સંવાદિતા

ફિલ્મકાર અકીરા કુરેસાવાની એકાધિક ફિલ્મોનો વિષય પર્યાવરણ અને એ પ્રત્યેની આપણી ઘોર નિષ્કાળજી છે

ભગવાન થાવરાણી

વિશ્વ સિનેમાના મહાનતમ સર્જકોની મારી યાદી બનાવું તો એના શીર્ષ સ્થાને જાપાનનાં અકીરા કુરોસાવાસ્વીડનના ઈંગમાર બર્ગમેન અને ભારતના સત્યજીત રાય આવે. આ કલાકારોની ફિલ્મોની ચર્ચા આપણે અહીં કરતા રહ્યા છીએ. આજે કુરોસાવાની એક કાલજયી ફિલ્મ ‘ દેરસુ ઉઝાલા ‘ ( ૧૯૭૫ ) ની વાત કરીએ. એમની ૩૧ ફિલ્મોમાંથી આ એકમાત્ર ફિલ્મ જે એમણે જાપાનીઝ સિવાયની – રશિયન – ભાષામાં બનાવી, રશિયન કલાકારો, કસબીઓ અને નિર્માણ સંસ્થાના સહયોગથી.

ફિલ્મની કથા છે નિરંતર જંગલો અને પહાડોમાં ભટકતા રહેતા એક એવા અટૂલા શિકારીની જે પોતાની કોઠાસૂઝથી પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સંબંધ સમજે છે. એનું નામ છે દેરસુ ઉઝાલા . રશિયન લશ્કરના કેપ્ટન વ્લાદીમીર આરસેન્યેવ ના ૧૯૨૩ માં લખાયેલા સંસ્મરણાત્મક પુસ્તક ઉપરથી બનેલી આ ફિલ્મ કહાણી છે બે મિત્રોની. આ મિત્રો એટલે કેપ્ટન આરસેન્યેવ અને દેરસુ ઉઝાલા.ફિલ્મમાં બે મૈત્રીની વાત છે.  સાવ ભિન્ન પૃષ્ઠભૂમિ ધરાવતાં પરંતુ એકમેક પ્રત્યે સમજણના સેતુથી જોડાયેલા દેરસુ અને કેપ્ટન આરસેન્યેવની મૈત્રીની અને માનવીની કુદરત સાથેની મૈત્રીની પણ !  બન્ને પાત્રોનો ભેટો અનાયાસ જંગલમાં થાય છે. ૧૯૦૨ ની સાલમાં રશિયાના દૂર પૂર્વ સાઈબીરીયામાં સંશોધન અને માપણી અર્થે ગયેલી સૈન્ય ટુકડીને ભટકતો દેરસુ મળે છે. ભાંગી તૂટી રશિયન ભાષા બોલતો દેરસુ શરુઆતમાં સૌને રમૂજી અને અવિશ્વસનીય લાગે છે. ધીમે ધીમે એની સૂજબૂઝ અને સચોટ આગાહીઓથી એ સૌનો આદરપાત્ર બને છે. કેપ્ટન માનભેર ટુકડીનું નેતૃત્વ એને સોંપે છે.

અભિયાન દરમિયાન એક અવાવરુ ઝૂંપડીમાં રાતવાસો કર્યા બાદ દેરસુ કેપ્ટનને અનુરોધ કરે છે કે ઝૂંપડીમાં થોડુંક સીધું, મીઠું અને દીવાસળીની પેટી મૂકતા જઈએ. ‘ આપણે ક્યાં અહીં પાછા આવવાના છીએ ? ‘ ના જવાબમાં એ કહે છે ‘ આપણા જેવા બીજા કોઈક તો આવી શકે ને ! એમને પણ જીવાડીએ. ‘ !

પોતાના અનુભવ અને આંતરસૂઝથી ટુકડીનું નેતૃત્વ કરતાં એ એકાધિક વાર એમને કુદરતી આફતોથી બચાવે છે. નિરર્થક ગોળીઓ ચલાવવા અને પ્રાણીઓનો માત્ર મોજ ખાતર શિકાર કરવાનો એ વિરોધી છે. ક્યારેક તો વનસ્પતિના પર્ણોને કોઈ બિનજરૂરી ખલેલ પહોંચાડે તો પણ એ ઉશ્કેરાઈ જાય છે ! એના મતે ‘ સૂર્ય અને ચંદ્ર મહાન છે. અગ્નિ ભયાનક. એ ગુસ્સે થાય તો જંગલ દિવસોના દિવસો સળગતું રહે. ‘ એ અગ્નિ, પાણી અને પવનનો આદર કરે છે. ઘેરું ધુમ્મસ જોઈ એને લાગે છે કે જંગલ અને પૃથ્વીને પરસેવો થઈ રહ્યો છે ! એક વાર જંગલમાં વાઘ દેખાતાં એ વાઘને જતા રહેવા માટે માનવીની ભાષામાં બુમો પાડી આજીજી કરે છે જેથી એણે મજબૂર થઈ ગોળી છોડવી ન પડે. એવું ન થતાં એણે ગોળી છોડવી પડે છે. વાઘના ઘાયલ થયાનો અહેસાસ થતાં એ ઘોર પશ્ચાતાપ અનુભવે છે.

કેપ્ટન પણ કબૂલ કરે છે કે કુદરતની અફાટ વિશાળતા આગળ માનવી બહુ તુચ્છ કહેવાય. અભિયાનનો પહેલો દૌર સંપન્ન થતાં એ પ્રેમપૂર્વક દેરસુને સાથે પોતાના શહેર ખાબરોવસ્ક આવવા નિમંત્રે છે. ‘ મને શહેરમાં ફાવે નહીં. ત્યાં શિકાર કરવાનો તો હોય નહીં ! ‘ કહી દેરસુ ઈનકાર કરે છે.

પ્રથમ અભિયાનના પાંચ વર્ષ બાદ આરસેન્યેવની ટુકડી ફરી વાર એ જ ઇલાકાની માપણી માટે નીકળે છે અને નસીબજોગે એમને ફરી દેરસુનો ભેટો થાય છે. હવે એની ઉંમર વર્તાય છે. આંખો નબળી પડી છે. હવે એ નિશાનબાજીમાં પણ ભૂલો કરે છે. એની જંગલો અને પહાડો પ્રત્યેની પ્રીતિ એ જ છે. ફરી એ એક અગત્યની વાત કરે છે. તાપણા આસપાસ બેસી ભોજન કરતી ટુકડીનો એક સભ્ય જ્યારે ખાતાં ખાતાં માંસનો ટુકડો અગ્નિમાં ફેંકે છે ત્યારે દેરસુ એને ટોકે છે. ‘ માંસ બહાર ફેંકો. એને સળગાવો નહીં. આપણા પછી આવનારા નાના પ્રાણીઓનું પેટ ભરાશે.‘ 

લાચાર દેરસુ છેવટે કેપ્ટન સાથે એમના શહેર જાય છે. ત્યાં કેપ્ટનના નાનકડા પુત્ર સાથે એને ફાવે પણ છે પણ સુધરેલા સમાજની રીતરસમો એને રુચતી નથી. ‘ પાણી વેચાતું લેવું પડે ‘ એ જાણીને એને આઘાત લાગે. શહેરમાં હવામાં ગોળીબાર કરવાની પણ મનાઈ ? અને તમે લોકો ‘ આ ખોખાં જેવા ઘરમાં રહો છો કઈ  રીતે ? મને બહાર જઈ ખુલ્લામાં તંબુ ખોડીને રહેવાની ઈચ્છા થાય છે.’ 

કેપ્ટન એની કરુણ પરિસ્થિતિ જોઈ એને પરત જંગલમાં રવાના કરે છે. થોડાક સમય પછી દેરસુ જંગલમાં મૃત્યુ પામ્યાના સમાચાર મળે છે. કેપ્ટન ત્યાં જઈ એની અંત્યેષ્ટિ કરે છે. જ્યાં જંગલ હતું ત્યાં એનું નિકંદન કાઢી હવે ગામ વસી ગયું છે.

દેરસુ જેવા પાત્રો કુરોસાવાની ફિલ્મોમાં આવતાં રહે છે. આ પાત્રોને શહેરના જીવનની કોઈ ગતાગમ હોતી નથી. એમનામાં નૈસર્ગિક સૂઝબૂઝ હોય છે. એ લોકો સરળ, અંતર્મુખી, સીધી વાત કરનારા અને એકલા હોય છે. એમને યોગ્યાયોગ્યનું ભાન હોય છે. એમના માટે જીવન અને જીવનમાં નૈતિકતા જાળવવી એ બન્ને પડકાર હોય છે. સંસ્કૃતિના વિકાસનું દરેક પગલું સાથે કશુંક નુકસાન પણ લાવે છે. જી.પી. એસના જમાનામાં રાત્રિના આકાશમાં તારાઓનું સ્થાન જોઈને રસ્તો શોધનારા લુપ્ત ચરિત્રની વાત કુરોસાવાની આ ફિલ્મમાં છે.

ફિલ્મની સિનેમાટોગ્રાફી અદ્ભુત છે. સ્વયંભૂ ‘ વાહ ‘ પોકારી જવાય એવા એક દ્રશ્યમાં કેપ્ટન અને દેરસુ જંગલમાં બેઠા છે. એમની એક તરફ ઊગતો સૂર્ય છે તો બીજી તરફ ઢળતો ચંદ્ર ! બેમિસાલ ! થીજેલી નદીમાં આવતા બરફના તોફાનના દ્રશ્યો પણ કમાલ ફિલ્માવાયાં છે. સાઈબીરીયાના જંગલોની અપ્રદુષિત વિશાળતા અહીં કેમેરામાં આબાદ ઝીલાઈ છે.

ફિલ્મમાં દેરસુની ભૂમિકા મોંગોલિયન મૂળના અભિનેતા મેક્સીમ મુંઝુક ભજવે છે અને આરસેન્યેવની યુરી સોલોમન. ફિલ્મને ૧૯૭૫ ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો ઓસ્કર એનાયત થયેલો.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.