કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

સમૂદ્રમંથન વખતે અમૃત પહેલાં હળાહળ ઝેર પ્રગટ્યું હતું. શીવજીએ તે પી જઈને જગતને બચાવ્યું હતું. આધુનિક વિજ્ઞાનના પંથને વિવિધ ક્ષેત્રે સગવડો રૂપી અમૃત સાથે નુકશાન કારક ઝેરો પણ ઓછાં નથી પ્રગટ્યાં. પણ તે પીવા હવે શિવજી નહીં આવે. તેમને માનવીની બુદ્ધિપ્રતિભા પર વિશ્વાસ બેઠો છે કે જે અમૃત પેદા કરી શક્યા છે તે પોતે ઝેરનો ઉપાય પણ ઢુંઢી લેશે. તો હવે તો કામ આપણે જ કરવું રહ્યું !

ભગવાને આપણને એવી ચમત્કારિક શરીર રચના આપી છે કે જેવાતેવા ઝેરને એ ગાંઠતું નથી, પચાવી જાય છે. તેથી સ્વસ્થ રહેવું, સાજાં રહેવું સહેલું છે, ને માંદા પડવું અઘરું છે. પણ આપણી રહેણી-કરણી, ઊઠવા-બેસવાની રીતો, ખાણીપીણીના પદાર્થોની પસંદગી અને ઘર-વપરાશી જણસોનો ઉપયોગ એવી રાતે કરીએ છીએ કે માંદા પડી જ જવાય. 2015 ના વિશ્વઆરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વના મોટાભાગના દેશોના નાગરિકો જે ખાઇ રહ્યા છે તેમાં પાચનરોગ, માનસિક ગડબડ, પ્રજનન અંગેની કાયમી ખોડ અને શરીરના અનેક અંગોમાં ખોટકો તથા કેન્સર કરનાર જાત જાતના રસાયણો  ભળેલાં હોય છે.

માનીએ કે ન માનીએ પણ આજે આપણે જે કંઇ ખાઇએ- પીએ છીએ તેમાંથી એકેય ચીજ ઝેરી રસાયણાથી મુક્ત નથી.. ખેડૂતોની વાડીઓમાં ઉત્પન્ન થતા મોટાભાગના ખોરાકી પાક- પછી તે અનાજના હોય કે કઠોળના, તેલીબિયાંના હોય કે શાકભાજીના, અરે, ફળફળાદિના હોય કે ભલેને મરી-મસાલાના હોય ! તે બધામાં ઓછા-વધતા અંશે ખેતીપાકના પોષણ અર્થે વપરાતા રાસાયણિક ફર્ટિલાઇઝર્સ, પાક સંરક્ષણ અર્થે ઉપયોગમાં લેવાતી ઝેરી પેસ્ટી સાઈડ્ઝ, નિંદણનાશ માટે છંટાતી હર્બીસાઇડ્ઝ અને જણસોને લાંબો સમય ટકાવી રાખવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિઝરવેટર્સ ઉપરાંત ફળ કે શાકભાજીને તાજા અને ચમકદાર દેખાડવા માટે વપરાતાં કેટલીય જાતનાં રસાયણો અંતે તો જે તે ખાદ્યચીજો સાથે આપણા જ પેટમાં ઠલવાય છે ને ? અને આ બધાં જ રસાયણો પાછા એટલાં સોજાં અને નિર્દોષ નથી હોતાં કે જે આપણા શરીરમાં પહોંચ્યાં પછી તંદુરસ્તીને બગાડવામાં જરીકેય ઊણાં ઉતરે !

આ 21 મી સદીમાં આપણા સૌના જીવન વ્યવહારમાં નોખનોખા કેટલા પ્રકારના ઝેરી રસાયણો ઉપયોગમાં લેવાઇ રહ્યા છે તે જાણવા માટે “ઘર” ની બહાર ક્યાંય ડોકિયું કરવાની જરૂર જ નથી ! સૌએ પોતપોતાનાં ઘરોમાં જ તંદુરસ્તીને વેડનારી ચીજ-વસ્તુઓનો વપરાશ દિનપ્રતિદિન કેટલો વધી રહ્યો છે તે તરફ જોઇ લેવું.

ઝેરી રસાયણોને આમંત્રવાના આપણા સંદર્ભો :

સવારમાં ઊઠતાંની સાથે જ કરંજ, દેશી બાવળ કે દાડમડીની કુણી ડાળીનું દાતણ કરવું એ મોઢાની સફાઈ અને દાંત-પેઢાની નરવાઈ બાબતે કેટલી તંદુરસ્તી બક્ષનારું હતું એ મોંઘેરી વાતને મગજમાંથી હડસેલી દેવાઇ છે, અને એનું સ્થાન–જેની બનાવટમાં કેવાં કેવાં નુકસાન કારક રસાયણો વપરાયાં હશે એની એક ટકા જેટલીએ આપણને જાણ નથી એવી વિવિધ રળી લેવાના જ ધ્યેયવાળી કંપનીઓની “ટૂથ્પેસ્ટ” થી  શરૂ કરી, રાત પડ્યે સૂતી વખતે ઊંઘમાં ખલેલ પહોંચાડનારાં મચ્છરોને દૂર રાખવા માટે મચ્છરદાની કે લીમડાના પાંદના ધુમાડાની મદદ લેવાને બદલે આંખોથી ઓઝલ એવો ઝેરી ગેસ પેદા કરતા “એલીથ્રીન” [સિંથેટિક પાયરોથાઈડ ગ્રુપનું કીટ-નાશક} ને જ હોંશે હોંશે આમંત્રણ આપી આંખોમાં બળતરા, ચક્કર આવવા, ઊલટી-ઉબકા થવા, છીંકો આવવી, માથું દુ:ખવું અને શ્વાસની તકલીફ જેવી બીમારીઓને સામેથી જ નોતરીએ છીએ ને ? આમ સવારમાં જાગવાથી  શરુ કરી રાતના સૂવા સુધીના ચકરડામાં કેટકેટલા રસાયણો સાથે પનારો પાડતા હોઇએ છીએ એની તરફ જરા નજર કરીએ તો …….

[અ]……પીવાનું પાણી  :

પ્રો. જે.આર. વઘાસિયાના એક લખાણમાં મેં વાંચ્યા મુજબ “પાણીથી કકળાટ શરૂ કરીએ તો જે ઓઝોનને આપણે જ ખતમ કર્યો તે ઓઝોન રહિત આકાશમાંથી સીધાં આવતાં સૂર્યના પારજાંબલી કિરણો નદી-નહેરના પાણી પર સીધાં પડતાં પાણીમાં “બ્રોમાઇડ” રસાયણ બને છે. નગરપાલિકાઓ તેમાં ક્લોરિન ઠાલવે છે. આવું પાણી ફરી પાછું સૂર્યપ્રકાશના સંસર્ગમાં આવતાં તેમાં “બ્રોમેટ” રસાયણ બને છે. જે પાણી પીવાથી શરીરના કોષોને ભારે નુકશાન પહોંચે છે.”

કહો, આવું પાણી વિના ખચકાટે આપણે પીએ છીએ કે નહીં ?

[બ]……સ્વાગત પીણું :

ઘર બાંધીને બેઠા હોઇએ ત્યાં ઓછું-વધતું મહેમાન-પરોણાનું આવા ગમન તો શરૂ રહેવાનું એ તો સ્વાભાવિક જ છે. એમનું સ્વાગત સ્વાસ્થ્યપ્રદ ગરમદૂધ કે લીંબુ-સંતરાંના રસ-સરબત દ્વારા કરતા હોઇએ એવા કુટુંબ આજે કેટલાં ? આજની પેઢીને એ પીણું હવે જૂનવાણી અને અપર્યાપ્ત લાગવા માંડ્યું છે. અને જે ઝેરી પ્રવાહીને  આંધ્ર અને મહારાષ્ટ્રના કેટલાક સમજણા ખેડૂતોએ ખેતીપાકના ઉત્તમ જંતુનાશક તરીકે પૂરવાર કર્યું છે અને તેના તલસ્પર્શી અભ્યાસુ અને પ્રખર વિરોધી એવા સ્વ. રાજીવ દીક્ષીતજીએ તો ઘરના વોશબેશન અને ગેંડીની સફાઈ કરવા માટે જેની ભલામણ કરી છે એવા પેપ્સી અને કોકાકોલા જેવી ગળામાં ચચરાટી ઉત્પન્ન કરનારી બોટલોને બહુ આદરભેર “સ્વાગતપીણા” તરીકે ઉપયોગમાં લેવાનો ક્રેજ અમલમાં મૂકી દીધો છે.

જેને મૃત્યુલોકનું અમૃત કહ્યું છે એવા દૂધમાં પાણીની ભેળસેળ ઇ તો હવે જૂની વાત થઈ ગઈ છે મિત્રો ! પણ જેનો ગરીબથી માંડી તવંગર સુધીના દરેકના ઘરમાં કાયમી ઉપયોગ થઈ રહ્યો છે એ દૂધને – વધુ દૂધ મેળવવાની લાલચે ગાયો-ભેંશોને બેફામ પણે અપાતા એંટીબાયોટિક જેંટામાઇસિન દવાના અંશો દૂધમાં ભેળવીને માનવ શરીરને કેટલું નુકસાન કરતા હશે એ વિચાર્યું છે કોઇએ ? ક્યારેય ?

અરે ! જેને ત્યાં એક પણ ગાય કે ભેંશનું દુઝણું ન હોય છતાં ટેંકરો મોઢે દૂધ સપ્લાય કરતી હોય તેવી ડેરી ચાલતી હોય એ દૂધ શેમાંથી બનાવાતું હશે એ જાણ્યું છે ક્યારેય ? અખબારોમાં એની વિગત વાંચી છે કે આવા નકલી દૂધ રીફાઇંડ તેલ, કોષ્ટિક સોડા, યુરિયા ફર્ટિલાઇઝર અને ડીટરજંટ પાવડરની સાથોસાથ થોડા ખાંડ-મીઠાના ઉમેરણથી તે તૈયાર થતું હોય છે, અને એને પ્લાસ્ટિક પાઉચમાં ઉત્તરપ્રદેશ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં દૂર દૂર સુધી વેચાતું હોવાના અહેવાલ છાપામાં ચમક્યા કરે છે. અરે, આપણે ત્યાંયે મળે છે, માત્ર દૂધ જ નહીં, એમાંથી બનાવેલ દહીં-છાશ તો સમજ્યા મારાભાઇ ! ઘી-માવો-મીઠાઇ અને દૂધનો પાવડર સુદ્ધાં એમાંથી બનાવાઇ રહ્યો છે, એ બધામાં જંતુનાશકોના અવશેષો જોવા મળ્યા છે એવું લેબ-રિપોર્ટો કહી રહયા છે.

અરે ! એક લખાણમાં મેં વાંચ્યું છે કે “રાષ્ટ્રીય પીણું” બની ગયેલ “ચા” માં ચા ને મળતાં પાંદડાંને ચા ના જેવો જ રંગ ચડાવવા ડામરમાંથી બનતી ડાઇનો ઉપયોગ થાય છે. જે ફેફસાંને બગાડી નાખે છે અને કેન્સર કરે છે.

ઝેરના પ્રકોપોને આમંત્રવાના આપણા સંદર્ભો

[ક]…..સૌંદર્ય પ્રસાધનો :

શરીરની ચોખ્ખાઇ-સુઘડતા અર્થે અને ચામડીની સુંદરતા વધારવા માટે હળદરનો પાવડર, ચણાનો લોટ , લીંબુ-નારંગીની છાલ તથા કુંવારપાઠાનો રસ અને માથાના વાળ ધોવા શિકાકાઇ અને અરિઠાંના ઉપયોગની પ્રાચીન રીતો આજે પણ કેટલીક ગૃહિણીઓ વાપરી રહી છે તેઓને ખુબ ખુબ ધન્યવાદ ! પણ આપણા સમાજમાં આવી જૂનવાણી ગણાતી બહેનોની સંખ્યા કેટલી ? આજની આધુનિક બહેનોની યુવા પેઢી તો માથાના વાળ ધોવા જુદા જુદા શેંપુ અને શરીરની ચામડીને નરમ અને ભીનાશવાળી રાખવા,ચામડી પર પડેલ ડાઘા દૂર કરવા ટીવીના પડદે લોકોને મૂર્ખ બનાવતી અવિરતપણે ધૂમ મચાવતી રહેતી જાહેરાતોમાં દેખાઇ રહેલ વિવિધ સૌંદર્યપ્રસાધનો નો જે આડેધડ ઉપયોગ વધી ગયો છે, તે બધી બનાવટોમાં કેવા કેવા નુકશાન કારક રસાયણો રગદોળેલ હોય છે એની જાણ વિજ્ઞાન ભલી-ભાંતિ પ્રગટાવે છે પણ તે આપણે થોડા માનીએ છીએ ?

[ખ]….ઘરની સ્વચ્છતા :

“ઘર” તો વાળીચોળીને સાફ કરી દિવસમાં એકાદીવાર બારી-બારણાં ખુલાં કરી અંદર ચોખ્ખી હવાને આખા મકાનમાં આંટો મારવા દેતા હોઇએ અને ફર્શ પર લાદી ચોડેલ હોય તો દિવસમાં એકાદીવાર ચોખ્ખા પાણીનું પોતું ઘસીને કરવામાં કરવામાં આવે તો ઘર ચોખ્ખું જ રહે. પણ નહીં ! પોતું કરવાના પાણીમાં ફીનાઇલ કે એસિડ જેવા કેટલાક જંતુનાશક પ્રવાહીનું ઊમેરણ અને માખી-મચ્છર-વાંદા-કંસારી-કરોળિયા-ઉધઈ તથા કીડી-મકોડાને દૂર કરવા “લક્ષ્મણરેખા” નામના લાદી પર લીટા દોરવા વપરાતા કાંકરાનો ઉપયોગ ન કરાય ત્યાં સુધી ગૃહિણીના જીવને નિરાંત થતી નથી. આવા પદાર્થોના વપરાશ થકી ઘરની હવા ઝેરી બની આપણા શ્વાસોશ્વાસમાં પ્રવેશી તંદુરસ્તીને કેવી ખોખલી બનાવે છે તેનો વિચાર કરવાનું સાવ જ માંડી વાળ્યું છે.

[ગ}…..ખાદ્ય પદાર્થો :

આપણી ખોરાકી ચીજોમાં કઈ ચીજ ઝેરી રસાયણોથી મુક્ત હશે એ કહેવું મુશ્કેલ બની ગયું છે. ઔદયોગિક વસાહતોમાંથી નીકળતાં પ્રદુષિત અને ગટરોના પાણીથી ઊગાડેલ શાકભાજી શું ઝેરમુક્ત હોઇ શકે ? અરે, બજારમાં મળતાં ભીંડો-રીંગણ-કોબી-ફુલાવર-કારેલા કે મરચાં-વાલોળ બધાં જ ખેડૂતોની વાડીઓમાં તાજેતરમાં જ ઝેરી દવાઓના છંટકાવમાં નાહીને તરત જ ગૃહિણીઓના રસોડાં સુધી પહોંચે છે. અરે, શાકભાજીને ચમકીલો દેખાવ કરવા તો કેટલાક કોપરસલ્ફેટ જેવામાં ઝબોળી રંગ ચડાવવામાં આવે છે અને રાતોરાત વધીને મોટા થઈ જાય તે માટે ઓક્સીટોસિન હોર્મોંસના ઇંજેકશનો અપાતાં હોય છે, એ બાબતની કેટલાને ખબર હોય છે બોલો ! કેરી, કેળાં, પપૈયાં અને લીંબુ જેવા વનપક ફળોને ગ્રાહકની આંખને આકર્ષી લે તેવો પીળો ધમરખ રંગ આપવા તેને કેલ્શિયમ કાર્બાઈડ ભેળું સુવાડ્યું હોય છે. આ રસાયણ એ ફળના અંગેઅંગમાં પ્રસરેલું હોય છે.

[ઘ]……રસોઇ-મસાલા :

યાદ કરો ! રસોઇને સ્વાદિષ્ટ બનાવવા જરૂરી મસાલા દા.ત.- હળદરના ગાંઠિયા, જીરુ-ધાણાના દાણા, હિંગના ગાંગડા, રાય અને મેથીના દાણા, અરે, સૂકાં મરચાં સુધ્ધાં મૂળ સ્વરૂપે મેળવી, ઘેરે જ ખાંડી-પીસીને ભરી રાખતા, જેને આખું વરસ ઉપયોગમાં લેતા. એને બદલે આજે તૈયાર આકર્ષક પેકીંગમાં મળતા મસાલા જ વાપરવાનો ક્રેજ ઊભો થઈ ગયો છે. એમાં કેવા કેવા કૃત્રિમ રંગોનો ગિલેટ ચડાવી, આંખને ગમી જાય એવા આકર્ષક બનાવી દેવામાં આવ્યા હોય છે એનો ખ્યાલ કર્યો છે ક્યારેય ? અતિશય લાલ રંગનો મરચાનો પાવડર કે વધુ પડતો પીળો હળદરનો પાવડર ભાળીએ એટલે સમજી જ જવાનું કે આ કારસ્તાન કૃત્રિમ રાસાયણિક રંગોનું જ છે !

અરે, મસાલા ઉપરાંત કાયમ ખાતે ઠીક ઠીક જથ્થામાં વપરાતા અનાજ-ઘઉંનો તૈયાર લોટ બજારમાં મળવા લાગ્યો છે. એ લોટને દેખાવે સરસ અને સ્વચ્છ રાખવા તેને બ્લિચ કરવામાં આવે છે, જેમાં વીસ-બાવીસ જેટલા રસાયણો દેખાયાં છે. આવો લોટ કીડની, જ્ઞાનતંતું અને લીવરને શિથિલ બનાવે છે એવું લેબ-રિપોર્ટ જણાવી રહ્યા છે.

[ચ}……અનાજ સંગ્રહ :

યાદ કરો ! અનાજ સાચવવાની જૂની-પૂરાણી રીત કેવી સરસ હતી ? છાણ-માટીમાંથી ગૃહિણીઓએ હાથે ઘડતર કરેલી કલાત્મક કોઠીઓ હતી. અને એને ગોબરનું લીંપણ કરી-જંતુરહિત બનાવ્યા પછી ,તેમાં અંદરથી તૂટેલ-ફૂટેલ દાણા અને કસ્તર વગેરે દૂર કરી, સૂર્યતાપમાં ખુબ તપાવ્યા પછી એક રાત્રિ કુદરતી વાતાવરણમાં ટાઢુ પડવા દઈ, અંદર લીમડાનાં પાન ભેળવી અનાજથી આખી કોઠી ભરી દીધા પછી ઉપર છાણાની રાખનો એક ઇંચનો થર કરી, કોઠીનું ઢાંકણ બંધ કરી, સાંધાની જગ્યાએ છાણ-માટીનું ચાંદણ કરી હવાચૂસ્ત બનાવી દેતા, જેથી અનાજ સળતું નહોતું. હવે માટીની કોઠીઓને બદલે કઠોળ કે અનાજ ભરવા ગેલ્વેનાઈઝના પતરાની પેક પેટીઓ અમલમાં આવી ગઈ છે, પણ તેને સળતું રોકવા માટે અનાજ-કઠોળમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળીઓ મૂકી દેવામાં આવે છે. શું એમાંથી નીકળતો ઝેરી ગેસ જિવાતોને નાબુદ કરવાનું કામ કરવા ઉપરાંત તે અનાજ ખાનારને પણ નાબુદ કરવાનું કામ નહીં કરતો હોય ? કરે જ !

[છ]…..ગળપણ :

હું જ્યારે માલપરાની વાત્સલ્યધામ લોકશાળામાં ભણતો [1960] હતો ત્યારે સંસ્થાની વાડી અમે ઊગાડેલ શેરડીને ચીચોડામાં પીલી, જે રસ નીકળે એને  ચૂલ પર કડાઇમાં ઉકાળી “ગોળ” બનાવતા ત્યારે ગોળને કચરા રહિત અને ઉજળો દૂધ જેવો બનાવવા ઉકળતી કડામાં ભીંડીનો રસ ઉમેરતા, જે આરોગ્યને બીલકુલ નડતર રૂપ નહોતું. પણ આજે તો ગોળને ઉજળો બનાવવા સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ- સાઇટ્રીક એસિડ અને ડીટરજંટ પાવડરનો ઉપયોગ થઈ રહ્યો છે, જે માનવ આરોગ્ય માટે ખુબ હાનિકારક છે.  આ જાણીએ છીએ પણ પસંદગી રંગ ઉપર છે. ગુણ ઉપર નહીં.

અંતે…..

મિત્રો !  એટલું જ કહેવાનું છે કે વિજ્ઞાનની હરકોઇ શોધ માનવ-સમાજની સુખાકારી માટે જ હોય છે. પણ આપણે તે શોધનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણે નક્કી કરવાનું હોય છે. આજની આ કહેવાતી વિકાસ અને ફેશનની આંધળી દોડ માનવજિંદગીને તારશે કે પછી નોખનોખી બિમારીઓની ભેટ ધરી, ધીરે ધીરે કરતાં સમૂળગા મારી નાખશે ? શું થવા દેવું છે, એ નક્કી કરવું આપણા હાથમાં છે.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com