મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
જ્યારે બાળપોથીમાં ભણતો ત્યારે ચોપડી જોઈને સવાલ થતો કે આ ચોપડીઓ કઈ રીતે બનતી હશે? પછી જેમ જેમ આગળ ભણતા ગયા તેમ ખ્યાલ આવતો ગયો કે જે લખાણ છાપવું હોય તે છાપવાના મશીનો હોય છે. એ મશીનો વડે કોરા કાગળ ઉપર અક્ષરો છાપીને ચોપડીઓ તૈયાર થાય છે. હવે આ લખાણ કેવી રીતે બનતું હશે તે સમજાતું નહિ. આગળનાં ધોરણોમાં ચોપડીમાંના પાઠ નીચે કોઇ નામ છપાયેલું જોવા મળ્યું. પછી જાણવા મળ્યું કે કોઇ કાગળ પર મૂળ લખાણ હાથથી લખનારને ‘લેખક’ કહેવાય છે અને તે લખાણને બીજા કોઇ કોરા કાગળ પર છાપીને ચોપડી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ‘આ લેખક કેવા હશે અને ક્યાં રહેતા હશે?’ એવા પરમેશ્વરને માટે થાય છે તેવા સવાલો તો થતા જ રહ્યા. પછી સમજાઈ ગયું કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહ્યું હતું તેમ લેખકો પણ હાડચામના બનેલા માણસો જ હોય છે.
ભલે હાડચામના હોય પણ લેખકો કોઈ વિશિષ્ટ વર્ગના હોય એમ લાગતું. ઉપરાંત તેમના પ્રત્યે લોકોને અહોભાવ પણ જોવા મળતો. જો કે મારા પ્રત્યે પણ કોઈને અહોભાવ થાય એવા મનોરથો તો વર્ષોથી થતા રહ્યાં હતા. પરંતુ એ મનોરથ સિદ્ધ કરવાના રસ્તા સૂઝતા નહિ. દેખાવને કારણે નાટક કે સીનેમાના અભિનેતા થવાનું સ્વપ્ન સાકાર થવાની કોઇ શક્યતા હતી જ નહિ. એ જ રીતે શારીરિક સંપદા રમતવીર બનવામાં આડી આવતી હતી. નેતા બનવામાં હિંમતનો અભાવ નડતો. સાધુસંત બનવાનું મારી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હતું. સમાજમાં ધનાઢ્યોની પ્રતિષ્ઠા હોય છે, પરંતુ નોકરીમાં મળતા પગાર સિવાય ધન કેમ કમાવું તેની આવડતનો અભાવ હતો. શેરબજારમાં પ્રવેશતાની સાથે જ કવિ દલપતરામ ડાહ્યાભાઇની જેમ ખ્યાલ આવી ગયો કે આ આપણી લેન નહિ.
એવામાં સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો. કાલાઘેલા લખાણો લખ્યા. આ લખણો વાંચીને .”તમે તો મોટા લેખક બની શકો તેમ છો” એમ કહીને કેટલાક મિત્રોએ કરેલી મજાકને સમજી નહિ શકતા મેં ગંભીરતાથી લીધી. મને હવે મોટા લેખક તરીકે પ્રખ્યાત થવાના અભરખા થવા લાગ્યા. બસ, ત્યારથી મારી મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ.
જ્યોતિન્દ્ર દવેના જમાનામાં નવલકથા કે નવલિકાના લેખકોની સંખ્યા બહોળી અને તેના પ્રમાણમાં હાસ્યલેખકો ઘણા જ ઓછા હતા એ પરિસ્થિતિમાં આજે પણ વધુ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. આથી જ્યાં ભીડ ઓછી છે તે જગ્યાએ વાચકોની નજરે ચડી શકાય તે માટે મેં હાસ્યલેખો લખવાના પ્રયાસો કર્યા. પરંતુ ’ચકલીનું ચિત્ર દોર્યા પછી તેની નીચે ‘ચકલી’ એમ ન લખું તો મારા ચિત્રમાં કોઇને ચકલી દેખાતી નહિ, તેવું જ કાંઈ મારા હાસ્યલેખો બાબતે બનવા લાગ્યું. મારા દરેક -મને લાગતા-હાસ્યલેખના મથાળે ‘આ હાસ્યલેખ છે’ એમ મારે વાચકોના લાભાર્થે લખવું પડતું.
તેમ છતાં કેટલાક મિત્રોએ મને લેખક જાહેર કરી દીધો અને આપણી તો ચકલી ફૂલેકે ચડી ગઈ. કેટલાક મિત્રોનું કહેવું હતું કે હવે તમારા લેખોનું પુસ્તક છપાય તે સમય પાકી ગયો છે. મને પણ ક્યાંકથી એવો ખ્યાલ પેસી ગયો કે જો આપણાં નામે પુસ્તક છપાય તો જ ખરા લેખક થયા કહેવાઈએ. આથી તે દિશામાં પ્રયાસ કરવા જાણકારોની સલાહ લેવાનું શરુ કર્યું.
મિત્રોએ જ્ઞાન આપ્યું કે કેટલાક ધંધાદારીઓ પુસ્તક છપાવીને પ્રગટ કરતા હોય છે અને તે લોકો પ્રકાશકો તરીકે ઓળખાય છે. વળી આ પ્રકાશકો પુસ્તક છાપીને વેચતા હોય છે અને તેમના નફામાંથી લેખકને પણ પત્રંમપુષ્પં આપતા હોય છે. ધન અને કીર્તિ એમ બેવડો(બેવડો એટલે ડબલ,મુંબઇ, મહારાષ્ટ્રમાં એ નામે ઓળખાતું પીણું નહિ!) લાભ મેળવવા હું એક પ્રકાશકની દુકાને ચડ્યો. ત્યાં બેઠેલા ભાઈએ મને પૂછ્યું,” કયું પુસ્તક જોઇએ છે?”
“મારે કોઇ પુસ્તક જોઈતું નથી. હું પોતે જ લેખક છું અને મારે મારું પોતાનું જ પુસ્તક છપાવવું છે”
“તો એ માટે તમારે ભાઈને મળવું પડે”
“આપના ભાઈ ક્યારે આવશે?”
“,મારા પોતાના સગા ભાઈની વાત નથી કરતો. મોટા શેઠને અમે ભાઈ કહીએ છીએ”
“ તો એ ક્યારે આવશે?”
“સાંભળો ભાઈ, આ દુકાન તો અમારા પ્રકાશનનું વેચાણકેન્દ્ર છે. શેઠ તો ઓફિસે બેસે છે.”
પછી હું શેઠની ઓફિસનું સરનામું લઈને તેમને મળવા પહોંચ્યો. ત્યાં એક કેબીનની બહાર ઝબ્ભાલેંઘો પરિધાન કરેલા બગલથેલો લઈને(ખભા પર લટાકાવાતો હોવા છતાં થેલાને બગલથેલો કેમ કહેવામાં આવે છે તે મને સમજાતું નથી!) એક ભાઈ બેઠા હતા. મેં તેમને નમસ્કાર કરીને પૂછ્યું,
“આપ જ શ્રી…….. છો?”
“ના, હું તેમને જ મળવા બેઠો છું.?
થોડી વાર પછી શેઠ આવ્યા, કેબીનમાં તેમનું સ્થાન ગ્રહણ કર્યું અને પેલા ઝભ્ભાલેંઘાધારી તેમને મળવા કેબીનમાં પ્રવેશ્યા. હું પણ તેમને અનુસર્યો.
શેઠે પેલા ભાઈને પૂછ્યું,
“શેનો ફાળો ઉઘરાવવા આવ્યા છો?”
“અરે સાહેબ આપ ભૂલી ગયા? મેં મારી કવિતાનું પુસ્તક છાપવા આપ્યું હતું ”
“જુઓ મિત્ર,અહીં દરરોજ બેચાર કવિઓ પોતાની કવિતાનું પુસ્તક છપાવવા તેમજ એટલા જ ફંડફાળાવાળા આવે છે. વળી બધાના પહેરવેશ અને મુખભાવો એક સરખા જ હોય છે. આપ આપનું નામઠામ અને આપે મેટર ક્યારે આપી હતી તે વિગતો કાગળ પર લખી આપો”
“પણ સાહેબ, મેં તો છ મહિના પહેલા મેટર આપી દીધી છે. આપે વાંચી પણ લીધી હશે”
“સાચી વાત કહું તો હું પોતે મેટર વાંચતો નથી. તેને વાંચવા માટે મેં માણસો રાખ્યા છે. આપ ચોક્કસ તારીખ કહો તો હું જણાવી શકું કે આપની કવિતાઓ મેં મારા કયા માણસને વાંચવા આપી છે”
પછી પેલા ભાઈએ તેમને કાગળ પર માગ્યા પ્રમાણે લખી આપ્યું અને શેઠે તેમને અઠવાડિયા પછી તપાસ કરવાનું કહ્યું.
પેલા કવિના અનુભવને કારણે મારી વાત કરવાની હિંમત ન ચાલી. પરંતુ શેઠે મને પૂછતા મેં મારી ‘હાસ્ય લેખક’ તરીકે ઓળખાણ આપી. તેઓ ખાસ્સી વાર સુધી મારી સામે જોઇ રહ્યા. તેમના ચહેરાના ભાવ પરથી મને લાગ્યું કે તેમને મારી મુખમુદ્રા અને હાસ્ય સાથે કોઇ સબંધ દેખાતો નથી. છતાં મેં હિંમત કરીને મારી મેટર તેમને આપી દીધી જેના પર દૃષ્ટિપાત કર્યા વિના તેમણે ટેબલના ખાનામાં મૂકી દીધી. હવે મને લાગ્યું કે અહીં મારું કામ થવાનું નથી, છતાં મેં તેમને પૂછી લીધું કે પુસ્તક ક્યારે છપાશે? જવાબમાં તેમણે તેમનો ફોન નંબર આપ્યો અને ફોન કરીને તપાસ કરવા કહ્યું અને પછી ઉમેર્યું કે વારેવારે ફોન કરતા નહિ.
મારો આ અનુભવ મેં મારા એક મિત્રને જણાવ્યો તો તેમણે મને પ્રકાશનની દુનિયા વિશે માહિતગાર કરતા કહ્યું કે નવા લેખકનું પુસ્તક એમ કોઈ છાપે નહિ. વળી કોઇ વિરલ એવો વીરલો મળી જાય તો પહેલા તમારે તમારા જ પુસ્તકની બસો નકલ ખરીદવાની ખાતરી આપવી પડશે અને તે પેટે કેટલીક રકમ એડવાન્સ પણ આપવી પડશે. છતાં એક કામ કરીએ. મારા એક પરિચિત મોટા હાસ્યલેખક છે તેમની પાસે જઈએ અને પુસ્તકની પ્રસ્તાવના લખાવીએ. તેથી કદાચ તમારું પુસ્તક છપાય.
મિત્ર મને દિલથી મદદ કરવા માગતા હતા. તેથી મને ‘મતિલાલ થેલીગાગર’ નામના હાસ્ય લેખક પાસે દોરી ગયા અને તેમની સમક્ષ મારા લેખોની ખૂબ પ્રસંશા કરી.
જવાબમાં પેલા લેખકે કહ્યું, “આપ કહો છો તો માની લઉ છું કે તેમના લેખો છાપવા લાયક હશે. આમ તો પ્રસ્તાવના વાંચવા માટે મારે પુસ્તક વાંચવાની જરૂર હોતી નથી, પરંતુ ભાઇ લેખક તરીકે નવા છે, માટે મારે તેમના પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે તેમના એકાદ બે લેખો વાંચવા પડશે.” આ જવાબથી મને પ્રકાશન ઉપરાંત પ્રસ્તાવનાની દુનિયા બાબતે પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું. મેં મારા લેખોની જે વધારે એક નકલ મારી પાસે હતી તે સુપરત કરી અને પ્રસ્તાવના ક્યારે લખાશે તે અંગે પૂછતા તેમણે “જેમ બને તેમ જલ્દી” એવો જવાબ જલ્દીથી આપી દીધો.
આ ‘જેમ બને તેમ જલ્દી’ને છ માસ વીતી ગયા અને અનેક વખત યાદ કરવવા છતાં પ્રસ્તાવના લખાઈ નહિ. પરંતુ મિત્રે પ્રયાસો છોડ્યા નહિ. તે મને અનેક નાનામોટા લેખકો, પ્રકાશકો, મિત્રના ઓળખીતા એવા પ્રકાશકોના સાળાઓ, વેવાઈઓ વગેરે પાસે લઈ ગયા. પરંતુ મારું પુસ્તક છપાય એવી કોઇ આશા જાગી નહિ. હવે મને પોતને મારી ઓળખ ‘લેખક” તરીકેથી ખસીને દક્ષિણાર્થે ઠેર ઠેર ભટકતા લોભી બ્રાહમણ તરફ ઢળતી વધારે લાગી અને એ સાથે જ ભર્તુહરિનો એક શ્લોક યાદ આવી ગયો
फलं स्वेच्छालभ्यं प्रतिवनमखेदं क्षितिरुहाम्।
पय स्थाने स्थाने शिशिरमधुरं पुण्यसरिताम्।
मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी।
सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणा:॥
(ખાવાપીવાની તથા પહેરવાઓઢવાની બધી જ જરૂરિયાત પૂરી થતી હોવા છતાં લોભિયાઓ ધનવાનોનાં દ્વારે અપમાનો સહન કરતા હોય છે.)
હવે મને કીર્તિના લોભમાં ઉપેક્ષિત થનારા કરતા પોતાના ભજનો લખેલા કાગળનું ભૂંગળું વાળીને નદીમાં વહેવડાવતા ધીરાભગતની મહાનતા સમજાઇ ગઈ. આ ઉપરાંત એક એક મિત્રે લખેલી કાવ્યપંક્તિઓ પણ સોંસરવી ઉતરી ગઈ. આ રહી તે મોક્ષદા પંક્તિઓ.
“સાહિત્યના છબછબિયા છોડો મનેખ તમે મુક્તિના મુલકમાં મ્હાલો.
કવિતાની તૂકમાં જન્મારો જાશે ને તૂતકને મળશે નહિ આરો
લેખક થાવાના ભૂત તમને વળગ્યા ને આતમથી થઈ ગયા અળગા
અવરનું કીધું કથીને, વાંચ્યુ લખીને, નિજની ઓળખ થાય કેમ કરીને ?
સંધ્યાની આરતીની ઝાલર વાગે, આતમને કહી દો હવે જાગે”
આતમ તો જાગતા જાગશે પરંતુ એક લેખકનો મોક્ષ થઈ ગયો (ભલે ને પછી તે ‘દ્રાક્ષ ખાટી છે’ પ્રેરિત હોય)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
