સંવાદિતા
નૈતિકતા અને અનૈતિકતાના અર્થઘટનમાં એક વ્યક્તિના જીવનની ગોપનીયતાના અધિકારને વિસારી શકાય નહીં
ઉત્તર પ્રદેશના શહેર અલીગઢને આપણે બહુધા ત્યાંના અલીગઢી તાળાં તેમજ એ શહેરમાં સ્થિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી ( AMU ) થી ઓળખીએ છીએ. આશરે દોઢસો વર્ષ જૂની આ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં બનેલી એક વિવાદાસ્પદ ઘટના પરથી ગુજરાતી ફિલ્મસર્જક હંસલ મહેતાએ ૨૦૧૫ માં બનાવી છે ફિલ્મ ‘ અલીગઢ ‘. ફિલ્મ પૂર્ણત: સત્ય ઘટનાત્મક છે અને એનો વિષય છે સજાતીયતા – હોમો સેક્સ્યુઅલીટી અને એક નાગરિકનો પોતાની ગોપનીયતા – પ્રાઈવસી ઉપરનો અધિકાર. અભિનેતા મનોજ બાજપાઈની કદાચ આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે.

ફિલ્મ વાત કરે છે અલીગઢ યુનિવર્સીટી ( સંભવત: વિવાદ ટાળવા ફિલ્મમાં એને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી કહેવાનું નિવારાયું છે ! ) ના પ્રોફેસર શ્રીનિવાસ રામચંદ્ર સિરાસની. સજાતિયતાના આરોપસર એમને ૨૦૧૦ માં યુનિવર્સિટીમાંથી અપમાનજનક રીતે બરખાસ્ત કરવામાં આવ્યા હતા. સિરાસ ત્યાં મરાઠી ભાષાના પ્રોફેસર અને ભાષા-વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ જેવા પ્રતિષ્ઠાવાન પદે બિરાજમાન હતા. એ મરાઠી ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કૃત કવિ પણ હતા. પછીથી પુરવાર થયું તેમ, એમની બરખાસ્તીનું કારણ તેમજ પદ્ધતિ બન્ને ગલત હતાં. ફિલ્મમાં સિરાસ પ્રત્યે ભારોભાર સહાનૂભૂતિ ધરાવતા યુવાન પત્રકાર દીપુ સેબાસ્ટીયનની ભૂમિકામાં હંસલ મહેતાના માનીતા અભિનેતા રાજકુમાર રાવ છે. અદાલતમાં એમના કેસની પેરવી કરનાર વકીલની ભૂમિકા આશીષ વિદ્યાર્થી અદા કરે છે.

સિરાસના પાત્રમને અભિનેતા મનોજ બાજપાઈ જે રીતે જીવ્યા છે અને જે કુનેહથી ફિલ્મના પટકથા – સંવાદ લેખક અપૂર્વ અસરાનીએ એનું પાત્રાલેખન કર્યું છે એ હકીકત આ પાત્રને ભારતીય ફિલ્મોના ચિરસ્મરણીય ચરિત્રોની હરોળમાં મૂકે છે. સિરાસ ખરા અર્થમાં વિદ્વાન પણ એકલસૂરા માણસ હતા. પીવાના શોખીન અને લતા મંગેશકર – મદન મોહનના ગીતોના પરમ ચાહક . પરણેલા યે ખરા પણ પત્ની એમના ‘ સંગીત અને પુસ્તકોના ગાંડા શોખ ‘ થી કંટાળીને એમને છોડી ગઈ.
ફિલ્મનો મુખ્ય સુર સજાતિયતા નહીં, પરંતુ એક નાગરિકના ગુપ્તતાના અધિકારનો છે. પ્રોફેસર સિરાસના યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ફ્લેટમાં રાત્રિના સમયે બે કહેવાતા પત્રકારો ઘુસી આવે છે અને એમને એમના ‘ મિત્ર ‘ રિક્ષા ચાલક સાથે કઢંગી હાલતમાં પકડી પાડી એમનો વિડીયો ઉતારી લે છે. એટલું જ નહીં, બરાબર એ જ સમયે એમના યુનિવર્સિટીના સાથી ચાર કર્મચારીઓ પણ પહોંચી જાય છે અને પત્રકારો પાસેથી વિડિયો ટેપ કબજે કરી એમને જવા દે છે. આખો કાંડ જાણે એક પૂર્વયોજિત ષડયંત્રનો હિસ્સો હોય તેમ ! બીજા જ દિવસે આ સમાચાર દેશના અગ્રણી અખબારોમાં મથાળું બની છપાય છે. એમના એક મિત્ર પ્રોફેસર મામલાને રફેદફે કરવાની બાંહેધરી આપી, જે કંઈ બન્યું એનો માફી- પત્ર પ્રોફેસર પાસેથી લખાવી લે છે. યુનિવર્સીટી એમને ‘ આવી પ્રતિષ્ઠિત સંસ્થાને લાંછન લગાડવાના દુષ્કૃત્ય ‘ સબબ તાત્કાલિક અસરથી સસ્પેંડ કરે છે. એમના ક્વાર્ટરનો વીજ પુરવઠો તુરંત કાપી નાંખવામાં આવે છે અને ક્વાર્ટર અઠવાડિયામાં ખાલી કરવાનો આદેશ અપાય છે. શહેરભરમાં વગોવાયેલા સિરાસ તિરસ્કૃત થઈ શહેરમાં ઘર પછી ઘર બદલવા મજબૂર બને છે.
પત્રકાર દીપુને સિરાસને થયેલા અન્યાયની ખબર પડે છે અને એ અલીગઢ દોડી આવે છે. એ યુનિવર્સીટીના પદાધિકારીઓને મળે છે પણ એમના માટે એમના આંગણે થયેલું ‘પાપ’ પ્રોફેસરની પ્રાઈવેસીના ભંગ કરતાં ક્યાંય મોટી વાત છે. સજાતિયતા સમર્થક સંગઠનોના આગ્રહથી – પ્રોફેસરની ખુદની અનિચ્છા છતાં – એમનો યુનિવર્સીટી સામેનો કેસ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં લડાય છે. સિરાસને આ સમગ્ર પ્રક્રિયા જ ફારસ લાગે છે. ખટલા દરમિયાન એ પોતે પૂર્ણ ઉદાસીનતાથી કોર્ટમાં એક ખૂણે બેસી પોતાની મરાઠી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કરતા રહે છે. ઠોસ દલીલો અને સજાતિયતાને અદાલતે પહેલેથી આપેલી માન્યતાના કારણે સિરાસનો વિજય થાય છે. કોર્ટ એમને સન્માનભેર એમના મૂળ સ્થાને પાછા મૂકવાનો ચુકાદો આપે છે. કમનસીબે ( કે કોઈ કારણસર ! ) કોર્ટનો ચુકાદો સત્તાવાળાઓ પાસે પહોંચે એ પહેલાં જ પ્રોફેસર એમના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવે છે. શંકાસ્પદ મૃત્યુ ! એ ત્રણ મહિનામાં નિવૃત થવાના હતા. એમણે દીપુ આગળ નિવૃતિ પછી અમેરિકા જતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરેલી જેથી એ ત્યાં સ્વમાનભેર રહી શકે !
એમના ચરિત્રને ઉજાગર કરતા ફિલ્મના એક દ્રશ્યમાં પ્રોફેસર પોતાના ફ્લેટમાં એકલા વ્હીસ્કીનું આચમન કરતાં કરતાં લતાનું ‘ આપકી નઝરોં ને સમજા પ્યાર કે કાબિલ મુજે ‘ આંખો મીંચી સાંભળી રહ્યા છે. એ ગીતની ધુન અને શબ્દોમાં પૂરેપૂરા ડૂબી જાતને અતિક્રમી ચૂક્યા છે. લતાની સાથે એ પોતે પણ ગીતના શબ્દો દોહરાવતા જાય છે. એમના પગને જાણે એક અલાયદું મન હોય તેમ ગીતના તાલે ડોલે છે ! અસલ નશો તો ગીતનો છે પણ એમના ચહેરે કોઈ અકથ્ય પીડા અને અસહાયતા વંચાય છે.
અન્ય એક યાદગાર દ્રશ્યમાં યુનિવર્સિટીએ ફરજિયાત ખાલી કરાવેલું મકાન છોડી, સામાન રેંકડીમાં લાદી અન્યત્ર રહેવા જતા પ્રોફેસરને પત્રકારો ઘેરી વળે છે. એક પત્રકાર પૂછે છે, ‘ કૈસા લગતા હૈ આપકો ? ‘ જવાબમાં પ્રોફેસર નિતાંત ઉદાસ સ્મિત ફરકાવી કહે છે ‘ જાને દો ‘. નવા મકાન પર પહોંચી સામાન ખોલતાં પહેલાં એ કેસેટ પ્લેયર પર ગીત મૂકે છે ‘ બેતાબ દિલ કી તમન્ના યહી હૈ ‘ !
અલ્લાહાબાદના સંગમે દીપુ અને સિરાસ સાથે નૌકાવિહાર કરે છે. દીપુ એમને સમાચાર આપે છે કે એમના મિત્ર રિક્ષાવાળાને પોલીસે બેફામ માર્યો છે. પોતાના કારણે એ ગરીબને આ યાતના અને અપમાન ભોગવવું પડ્યું એ જાણી એમના ચહેરા પર જે પીડા અને લાચારી ઉપસી આવે છે એને કોઈ પણ સંવેદનશીલ વાંચી શકે.
દીપુના પ્રશ્ન ‘ એ તમારો પ્રેમી હતો ? ‘ ના જવાબમાં પ્રોફેસર કહે છે ‘ તમે લોકો એક શબ્દની પાછળ પડી જાઓ છો ! કમ સે કમ પ્રેમને સમજવાનો પ્રયત્ન કરો. કેવો અદ્ભુત શબ્દ અને તમે એ શબ્દ ગાળ હોય એવું પુરવાર કરવા મથો છો ! ‘
રાજકુમાર રાવની લોકપ્રિયતા વટાવવા ફિલ્મમાં એના પાત્ર અને એના જીવનની ઘટનાઓને જરૂર કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે જે ફિલ્મની અસરકારકતામાં વિક્ષેપરૂપ છે.
ફિલ્મના નિર્દેશક હંસલ મહેતાએ કારકિર્દીની શરૂઆત ‘ ખાના ખજાના ‘ ટીવી શો ( સંજીવ કપૂર ) થી કરી પણ પછી વુડસ્ટોક વિલા, શાહિદ, સિટી લાઈટ્સ, ઓમેર્ટા અને ફરાઝ જેવી ફિલ્મોથી પ્રસિદ્ધિ મેળવી. એમની સ્કૂપ સિરીયલ પણ ઘણી ચર્ચાસ્પદ રહી. ૧૯૯૨ ના હર્ષદ મહેતા પ્રકરણ વાળી સ્કેમ ટીવી શ્રેણીથી પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા. હાલ એ જ ક્રમમાં સહારા ઈંડીયા – સુબ્રોતો રોય પ્રકરણ વિષેની સિરીયલમાં વ્યસ્ત છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
