સંવાદિતા
દરેક યુગે દુનિયામાં સારા લોકોની જ વિરાટ બહુમતી હતી, છે અને રહેશે.
ભગવાન થાવરાણી
ઘણાં લોકો વિષે એમને સારી રીતે ઓળખતાં લોકો કહે છે ‘ એ ખાલી વર્તનમાં તોછડા છે, દિલના બિલકુલ સાફ છે. ‘ આવા લોકોને કહેવાની ઈચ્છા થાય કે દુનિયામાં મોટા ભાગના લોકો સાથે આપણે માત્ર વહેવાર પૂરતી નિસ્બત છે. એમના દિલમાં છે એને ક્યાં ધોઈને પીવું છે ? વર્તન શાલીન, વિનમ્ર અને વિશેષ તો માનવીય હોય એ જ મહત્વનું છે. દિલની મલીનતા કોઈ ભલે દિલમાં રાખે, આપણને શો ફેર પડે !
વર્ષો પહેલાં ઝી ટીવી પર એક સિરીયલ આવતી. નામ હતું ‘ શાયદ ‘ . એના એક હપ્તાનું નામ હતું ‘ યહ ગલત બાત હૈ ‘ . જલાલ આગા અને સબ્યસાચી ચક્રવર્તી મુખ્ય ભૂમિકાઓમાં હતાં. વાર્તા એવી કે શહેરમાં કેટલીક હત્યાઓ થાય છે જેનો કોઈ દેખીતો હેતુ પકડાતો નથી. અંતે એક પોલિસ ઈંસ્પેક્ટર અપરાધીને શોધી કાઢે છે. એક માણસને એવા માણસો પ્રત્યે ભારોભાર નફરત હતી જે કોઈને વગર વાંકે કે નાનકડી ભૂલ માટે જાહેરમાં અપમાનિત કરે ! આવા માણસોના વર્તનના સાક્ષી બન્યા બાદ એ એમને વીણી વીણીને મારી નાંખતો કારણ કે એની માન્યતા હતી કે કોઈને જાહેરમાં હડધૂત કરવો એ હત્યા કરતાં પણ જઘન્ય કૃત્ય છે ! ‘ યહ ગલત બાત હૈ ‘ ! ઈંસપેક્ટર એને છોડી મુકે છે કારણ કે એ પણ એમ જ માને છે !
જીવનમાં ડગલે ને પગલે સારા માણસો મળ્યાં છે. એમની સારપ ભૂલી ભુલાતી નથી. દ્રઢ વિશ્વાસ છે કે આવા માણસો જ જગતમાં બહુમતીમાં છે. નરસાં માણસો હશે તો પણ નગણ્ય. ભલાઈ – ભલમનસાઈના આવા કેટલાક કિસ્સા દિલમાં જડાઈ ગયાં છે.
થોડાક સમય પહેલાં ઘરની બાજુમાં આવેલી લાઈબ્રેરીમાં પુસ્તક બદલવા ગયો હતો. એક કવિતાનું પુસ્તક લઈને ચાલતો ચાલતો ઘરે પાછો જતો હતો. એક ભાઈએ પાછળથી આવીને અચાનક બાજુમાં સ્કૂટર રોક્યું. મને કહે ‘ બેસી જાઓ, તમને ઘેર મૂકી જઉં. ‘ એ પરિચિત લાગ્યા નહીં. મેં પૂછ્યું ‘ તમે મને ઓળખો છો ? ‘ અજાણ્યા માણસની લિફ્ટ લેવાના જોખમો વિષે ઘણી વાતો સાંભળી હતી . એ કહે ‘ ના, પણ તમે સારા માણસ લાગ્યા. તડકામાં ચાલતા જાઓ છો એટલે કહ્યું. ‘ થોડીક રાહત સાથે મેં સસ્મિત પૂછ્યું ‘ હું સારો માણસ કેમ લાગ્યો ? ‘ તો એ કહે ‘ તમારા હાથમાં કવિતાનું પુસ્તક જોયું એટલે ‘ ! હું શું કહું ? એમની મદદ તો ન લીધી પણ એ માણસ સદૈવ યાદ રહેશે.
દાયકાઓ પહેલાં એક મહાનગરના જાહેર ઉદ્યાનમાં લટાર મારતો હતો. સામેથી એક સજ્જનને આવતા જોયા. એ પણ ચાલવા નીકળ્યા હોય એવું લાગ્યું. એ પસાર થયા એટલે મારા મોંમાંથી અનાયાસ નીકળી ગયું ‘ નમસ્કાર ‘ ! એ થોડાક આગળ નીકળી જઈને સહસા પાછા ફર્યા. મને પૂછ્યું ‘ તમે મને ઓળખો છો ? ‘ મેં ના પાડી તો કહે ‘ તો પછી ? ‘ હું એમની મૂંજવણ સમજી ગયો. કહ્યું ‘ નમસ્કાર કરવા માટે ઓળખાણ હોવી ક્યાં જરૂરી છે ? ‘ જાણે ઝબકાર થયો હોય તેમ એ કહે ‘ અરે હા ! ‘ અને પછી ‘ આવો, થોડીક વાર બેસીએ. ‘ બાજુની બેંચ પર બેઠા. વાતો કરી. પરિચય કેળવ્યો. એ બાજુમાં જ રહેતાં હતાં . હું પરદેસી હતો. આગ્રહપૂર્વક એમના ઘરે લઈ ગયાં. એ પછી વર્ષો લગી એમની સાથે પત્રવ્યવહાર ચાલ્યો. કાળેક્રમે સંપર્ક તૂટી ગયો. અત્યારે એ હશે કે કેમ, ક્યાં હશે, કોઈ માહિતી નથી. આજે પણ કોઈને નમસ્કાર કરું તો એ સજ્જન અચૂક યાદ આવે.
એ જ મહાનગરના એક પ્રશિક્ષણ સંસ્થાનમાં મારી સંસ્થા વતી ટ્રેનીંગ માટે જવાનું થતું. સંસ્થાન વિશાળ જગ્યામાં ફેલાયેલું હતું. રહેણાક, ભોજન અને ભણતર બધું એક જ સંકૂલમાં. એક વિશાળ લાઈબ્રેરી પણ ખરી. હું પુસ્તકનો કીડો એટલે પહેલા જ દિવસે ક્લાસ પૂરા થતાં ત્યાં પહોંચી જતો અને નિયમાનુસાર મળતા ત્રણ પુસ્તકો મારી પસંદગીના લઈ આવતો. એક વાર ત્યાંના ગ્રંથપાલ મેં પસંદ કરેલા પુસ્તકો જોઈને કહે ‘ તમને આવા પુસ્તકો ગમે છે ? મારી હા સાંભળી કહે ‘ આવો મારી સાથે. ‘ એ મને વિશાળ લાઇબ્રેરીના એક વિભાગમાં લઈ ગયા. થોડાંક કબાટો ચીંધીને કહે ‘ આ બધા કબાટમાં તમને ગમે છે એવાં પુસ્તકો છે. અહીંથી લઈ લેવાં. ‘ પછી કાઉંટર પર જઈ ધીમેકથી ખાનગી વાત કરતાં હોય તેમ ‘ આમ તો ત્રણ પુસ્તકો લઈ જવાનો નિયમ છે પણ તમે ભલે વધારે લઈ જાઓ. ‘ અને પછી તાકીદ ‘ હા, ટ્રેનીંગ પૂરી થયે જમા કરાવવાનું ભૂલતા નહીં ‘ ! હું ગદગદ અને ભાવવિભોર !
આખરી કિસ્સો. પંચમહાલના એક નાનકડા ગામમાં સંબંધોના કારણે અવારનવાર જવાનું થાય. ગામ એટલું નાનું કે એકાદ કલાકમાં ગામના એક છેડેથી બીજા છેડે જઈ શકાય. એક વાર સંબંધીના ઘર માટે બાજુમાં ભરાતી શાક માર્કેટમાં શાક લેવા ગયો. એક શાકવાળા બહેન આગળ થોડાક બીજા ગ્રાહકો ઊભા ભાવતાલ કરી શાક થેલીમાં ભરતાં હતાં. મારે જોઈતાં બધાં શાક એમની કને હતાં. મેં ભાવતાલ કર્યા વિના મારે જોઈતાં શાક અને જથ્થો એમને કહ્યો. પાંચેક વાનાં. કેટલા પૈસા થયા એ પૂછ્યું તો એ બહેન કહે ‘ જૂઓ, બટાકાનાં પેલા ભઈના પાંચ લીધા, તમારા ચાર. રીંગણના પેલાના ચાર, તમારા ત્રણ. ટમેટાંના એમના બે, તમારો દોઢ ‘ વગેરે વગેરે ! મેં હસીને પૂછ્યું ‘ મારા ઓછા કેમ ? ‘ તો કહે ‘ તમે ભાવ ઓછા ના કરાવ્યા એટલે ‘ !

હું શું કહું !
કવિ ભગવત રાવતે આવા માણસોને લક્ષમાં રાખી લખેલી એક હિંદી કવિતાનો તરજુમો :
|| આ પૃથ્વી પર જ છે એ લોકો ||
આ પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક
કેટલાક લોકો છે જરૂર
જેમણે પૃથ્વીને પોતાની પીઠ પર
કશ્યપની જેમ ધારણ કરી છે
બચાવી રાખી છે પૃથ્વીને
પોતાના જ દોઝખમાં ડૂબવાથી
એ લોકો છે એટલું જ નહીં
બિલકુલ અજાણ્યા ઘરોમાં રહે છે
એટલા ગુમનામ કે કોઈ એમનું સરનામું
બરાબર જણાવી નહીં શકે
એમના પોતાના નામ પણ છે
પરંતુ એ એટલાં સામાન્ય કે ચીલાચાલુ છે
કે કોઈને એમના નામ બરાબર યાદ પણ નથી રહેતાં
એમના પોતીકાં ચહેરા છે પરંતુ
એ એકમેકમાં એટલાં ભળી ગયેલાં છે
કે કોઈ એમને જોતાંવેંત ઓળખી પણ ન શકે
એ લોકો છે અને આ જ પૃથ્વી ઉપર છે
અને આ પૃથ્વી એમની પીઠ પર ટકેલી છે
અને સૌથી મજાની વાત તો એ
કે એમને એ લેશમાત્ર જાણ નથી
કે એમની જ પીઠ ઉપર
ટકેલી છે આ પૃથ્વી ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

સુન્દર સંદેશ આપવા માટે ભગવાનભાઈ આપનો આભાર. આ ધરતી પર સારા માણસોની જ બહુમતી છે એ વિચાર જ ધરપત આપનારો છે, આશાનો સંકેત આપનારો છે.
LikeLike