મંજૂષા

વીનેશ અંતાણી

અન્ય લોકોને સમૃદ્ધ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ શ્રીમંત બની શકતી નથી. પોતાની સંપત્તિનો હિસ્સો સમાજસેવા માટે ખરચવા તૈયાર ન હોય તે વ્યક્તિ ગમે તેટલી ધનાઢ્ય હોય, પરંતુ ગરીબ જ રહે છે

 

અંગ્રેજી શબ્દ ‘ફિલાનથ્રોપી’નો અર્થ છે ‘સારાં કામો માટે મોટી રકમનું દાન આપી સમાજસેવાનાં કાર્ય કરવાની ઉદાત્ત ભાવના.’  દેશ અને દુનિયાના ઘણા ધનાઢ્ય લોકોએ એમની સંપત્તિનો મોટો હિસ્સો પરોપકાર માટે દાનમાં આપ્યો હોવાનાં અનેક દૃષ્ટાંત છે. વર્ષો પહેલાં કેરળમાં એક પરંપરા હતી કે ગામના શ્રીમંતો રાતે ઘરનો મુખ્ય દરવાજો બંધ કરતાં પહેલાં બૂમ પાડીને પૂછતા કે ગામમાં કોઈ વ્યક્તિ ભૂખી સૂતી છે? કોઈ ભૂખ્યું રહી ગયું હોય તો એને ખાવાનું આપ્યા પછી જ ઘરનો બંધ કરવામાં આવતો. પશ્ર્ચિમ બંગાળનાં સુહાસિની મિસ્ત્રી ત્રેવીસ વર્ષની નાની વયે વિધવા થયાં. ચાર સંતાનો અને પોતાનું ગુજરાન ચલાવવા માટે એમણે બીજાના ઘરનાં કામ કર્યાં, શાકભાજી વેચી. ટૂંકી આવકમાંથી પણ પૈસા બચાવીને એમણે કલકત્તા નજીક હંસપુકુર ગામમાં ગરીબ લોકો માટે હૉસ્પિટલ બનાવી. કચ્છના ભદ્રેશ્ર્વર બંદરના શાહસોદાગર જગડુશાએ સંવત ૧૩૧૫માં ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે પોતાના ભંડાર લોકો માટે ખુલ્લા મૂકી દીધા હતા. ભારતનો ઇતિહાસ પ્રાચીન સમયથી દાનવીરતાનાં એવા અસંખ્ય ઉદાહરણોથી ઉજ્જવળ છે.

૧૮૩૫માં જન્મેલા અમેરિકાના મહાન ઉદ્યોગપતિ એન્ડ્રયૂ કારનેજી અમેરિકન ફિલાન્થ્રોપીના ક્ષેત્રમાં મહત્ત્વનું કદમ ભરનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. એમણે જીવનનાં છેલ્લાં અઢાર વર્ષોમાં ૩૫૦ મિલિયન ડોલર લોકકલ્યાણ, સમાજસેવા, શિક્ષણ, પુસ્તકાલય, વૈજ્ઞાનિક સંશોધન વગેરે માટે દાનમાં આપ્યા હતા. આ રકમ એમની કુલ્લ સંપત્તિનો નેવું ટકા હિસ્સો હતી. એમણે કહ્યું હતું: ‘અન્ય લોકોને સમૃદ્ધ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ શ્રીમંત બની શકતી નથી. પોતાની સંપત્તિનો હિસ્સો સમાજસેવા માટે ખરચવા તૈયાર ન હોય તે વ્યક્તિ ગમે તેટલી ધનાઢ્ય હોય, પરંતુ ગરીબ જ રહે છે.’ તેઓ માનતા હતા કે ધનાઢ્ય લોકોએ એમનું જીવન બે હિસ્સામાં વહેંચવું જોઈએ, પહેલા તબક્કામાં અઢળક કમાણી કરે અને બીજા તબક્કામાં કમાણીનો મોટા ભાગનો હિસ્સો સમાજસેવા માટે દાનમાં આપે.

બિલ ગેટ્સ અને વૉરેન બફે જેવા શ્રીમંત લોકોએ આ દિશામાં કરેલા પ્રયત્નો જાણીતા છે. એમણે વિશ્ર્વના ટોચના ધનાઢ્ય લોકોને એમની સંપત્તિ પરોપકાર માટે દાનમાં આપવાની પ્રેરણા આપી. એમણે કહ્યું છે કે શ્રીમંત લોકોએ એમને અને એમના વારસદારોને કેટલી સંપત્તિની આવશ્યકતા છે તે નક્કી કરવું જોઈએ. ત્યાર પછી એમણે તેઓ બાકીની સંપત્તિનું શું કરવા માગે છે તેનો નિર્ણય લેવો જોઈએ. ટોચના ધનાઢ્ય લોકોની સંપત્તિની આકરણી કરતી કંપની ‘વર્લ્ડ એક્સ’ના રિપોર્ટમાં વર્ષ ૨૦૧૫માં વિશ્ર્વમાં સૌથી વધારે દાન આપનાર વીસ વ્યક્તિઓમાં ભારતના અઝીમ પ્રેમજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફેસ બુકના સ્થાપક અને સી.ઇ.ઓ. માર્ક ઝુકેરબર્ગ એમની કમાણીનો મહત્તમ હિસ્સો સમાજસેવા માટે આપે છે.

સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે  સમાજસેવા માટે દાન આપવાની વૃત્તિ અને પ્રવૃત્તિ માત્ર ધનાઢ્ય લોકોને જ લાગુ પડે છે. આપણી પાસે આપવા જેવું ખાસ કંઈ હોય નહીં તો આપણે શું આપી શકીએ. પ્રશ્ર્ન વ્યક્તિ પાસે કેટલી સંપત્તિ છે તેનો નથી, પ્રશ્ર્ન આપણે જેટલું કમાઈએ છીએ તેમાંથી થોડોક પણ હિસ્સો અન્ય લોકોના કલ્યાણ માટે ખર્ચવા તૈયાર છીએ કે કેમ તેનો છે. ૨૦૦૧માં કચ્છ અને ગુજરાતમાં ધરતીકંપ થયો ત્યારે મારા બંને પુત્રો યુ.કે.માં આઈ.ટી. કંપનીમાં કામ કરતા હતા. એમણે ધરતીકંપના રાહતકાર્ય માટે એમની કંપનીના સહકર્મચારીઓ પાસેથી યથાશક્તિ ફાળો એકઠો કરવાનું કામ હાથ પર લીધું. તેમાં  મહારાષ્ટ્રના એક યુવાન કર્મચારીએ બહુ મોટી રકમ આપી હતી. એણે કહ્યું હતું: ‘હું માનું છું કે આપણી કમાણી પર સમાજનો અધિકાર છે. હું તે માટે દર મહિને મારા પગારનો અમુક હિસ્સો અલગ રાખી મૂકું છું.’ એક મહિલા ઓછા પગારવાળી નોકરીમાં જોડાઈ ત્યારથી એણે જરૂતમંદ લોકોને સહાય કરવા માટે પોતાની આવકનો દસ ટકા હિસ્સો અલગ રાખવાનો આરંભ કર્યો હતો. તે આદત સંતાનોમાં પણ ઊતરી. આવા લોકો શ્રીમંત હોય તેવી જરૂર નથી.

ઘણી વાર પરોપકારની સહજ વૃત્તિનું પગેરું વ્યક્તિના પરિવારના ભૂતકાળમાં પડેલું હોય છે. ફિલાનથ્રોપી અને પારિવારિક પરંપરાનો અભ્યાસ કરતી એક સંસ્થાને એવા કેટલાક રસપ્રદ કિસ્સા જાણવા મળ્યા છે. ઘણા લોકોમાં એમની આગલી પેઢી વિશે માહિતી જાણ્યા પછી પરોપકાર કરવાની ભાવના જાગે છે. એક ધનાઢ્ય વ્યક્તિને ખબર પડી કે એને થયેલો અસાધ્ય રોગ વારસાગત હતો. એની આગલી પેઢીના ઘણા વડીલો આ રોગથી મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી એણે તે રોગની સારવાર માટે સંશોધન કરતી સંસ્થાઓને બહુ મોટી રકમની સહાય આપવાનું શરૂ કર્યું. કેટલાક કિસ્સામાં દાનપ્રવૃત્તિમાં રસ ધરાવતી વ્યક્તિને એની સેવાવૃત્તિનું પગેરું આગલી પેઢીમાંથી જોવા મળે છે. એક મહિલાને આદિવાસી લોકોના કલ્યાણ માટે અઢળક સહાયતા કરવાનું લગભગ વળગણ થઈ ગયું હતું. તે વિશે એને પોતાને પણ નવાઈ લાગતી. ઘણાં વર્ષો પછી એને માતૃપક્ષમાં થઈ ગયેલી એક વ્યક્તિએ એની આખી જિંદગી આદિવાસીના ઉત્કર્ષ માટે વિતાવી હતી તે વાતની જાણ થઈ હતી. એ મહિલાને પોતાના વળગણનું મૂળ તેમાંથી દેખાયું હતું.

નાનપણનું એક દૃશ્ય મારા ચિત્ત પર અંકિત થઈ ગયું છે. અનાથાશ્રમનાં બાળકો ગામની બજારમાં બેન્ડ વગાડતાં એમની સંસ્થા માટે ફાળો ઉઘરાવતાં હતાં. બજારમાં ભીખ માગવા બેઠેલી મહિલાના પાંચેક વર્ષના દીકરાએ માને તે બાળકો વિશે પૂછ્યું. પછી એ એની માતાએ ભીખ માગેલા પૈસાના ડબામાંથી એક આનો લઈ પેલાં બાળકોના ડબામાં નાખી આવ્યો. એના મોઢા પર દેખાયેલો સંતોષ ક્યારેય ભુલાશે નહીં. એણે આપ્યું તેનાથી વધારે મેળવ્યું હતું. એ દુનિયાનો શ્રેષ્ઠ દાનવીર હતો.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.