શૈલા મુન્શા
વર્ષોની મારી દિવ્યાંગ બાળકો સાથેની સફરમાં કેટલાય અવનવા બાળકો સાથે મારી સફર પણ મજાની, લાગણીસભર અને ઉમદા રહી. આજે પણ એ બધા બાળકો મારી નજર સામે તરવરે છે. હું કેટલું બધું એમની પાસેથી શીખી અને ખાસ તો હર મુસીબતમાં હસતાં રહેવાની અને બીજાને પણ જીવન જીવતા શીખવાડવાની કળા એ નાનકડાં દિવ્યાંગ બાળકોએ સહજ શીખવી દીધું.
આજે મારી બહેનપણીની પૌત્રી સાથે મુલાકાત થઈ. દાદી એને જમાડતી હતી અને પૌત્રી હાથમાં ફોન લઈ ગમતું કાર્ટુન જોઈ રહી હતી. મેં મારી સખી માલતીને ફોન લઈ લેવાનું કહ્યું, અને મને જવાબ મળ્યો “અરે શૈલા એવું કરીશ તો એ જમશે જ નહિ” અને અચાનક મને મારી રીયાની યાદ આવી ગઈ.
આઈસક્રીમ શબ્દ સાંભળી ને જ મોઢામાં પાણી આવી જાય! મોટા ભાગે સહુને આઈસક્રીમ ભાવતો હોય. રીયાને આઈસક્રીમ બહુ જ ભાવે. રીયા નવી જ અમારા ક્લાસમાં આવી હતી. પાંચ વર્ષની રીયાને Autistic child નું લેબલ હતું અને આ પ્રકારના બાળકો પોતાની જીદ અથવા તો એમ કહી શકાય કે રોજના રુટીન પ્રમાણે જ કામ કરતા હોય.
રીયાને પણ ખાવાની બહુ પંચાત! ભાવવા કરતા ન ભાવવાનું લીસ્ટ લાંબુ. મમ્મી બિચારી થાકી જાય. જુદી જુદી વાનગી બનાવી એના લંચ બોક્ષમાં આપે, પણ રીયા જેનુ નામ, એ તો એની સન બ્રાન્ડ ચીપ્સ ખાય અને એપલ જ્યુસ જ પીએ. ભુલમાં જો મમ્મીએ બીજી બ્રાન્ડની ચીપ્સ મુકી તો ધમપછાડા. આખો દિવસ ખાધા વગર કાઢે પણ બીજી ચીપ્સને હાથ ના લગાડે. રીયાના ખાવાના બધા નખરા મમ્મી પાસે જ ચાલે. પપ્પા જો સ્કૂલે મુકવા આવે તો મેઘા ચુપચાપ ક્લાસમાં આવે, કારણ પપ્પા તો મુખ્ય દરવાજે જે શિક્ષક ત્યાં ફરજ પર હોય એના હાથમાં રીયાને સોંપી દે, અને રીયા પણ કશું બોલ્યા વગર ક્લાસમાં આવે.
જે દિવસે મમ્મી આવે ત્યારે બેનના હાથમાં મોટો મેકડોનાલ્ડનો ઓરિયો કુકી આઈસક્રીમ મીલ્કશેકનો કપ હોય. કલાક સુધી અમારા બ્રેકફાસ્ટ ટેબલ પર બેસી રીયા ચમચે ચમચે આઈસક્રીમ ખાય. આખે મોઢે આઈસક્રીમ, હાથે રેલા આઈસક્રીમના અને ટેબલ પર આઈસક્રીમના ટપકાં. બીજા બાળકોનું ધ્યાન પણ ક્લાસની પ્રવૃતિને બદલે રીયા પર જ હોય. સ્વભાવિક એ નાનકડાં બાળકોને પણ મન તો થઈજ જાયને!
બે ત્રણ દિવસ તો અમે એ નાટક ચલાવ્યું, કપ લઈ ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો પણ રીયાના હાથમાંથી કપ લેવો એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ. ચોથે દિવસે રીયા આઈસક્રીમનો કપ લઈ આવી અને જોગાનુજોગ પ્રીન્સીપાલ મીસ સમાન્થા ક્લાસમાં કંઈ કામે આવ્યા હતાં, એમણે રીયાના હાથમાંથી આઈસક્રીમનો કપ લઈ લીધો અને એનું જેકેટ ઉતારવામાં મદદ કરવાને બહાને અને રીયા પાછળ ફરી જેકેટ ખીલી પર લટકાવે ત્યાં સુધીમાં આઈસક્રીમનો કપ અંદરના રૂમના કચરાના ડબ્બામાં નાખી દીધો.
કલાક સુધી રીયાનું રડવાનું અને આઈસક્રીમના નામની ચીસાચીસ ચાલી. “મારો આઈસક્રીમ ક્યાં ગયો? મારો આઈસક્રીમ ક્યાં ગયો?” પછી જાણે મોંઘેરૂ રતન ખોવાઈ ગયું હોય તેમ બપોર સુધી મારો આઈસક્રીમની રટ ચાલુ રાખી.
બીજા દિવસે રીયા આવી તો જાણે રીયાને બદલે એનું ભૂત હોય તેમ સાવ નંખાઈ ગયેલી હાલતમાં ટેબલ પર માથુ મુકી એકલા એકલા બોલ્યા કર્યું “મારો આઈસક્રીમ જતો રહ્યો, મારો આઈસક્રીમ જતો રહ્યો”
દિવસ એનો તો ખરાબ ગયો પણ સાથેસાથે અમારો પણ! અમારાથી રીયાની હાલત જોવાતી નહોતી પણ જે કર્યું તે એના સારા માટે જ. સવારના પહોરમાં નાસ્તામાં આઈસક્રીમ, એટલી બધી સુગર પછી આખો દિવસ રીયાની ધમાલ, એક જગ્યા એ ઠરીને બેસીના શકે, ન ભણવામાં ધ્યાન આપી શકે.
મીસ બર્ક મને કહે “મીસ મુન્શા કોઈ ઉપાય બતાવ, મને તારી ભારતીય સોચ પર વિશ્વાસ છે”
મેં મમ્મીને સમજાવી કે આઈસક્રીમને બદલે દહીંમા થોડી ખાંડ અને કેળું કે એવા કોઈ ફળ નાખી સ્મુધી બનાવી મેકડોનાલ્ડ જેવા કપમાં ભરી આપો. રીયાને આઈસક્રીમ જેવું લાગવું જોઈએ. મમ્મી સમજદાર હતી અને દીકરીના ભલા માટે કંઈ પણ કરવા તૈયાર હતી.
અઠવાડિયું ગયું અને રીયા આઈસક્રીમને ભુલી પણ ગઈ અને સ્મુધી ખાતી થઈ ગઈ.
હતી તો છેવટે પાંચ વર્ષની બાળકી જ ને! કુમળો છોડ વાળીએ એમ વળે અને રીયા જેવા બાળકો પણ જીવનમાં આગળ વધે એવા અમારા સતત પ્રયાસ રહેતા.
આવા અનોખા બાળકો મારા જીવનનો અમિટ હિસ્સો બની ગયા છે અને એમનું સ્મરણ આજે પણ મારા ચહેરા પર એક મધુર મુસ્કાન લાવી દે છે.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
