ તરીકે ઇચ્છતી સ્ત્રીઓ અને નૃત્ય ઇતિહાસકાર સુનિલ કોઠારી સાથે મુલાકાતે આવી જતી ઇલોરાના શિલ્પ જેવી નૃત્યાંગનાઓનો પણ સમાવેશ થતો.
લબ્ધપ્રતિષ્ઠ ઉર્દુ નવલકથાકાર, સાહિત્ય એકેડેમી, જ્ઞાનપીઠ અને પદ્મભૂષણના એવોર્ડ અને ખિતાબ જીતનાર કુર્રતુલએન હૈદર ખુશવંત સિંહના આગમનના થોડા સમય પહેલાં જ મદદનીશ તંત્રી નિમાયાં હતાં. વસ્ત્ર પરિધાનમાં તેઓ ખુશવંત સિંહ જેટલા જ બેપરવા હતા એ સિવાય બંને તદ્દન એકબીજાથી વિપરીત હતાં. તેઓની અથડામણ એ કારણે થતી કે ખુશવંત સિંહ ઇઝરાયેલના સમર્થક હતા, કુર્રતુલએન પેલેસ્ટાઇનનાં. ખુશવંત સિંહનાં લખાણ વાંચીને તેઓ એમની કેબિનમાં ધસી જતાં અને એમને તતડાવી નાખતાં. ખુશવંત સિંહ અસહાય બનીને તેમને સાંભળી લેતા. સ્કૂલથી પાછા ફરતા આઠ વર્ષના ફરીદ ઝકારીયા પોતાની માતા ફાતમા ઝકારીયાને લેવા આવે ત્યારે, ખુશવંતને મહાત કરનારા તેઓ, ફરિદની અભદ્ર જણાતી ટિપ્પણીઓથી છોભીલાં થઈ જતા. તેઓ પોતાના લખાણોથી અને પોતાની હાજરીથી વિકલીને વજનદાર બનાવતા હતા. પોતાનું લખાણ પહેલા ઉર્દુમાં લખીને પછી તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા; દિવસને અંતે તેના પગ પાસે કાગળના ચોળાયેલા ડૂચાનો ઢગ થતો.
ખુશવંતની સ-રસ બિનઔપચારિકતાને કારણે ટાઈમ્સના અન્ય પ્રકાશનો કરતા વિકલીનો હોલ મિત્રાચારીપૂર્ણ વાતાવરણથી સભર લાગતો.
+ + +

ટાઈમ્સના પ્રથમ મહિલા સહાયક તંત્રી હતાં ફાતિમા ઝકરિયા. એમની પાસે પુરુષ સહકાર્યકરો જેવી બુદ્ધિશક્તિ ન હતી પણ એમના પતિ ડૉ.રફીક ઝકરિયાના રાજકીય વર્તુળનો સારો ફાયદો હતો. એ કારણે તે ખુશવંત સિંહની બરાબર પછીની જગ્યાએ પહોંચી શક્યાં પણ ખુશવંતના પતન પછી તેઓ ગિરીલાલ જૈનની નીચે આવ્યાં. ફાતિમા લેખક નહોતાં પણ સ્ટાર લેખકોથી મેગેઝિન કે એડિટ પેજ ભરી શકતાં. ૧૯૮૯માં ગિરીના પતન પછી એમણે ટાઈમ્સ છોડ્યું.
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
ટાઈમ્સનાં તંત્રીમંડળની નવી પેઢી કહી શકાય એવા જયદીપ બોઝ ‘જોજો અને પ્રીતિશ નંદીનો પરિચય ૮-૧૦ – ૨૦૨૪ના રોજ પાંચમા મણકામાં પ્રકાશિત થશે

બચી કરકરિયા અને ટાઇમ્સની આકાશગંગાના ઝળહળતા અનેક તારલાઓને એ દિવસોમાં રસપૂર્વક નિયમિત વાંચવાનું બનતું. તેમની આટલી ઊંડાણથી કોઈ ખબર જ ન હતી.
નરેશભાઈ, એ યાદો તાજી કરવા બદલ અને ત્યારે ન જાણેલી નવતર જાણકારી ઉમેરવા બદલ આભાર. આપના વિશાળ વાંચનવૈવિધ્યનો આવો લાભ આપતા રહેશો. હાલના પત્રકારત્વમાં આવું વૈવિધ્ય અને ઊંડાણ ઉમેરાય તો એ પણ વધુ રસપ્રદ બની શકે.
LikeLike
આભાર, ભરતભાઈ.
હું માનું છું કે ૧૯૬૦ – ૧૯૭૦ નો ગાળો ટાઈમ્સનો સુવર્ણયુગ હશે જ્યારે મહારથીઓ ટાઈમ્સના તંત્રીપદની ધુરા સંભાળતા હતા.
LikeLike
શ્રી બચી કરકરિયાનાં પુસ્તક વિષે આપના ગુજરાતી લેખો બાદલ આભાર. આપની ભાષા સરસ છે. કરકરિયાએ ટા. ઓ. ઇ. ના તંત્રી મંડળ બાબતે જ લખ્યું છે. પણ આ અખબાર સાથે આર.કે. લક્ષમણ, કે. એન. પ્રભુ, રાજુ ભારતન, તાલિયારખાન, `મારિઓ મિરાન્ડા, વગેરે તે સમય નાં પ્રખ્યાત કટાર લેખક અને કાર્ટૂનિસ્ટ હતા. જેમની કૉલમ નિયમિત વાંચવા વાળો એક જુદો જ વર્ગ હતો.
આ પુસ્તકમાં તે વિષય કંઈ લખાણ હશે આપની આ લેખમાળા વધુ રસપ્રદ બનશે,
-નીતિન વ્યાસ
LikeLike
આભાર નીતિનભાઈ, આપણું ગમતું વાચન અન્ય વાંચકોને પણ ગમે એ આનંદની વાત છે. ક્યારેક મારા તરફથી માહિતી ઉમેરી છે પણ લંબાણ ના ભયે એવી ઘણી માહિતી ઉમેરવાની લાલચ જતી કરી છે, જેમ કે મારીઓ મિરાન્ડા અને રાજુ ભારતન. લક્ષ્મણ તો ટાઈમ્સના સુપર સ્ટાર હતા એટલે કરકરીયાએ એમને સારું કવરેજ આપ્યું છે.
LikeLike