સંવાદિતા
મૂળ બંગાળી ફિલ્મો સર્જતા ફિલ્મકારોમાંથી મૃણાલ સેને સૌથી વધુ હિંદી ફિલ્મો સર્જી. કુલ સત્યાવીસમાંથી સાત. એમણે એક – એક ઉડિયા અને તેલુગુ ફિલ્મ પણ આપી. એમની હિંદી ફિલ્મો એટલે ભુવન શોમ, એક અધૂરી કહાની, મૃગયા, ખંડહર, જેનેસીસ, એક દિન અચાનક અને એમની અંતિમ ફિલ્મ અંતરીન. એમણે એક ટીવી ફિલ્મ ‘ તસવીર અપની અપની ‘ અને દૂરદર્શન માટે બાર લઘુ ફિલ્મોની એક શ્રંખલા ‘ કભી દૂર કભી પાસ ‘ પણ હિંદીમાં બનાવી.
૧૯૮૦ થી ૧૯૮૯ ના દશક દરમિયાન એમણે બનાવેલી ત્રણ ફિલ્મોને એબસંટ ટ્રાઈલોજી – અનુપસ્થિતિ ત્રયી તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય ફિલ્મોમાં ફિલ્મનું મુખ્ય પાત્ર ફિલ્મના આરંભમાં જ અદ્રશ્ય થઈ જાય છે. પહેલી ફિલ્મ ‘ એક દિન પ્રતિદિન ‘ માં નોકરીએ ગયેલી અને જેની કમાણી પર ઘરનો કારોબાર ચાલતો હતો એ યુવાન સ્ત્રી સાંજે ઘરે પાછી ફરતી નથી ( પણ વહેલી સવારે પાછી ફરે છે ). બીજી ‘ ખારિજ ‘ માં ઘરનો બાળ – નોકર રસોડામાં ધૂમાડાથી ગૂંગળાઈને મૃત્યુ પામે છે તો છેલ્લી ‘ એક દિન અચાનક ‘ માં ઘરના મોભી નિવૃત પ્રોફેસર એક સાંજે ‘ હમણાં આવું છું ‘ કહીને નીકળે છે તે ફિલ્મના અંત લગી પાછા ફરતા નથી. ત્રણેય ફિલ્મનો મુખ્ય સુર આ પાત્રોનું ‘ જતા રહેવું ‘ નથી પણ એમની અનુપસ્થિતિમાં એમના કુટુંબીઓની જે વિચાર પ્રક્રિયા છે એ છે. આમાંની એક માત્ર હિન્દી ફિલ્મ ‘ એક દિન અચાનક ‘ ને થોડીક વિગતે જોઈએ.

ફિલ્મની સમગ્ર વાર્તા એક પ્રોફેસરના જીવનની છે. નિવૃતિ પછી એ પોતાની લાઇબ્રેરીના પુસ્તકોના વાંચન અને સંશોધનમાં વ્યસ્ત રહે છે. વધારાની કમાણીની ઘણી તકો છે પણ એમને એવી કોઈ વાતમાં દિલચસ્પી નથી. એમની એક ભૂતપૂર્વ અને એમનાથી ઉંમરમાં ઘણી નાની વિદ્યાર્થિની ( અપર્ણા સેન ) એમની પરમ પ્રશંસક છે. બન્નેના સંબંધો પ્રેમાળ કુટુંબની નજરમાં પણ નિખાલસ છે. સમગ્ર ફિલ્મ, એમના જતા રહ્યા પછી એમના કુટુંબીઓ, અન્ય સ્વજનો, પડોશીઓના એમના વિષેના અભિપ્રાય અને એમાં આવતા બદલાવ ઉપર કેંદ્રિત છે. આ કુટુંબીઓ એટલે એમના ગૃહિણી પત્ની ( ઉત્તરા બાવકર ), કમાતી મોટી દીકરી ( શબાના આઝમી ) કોલેજમાં ભણતી નાની દીકરી ( રૂપા ગાંગુલી ) અને નિષ્ફળ વ્યવસાયી દીકરો ( અર્જુન ચક્રવર્તી ) . પ્રોફેસર ( શ્રીરામ લાગુ ) નું ચરિત્રાંકન આ ચારેય ઉપરાંત એમની ખુદની ફલેશબેક દ્વારા ફિલ્મમાં આવનજાવનથી થતું રહે છે. બધા કુટુંબીજનો એમને હવે પોતપોતાની ફુટપટ્ટીથી મૂલવે છે. કદાચ પહેલાં કરતાં વધુ સારી અને સાચી રીતે સમજે છે. બધાં વચ્ચે સમજણનો સેતુ નહોતો એવું પણ નથી પણ એમની વિદાય પછી બધાને લાગે છે કે કશુંક તો હતું જે ખૂટતું હતું.
પ્રોફેસરની મોટી દીકરી એમની સૌથી વધુ નિકટ હતી. ફિલ્મના એક દ્રશ્યમાં વિદાય પછી પિતાનું વિશ્લેષણ કરતાં એ કહે છે ‘ કદાચ પપ્પા આપણે સૌ માનતા હતા એટલા મહાન નહોતા. કદાચ એ આપણા જેવા જ હતા. એક સાધારણ મનુષ્ય ! ‘ ફિલ્મના નિર્દેશક મૃણાલ સેને પણ એક મુલાકાતમાં કહેલું કે ‘ કદાચ પ્રોફેસર એટલા માટે ચાલ્યા ગયા કે એમને એમના સામાન્યપણાનો અહેસાસ થઈ ચૂકેલો છે. ‘
એમના પત્ની પણ હવે એમની પ્રિય વિદ્યાર્થિની સાથેના એમના સંબંધોને નવા પ્રકાશમાં જૂએ છે. નાની દીકરી અને દીકરો તો પહેલેથી એમને ઘમંડી અને અતડા માનતા હતા જ. સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા એમના સાળા એમને બેદરકાર ઠેરવે છે અને હવે એમના પાછા ફરવાની કોઈ શક્યતા ન જણાતાં એમના હજારો ગ્રંથોથી ‘ ખદબદતો ‘ એમનો અભ્યાસ – રૂમ ખાલી કરવાનું સૂચન કરે છે. એમની પ્રિય મોટી દીકરીને માઠું ન લાગે એટલે એ પુસ્તકો પસ્તીમાં કાઢવાને બદલે કોઈ પ્રતિષ્ઠિત કોલેજને દાનમાં આપવાનો વચલો રસ્તો કાઢી આપે છે. ‘ એમના નામની તક્તી પણ લગાવડાવીશું એ વિભાગમાં ‘ ! ફિલ્મના એ યાદગાર દ્રશ્યમાં, જ્યારે લાઈબ્રેરીમાં લઈ જવા માટે પુસ્તકો સમેટાઈ રહ્યા હોય છે ત્યારે દીકરી જાણે પિતાને અંતિમ વિદાય આપતી હોય એવું અનુભવાય છે !
એમના ગયા પછી કુટુંબના સભ્યો પોતાની સ્વાભાવિક જિંદગી ભણી ધીમે ધીમે પાછા ફરતા હોય એવું લાગે છે ખરું પણ એમને પહોંચેલી ઈજાઓ વર્તાઈ આવે છે. મોટી દીકરીને એક પુરુષ મિત્ર છે પણ એ સંબંધ જાણે સુષુપ્ત અવસ્થામાં છે. દીકરાનો વ્યવસાય થાળે પડ્યો હોય એવું વર્તાય છે પણ એની પ્રકૃતિમાં કડવાશ અને કઠોરતા પ્રવેશી ગઈ છે. પત્ની સતત પતિ અને એમની વાતોને યાદ કરતી હતાશાનો શિકાર બની ગઈ છે. દરેક સભ્ય પ્રોફેસરની મન:સ્થિતિ સમજવાના મરણિયા પ્રયત્નોમાંથી જવાબો કરતાં વધુ સવાલો નીપજાવે છે જાણે ! પહેલાં એ બધા હસતા – લડતા – ઝઘડતા – દલીલો કરતા પણ એમાં એક જીવંતતા હતી, હવે બધા સાથે બેઠા હોય પણ મૌન અને ઉદાસ. મૃત્યુ થયું હોય તો માણસ એક રીતે નિશ્ચિંત હોય, પણ આ તે કેવી અનિશ્ચિતતા ! પિતાનું બેંક બેલેંસ જાણવા ગયેલા દીકરાને પણ કહેવામાં આવે છે કે એમના ગુમ થયાને સાત વર્ષ ન થાય ત્યાં સુધી એમના પૈસાનું કંઈ ન થાય !
આવી ફિલ્મ બનાવવાનો સર્જકનો હેતુ દર્શક સ્વયંને સવાલો પૂછે એ છે. આપણી આસપાસ જે રોજિંદા બનાવો બને છે – બની રહ્યા છે એ વિષે પુનર્વિચાર કરવા મજબૂર કરે એ છે. બહુધા એવું બનતું હોય છે કે કુટુંબનો જે સદસ્ય ઘર માટે અનિવાર્ય હોય છે એને અપર્યાપ્ત રીતે સમજવામાં આવ્યો હોય છે. સાથોસાથ એ હકીકત પણ નકારી શકાય નહીં કે કોઈની ગેરહાજરી ભલે એક ખાલીપો સર્જે પણ એનાથી વિચારો, મૂલ્યો અને નૈતિકતાનો એક અવકાશ પૂરાય છે.
ફિલ્મનું અંતિમ દ્રશ્ય ચિરસ્મરણીય છે. પ્રોફેસરના જતા રહ્યાને બરાબર એક વર્ષ થયું છે. એ જતા રહેલા એવી જ વરસાદી સાંજ. મા, બન્ને દીકરી અને પુત્ર બાલકનીમાં. દરેક પિતા વિષે કશુંક કહે છે. મા કહે છે, ‘ હું તમારા સૌ જેટલું તો ન સમજું પણ એ એક વાત હંમેશા કહેતા કે જીવનની સૌથી મોટી કરૂણતા હોય તો એ છે કે આપણે માત્ર એક જ જિંદગી જીવવાની છે ! ‘
ઘણીવાર આપણે હકીકતથી સુપરિચિત હોઈએ છીએ. માત્ર એની સાથે આંખ મિલાવતાં ભય પામીએ છીએ. ‘ એક દિન અચાનક ‘ આપણને હકીકતનો સાક્ષાત્કાર કરાવે છે. એ એક સંકીર્ણ ફિલ્મ છે. એ માનવીય સ્વભાવ અને એના અનુભવોને સમજવાનો એક પ્રયત્ન છે. ફિલ્મનો અંત કદાચ સામાન્ય ફિલ્મ રસિકને અસંતોષકારક લાગે કારણ કે છેલ્લે ‘ ફિલ્મનું રહસ્ય ‘ તો ખૂલતું જ નથી ! ફિલ્મનો ઉદ્દેશ્ય એ છે જ નહીં. હકીકતમાં નાયકની પ્રકૃતિનું અલગ અલગ લોકો દ્વારા અર્થઘટન અને એ દરમિયાન એમના પોતાના પારસ્પરિક સંબંધોને નવેસરથી મૂલવવાની તક, એ જ આ ફિલ્મનો પ્રાણ છે.
ફિલ્મ બંગાળના વિખ્યાત લેખક રમાપદ ચૌધરીની ટૂંકી વાર્તા ‘ બીજ ‘ પર આધારિત છે. મૃણાલ સેને એમની જ ટૂંકી વાર્તા ‘ ખારિજ ‘ ઉપરથી પણ એ જ નામની ફિલ્મ બનાવી હતી.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
