સંવાદિતા
હિન્દી ભાષાની કવિતાઓમાં માણસ અને એના દુઃખ દર્દ સાથેની નિસ્બત વિશેષ જોવા મળે છે.
ભગવાન થાવરાણી
હિન્દી કવિ ભગવત રાવત ( ૧૯૩૯ – ૨૦૧૨ ) ની સક્રિય કારકિર્દી મહદંશે ભોપાલમાં વીતી. પોતે મૂળ મધ્યપ્રદેશના ટહેરકા ( ટીકમગઢ ) બુંદેલખંડના. આ બુંદેલખંડી ખુમારી એમની પ્રકૃતિ અને કવિતાઓમાં સદૈવ દૃષ્ટિગોચર થતા રહેતા. પોતે આજીવન કચડાયેલા – વંચિત લોકોના કવિ રહ્યા અને એમના વિશે, એમના માટે કવિતાઓ લખતા રહ્યા. થોડાક વર્ષ મધ્યપ્રદેશ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહ્યા અને એના મુખપત્ર ‘સાક્ષાત્કાર’નું સંપાદન પણ કર્યું. સચ પૂછો તો, ઐસી કૈસી નીંદ, અમ્મા સે બાતેં અને દેશ એક રાગ હૈ જેવા બાર કવિતા સંગ્રહો અને બે વિવેચન ગ્રંથો આપ્યા. એમના સર્જનકાર્ય વિશે પણ એક પુસ્તક ‘ ભગવત રાવત – અપને સમય કા ચરિતાર્થ ‘ ડો. બ્રજબાલા સિહે લખ્યું છે.મહાન લેખક ફણીશ્વરનાથ રેણુ ની વાર્તા ‘મારે ગયે ગુલફામ ‘ અને એના પરથી બનેલી ફિલ્મ ‘ તીસરી કસમ ‘ ના અમર પાત્ર હીરામનને ઉદેશીને એમણે લખેલી કવિતાઓનો સંગ્રહ ‘ સુનો હીરામન ‘ હિન્દી કવિતા સાહિત્યની એક વીરલ કૃતિ ગણાય છે.
એમની બે કવિતાઓ જોઈએ :
|| ખરું પૂછો તો ||
ખરું પૂછો તો
એક એવી જગ્યા શોધતો રહ્યો જિંદગીભર
જ્યાં બેસીને નિરાંતે
લખી શકું એક નામ
અને કોઈ પૂછે નહીં
કે એ કોનું નામ છે
કાયમ ઘુમરાતા ચોવીસ કલાકમાંથી
એટલો જ સમય જોઈતો હતો મારે
જેને સહેલાઈથી સંતાડી શકું
પોતાના ગજવામાં
અને કોઈ એ ન પૂછે
કે એ મેં કઈ રીતે વાપર્યો
ભાષાથી ખદબદતી દુનિયામાં
થોડાંક એવા શબ્દો જોઈતા હતા મારે
જેને કોઈક અબુધ કન્યાના હસ્તે
છાણ લિંપેલી ભોંય ઉપર
રંગોળીની જેમ પુરાવી લઉં
અને કોઈ એ ન પૂછે
એમ કરવાનો શો મતલબ
ખરું પૂછો તો
આટલા જ કામો માટે આવ્યો હતો પૃથ્વી ઉપર
અને અમથો ભાગતો રહ્યો
અહીંથી તહીં..
કવિતા સ્વયંસિદ્ધ છે. આ એક એવા યાત્રિક આત્માની વાત છે જેને એવું લાગ્યા કરે છે કે એનો અહીં આવવાનો હેતુ કંઇક જુદો હતો અને એને કરવું પડ્યું કંઈક જુદું ! જે કરાવવામાં આવ્યું એ માટે અહીં આવ્યો જ નહોતો !
ઉપરની કવિતાનો જાણે ઉત્તરાર્ધ હોય એવી એમની આ બીજી કવિતા જરા જુદા લહેજામાં છે પણ વાત એ જ છે. કોઈ ટિપ્પણી વિના એ જોઈએ :
|| આ પરીક્ષા ખંડમાંથી ||
આટલી બધી સમસ્યાઓ
કેમ ઉકલશે
કેવી રીતે લખી શકીશ
આટલા બધા પ્રશ્નોના ઉત્તર
એ પણ મર્યાદિત સમયમાં
નિરાંતે સમજી વિચારીને લખવાનો
સમય નથી બચ્યો
રાઇ જેવડો પહાડ
પહાડ જેવું જીવન
પહાડ-સમ જીવનના ગણતરીના દિવસો
ગણતરીના દિવસોમાં આટલા બધા સવાલ
આટલા બધા સવાલોની એટલી જ મુશ્કેલીઓ મુશ્કેલીઓ કેમ સરળ બને
ખબર નથી
મુશ્કેલીઓના પુસ્તકની
કોઈ ગાઈડ નથી મળતી બજારમાં
ત્યાં તો વેચાય છે કેવળ સફળતાની ચાવીઓ
હું લખવા માગતો હતો
કેવળ મારા જ પ્રશ્નોના ઉત્તર
મારે કોઈ પરીક્ષા આપવી જ નહોતી
મારે પાસ કે નાપાસ થવું જ નહોતું.
પ્લીઝ સર
હું આ પરીક્ષા – ખંડમાંથી બહાર જવા માગું છું..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
