વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

શિયાળાની ધુમ્મસથી ઘેરાયેલી સવાર ક્યારની થઈ ગઈ હતી પણ, સતિષના ઘર સુધી ઉજાસ પહોંચ્યો નહોતો.

સવારે પાંચ વાગે ચાલવા જવું, આવીને બાબા રામદેવના યોગાસન કરવા એ સતિષનો દૈનિક કાર્યક્રમ. ત્યાં સુધીમાં બિરજુ આવીને ચા બનાવતો. ઘરનું કામ પણ બિરજુ જ કરતો. બિરજુ એટલે મહોલ્લાનો એફ.એમ. રેડિયો.  સતિષ ચા પીવે ત્યાં સુધીમાં આખા ગામના ચટાકેદાર સમાચાર વધારાનો મસાલો ભભરાવીને સંભળાવતો. આજે બિરજુની હાજરી વર્તાઈ નહીં. ચા પીવાની તલપ જાગી પણ બનાવે કોણ?

સતિષ ગોસ્વામી-

પચાસ વર્ષની ઉંમરે વૉલન્ટરી રિટાયરમેન્ટ લીધેલ નિવૃત્ત બેંક ઑફિસર. ડાયાબિટીસ અને હાય બ્લડપ્રેશર એના કાયમી સાથી. વરુણ બાર વર્ષનો અને અર્પિતા દસ વર્ષની હતી ત્યારે એની પત્ની સંધ્યાનું હાર્ટએટેકથી અચાનક અવસાન થયું. સંતાનોની જવાબદારીમાં સુખેથી જીવન પસાર થઈ ગયું.

શ્વાસ છે ત્યાં સુધી જીવવાનું તો છે જ પણ, દીકરો પરદેશ સ્થાયી થઈ ગયો. દીકરી પરણીને ચાલી ગઈ ત્યારથી જીવન અકારું લાગવા માડ્યું.

બેંકની એક બ્રાંચમાં સાથે કામ કરતી સંધ્યા સાથે એના પ્રેમલગ્ન હતાં. લગ્નજીવનનો અંત આવી ગયો પણ સંધ્યા માટેનો પ્રેમ અકબંધ હતો. આજે પણ સંધ્યાની કાચની ચૂડીઓનો રણકાર, પાયલની ખનક આસપાસ હોય એવું અનુભવતો. સંધ્યા સાથે સુખી જીવન જીવ્યો હતો.

જૉન ડનની કવિતા’ ધ કૅનનાઈઝેશનની કેટલીક પંક્તિઓ બંનેને ખૂબ ગમતી. ‘જો  બે વ્યક્તિ વચ્ચે દૈહિક આકર્ષણથી પરે અનંત, પ્રગાઢ પ્રેમ હોય તો એ પ્રેમ પોતાની ભસ્મમાંથી પુનઃજીવિત થતાં ફીનિક્સ પંખીની જેમ પુનઃજન્મ પામે છે.’

ફોનની સતત રણકતી ઘંટડીના અવાજથી સંધ્યાની યાદોમાં ઘેરાયેલો સતિષ સફાળો ચોંક્યો. સતિષની બહેન રાજરાણી એને તાત્કાલિક જયપુર બોલાવતી હતી.

સામાજિક પ્રતિષ્ઠા, સમાજની મર્યાદા કે પરિવારની જવાબદારીનાં લીધે અવિવાહિત રહી ગયેલાં કે સાથીનાં મૃત્યુ બાદ એકલાં થઈ ગયેલાં સ્રી-પુરુષની યુવાવસ્થા તો કદાચેય પસાર થઈ જાય. પરંતુ, એકલવાયા જીવનમાં પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા શારીરિક અક્ષમતાને લીધે પસાર કરવી કપરી હોય છે. આ વિડંબના નિવારવા જયપુરમાં ‘પ્રૌઢ મહિલા-પુરુષ સંમેલન’ યોજાયું હતું.

સતિષ આ સંમેલનમાં ભાગ લે એવી રાજરાણી અને એનો પતિ નવીનની ઇચ્છા હતી. રાજરાણીની વાત સાચી હતી. વચ્ચે સતિષની માંદગીને લીધે દસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું ત્યારે દીકરી આવી શકી નહોતી. દીકરાએ તો સંબંધ જ નથી સાચવ્યો ત્યાં સતિષની જવાબદારી ક્યાં લેવાનો હતો? હા, ક્યારેક અમેરિકન ડૉલર મોકલે છે તો એ સતિષ નથી સ્વીકારતો એટલે વાત ત્યાં જ પૂરી થઈ જતી.

ઘણી આનાકાની, વાદવિવાદ પછી સતિષે માંડ તૈયારી દર્શાવી. સમારોહ શરૂ થયો. જેમનું નામ બોલાય એમણે સ્ટેજ પર આવીને સ્વ-પરિચય આપવાનો હતો. આમ તો સતિષે કેટલીય પ્રતિયોગિતાઓમાં ભાગ લીધો હતો પણ આજે સ્ટેજ પર બોલતા બેંકના એક સફળ, રૂઆબદાર ઑફિસરનો અવાજ કાંપતો હતો. ચહેરા પર પસીનો અને શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો, જીભ તાળવે ચોંટી ગઈ હતી. માંડ ચાર લીટીમાં પોતાનો પરિચય આપી શક્યો.

“નામ-સતિષ ગોસ્વામી. નિવાસી-ગ્વાલિયર, પોતાનો ફ્લેટ. ઉંમર એકસઠ વર્ષ. વૉલન્ટરી રિટાયરમેન્ટ. પેન્શન- વીસ હજાર. વિવાહિત દીકરી અને દીકરો. ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બીમારી.”

પુરુષોના પરિચય પછી મહિલાઓનાં નામ બોલાયાં. એક મહિલા સિવાય અન્ય સૌ મહિલાઓએ સ્વ-પરિચય આપ્યો. સંગીતા નામની એક યુવતિ એની માસીની ઓળખ આપવા એને લઈને સ્ટેજ પર આવી.

“નામ-માલા રાવત. અભ્યાસ- પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી. ઉંમર સાઠ વર્ષ. નિવાસ-બરેલી. પતિ અને બે દીકરા જેમનું કાર અકસ્માતમાં અવસાન. સાહિત્ય વાંચનનો શોખ. પસંદગીના લેખક શેક્સપિયર.  અપેક્ષા- દોસ્તરૂપે હમસફર કે જેની સાથે સુખ-દુઃખની વાત કરી શકાય. હાયપર ટેન્શન અને ઠંડીમાં શ્વાસની બીમારી.”

સ્ટેજ પર આવેલી માલા રાવતને જોઈને સતિષ ભોંચક્કો બની ગયો. ચહેરા પર સાદગી છતાં અનોખું તેજ, હરણી જેવી આંખો, એક તરફનો ચહેરો જોઈને એને સંધ્યાની યાદ આવી ગઈ. ચહેરા પર એ જ કાંતિ, એ જ શાંતિ. જાણે સંધ્યાની પ્રતિકૃતિ.

સર્વાનુમતે માલા પર પસંદગી ઉતરી. રાજરાણીએ માલા સાથે ફરી મળવાનું આયોજન કર્યું. બંને પરિવાર વચ્ચે વાતો થઈ. માલા અને સતિષ વચ્ચે એકાંતમાં વાતો થઈ. વિવાહ માટે રવિવાર નક્કી થયો.

રાજરાણીએ અર્પિતા અને વરુણને સમાચાર આપ્યા. આ ઉંમરે પપ્પા લગ્ન કરવાનું વિચારે છે એ સાંભળીને બંનેનું માથું ફરી ગયું. અર્પિતાએ તો પપ્પા સાથે વાત કરવાની ના પાડી દીધી. પશ્ચિમી સભ્યતાનો આંચળો ઓઢીને ફરતા વરુણે પ્રોપર્ટી વહેંચાઈ જશે એ બીકે પ્રોપર્ટી વેચીને એની પાસે જતા રહેવાનો અને જો સાથે ન રહેવું હોય તો કોઈ સીનિયર હોમમાં ચાલ્યા જવા આગ્રહ રાખ્યો. આજ સુધી પપ્પાની ખબર પણ લેવાની પરવા ન કરતા વરુણનો અસલી ચહેરો આજે સામે આવ્યો.

સતિષનાં સંતાનોને પપ્પાની એકલતાની નહીં, વારસામાં ભાગીદાર વધશે એની ચિંતા હતી. તો, માલા રાવતની હાલત પણ સતિષથી જરાય ઉતરતી નહોતી. સંગીતાના ટેકે મનોબળ મક્કમ કર્યા પછી સાસરિયાના વિરોધના લીધે માલાનો વિચાર બદલાયો.

પતિના મૃત્યુ પછી બે વર્ષ સુધી માલાની ખબર સુદ્ધાં ન લેનાર સાસરિયા એના ભાગે આવેલી જાયદાદ હાથમાંથી જતી ન રહે એનાં માટે માલાનાં લગ્ન આડે રસ્તે ચઢી ગયેલા દિયર સાથે કરાવવા જીદે ચઢ્યા હતા. એમને માલા નહીં એની મિલકત ખપતી હતી. દિયરવટું કર્યા પછીય માલાનું ભાવિ સલામત નહોતું.

‘સગાંસંબંધી કે દોસ્તો પણ જીવનભર સાથ નથી આપી શકતાં ત્યારે એક એવો જીવનસાથી જોઈએ જેની સાથે સુખ-દુઃખની વાત કરી શકાય’ એ વાત રાજરાણી સમજતી પણ સંપત્તિનાં સગાઓ સમજવા તૈયાર નહોતાં.

માંડ તૈયાર થયેલાં સતિષ અને માલાનાં મન અવઢવમાં આવી ગયાં.

સંધ્યાનાં મૃત્યુથી માંડીને આજ સુધી સંતાનોનાં સુખ માટે પોતાનું સુખ, આકાંક્ષાઓ વિસારે પાડીને જીવતો સતિષ એનાં સ્વાર્થી સંતાનો વિશે વિચારતો રહ્યો.

જયપુર આવ્યો તે પહેલાં આજ સુધી સતિષનાં મનમાં લગ્નનો વિચાર સુદ્ધાં ક્યાં હતો! આજે માલાને જોઈને મન વિચલિત થવાનું કારણ એ વિચારી રહ્યો. માલામાં સંધ્યાની છબી દેખાઈ હતી એટલે? સંધ્યા અને માલાના ચહેરા એકબીજામાં ભળી જતાં લાગ્યાં. માલા માટે સંધ્યા જેવું ખેંચાણ અનુભવી રહ્યો. પણ હા, એ દૈહિક તો જરાય નહોતું.

સંધ્યા સાથે વાંચેલી ’ધ કૈનનાઇજેશન’ની પંક્તિઓ ફરી યાદ આવી. ‘જો બે વ્યક્તિ વચ્ચે દૈહિક આકર્ષણથીએ પરે, અનંત, પ્રગાઢ પ્રેમ હોય તો એ પોતાની ભસ્મમાંથી પુનઃજીવિત થતાં ફીનિક્સ પંખીની જેમ પુનઃજન્મ પામે છે.’

સંધ્યાનો પ્રેમ અનંત હતો જે માલા રૂપે પુનઃજીવન પામ્યો હશે?

આખી રાતનાં મંથન બાદ માલાને જીવનસાથી રૂપે સ્વીકારવાનો નિર્ણય લઈ લીધો.


ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.