નરેશ પ્ર. માંકડ
મણકો [૧]થી આગળ
મહાનાયકો
ફ્રાંક મોરાએસ, એન.જે. નાનપોરિયા અને શામ લાલના વિશિષ્ટ વ્યક્તિત્વ હતાં, બૌદ્ધિક આડંબર પણ હતો પરંતુ ઘમંડ ન હતો. એ આવ્યો ગિરીલાલ જૈન દ્વારા. દિલીપ પડગાંવકર કહે છે તેમ ગિરીલાલ એક વાક્યમાં યુગોને આવરી લેતાં સ્પેંગ્લેરિયન વિધાનો કરતા; તેઓ કર્ઝનિયન મહત્વાકાંક્ષા અને હરિયાણવી આત્મશ્લાઘાના મિશ્રણ સમાન હતા. એટલે જ તેઓ ગયા તો હતા ઈરાનના પહેલવી શહેનશાહનો ઇન્ટરવ્યુ લેવા પણ શાહને એમણે ભૂ – રાજનૈતિક વ્યૂહરચનાના પાઠ ભણાવ્યા હોવાનું માનવામાં આવે છે.

બચી એમની આગવી અદામાં કહે છે, કોઈ એક સાંજે દિલ્હીના બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માઉન્ટ પરનેસ્સુસ સમા લોધી ગાર્ડન્સમાં ગિરીલાલ જૈન ચાલતા હશે ત્યારે સિગારનો કશ લેતાં એવાં ઉચ્ચારણો કરશે કે એમના ઉચ્ચ કક્ષાના સાથીદારને પણ ગૂંચવી નાખશે. તેઓ જાહેર કરશે, ” હુણ હિન્દુઓની સામે ખડા થશે.” પછી મંથનના વિરામ બાદ તેઓ વિચારવિસ્તાર કરશે.
Epic Heros પ્રકરણ માં બચી ફ્રાંક મોરાએસ અને નાનપોરીઆ વિશે ટૂંક નોંધ આપી દે છે એ આ મહાન તંત્રીઓને અન્યાય સમાન છે. કદાચ કારણ એ હોઈ શકે કે બચીનો પ્રવેશ મોડો થયો હતો. લૂઈ ફિશરે ફ્રાંકના પુસ્તક India Today ના રિવ્યુમાં લખ્યું હતું: “Next to Nehru, Frank Moraes wields the finest political pen in India where the intelligentsia still take a British delight in exquisite English.
અસામાન્ય માણસ – આર. કે. લક્ષ્મણ
બચી કરકરીયા કહે છે કે સામાન્ય માણસ (common man)ના સર્જકનું સૌથી નોંધપાત્ર લક્ષણ એ હતું કે એનામાં સામાન્ય માણસનાં એ વ્યક્તિત્વનો સ્પર્શ બિલકુલ ન હતો. એમના અંગત મિત્રો અને જેમની સાથે તેઓ કામ કરતા એવા તંત્રીઓની મંડળીના નિકટના વર્તુળની બહાર, તેઓ ઉદ્ધતાઈની હદે ગુમાની હતા. પોતાની બૌદ્ધિક ઊંચાઈની નજીક ન હોય એવા લોકોને તેઓ સહન કરી ન શકતા.
પોતાની કાળી એમ્બેસેડર કાર ડ્રાઈવ કરીને લક્ષ્મણ બરાબર ૮:૩૦ વાગે આવી જતા અને તેમની નિયત જગ્યાએ પાર્ક કરતા. ત્યાં બીજું કોઈ પાર્ક કરવાની હિંમત ન કરતું અને જો કોઈ એ જગ્યાએ ઘુસવાનો પ્રયત્ન પણ કરે તો સિક્યુરિટીવાળા તેમને ભગાડી દેતા. લક્ષ્મણનો પટાવાળો શેટ્ટી તેના બોસ કરતા વહેલો આવીને પેન્સિલ સાફ કરી, તેમનું સ્કેચિંગ સ્ટેન્ડ તૈયાર કરીને સવારના બધા દૈનિકો દિવાલ પરના તેમના અંગત ન્યૂઝ પેપર સ્ટેન્ડ પર લગાવી દેતો.
બધા તંત્રીઓ અને સહાયક તંત્રીઓ ૧૦:૩૦ ની મિટિંગ માટે એકઠા થાય ત્યાં સુધીમાં લક્ષ્મણના મગજમાં એનું કાર્ટુન સ્ફુરી ગયું હોય અને કદાચ એનો પહેલો ડ્રાફ્ટ પેડ પર આવી ગયો હોય. લક્ષ્મણ ટહેલતા ટહેલતા મીટીંગમાં આવતા, મિટિંગમાં ભાગ લેવા છતાં ભાગ ન લેતા હોય એ રીતે હાજરી આપતા. ટાઈમ્સના પદાનુક્રમમાં તંત્રીઓની સમકક્ષ તેમની પોતાની જગ્યા હતી. પછીના વર્ષોમાં લક્ષ્મણ એમની આગવી રીતે એમના મુગ્ધ શ્રોતાઓ સમક્ષ ભૂતકાળના દંતકથા સમા તંત્રીઓની વાત કરીને મનોરંજન કરાવતા અને અપવાદરૂપ સારા મૂડમાં હોય તો, છેલ્લે સિક્કાની કોઈ કરામત બતાવીને સમાપન કરતા.
ઊંડા નીચા ખીસ્સાવાળો સફેદ બુશશર્ટ અને કાળી પેન્ટ એ સિવાયના બીજા કોઈ પહેરવેશમાં એમને કલ્પી ન શકાય. લક્ષ્મણ જેટલા આળા હતા એટલાં જ એમના પત્ની કમલા મૈત્રીપૂર્ણ હતા. એમણે બાળવાર્તાઓના પુસ્તકો લખ્યાં છે, જેમાં લક્ષ્મણે રેખાચિત્રો પુર્યાં છે.
લક્ષ્મણ એકદમ મૂડના માણસ હતા. પારા જેવા અધીરા, એક ક્ષણે રમુજથી તરવરતા તો બીજી ક્ષણે એકદમ ખરાબ સ્વભાવના બની જતા. સિક્કાઓની હાથચાલાકીના જાદુ કરતાં પણ ઓછી જાણીતી છે એમની મીમીક્રીની અદભુત આવડત. કાર્ટૂનિસ્ટોની નિરીક્ષણ શક્તિ સતેજ હોય છે પણ કાર્ટૂનમાં પકડાયેલ વિચિત્રતાઓને બધા ભજવી શકતા નથી હોતા. લક્ષ્મણ પોતાની આ આવડતથી એમના મિત્રો અને સહકાર્યકારોને ખૂબ જ રમૂજ પૂરી પાડતા.
દિલીપ પડગાંવકર સાથે મહારાષ્ટ્ર પરના એક પુસ્તકમાં તેમણે કામ કર્યું હતું ત્યારે દિલીપે નોંધ્યું હતું કે એમના નિરીક્ષણો આશ્ચર્યજનક હતાં. એક અન્ય મુસાફરીની પણ દિલીપ વાત કરે છે. લક્ષ્મણ અને કમલા કોઈ શેખના મહેમાન તરીકે કતાર ગયા હતા, જ્યાં તેમણે એક જાહેર વ્યક્તવ્ય આપવાનું હતું. એમના આરંભના શબ્દોએ શ્રોતાઓ અને યજમાનને આઘાત આપ્યો. એમણે કહ્યું, “તમારા દેશમાં મેં પગ મુક્યો ત્યારથી જ હું બહુ દુઃખી છું.” પછી ઉમેર્યું, ” મને લેવા માટે કાર ૧૦. ૦૦ વાગે આવવાની હોય તો તે ૧૦ માં પાંચ મિનિટ પહેલા આવી જશે, એસી ચાલુ હશે, મારે દરવાજો ખોલવો નહીં પડે, સ્માર્ટ યુનિફોર્મ માં શોફર મારા માટે દરવાજો ખોલશે. તમારા દેશમાં હું ફરું છું ત્યારે મારું હૃદય બેસી જાય છે. માર્ગમાં ક્યાંય ખાડાઓ નથી, જેનો મને મારા દેશમાં અનુભવ છે; દરેક શેરીની બત્તીઓ ચાલુ સ્થિતિમાં હોય છે, દિવાલો પર પાનની પિચકારીના ધાબાં નથી. મુંબઈથી આવેલા મારા જેવા માણસને માટે અત્યંત નિરાશા કેમ ન થાય?” શ્રોતાઓમાં હાસ્ય છવાઈ ગયું.
દિલીપ અને લક્ષ્મણ પટણા પણ સાથે ગયા હતા. દરેક પ્રસંગમાં લક્ષ્મણને લોકોનું ટોળું ઘેરી વળતું હતું અને તેને નિયંત્રિત કરવા માટે પોલીસની જરૂર પડતી હતી. બધી જગ્યાએ કોઈ પ્રદર્શનનું ઉદઘાટન કરવાનું રહેતું હતું. છેલ્લે એવા પ્રસંગમાં છટકવા માટે એમણે પ્રયાસ કર્યા ત્યારે આયોજકોએ કહ્યું કે આ તો માત્ર પાંચ મિનિટમાં પતી જશે. લક્ષ્મણે દિલીપ તરફ ફરીને ધીમેથી કહ્યું, આ કંઈ પાંચ મિનિટમાં પૂરું ન થાય, હાર તોરા થશે, ભાષણો થશે, ફોટોગ્રાફ લેવાશે, મોમેન્ટો અપાશે, પણ જોજો હું શું કરું છું તે. એમણે રીબીન કાપી અને યજમાનોને કંઈક કહીને નીકળી ગયા. દિલીપે આશ્ચર્ય અને અહોભાવથી પૂછ્યું, આ તમે કેવી રીતે કર્યું? લક્ષ્મણે કહ્યું, “મેં એમને એટલું જ માત્ર કહ્યું, ‘આજે નહીં, આજે નહીં. મારે આજે બુધવાર છે.’ ભારતમાં ધર્મનો ઉપયોગ કરીને છટકી જવાનો ઉપાય સૌથી સલામત ઉપાય છે.”
ગૌતમ અધિકારીને પણ લક્ષ્મણ સાથે મુસાફરી કરવાનો લહાવો મળ્યો હતો. ઘણીવાર ડ્રાઇવિંગ કરતાં લક્ષ્મણની વાતથી હાસ્ય સમી ન જાય ત્યાં સુધી એમને કાર રસ્તાની બાજુએ લઈને ઉભી રાખી દેવી પડતી હતી.
કાનૂની બાબતો પર લખનારા એ. જી. નૂરાનીના કાળા અને ખૂબ જ વેસેલિન લગાડેલા વાળને તેઓ પેટન્ટ લેધર વાળ કહેતા. લક્ષ્મણે દંતકથા સમાન બની ગયેલી મહાન વ્યક્તિઓ સાથે કામ કર્યું હતું. પોતાના શહેર મદ્રાસમાં હિન્દુમાં કામ કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા. ફ્રી પ્રેસ જર્નલમાં બાલ ઠાકરે સાથે કામ કર્યું, મિત્રાચારી થઈ અને ઠાકરે એમના ઠઠાચિત્રોનો વિષય પણ બન્યા. ત્યારબાદ તેમણે ટાઈમ્સમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો અને સર ફ્રાન્સિસ લો ને મળ્યા. (અહીં એક જરૂરી આડ વાત જે આ પુસ્તકમાં નથી. સર ફ્રાન્સિસ લો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ લશ્કરમાં હતા. ૧૯૧૯ માં એમણે લશ્કર છોડ્યું, ૧૯૨૨ માં ટાઈમ્સમાં જોડાયા. ૧૯૩૨ થી ૧૯૪૮ સુધી તેઓ એના તંત્રી રહ્યા અને ભારતીય સ્વાતંત્ર્યની લડતને છેક આઝાદી સુધી આવરી લીધી.)
એમને યાદ કરતાં લક્ષ્મણ કહે છે, “Nice fellow, I zay.” (લક્ષ્મણ say નો ઉચ્ચાર zay કરતા.) “એમણે મને કહ્યું, અમે કાર્ટૂન નથી આપતા પણ ઈવનિંગ ન્યુઝમાં તમને લઈ શકીએ.” એક વખત એક કાર્ટૂન એમને વિશેષ પસંદ પડ્યું અને એ ટાઈમ્સમાં જવું જોઈએ એમ કહ્યું. આ રીતે અણધાર્યા જ ટાઈમ્સનો તેઓ નિયમિત ભાગ બની ગયા. આવી બીજી મહાન વ્યક્તિઓમાં તેઓ બર્ટ્રાંડ રસેલને પણ મળ્યા હતા. રસેલે એમને કહ્યું, ભારતે કંઈ નથી શોધ્યું, “Indians have discovered nothing” અને પછી ઉમેર્યું, ” Don’t look so angry, young man. I meant they are the ones who discovered the concept of zero.”
સર ડેવિડ લો ન્યુઝીલેન્ડથી લંડન ગયા અને ૨૦મી સદીના સહુથી મહાન રાજકીય કાર્ટૂનિસ્ટ અને કેરિકેચરિસ્ટ થયા. એક વાર તેઓ લક્ષ્મણની કેબિનમાં જઈ ચડ્યા અને કહ્યું, “મને તમારું કામ તમે હિન્દુમાં હતા ત્યારથી જ ગમ્યું છે. હું હોંગકોંગ જઈ રહ્યો છું અને મારે તમને મળવા માટે મુંબઈ રોકાવું જ પડ્યું.” લક્ષ્મણ એમને લઈને કારમાં નીકળ્યા. હવે આવે છે ટિપિકલ લક્ષ્મણની વાત: “મેં તેમને મરીન ડ્રાઈવ પરના ભવ્ય બિલ્ડીંગ્સ બતાવ્યાં અને કહ્યું, તમે લોકો ભારતને સાપના મદારીઓનો દેશ સમજો છો પણ એવું કંઈ જ નથી. બરાબર એ જ વખતે બીનનો અવાજ સંભળાયો અને ત્યાં એક સાપનો મદારી જોવા મળ્યો! સર ડેવિડ લો એક શબ્દ પણ ન બોલ્યા.”
લક્ષ્મણ ટી. એસ. ઇલિયટ ને પણ મળ્યા હતા. એ મુલાકાત ગ્રેહામ ગ્રીને કરાવી આપી “જે મારા ભાઈના મિત્ર હતા.” લક્ષ્મણના ભાઈ એટલે આર. કે. નારાયણ – માલગુડી ડેયઝ, ગાઈડ વગેરે રચનાઓના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખક.
બ્રિટિશરો પછી આવેલા તંત્રીઓ ફ્રાંન્ક મોરાએસ, એન. જે. નાનપોરીયા, શામ લાલ, ગિરીલાલ જૈન સાથે ક્યારેય લક્ષ્મણને વિખવાદ થયો હતો? “કદી નહિ. અમે એકબીજાને સન્માન આપતા. ફ્રાંન્ક સરસ, નમ્ર માણસ હતા, હા ક્યારેક થોડા ‘હાઈ ‘ (નશા માં) હોય.”
શું એ સાચું છે કે તેઓ લડખડાતા ઓફિસમાં આવતા અને પીધેલી હાલતમાં સહુથી વધારે તીખા તંત્રીલેખ લખતા? લક્ષ્મણ: “Nonsense, I zay, that is all nonsense.”
“બધા તંત્રીઓ સજ્જન હતા. તેઓ એકબીજાને મળે ત્યારે પુસ્તકો અને લેખકો પર ચર્ચા કરતા.” બચી કહે છે, ક્યારેક રાજકારણીઓ અને સમકક્ષો વિશેની ગપસપ થતી. ખાસ કરીને ગીરિલાલ જૈન અફવાઓનો મસાલો પૂરો પાડતા. જ્યારે આ ગપસપ માત્ર અફવા ન રહી ત્યારે આવા ઉચ્ચ કક્ષાના તંત્રીના નિષ્કાસનનું મહત્વનું પરિબળ બની.
૨૦૦૩માં લક્ષ્મણને સ્ટ્રોક આવ્યો. ધીરે ધીરે એમના હાથનો ઉપયોગ શરૂ કરી શક્યા પણ એમની રેખાઓમાં પહેલાં જેવી ધાર રહી નહોતી.
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
ત્રીજો મણકો ૧ – ૧૦ – ૨૦૨૪ના રોજ પ્રકાશિત થશે જેમાં ગિરીલાલ જૈન પછી ‘બહાર’થી આવેલા તંત્રીઓ અને કોલમિસ્ટોની વાત જાણવા મળે છે.
