સંવાદિતા

દિલ કી નાઝુક રગેં ટૂટતી હૈં
યાદ ઈતના ભી કોઈ ન આએ
ભગવાન થાવરાણી
મહાન ફિલ્મ સંગીતકાર મદન મોહનની જન્મ શતાબ્દીનું આ વર્ષ. હયાત હોત તો ગઈ કાલે એ સો વર્ષના થયા હોત. ૧૯૭૫ માં માત્ર એકાવન વર્ષની વયે સિરોસીસ ઓફ લીવરથી અવસાન પામનાર મદન મોહને નેવું ઉપરાંત ફિલ્મોમાં સંગીત આપ્યું. એમની અનેક તરજો ‘ દૈવી સંગીત ‘ ની વ્યાખ્યામાં આવે. એમની મોટા ભાગની ફિલ્મો નિષ્ફળતા અથવા સાધારણ સફળતા પામી. એકાદ બે અપવાદ સિવાય. શાસ્ત્રીય સંગીતના પાયે ચણાયેલી એમની ઘણી રચનાઓમાં જે કક્ષાના આલાપ અને મુરકીઓ આવે છે એને ન્યાય આપવો કોઈ સામાન્ય ગાયકની હેસિયત બહારનું કામ હતું. એના માટે કોઈક લતા, રફી, તલત મહેમૂદ કે મન્ના ડે જ જોઈએ. એમનું કોઈ ગીત સ્ટેજ પર રજૂ કરવું એ પણ મોટી હિંમત કહેવાય.
લતા મંગેશકર અને બેગમ અખ્તર સાથે એમને અંતરંગ સંબંધો હતાં. લતાજી અને એમના સાયુજ્યથી જે અમર કૃતિઓ રચાઈ એના વિષે લખીએ તો પણ એક અલાયદું પુસ્તક લખી શકાય. એ ગઝલ સમ્રાટ કહેવાતા પણ એટલી સંકુચિત વ્યાખ્યામાં એમનું સમગ્ર વ્યક્તિત્વ સમાવી શકાય નહીં. બેગમ અખ્તર સાહેબાએ એમની રચનાઓથી અભિભૂત થઈ એક વાર એમને પૂછેલું ‘ આટલું બધું દર્દ તું ક્યાંથી લાવે છે ? ‘ એ ઘણી વાર મદન મોહનને અડધી રાતે ફોન કરી ‘ ભાઈ ભાઈ ‘ ફિલ્મની એમની રચના ‘ કદર જાને ના મોરા બાલમ બેદર્દી રે ‘ એમના કંઠે સાંભળવાની હઠ કરતા. એક અભૂતપૂર્વ ઘટના તરીકે એમના મૃત્યુ પછી છેક ૨૯ વર્ષે એમણે રચીને વાપર્યા વગર મૂકી રાખેલી તરજો પરથી ૨૦૦૪ ની યશ ચોપરાની ફિલ્મ ‘ વીર ઝારા ‘નું સંગીત રચવામાં આવેલું. સંગીતકાર તરીકે નામ પણ મદન મોહનનું જ.
એમના વધુ ઔપચારિક પરિચયને કોરાણે રાખીને એમણે સર્જેલી બે વિશિષ્ટ રચનાઓનું વિશ્લેષણ કરીએ. પહેલી બંદિશ એટલે રમેશ સહગલ દિગ્દર્શિત ૧૯૫૫ ની ફિલ્મ ‘ રેલ્વે પ્લેટફોર્મ ‘ નું સાહિર લુધિયાનવી રચિત અને લતાજીએ ગાયેલ આ ગીત ( ગીત ફિલ્મમાં સમાવાયું નહોતું ! ) :
નીંદ કી ગોદ મેં જહાં ચુપ હૈ
 
દૂર વાદી મેં દૂધિયા બાદલ
ઝુક કે પરબત કો પ્યાર કરતે હૈં
દિલ મેં નાકામ હસરતેં લે કર
હમ તેરા ઈંતઝાર કરતે હૈં
 
ઈન બહારોં કે સાયે મેં આ જા
ફિર મુહબ્બત જવાં રહે ન રહે
ઝિંદગી તેરે નામુરાદોં પર
કલ તલક મેહરબાં રહે ન રહે
 
રોઝ કી તરહ આજ ભી તારે
સુબહ કી ગર્દ મેં ન ખો જાએં
આ તેરે ગમ મેં જાગતી આંખેં
કમ સે કમ એક રાત સો જાએં..
 
સાહિરની આ નઝ્મ ફિલ્મમાં લેવાયા પહેલાં જ સુપ્રસિદ્ધ હતી. ભીમપલાસી રાગમાં નિબદ્ધ આ પ્રતીક્ષા ગીત એક અનોખું વિષાદમય વાતાવરણ સર્જે છે. લતાનો અવાજ ઈંતેજારના તરફડાટને સાક્ષાત મૂર્તિમંત કરે છે. વાંસળીના સૂરથી બંદિશનો ઉપાડ અને એમાં ઓતપ્રોત થઈ જતો મુખડાનો ચિત્કાર . પહેલો અને ત્રીજો બંધ તાર સ્વરોમાં જ્યારે વચ્ચેના બંધની પહેલી બે પંક્તિ મંદ્ર સ્વરમાં ગવાયા પછી ‘ ઝિંદગી તેરે નામુરાદોં પર ‘ અચાનક તીવ્ર વિલાપ રૂપે !
નઝ્મના મુખડા અને ત્રણેય બંધના શબ્દોથી જાણે અલગ અલગ ચિત્ર ખડાં થાય છે. પ્રારંભે મૌનાકાશમાં વાદળાં પાછળ ધીમે ધીમે વિલીન થતો ચંદ્ર – જાણે કોઈ વિરહિણીની રહી સહી આશા લુપ્ત થતી હોય ! એ પછી પર્વત પર નમેલાં વાદળો અને એમની છાયા હેઠળ પ્રતીક્ષારત નાયિકા. ફરી હતાશાથી નાયકને જીવ પર આવી તકાદો કરતી નાયિકા અને અંતે ઉઘડતી સવારની ગર્દમાં વિલીન થતાં અંતિમ તારા સંગે ઉજાગરો વેઠતી નાયિકાની માત્ર એક રાતની ઊંઘની વિનવણી !
માત્ર વાંસળી, એકલ દોકલ વાયલીન અને પિયાનોના સુરોથી અંતરાઓ વચ્ચેની જગ્યાઓ પૂરવામાં આવી છે. હળવાં તબલાં પણ છે પરંતુ એ વાદ્યો એવી રીતે પૂરણી કરે છે કે લતાના કંઠ અને એ થકી ઊભા થતા વાતાવરણને ઘૂંટાવાનો મોકળો અવકાશ મળે !
એક તરફ આવી બેનમૂન રચના ફિલ્મમાં ન લેવાયાનો વસવસો થાય તો બીજી તરફ એક પ્રકારનો હાશકારો કે અણઘડ ફિલ્માંકનને કારણે આવી અદ્ભુત રચનાની દુર્દશા થતી રહી ગઈ !
બીજી રચના પણ એવી જ વિલક્ષણ પણ જરા જુદા મૂડની છે. એ દેવ આનંદ – મધુબાલાની ૧૯૬૪ ની નિષ્ફળ ફિલ્મ ‘ શરાબી ‘ માંથી છે. અગાઉના ગીતમાં જે ચમત્કૃતિ લતાજીના કંઠે ઊભી કરી છે એ અહીં મહાન મુહમ્મદ રફી સર્જે છે. રાજેંદ્ર કૃષ્ણ રચિત ચાર પંક્તિઓના ચાર બંધનો પહેલો બંધ :
જહાં પહલે પહલે યે દિલ લડખડાયા
વો દુનિયા વો મેરી મુહબ્બત કી દુનિયા
જહાં સે મૈં બેતાબિયાં લે કે આયા ..
દેવ આનંદ ઉપર દિગ્દર્શક રાજઋષિએ ફિલ્માવેલ આ ગીત શરાબના નશામાં ધૂત એક પ્રેમીના હોઠેથી સરી પડતા ઉદ્ગાર છે. એ પોતાના પ્રથમ પ્રેમને સ્મરે છે. એને ફરી એક વાર ‘ એ જગ્યાએ ‘ જવું છે. રફી સાહેબે ચમત્કારિક રીતે ખરેખર નશો પ્રતીત થાય એવાં કંઠમાં આ ગીત ગાયું છે. શબ્દો જાણે માંડ હોઠેથી ફૂટતાં હોય એ અંદાઝમાં. નાયકનું શરીર અને જબાન એના કાબૂમાં નથી. એ કોઈકને વીનવે છે ત્યાં લઈ જવા માટે જ્યાં એ પોતાની યુવાની છોડી આવ્યો છે. એને ખાતરી છે કે જે ઉંબરે એણે માથું ઝુકાવેલું એ નિશાનીઓ હજી પણ ત્યાં વિદ્યમાન હશે. એને ખાતરી છે કે જ્યાં એની પ્રેયસીના પગલાંના નિશાન છે ત્યાં જ એના બધાં દુખ – સુખ છે. ‘ એ ‘ પસાર થતી એ ગલીની મુઠ્ઠી ધૂળની એને તમન્ના છે. એને એવી ( મિથ્યા ! ) ખાતરી છે કે હજી પણ ત્યાં એક પડદાની પાછળ એ એની રાહ જૂએ છે. એના દમકતા ચહેરાનો અજવાસ આંખોમાં સાચવી બાકીની જિંદગી પસાર કરવાની એને ખ્વાહેશ છે.
મિશ્ર ઝિંઝોટીમાં નિબદ્ધ ગીતના ચારેય બંધ નાયકની સ્મૃતિ – વનમાં લટાર આલેખે છે. ફિલ્માંકન દરમિયાન એણે પ્રેયસી જોડે વીતાવેલી સુખદ પળો યાદ આવ્યા કરે છે. નશામાં હોવા છતાં એના સ્મરણો સતેજ છે. અંતરાઓની વચ્ચે વાયલીનના કરૂણ સુરોની પૂરણી છે. નેપથ્યે દાદરા તાલના ઠેકા રફીના કંઠને ખલેલ પહોંચાડ્યા વિના વાગ્યા કરે છે.
મદન મોહનની આ બન્ને બંદિશ હિંદી ફિલ્મ સંગીતની અણમોલ ધરોહર છે. જન્મ શતાબ્દીએ એમની સ્મૃતિને વંદન !

સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.