વ્યંગ્ય કવન
પંચમ શુક્લ
ઓણ સાલની પૂરી થઈ છે બાઝાબાઝી,
આવ પતાવટમાં કરી લઈએ માફામાફી.
બે’ક ઘડીની ઊજવી લઈએ સારાસારી,
મન છટકે કે પાછા કરીએ મારામારી.
મૌન રહીને થૂંક ગળીને અપવાસી થઈ,
અઠ્ઠઈ ઊતરે વહોરી લઈએ ચાખાચાખી.
ગાયની ફરતે ગૌરવ ગાને ગરબા લેતા,
ક્રમણ-ભ્રમણમાં ખેલી લઈએ લાતાલાતી.
દસે દિશાના અંબર વીંટી પરવરીએ ને,
ભરી બજારે મચવી દઈએ નાસાનાસી.
મિચ્છામિ દુક્કડમ – मिथ्या मे दुष्कृतम् – મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. પરસ્પર માફી માગતાં બોલાય છે.
પતાવટ – તોડ, સમાધાન
વહોરવુ – અન્નની ગોચરી કરવી, સંઘરવું., સ્વીકારવું, માથે જોખમ લેવું
ખેલવું – શિકાર કરવો, જુગાર રમવો, યુક્તિ કે પ્રપંચથી કાર્ય કરવું, ક્રીડા કરવી, તમાસો કરવો, ભૂતની અસરથી કોઇનું માથું ડોલવું
મચવવું – ‘મચવું’નું પ્રેરક – ભરચક દશામાં થવું, લડાઈમાં કોઈની સામા મંડ્યા રહેવું, તાનભેર ચાલી રહેવું કે લાગુ રહેવું, છવાઈ જવું, ફેલાવું,
દિગંબર – દિશાઓરૂપી વસ્ત્રવાળું, નગ્ન.
પરવરવુ – ચાલતાં નીકળવું, સિધાવવું (પગથી)
