સંપાદકીય નોંધઃ
આપણે સામાન્ય રીતે વેબ ગુર્જરી પર પુસ્તક પરિચય વાંચીએ છીએ તેને બદલે નરેશભાઈએ બચી કરકરિયાનાં પુસ્તક ‘બિહાઈન્ડ ધ ટાઈમ્સ’નો જે પરિચય કરાવ્યો છે તે છએક પોસ્ટની લેખમાળા બની રહે છે. આ પુસ્તકમાં ટાઈમ્સ ઑવ ઇન્ડીયાની ઘડતરની લાંબી સફરમાં પરદા પાછળ કાર્યરત રહેલાં કેટલાંય નામી અને કેટલાંક બહારની દુનિયામાં ઓછાં જાણીતાં પાત્રોનો બહુ ટુંક પરિચય જોવા મળે છે. બ્રિટીશરો પછીનાં ટાઈમ્સની બદલતી જતી શકલને સમજવામાં આ પુસ્તક બહુ મહત્ત્વનો ભાગ ભજવે  છે. તેથી આ પરિચયને એક એક લેખને બદલે નાની લેખમાળા સ્વરૂપે રજુ કરી છે.
– સંપાદક મંડળ, વેબ ગુર્જરી

 

નરેશ પ્ર. માંકડ

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ૧૮૩૮ માં પોતાની સફર શરૂ કરી ત્યારે દિલ્હીના તખ્ત પર નામનો જ કહેવાય એવો મુગલ શહેનશાહ બેઠો હતો. શીખ અને મરાઠાઓના રાજ્ય એમની ટોચ પરથી હવે અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા.  દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોહીતરસ્યા ઠગો મુસાફરોને મારીને લૂંટ ચલાવતા હતા. આવા સમયે Bombay Times And Journal of Commerce નામથી આ પત્ર અઠવાડિયામાં બે દિવસ પ્રગટ થતું.  ૧૮૫૦માં એ દૈનિક પત્ર બન્યું અને ૧૮૬૧માં તેને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામ અપાયું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ૧૯૦૭માં તેની કિંમત ચાર આનાથી ઘટાડીને એક આનો કરવામાં આવી!

આમ તો મુંબઈ વર્ષો સુધી એનો ગઢ હતું પણ ૧૯૫૦માં તેની દિલ્હી આવૃત્તિ શરૂ થઈ.  ત્યાર બાદ ૧૯૬૮માં અમદાવાદ આવૃત્તિ પણ શરૂ થઈ. ખોટ કરતી એ  આવૃત્તિ કેવી રીતે નફાકારક બની તેની રસપ્રદ વાત આપણે આગળ જતાં કરીશું.  ૧૯૯૧માં બીબીસી એ તેને વિશ્વના છ મોટાં અખબારમાં સ્થાન આપ્યું. આ વર્ષો દરમ્યાન વિચાર અને ભાષાના એક સશક્ત ચેમ્પિયન તરીકે તે સુસ્થાપિત થઈ ચૂક્યું હતું પણ સમય પલટાઈ રહ્યો હતો. ટાઈમ્સનુ મેનેજમેન્ટ એને પૈસા કમાવાના ધંધા તરીકે ઉપયોગમાં લેવા માગતું હતું અને એમની વેપારી વૃત્તિ એમને જંગી વળતર આપી રહી હતી.   ૧૯૯૬માં દસ લાખ અને વર્ષ ૨૦૦૦માં વીસ લાખના ફેલાવાને વટાવી ગયું.  આ આંકડો ૨૦૦૪માં ત્રીસ લાખ અને ૨૦૦૮માં ચાલીસ લાખથી આગળ નીકળી ગયો.

+                              +                              +

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ૧૮૩૮માં શરૂ થયેલી સફરનાં ૧૭૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે ટાઈમ્સ તરફથી સંદીપન દેબનું લખેલું  પુસ્તક Momentous Times: 175 Years બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ટાઇમ્સમાં આવરી લેવાયેલા ૧૭૫ મહત્વના બનાવોનું બયાન આપ્યું છે.બચી કરકરીઆનું પુસ્તક  Behind The Times  જરા વધુ નજીકના બનાવો અને વ્યક્તિઓનું, દર્શન આપે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના લોગોમાં Let Truth Prevail ના નારા સાથે બે હાથી સામસામે મૂક્યા છે.  હાથીને આ રીતે મૂકવાની આપણા દેશમાં જૂની પ્રથા છે. તે અજંતામાં પણ જોવા મળે છે, અને રાજા રવિ વર્માના ચિત્રમાં પણ મળે છે; પરંતુ ટાઈમ્સના લોગોમા તો બે હાથીઓના ટકરાવનું સૂચન થતું લાગે છે એવું બચી કરકરિયાનું પુસ્તક વાંચતાં અનુભવાય છે.

બચી કરકરીઆ ૧૯૬૯માં ધ ઇલસ્ટ્રેટેડ વિકલી માં જોડાયાં અને ખુશવંત સિંહ પણ એ વર્ષે જ જોડાયા – બચી તાલીમાર્થી તરીકે અને ખુશવંત સિંહ તંત્રી તરીકે. લગ્ન પહેલાંનું તેમનું મૂળ નામ બચી એન. કાંગા.  ટાઈમ્સ સાથે તેઓ ૩૦ વર્ષ જીવ્યાં છે. ખુશવંત સિંહ પાસે તેઓ એમની લેખનકળા શીખ્યાં,

બચીની કારકિર્દી પણ ટાઈમ્સના બીજા ઘણા પત્રકારોની આયા રામ, ગયા રામ ની રીતને અનુસરે છે. નાટકના સ્ટેજ ચાલતી અવર જવર જેમ ટાઇમ્સમાં પણ કોઈ પત્રકાર આવે, જાય, ફરી આવે, ફરી જાય અને ફરી પણ આવે એવું બન્યા કરતું.

કલકત્તામાં સ્ટેટ્સમેનમાં કામ કર્યું, અને ફરી ટાઇમ્સમાં આવ્યાં. સન્ડે ટાઈમ્સ, મેટ્રોપોલિસ ઓન સેટરડે અને બોમ્બે ટાઇમ્સમાં તંત્રી રહ્યા પછી ટાઇમ્સની બેંગલોર આવૃત્તિને સશક્ત બનાવી અને ટૂંકી મુદ્દત માટે મિડ ડે માં ગયા બાદ ફરી દિલ્હીના રેસિડન્ટ એડિટર તરીકે અને નેશનલ મેટ્રો એડિટર તરીકે ટાઇમ્સમાં ફરજ બજાવી. હાલ તેઓ મીડિયા સલાહકાર અને ટ્રેઈનર છે. એમની કોલમ Erratica માટે તેઓ વિશેષ જાણીતાં છે. ખુશવંતના અવસાન બાદ બચી કસૌલીમાં યોજાતા ખુશવંત સિંહ લિટ ફેસ્ટ નામના સાહિત્ય સમારોહમાં પણ જોડાતાં રહ્યાં છે.

+                         +                         +

Behind The Times પુસ્તકમાં બચીએ ટાઈમ્સની ગતિવિધિઓ, ઉતાર ચડાવ અને એમના સ્ટાર પત્રકારોની ખાટી મીઠી વાતો રસાળ શૈલીમાં રજૂ કરી છે. ખુશવંત સિંહ સાથે ટ્રેઇની તરીકે મૂલ્યવાન અનુભવ મેળવ્યો હતો એટલે એમની અસર સ્પષ્ટ રીતે વર્તાય છે.

આ ગ્રેટ ટાઈમ્સ સરકસમાં વિભિન્ન અને વિચિત્ર લાક્ષણિકતાઓ ધરાવતાં અનેક પાત્રો છે, જેમાંના કેટલાક તો બચી જેમને epic heroes કહે છે એવાં છે એટલે પત્રકારત્વના વિદ્યાર્થી  માત્ર નહિ પણ સામાન્ય વાચકને પણ રસ પડે એવી ભરપૂર વિગતો મળી રહે છે. આ ચિત્રમેળામાં શામલાલ, ગિરીલાલ જૈન, એન. જે. નાનપોરિયા જેવી અસાધારણ, વજનદાર હસ્તીઓ છે, ખુશવંતસિંહ જેવા સુપર સ્ટાર છે, અને પ્રીતિશ નાંદી જેવા શો – મેન પણ છે.  સ્વાભાવિક રીતે જ આમાં વ્યક્તિચિત્રો અને જેને ટુચકાઓ (anecdotes) કહે છે એવી નાની રસાળ વાર્તાઓ છે જેના આધારે આપણી સમક્ષ ટાઈમ્સનું એક ચિત્ર ઊભું થાય છે. ટાઇમ્સની વાસ્તવિક યાત્રામાં બનતું રહ્યું હતું એમ આ પુસ્તકમાં પણ ચરિત્રો અલગ અલગ સંદર્ભના કારણે આવન જાવન કરતાં રહે છે.

+                         +                         +

કિવદંતિ સમો ડિરેક્ટર્સ લંચ રૂમ

બચી આરંભમાં ગોળ ગોળ ફરતી (સ્વિવેલ) લાલ ખુરશીના આકર્ષણની વાત કરે છે. સમયની સાથે ડિઝાઇનના થતા રહેલા ફેરફારો સાથે એની મૂળ ચમક જતી રહી છે છતાં તે જ્યાં વપરાતી એ ડિરેક્ટર્સ લંચ રૂમ DLR નો ઠાઠ તો જળવાઈ રહ્યો છે. એક સમયે અહીં લાંબા ટેબલ પર વરદીધારી વેઇટર ભોજન પીરસતા. આજે તો તમારી હાથમાં પકડેલી પ્લેટની સમતુલા જાળવતાં ઊભા રહેવું પડે છે. ૧૯૮૦ના દાયકા સુધી DLR માત્ર પુરુષોની ક્લબ હતી, એમાં અપવાદરૂપ હતાં ફેમિનાનાં જાજરમાન તંત્રી વિમલા પાટીલ.  લંચ રૂમમાંથી મોટે મોટેથી થતી વાતો અવાજો આવતા. જેને નોન વેજ જોક કહે છે એવી રમૂજનું હાસ્ય સંભળાતું, વિશેષ તો ખુશવંત સિંહ વિકલીના તંત્રી બન્યા પછી. એટલે તેઓ ચોથા માળ પરની પોતાની કેબિનમાં ટ્રે મંગાવવાનું પસંદ કરતાં.  શાબ્દિક અને આલંકારિક અર્થમાં ધર્મયુગના ઊંચી કક્ષાના તંત્રી ડો. ધર્મવીર ભારતી સરદારના મજબૂત હરીફ હતા.  દરરોજ બપોર પછી તેઓ પાછળના દરવાજામાંથી માપેલાં ડગલાં ભરતાં, રો સિલ્કના બુશ શર્ટ માં સજ્જ, હોઠ પર રાખેલી સિગાર સાથે પ્રવેશ કરતા.

ટાઈમ્સના એક સુખ્યાત તંત્રી, શામલાલ, ડાયરેક્ટર્સ ના ભોજન કક્ષમાં ક્યારેય ન આવતા.  તેઓ પ્રખ્યાત સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં જઈ પુસ્તકો પર નજર ફેરવતા અને સ્ટ્રેન્ડ  જેટલા જ ખ્યાતિપ્રાપ્ત એના માલિક ટી. એન. શાનભાગ સાથે સાહિત્યિક ચર્ચાઓમાં વ્યસ્ત થઈ જતા. શ્યામલાલના ઉત્તરાધિકારી ગિરીલાલ જૈન પણ ભોજન કક્ષના અનિયમિત મુલાકાતી હતા.  તેઓ સ્ટ્રેન્ડ ની મુલાકાતમાં કે અન્યત્ર ભોજનના રોકાણમાં વ્યસ્ત ન હોય તો ટ્રે મંગાવી લેતા.

*************

       બેનેટ કોલમેનમાં ભરતી કરવાનું અનિયમિત અને બિનઆયોજિત રીતે થતું રહેતું. ગૌતમ અધિકારી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરતા પણ એમનું દિલ તો પત્રકારત્વ માં હતું.  કેમ્બ્રિજ થી આવેલા અને માર્કસવાદી વિચારો ધરાવતા સહાયક તંત્રી ડેરિલ ડી મોન્ટેના પ્રયત્નથી એમનો એક લેખ ટાઈમ્સમાં પ્રગટ થયો  પણ ત્યાર પછી સ્ટેટ્સમેન અને આનંદ બજારના અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ માં તેમણે કરેલા પ્રયત્નો નિષ્ફળ રહ્યા.  અખબારોમાં એ સમયના બેન્કના નીચા પગાર ધોરણ જેટલું પણ વેતન ન મળતું. એમની બેંક કરતાં ઓછા પગારમાં પણ પત્રકારત્વની નોકરી લેવાની તૈયારી કોઈને માનવામાં આવતી ન હતી. એવામાં ઇકોનોમિક ટાઇમ્સ કલકત્તામાં આવે છે એવી વાત જાણવા મળી એટલે તરત તેમણે ફોન કર્યો. આ બાબતમાં ઇન્ટરવ્યૂમાં પણ એમને પૂછવામાં આવ્યું, ” વધુ સારો પગાર છોડીને કેમ અખબારમાં આવવું છે?” ગૌતમે રોકડો જવાબ પરખાવ્યો, “તમે મને લેવા માગતા હો તો ઠીક છે, નહીં તો હું આવતીકાલે State Bank of India માંથી રાજીનામું આપીને સ્ટેટ્સમેન કે હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ માં જોડાઈ જઈશ.  બીજા દિવસે તેમને બોલાવવામાં આવ્યા અને લગભગ બેંક જેટલું જ વેતન નક્કી કરવામાં આવ્યું.

અરુણ અરોરાનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું ત્યાં હજુ ઇકોનોમિક ટાઈમ્સ શરૂ થયું ન હતું. અમદાવાદ આવૃત્તિ બાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી, છતાં હજુ ખોટ કરતી હતી. અમદાવાદમાં તેનું સર્ક્યુલેશન નીચું હતું અને જાહેરાત નો ભાવ માત્ર રૂપિયા ૨.૫૦ હતો.  એ દિવસોમાં એકવાર કોઈ એન.આર. આઈ. પટેલ તેમની ઓફિસમાં ધસી આવ્યા અને કહ્યું હું જાહેરાત દેવા આવ્યો હતો, એ આપ્યા વગર જ જાઉં છું, શા માટે તમને ખબર છે, મિસ્ટર મેનેજર?  હું તમને કહું, હું કાંકરિયા થી તમારી ઓફિસ રિક્ષામાં આવ્યો તેના ₹૩થયા અને તમારી જાહેરાત માત્ર ₹ ૨.૫૦ માં થાય છે, તો એવી જાહેરાતનો શું પ્રતિભાવ મળશે?  અરોરાને જાહેરાતના દરોમાં ફેરફાર કરવાની સત્તા ન હતી તો પણ એમણે દર વધારીને બમણો કર્યો અને પછી હિંમત આવી જવાથી રૂપિયા સાત નો ભાવ કરી નાખ્યો.  મુંબઈ હેડ ક્વાર્ટર માં એડવર્ટાઇઝિંગ મેનેજર ને જાણ કરવાની પણ ચિંતા ન કરી. જાહેરાતો વધતી ગઈ અને એમની આ ‘ ખતા ‘ ની જાણ પણ ત્યારે થઈ જ્યારે અમદાવાદ આવૃત્તિ અચાનક જ નફો કરતી કેવી રીતે થઈ ગઈ એવા સવાલ ઉઠવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે વધુ સર્ક્યુલેશન ધરાવતા મુંબઈ અને દિલ્હી ને પણ જાહેરાતના દર વધારવા પડ્યા અને જાહેરાત વેચવા જનારાને માટે માથાનો દુઃખાવો થઈ પડ્યો.  અરોરાને કડક શબ્દોમાં તેમની સત્તા અંગે ચેતવણી આપવામાં આવી. અરોરાને સમજાયું કે કંપની માટે જે સારું હોય એ કરવા જતાં જેને સંસ્થાનું મૅનેજમૅન્ટ તરીકે ઓળખાય છે એવાં સંચાલન તંત્રનો ગરાસ લુંટાઈ જાય છે.

મજાની વાત એ છે કે જે ટાઈમ્સમાં જાહેરાતો આટલું ઓછું મહત્ત્વ ધરાવતી હતી એ જ  ટાઈમ્સના જીવનકાળ દરમ્યાન એક સમય એવો પણ આવવાનો હતો કે જાહેર ખબર આવકનો મુખ્ય સ્રોત બની જાય એ રીતે તેનું વેચાણ થઈ શકે એવી રીતે સમાચારોને પ્રકાશિત કરવાનું એક માધ્યમ બની જવાનું હતું !


ક્રમશઃ


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.