નરેશ પ્ર. માંકડ

મણકો []થી આગળ

ટાઈમ્સની બહારથી સારા પત્રકારોની શોધ

કલકત્તા જ્યારે દેશનું સહુથી બુદ્ધિમંત શહેર ગણાતું ત્યારની વાત છે.  એ સમયે ગિરીલાલ જૈન ટાઇમ્સમાં મોટા ફેરફારો લાવવામાં અવરોધ રૂપ હતા એટલે એમને ખસેડીને નવા તંત્રીને લાવવાનો સમીર જૈન નો ઇરાદો હતો.  તેઓ સારા પત્રકારોની શોધમાં હતા. અશોક જૈને ગૌતમ અઘિકારીને કહ્યું, ” મને કહેવામાં આવે છે કે ભારતના ટાઈમ્સની બહાર ભારતમાં કોઈ સારા પત્રકાર નથી.”  ગૌતમે કહ્યું,  ” ના સર, ઘણા પત્રકારો છે અને મને ખાતરી છે કે તેઓ ટાઈમ્સમાં ખુશીથી જોડાશે. ગૌતમ એક લિસ્ટ બનાવ્યું ,જેમાં ચંદન મિત્રા, સ્વપનદાસ ગુપ્તા અને જગ સુરૈયાનાં નામ હતાં. સ્વપ્ન અને ચંદન તો રાજકીય પ્રાણી હતા જ અને સ્વપન તો સ્ટેટ્સમેનની દિલ્હી આવૃત્તિમાં જ હતા.  જગ સુરૈયા સ્ટેટ્સમેન છોડી શકે અને કલકત્તાના ઉન્નતભ્રુ વાતાવરણની બહાર નીકળીને ટકી શકે એ અસંભવિત જણાતું હતું.  ગૌતમે પોતાના જૂના મિત્ર જગને પૂછ્યું, “આપણે મળી શકીએ?”. જગને લાગ્યું કે ગૌતમ સ્ટેટ્સમેનમાં જોડાવા માંગે છે, તેમણે સુનંદા કે. દત્તા રે ને વાત કરી.  દત્તાએ હોઠ પરથી સિગારેટ હોલ્ડર હટાવતાં કહ્યું, “એ આપણે માટે એસેટ થશે, એને કહો મને ફોન કરે.”

એલફીન બારમાં બંને મળ્યા ત્યારે ગૌતમે જગને ટાઈમ્સમાં જોડાવાની ઓફર આપી. આશ્વર્યની વાત એ હતી કે જગ એના માટે ઇચ્છુક હતા. બન્ને એટલા ઉત્તેજિત હતા કે બિલ ચૂકવ્યા વગર જ બહાર નીકળી ગયા. એ બિલ હજી બાકી જ છે.  ચંદન મિત્રાએ પણ સંમતિ આપી. સ્વપનનો એક વર્ષ બાદ સંપર્ક કરવામાં આવ્યો.

એ ઉપરાંતની બાબત હતી ગિરીના સંભવિત ઉત્તર અધિકારી તરીકે દિલીપ પડગાઓકરને લેવાની.  ત્યારે તેઓ યુનેસ્કોમાં હતા.  ટાઈમ્સની ન્યુયોર્ક આવૃતિ કાઢવાની વાત ચાલતી હતી ત્યારે ન્યુયોર્ક જતા માર્ગમાં પેરિસ જઈને દિલીપ સાથે વાત કરવાનું ગૌતમ અને રમેશ ચંદ્ર એ નક્કી કર્યું ગૌતમ રમેશ ચંદ્ર કરતાં એક દિવસ અગાઉ પેરિસ પહોંચી ગયા.  તેમણે દિલીપને ફોન કર્યો. દિલીપે મેટ્રોમાં ડુપ્લેક્સ સ્ટેશન આવી જવા કહ્યું. ગૌતમ ત્યાં પહોંચીને ખાલીખમ પ્લેટફોર્મ પર હાથમાં સૂટકેસ લઈને ચાલવા લાગ્યા ત્યાં તેમને ધુમ્મસમાંથી કોઈ વ્યક્તિ નીકળીને પોતાની તરફ આવતી જોઈ. આ   ટ્રુફોટના ફિલ્મી દ્રશ્ય જેવું હતું.

બીજા દિવસે રમેશ ચંદ્ર આવી ગયા અને વાતચીતને અંતે દિલીપને વિદેશ સંવાદદાતા તરીકે નોકરી પણ લેવામાં આવ્યા.

દિલીપ પડગાંઓકર

ગિરીલાલ જૈન  સંપૂર્ણ સત્તા ધરાવતા છેલ્લા તંત્રી હતા.  એમના અનુગામી દિલીપ પડગાંઓકર એક્ઝિક્યુટિવ એડિટરનો હોદ્દો ધરાવતા થયા.  વધુ બોલકા અને ભભકદાર, વિકલીના પ્રીતિશ નાંદીની જેમ, તેઓ દીના વકીલના યાદગાર શબ્દોમાં ‘ an impresario editor’ હતા. Impresario એટલે કોન્સર્ટ, બેલે, ઓપેરા જેવા જાહેર સમારંભોના વ્યવસ્થાપક. દીના એનો ઉચ્ચાર આ રીતે કરતાં: આમ – પ્ર – સ્સા – રી – ઓહ

સોસાયટી મેગેઝિન માટે શોભા ડે એ લીધેલા ઇન્ટરવ્યુમાં દિલીપે પોતાનાં પદને ‘ બીજા નંબરના સહુથી મહત્વના જોબ ‘ તરીકે ગણાવ્યું હતું અને આ આપવડાઈ કે બડાશને મેગેઝિનનાં મુખપૃષ્ઠ પર ચમકાવ્યું હતું.  ક્ષોભિત થયેલા દિલીપે એવો બચાવ કર્યો કે એમણે તો એમના બોસ ગિરીલાલ જૈનને ટાંક્યા હતા પણ એ ખોટી રીતે એમના નામે ચડાવી દેવાયું હતું. ગૌતમ અધિકારીએ એ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે ગિરી ઘણી વાર કહેતા કે તેઓ દેશની બીજા નંબરની સહુથી મહત્વની વ્યક્તિ છે.  બચી કહે છે, ” અમે એમની પીઠ પાછળ મજાક કરતા કે એમનો સેક્રેટરી રોશન ૧૦ નંબરનો સૌથી અગત્યનો અને પટાવાળો ભગવતી ૧૭મો સૌથી અગત્યનો માણસ છે.”  એ જે હોય તે પણ તેનો વણકહ્યો ભાવાર્થ એ હતો કે ટાઈમ્સના તંત્રીના કાર્યનું મહત્વ વડાપ્રધાન પછીના બીજા નંબરનું નહિ પણ એનાથી ખરેખર તો વધુ હતું.

તંત્રી પદની આવી બડાશથી ટાઈમ્સના કર્તાહર્તા સમીર જૈન ગુસ્સાથી તમતમી ગયા હતા કે તેને બ્રાન્ડિંગની કુશળતા ગણીને એમાં રાચતા હતા એ બાબતે હજુ કંઈ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.

દિલીપનો  ટાઈમ્સ સાથેનો સંપર્ક એમની ૨૪ વર્ષની ઉંમરે ૧૯૬૮માં શરૂ થયો. એમનું એક લખાણ શામ લાલને ગમી ગયું. દિલીપે નોકરી માગી અને એ પણ મળી ગઈ.  પાંચ વર્ષ એમણે ફ્રાન્સમાં સંવાદદાતા તરીકે ગાળ્યાં અને એમને પછી સહાયક તંત્રી તરીકે બઢતી પણ મળી. ૧૯૭૮માં યુનેસ્કોમાં જોડાયા અને પછી ત્યાંથી છૂટા થયા. ફરી ટાઈમ્સની ઑફર આવી અને તેઓ જોડાઈ ગયા. ફ્રાન્સના તેમના વળગણને કારણે ટાઇમ્સમાં એ વિશે મજાક પણ થતી. એમને પેડ્ડી અને ફિલિપ્પ જેવા નામ પણ આપવામાં આવ્યાં હતાં.

પત્રકારોને રસપ્રદ લોકોને મળવાનું વધારે બનતું હોય છે, શબ્દો પર સારું અધિપત્ય હોય છે, એટલે તેઓ પાર્ટીમાં સરસ વાર્તાકથનની આવડત ધરાવતા હોય છે અને મીમીક્રીની કુશળતા બહુ મજેદાર હોય છે. અતિશયોક્તિભરી વાતો બનાવી કાઢવામાં દિલીપ અજોડ હતા. રાત્રી ભોજન પછીની એમની અતુલ્ય સ્ટાઈલમાં એમણે શામ લાલ વિશે કેટલીક વાતો કરી હતી. પેરિસમાં એમના નાનકડા પુત્રને શામ લાલ પાસે છોડીને પતિ પત્ની બહાર ગયાં હતાં એ કિસ્સો શામ લાલની વહેવારિક સમજના અભાવનો રમૂજી પુરાવો છે.  ટ્રાફિક પોઇન્ટ પર ભીખ માગતાં નાના બાળકો પર એમનું બિલકુલ ધ્યાન ન જતું એ એક વક્રોક્તિ સમાન હતું. ભારતની દારુણ ગરીબી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાને સહાય કરવા અંગે આગ્રહપૂર્વક લખતા શામ લાલ ભીખ માગતા બાળકો પર નજર પણ નાખતા ન હતા. બચી કરકરીયા કહે છે તેમ તેઓ છપાયેલા શબ્દોના કેદી હતા. તેઓ ‘અદીબ’ના તખલ્લુસ થી ‘લાઈફ એન્ડ લેટર્સ’ નામની સાપ્તાહિક કોલમ લખતા. બૌદ્ધિક વિશ્લેષણાત્મક રજૂઆત સાથેના ફ્રેન્ચ અસ્તિત્વવાદ, જર્મન પત્ર લેખન, સામ્યવાદી શાસનના વિરોધ મત કરાવનારા પોલીશ નાટકો વગેરે વિષય પર એમના લેખોનો એક વિશેષ વાચક વર્ગ હતો.  એમના લખાણ કોઈ પણ ક્ષુલ્લક બાબતો અંગે ઉપહાસપૂર્ણ, વેધક, તિરસ્કારપૂર્ણ હતાં; એક સમર્થ લેખક તરીકેનું અંગ્રેજી ભાષાનું તેમનું લચીલાપણાનું એ મહાન દર્શન હતું. એમનો એક નાનો પણ સંપૂર્ણ રીતે ચાહનારો અનુયાયી વર્ગ હતો.

+                                                          +                                                          +

૫૦% પારસી ૫૦% જાપાનીસ ૧૦૦% બૌદ્ધિકઃ એન જે નાનપોરિયા

એક પ્રકરણનું નામ બચીએ આપ્યું છે ‘૫૦% પારસી ૫૦% જાપાનીસ ૧૦૦% બૌદ્ધિક’  આવા એક તંત્રી હતા એન જે નાનપોરિયા. દુનિયાના દરેક અંતર્મુખી તંત્રી અંગે કહેવાયું છે તેમ નાનપોરિયા વિશે પણ એવી એક વાર્તા ચાલે છે કે તેઓ ભાગ્યે જ કોકટેલ સર્કિટમાં જતા હતા એવી એક પાર્ટીમાં એક વ્યક્તિએ એમની સાથે વાતચીત શરૂ કરી. નાનપોરિયા થોડા ક્ષુબ્ધ હતા પણ એ વ્યક્તિ છોડતી ન હતી. એમણે ચીન અને જાપાન વચ્ચેના ફર્કની વાત જાણવા પ્રયત્ન કર્યો.  નાનપોરિયાને આશ્ચર્ય થતાં એ વ્યક્તિ શું કરે છે એ અંગે પૂછ્યું. પેલાએ જરા મૂંઝવણ સાથે કહ્યું,  “સર, હું આપનો ન્યુઝ એડિટર છું.”

રવિવારે ચોર બજારની મુલાકાત લેવાની એમનો ક્રમ હતો. અસાધારણ બુદ્ધિ ધરાવતા નાનપોરીયા સિદ્ધહસ્ત લેખક હતા. એમના પુરોગામી ફ્રાન્ક મોરાએસની જેમ એમની લેખન શૈલી ખૂબ સુંદર હતી. બંનેને પોતાના સ્ટેનોને ડિકટેટ કરાવતાં કરાવતાં વિશાળ ખંડમાં આંટા મારવાની આદત હતી.  ફ્રાન્કનો મદદનીશ શોર્ટ હેન્ડમાં લખતો, નાનપોરિયાનો સ્ટેનો સીધું ટાઈપરાઇટર પર ઉતારતો.  વિરામચિહ્ન સહિત અણીશુદ્ધ રીતે ઘડાયેલાં વાક્યો અને સંપૂર્ણ રીતે સર્જાયેલા વાક્યખંડોનો અસ્ખલિત પ્રવાહ જે રીતે વહેતો હતો એ એક અનંત અચમ્બો પમાડતી બાબત હતી અને એટલી જ આશ્ચર્યજનક વાત એ હતી કે તેઓને ક્યારે અટકવું એનો પણ બરાબર ખ્યાલ રહેતો.  અખબાર જગતની ભાષામાં ૩-૪-૫  કોલમ તરીકે જાણીતી તંત્રી લેખનાં પાનાંની ખાસ જગ્યા માટે જરૂરી હોય બરાબર એટલા જ શબ્દોની સંખ્યા જેટલી જ એડિટની સામગ્રી તેઓ ડિક્ટેટ કરાવતા.  બંને એમના સ્ટેનોના કામ પર નજર ફેરવી લેતા પણ એડિટિંગ ન કરતા અને એમની કોપીમાં ક્યારેય પણ કાપકૂપ કરવી ન પડતી, કોઈ હિંમત પણ ન કરતું.

+                                                          +                                                          +

જગ સુરૈયા

જગ સુરૈયાને બહાર રાખીને ટાઈમ્સની વાત ન કરી શકાય.  એમનું નામ રમુજી પ્રસિદ્ધ કોલમ ‘જગ્યુલર વેઇન’ને કારણે જાણીતું છે.  કાર્યકારી તંત્રીથી સ્વતંત્ર એડિટ પેજના તંત્રી તરીકેની જવાબદારી તેઓ સંભાળતા હતા. એમનો વિષય અને મૂડ આગલી રાતે ગુડગાંવમાં એમને ઘરે ઇલેક્ટ્રિસિટી હતી કે નહીં એની પર અને સવારે લાંબી ડ્રાઇવ કરીને આવતા ટ્રાફિકની પરિસ્થિતિ પર આધારિત રહેતા.  એમની સિનિયર તંત્રીઓની વૈવિધ્યપૂર્ણ ટીમમાં વિજ્ઞાન લેખક મુકુલ શર્માથી માંડીને સંરક્ષણ વિશ્લેષક કે. સુબ્રમણ્યમ જેવાનો સમાવેશ થતો હોવાથી ચર્ચાની શક્યતાઓ અને તંત્રીલેખોના વિષયો અમર્યાદ હતા.

એક વાર અણુપ્રસારબંધી અને વિદેશ નીતિ જેવા વિષયો પર લખનારા સિદ્ધાર્થ વરદરાજન અત્યંત અકળાયેલી મનોસ્થિતિમાં મિટિંગમાં બોલી ઉઠ્યા,  “પેલી જાજરમાન સ્ત્રી – એ કેવી રીતે ગમે તે અજાણી વ્યક્તિને પરણી જઈ શકે ?  પોતાની પ્રતિષ્ઠા પ્રત્યે, તેના પ્રશંસકો પ્રત્યે અને દેશ પ્રત્યે પણ તેમની જવાબદારી છે.”   બોલીવુડની રાણી માધુરી દીક્ષિતનાં લગ્ન વિદેશ નિવાસી ડો. નેને સાથે થવાથી આ ઉભરો બહાર આવ્યો હતો. સિદ્ધાર્થ આ વાતને પૂરી ગંભીરતાથી લેતા હતા, તેથી જગ સુરૈયાએ એમને કહ્યું, ” ઠીક છે, આ બાબતમાં તમારી આટલી ઉગ્રતાભરી લાગણી છે, તો એના વિશે તંત્રીલેખ લખો. સિદ્ધાર્થ કહે, ” સારું હું થર્ડ એડિટ લખીશ.”  “નહિ , મારો મતલબ છે લીડ એડિટ,” જગે સ્પષ્ટતા કરી. સિદ્ધાર્થે જુલિયા રોબર્ટની એ જ વર્ષે હિટ થયેલી ફિલ્મ ના નામ પરથી Runaway Bride શીર્ષકથી લખ્યું અને વાંચકોના પત્રોનો અભૂતપૂર્વ ધસારો થયો. વાચકોની લાગણી પણ સિદ (સિદ્ધાર્થ) જેવી જ હતી અને જગ સુરૈયાએ પોતાના મગજને મહત્વની જણાતી બાબત કરતાં વાંચકોના હૃદયને સ્પર્શતા વિષય માટે ફર્સ્ટ એડિટની ઉચ્ચ પરંપરા તોડવાની તૈયારી બતાવી.

એમની ટીમના એક વિશેષ સભ્ય હતા કે. સુબ્રમણ્યમ, પ્રખ્યાત સ્ટ્રેટેજીક વિશ્લેષક જે પછી ભારત સરકારના સિક્યુરિટી સલાહકાર બન્યા. (વર્તમાન સમયના સંદર્ભમાં એક વધારાની ઓળખઃ હાલના વિદેશ મંત્રી એસ જયશંકરના તેઓ પિતા થાય). એમના આક્રમક અભિગમને કારણે એડિટ ટીમના અન્ય એક સભ્ય તરફથી એમને ‘બોમ્બ મામા’નું નામ મળ્યું હતું. પણ તેઓ શાંતિવાદી હતા અને એમને કહેતા કે તમારા પરમાણુના સર્વનાશના અંતે માત્ર વંદો જ બચશે.

સર્જનાત્મકતા વિશેના રહસ્ય અંગે એમનો મત એવો હતો કે એ કોઈ મોટી વાત નથી. કોઈ પણ બાબતમાં કોઈ પણ લખી શકે અને એક તંત્રી લેખ તમે ૩૦ મિનિટમાં લખી શકો.

જગ પોતાની એકાંતપ્રિયતા માટે કુખ્યાત હતા અને મોટાભાગની માનવીય પ્રજાતિઓના અસ્તિત્વને માન્ય નહોતા કરતા. એમની એક વધુ પ્રસિદ્ધિ પામેલી ઘટના એ ખરેખરા જગ અંગેની હતી. નવો પટાવાળો એની એમની કેબિનમાં તાજું પાણી ભરી આપવા માટે પ્રવેશ્યો અને અચકાતાં બોલ્યો,

“સર,  જગ.”

“બોલો, શું કામ છે?” સુરૈયાએ કહ્યું.

“જી સર,  જગ.”

આમ થોડી વાર ચાલતું રહ્યું પછી ગુસ્સે થયેલા તંત્રીને જવાબ આપતાં પાણીના જગ સામે આંગળી ચીંધીને પટાવાળાએ નાના બાળકને સમજાવતો એમ કહ્યું  ” પા…ણી.”

નારાયણી ગણેશન એડિટ પેજમાં જોડાયાં પછી કામ અંગે પ્રવાસમાં ગયાં ત્યારે બીજા યુવાન પત્રકારો એમને પૂછતા કે તમે કોને જવાબદાર છો? એ લોકોને ખબર પડે કે નારાયણી સુરૈયા સાથે કામ કરે છે ત્યારે તેઓની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી, “જગ સુરૈયા!  કેટલા ભાગ્યશાળી! એ કેટલા રમુજી છે, તમારો કેવો રમુજ ભર્યો સમય જતો હશે!” વર્ષો પછી એટલી હિંમત આવી ગઈ હતી એટલે જગ પાસે આ વાત કરતાં તેમણે ઉમેર્યું, ” તેઓને ક્યાં ખબર છે કે તમે આવા ખરાબ સ્વભાવના છો!” અલબત્ત, જગની સર્વસંમતિ સાથે કામ કરવાની રીતની તેઓ પ્રશંસા કરતાં.

 +                          +                          +

ઇન્ડિયન એક્સપ્રેસની જેમ કટોકટીનો સામનો કરવા માટે ખડા ન રહેવા માટે ટાઈમ્સની ટીકા કરવામાં આવી હતી પરંતુ અખબારની માલિક કંપની, બૅનેટ કૉલમેન, નાં બોર્ડમાં સરકાર દ્વારા નિયુક્ત બે અધિકારીઓને કારણે પણ એ બન્યું હોય તે સંભવિત છે; છતાં ઇમર્જન્સી ઉઠી ગયા બાદ શામલાલ ની સામે આ માટે ઘણો વિરોધ વ્યક્ત થયો હતો.  તેઓ ઇન્દિરા તરફી ન હતા પણ દિલ્હીના રેસીડેન્ટ એડિટર ગિરીલાલ જૈન તો ઇન્દિરા તરફી જ હતા.

+                                                          +                                                          +

નિવૃત્તિ પછી શામલાલ મુંબઈ આવે ત્યારે ગૌતમ અધિકારીને ચર્ચગેટ સુધી ચાલવા માટે બોલાવતા અને ગેલોર્ડના ખુલ્લા વિભાગમાં બેસીને અંધારું થઈ જાય ત્યાં સુધી ગોષ્ઠિ કરતા.  ગૌતમ કહે છે કે શામલાલને ગોસીપ બિલકુલ ગમતી નહીં પણ ગીરીલાલ જૈનને બહુ પસંદ હતી.

+                           +                          +

ટાઈમ્સના મ્યુઝિયમ જેવા બચી કરકરિયાના આ દસ્તાવેજની રસાળતા એનું મજબૂત જમા પાછું છે, તો બીજી બાજુ ફ્રાન્ક મોરાએસ  વિશે સંપૂર્ણ મૌન રહેવું – ખાસ કરીને ટાઈમ્સ છોડીને અસંખ્ય પત્રકારો સાથે ફ્રાન્ક સાગમટે ઇન્ડિયન એક્સપ્રેસમાં જોડાયા એવી ઘટના વિશે કોઈ ઉલ્લેખ ન હોય – એ બાબતને પણ એની ખામી ગણી શકાય.

+                           +                          +

ક્રમશઃ


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


ચોથો મણકો ૩ – ૧૦ – ૨૦૨૪ના રોજ પ્રકાશિત થશે જેમાં એડીટ પેજની વાતો, પ્રેમ શંકર ઝા અને ખુશવંત સિંહની યાદો રજુ કરાઈ છે.