ફિર દેખો યારોં

બીરેન કોઠારી

મહાત્મા ટૉલ્સ્ટોયની અતિ જાણીતી વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં એક ખેડૂતના અતિ લોભની વાત કરવામાં આવી છે. સૂર્યાસ્ત સુધીમાં વધુ ને વધુ જમીનને પોતાના પગ તળે આવરી લેવાની લ્હાયમાં આખરે ખેડૂત મૃત્યુ પામે છે, અને તેના દફન પૂરતી, કેવળ છ ફીટ જમીન પામી શકે છે. આ વાર્તા કોઈ એક માનવની નહીં, પણ સમગ્ર માનવજાતની છે એમ કહી શકાય. કેમ કે, માનવજાતના લોભને કોઈ થોભ નથી. [1]

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

વર્તમાન સમયમાં તે સમયના વિચિત્ર વળાંકે ઊભેલો છે. એક તરફ તે વિકાસની આંધળી દોટમાં મશગૂલ છે. બીજી તરફ આ દોટની વિપરીત અસરોનું પરિણામ નજર સામે છે, અને તે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને લઘુત્તમ જીવનશૈલી તરફ નજર કરી રહ્યો છે. ત્રીજો માર્ગ ભૂતકાળ તરફ પાછા વળવાનો છે, જે સદંતર બંધ થઈ ચૂકેલો છે.

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા આપણા દેશના રાજ્ય ગોવામાં તેનું પ્રાકૃતિક સૌંદર્ય જ તેનું દુશ્મન બની બેઠું છે. એક તરફ સમુદ્ર અને બીજી તરફ પર્વતોનું વિશિષ્ટ ભૂપૃષ્ઠ ધરાવતા આ પ્રદેશમાં હવે પર્વતોનું પદ્ધતિસર નિકંદન કાઢવાની પ્રવૃત્તિ આરંભાઈ છે. સ્વાભાવિકપણે જ વૃક્ષ, પર્વત, સમુદ્ર વગેરે પર અનેક પ્રકારની જૈવપ્રણાલિ નિર્ભર હોય છે. પર્વતોનો વિનાશ એટલે તેની પર નિર્ભર આવી અનેક જૈવપ્રણાલિઓનો નાશ.

એક સમયે ગોવાની વસતિ પ્રમાણમાં ઘણી ઓછી હતી, પણ પ્રવાસનને કારણે સ્થાનિકો તેમજ બહારના લોકોને અહીં સ્થાવર મિલકત વસાવવાની ચાનક ચડી. ખાસ કરીને સમુદ્રતટે લોકો મિલકત વસાવવા લાગ્યા. તેને પગલે ઈમારતો ઊભી થવા લાગી અને જોતજોતાંમાં જમીન ઓછી પડવા માંડી. તેને કારણે લોકો સમુદ્રતટેથી દૂર, અંતરિયાળ વિસ્તારમાં જવા લાગ્યા. પરિણામસ્વરૂપ જમીનનું આડેધડ પુરાણ થવા લાગ્યું.

આ ગતિવિધિને કાનૂનમાં વિવિધ સુધારા દ્વારા મંજૂરી આપવામાં આવી, અને કેટલાય ‘અવિકસીત’ વિસ્તારોને રાતોરાત બાંધકામ માટે સુયોગ્ય ઠેરવી દેવામાં આવ્યા. મોટા મોટા પ્રકલ્પો માટે ધીમે ધીમે ખેતરોની જમીનમાં પુરાણ થતું ચાલ્યું. આટલું પર્યાપ્ત નહોતું. નવી જમીન પેદા કરી શકાય એમ નહોતી, એટલે ‘વિકાસ’ની નજર હવે પર્વતો તરફ જવા લાગી. ઠેરઠેર પહોળા માર્ગ, નિવાસી સંકુલો, શૉપિંગ પ્લાઝા વગેરેની ભરમાર ઊભી થતી રહી છે, જેના માટે હવે પર્વતોને નષ્ટ કરવાનું શરૂ થયું છે.

આ વલણ કેટલું ખતરનાક અને પ્રાણઘાતક નીવડી શકે એમ છે એ કંઈ કોઈથી અજાણ્યું નથી. સમુદ્રતળની ઊંચાઈએ આવેલાં શહેરોમાં તળાવનું પુરાણ કરીને બાંધકામ કરવામાં આવે તો પણ એ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ જાય છે. તેને બદલે અહીં તો પર્વતોને સાફ કરવાનું શરૂ થયું છે. કુદરત સાથેની આ છેડછાડનું પરિણામ કેટલા ગણું ભોગવવું પડશે એ વિચાર જ ધ્રુજાવી નાખનારો છે.

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનને પગલે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે નિષ્ણાતોની સમિતિ દ્વારા ગોવાના ભૂસ્ખલન અંગે તૈયાર કરાયેલા એક અહેવાલનો અમલ કરવામાં આવશે અને જરૂર પડ્યે પર્વતોના ઢોળાવ પર અપાતી બાંધકામની મંજૂરીને રદ કરવામાં આવશે. પર્વતોના ઉચ્છેદનને સંબંધિત અધિકારીઓના ધ્યાન પર લાવવાની સીધી જવાબદારી તેમણે તલાટીઓના શિરે ઢોળી છે. એટલે કે ગામના તલાટીઓ પર્વતોને કાપવાના, તેમના ઢોળાવ પર બાંધકામના મામલે દેખરેખ રાખશે અને કશી ગેરકાનૂની બાબત જણાય તો જિલ્લા કલેક્ટરના ધ્યાને તેને લાવશે.

તલાટીના ધ્યાને આવું કંઈક આવે, તેઓ જિલ્લા કલેક્ટરને જાણ કરે, જિલ્લા કલેક્ટર તેની પર પગલાં લે ત્યાં સુધીમાં પર્યાવરણને જે નુકસાન થઈ ગયું હોય એ થઈ ગયું હશે. ધારી લઈએ કે આવી ગતિવિધિમાં અદાલતનો ચૂકાદો એ વિસ્તારને ‘યથાવત્’ કરી દેવાનો આવે તો પણ કશું હતું એમનું એમ થઈ શકે નહીં, કેમ કે, આસપાસની જીવસૃષ્ટિ અને જૈવપ્રણાલિને થઈ ચૂકેલું નુકસાન ભરપાઈ ન કરી શકાય એવું હોય છે.

સૌથી મહત્ત્વની અને અવગણી ન શકાય એવી બાબત એ છે કે આ પ્રકારની ગતિવિધિઓ કંઈ સામાન્ય નાગરિકો કરતા નથી હોતા. સરકારમાં વગ ધરાવતા બિલ્ડરો સિવાય કોની હિંમત ચાલે? સરકાર ખરેખર કોઈ નક્કર પગલાં લેવા ઈચ્છે તો તેની સામેલગીરી બને એટલી સીધી હોવી ઘટે. મુખ્ય સવાલ એ છે કે સરકાર પગલાં લેવા ખરેખર ઈચ્છે છે કે પગલાં લેવાનો કેવળ દેખાવ કરવા માગે છે?

આ ગતિવિધિને લઈને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા ગોવાના કર્મશીલોને ડર છે કે વેળાસર અને યોગ્ય રીતે પગલાં લેવામાં નહીં આવે તો ગોવાનો પર્વતીય વિસ્તાર જોતજોતાંમાં સફાચટ થઈ જાય એ દિવસ દૂર નહીં રહે. એમ થાય તો પછી તેનાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. દર વખતે થાય છે એમ વિકાસનાં ફળ ચાખશે કોઈક બીજું, અને તેનાં માઠાં પરિણામ ભોગવશે અન્ય કોઈ.

માનવજાતને ભેટમાં મળેલી કુદરતી સંપદાની તેને કશી કિંમત નથી એ હકીકત વખતોવખત વિવિધ રીતે અને લગભગ સર્વત્ર પુરવાર થતી રહી છે. સરકારની આ બાબતે ઉદાસીનતા એક મુખ્ય પરિબળ ખરું, સાથોસાથ નાગરિક તરીકે આપણે પણ આ બાબતે પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવવામાં નિષ્ફળ ગયા છીએ એમ લાગ્યા વિના રહેતું નથી. ‘એ શી રીતે?’ એવો સવાલ કોઈને થાય તો પ્રવાસન સ્થળોએ આપણો વ્યક્તિગત અભિગમ કેવો હોય છે એ વિશે વિચારીએ તો આનો જવાબ મળી જશે. વિકાસની આંધળી દોટ જોઈને લાગે છે કે ટૉલ્સ્ટોયની વાર્તા સદાય પ્રસ્તુત છે.


[1]


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)