પુસ્તક પરિચય

શિલ્પ સ્થાપત્યસંપદા ભાગ-૧ અને ૨

પરેશ પ્રજાપતિ

ગુજરાતનાં યુવાનોમાં ચારિત્ર્યઘડતર અને સંસ્કાર ઉપરાંત આપણા પ્રાચીન વારસા, સાહિત્ય તથા કલા વિષયક જ્ઞાન પીરસવાના ઇરાદા સાથે ૧૯૨૪માં કલાગુરુ રવિશંકર રાવળે ❛કુમાર❜ સામયિકની આરંભ કર્યો હતો. હાલ તેનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષોમાં વિવિધ કલાઓ, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, વૈજ્ઞાનિક અજાયબીઓ, હુન્નર ઉદ્યોગોના નુસખાઓ, રમતગમત, સંગીત, આરોગ્ય, હાસ્ય-વિનોદ એમ અનેક વિષયોને આવરી જ્ઞાન પીરસવાની પરંપરા ‘કુમારે’ ચાલુ રાખી છે. ‘કુમારે તેનો દર સોમો અંક વિશેષાંક તરીકે પ્રકાશિત કરવાની આગવી પરંપરા પણ જાળવી છે. આ બહુવિધ વિષયો પર સમયાંતરે પ્રકાશિત થતી રહેલી સામગ્રીમાંથી શિલ્પ અને સ્થાપત્યને લગતા આ સો વર્ષોમાં લખાયેલા લેખોને અલગ તારવીને ❛કલાતીર્થ❜ ટ્રસ્ટે તેને પુસ્તક તરીકે એક સાથે પીરસવાનું શ્રેયકર કાર્ય કર્યું છે. પુસ્તકનો હેતુ છે ગુજરાતના અંતરિયાળ અને સાવ છેવાડાના ગામડા સુધી આ જ્ઞાનનો વિસ્તાર.

બે દળદાર ગ્રંથોના પહેલા ભાગમાં ❛હિંદનાં શિલ્પ સ્થાપત્ય❜ વિષય પર વિશદ છણાવટ કરતા હરિપ્રસાદ વ્રજરાય દેસાઇનાં કુલ દસ લેખો છે. છેક સમ્રાટ અશોકના વખતના સાંચી સ્તુપથી શરૂઆત કરીને કોણાર્ક, ભુવનેશ્વર, બેલુર, એમ વિવિધ સ્થાનો આવરતા રહીને લેખકે ગુજરાતનાં મોઢેરાનાં સૂર્યમંદિર અને અડાલજની વાવ જેવાં સ્થળો આવરી લીધા છે. તેમાં જે તે સ્થાપત્યોના ટૂંકા વર્ણનો ઉપરાંત જોડાયેલો ઇતિહાસ અને પડઘાતી ધાર્મિક કે સામાજિક કથાઓ અને લોકમાન્યતાઓ આવરી લેખોને સંપૂર્ણ આયામ આપતા લેખો છે.

કલકત્તા મહાવિદ્યાલયના વાગીશ્વરી કલાપદના આચાર્ય, ❛રૂપમ❜ના તંત્રી અને વિખ્યાત કલાવિવેચક અર્ધેન્દ્રકુમાર ગાંગુલીની કલમે લખાયેલા શિલ્પવિજ્ઞાનને લગતા લેખોનો અપર્ણાબહેન ત્રિવેદીએ કરેલા અનુવાદો પુસ્તકમાં સમાવિષ્ટ છે. તેમાં શિલ્પનાં અંગો અને અંગમરોડ તેમજ સ્થાપત્યો વિશે રોચક અભ્યાસ રજૂ થયો છે. તે સિવાય અમૃતલાલ પંડ્યાના બે લેખોમાં પણ મૂર્તિઓનો, તેનાં અંગો અને અદાઓનો પરિચય આપવામાં આવ્યો છે. આ સાથે મથુરાની શિલ્પકળા વિષય પર અન્ય લેખકના લેખ છે.

❛ગુજરાતની ગુપ્તકાળની શિલ્પસમૃદ્ધિ❜ વિષય પર પથ્થરનાં શિલ્પ અને ધાતુ મૂર્તિઓના ગહન અભ્યાસી ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહના સાત લેખો છે. તેમાં વિવિધ શિલ્પોનાં ચિત્રો સાથે તેની ખૂબી અને ખાસિયતોની વિશદ છણાવટ છે.

હિંદી કળાઓમાં ગુજરાતનું પ્રદાન દર્શાવતા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવેલા ડૉ. ગોએટ્ઝના લેખોનો રમણલાલ નાગરજી મહેતાએ કરેલા અનુવાદ છે, આ ઉપરાંત ગુજરાતને કેન્દ્રમાં રાખીને લખાયેલા અન્ય લેખોમાં ગુજરાતનાં મુસ્લિમ સ્થાપત્યો અને મૂર્તિઓ ઉપરાંત સિદ્ધપુરના રુદ્રમહાલય, કલશેરી, પાટણ વગેરે સ્થળોનાં શિલ્પોવિષયક તલસ્પર્શી લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજા ભાગમાં શિલ્પ અને સ્થાપત્ય કળામાં જૈન પ્રભાવ દર્શાવતા કેટલાક અભ્યાસલેખ છે. તેમાં વિવિધ લેખકોએ લખેલાં જૈન ધાતુશિલ્પો, બેલુરનાં તથા ૬ઠી સદીનું નિર્માણ ધરાવતી બાદામીનાં વૈષ્ણવ શિલ્પોના લેખો તથા ભારતીય કલામાં જૈન કલાના પ્રદાન આધારિત રવિશંકર રાવળના લેખનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં મૂર્તિકળાના ઉદભવ અને વિકાસ ધરાવતો એક લેખ છે. અન્ય લેખમાં ખજૂરાહોનાં શિલ્પોને આવરી લેવાયા છે.

પથ્થરનું જાળીકામ અને પથ્થરનાં તોરણદ્વાર એ ઉચ્ચ કક્ષાની હથોટી માંગી લેતી રચનાઓ છે. આ વિષયનાં વિવિધ પાસાં આવરી લેતા લેખો પુસ્તકના બીજા ભાગમાં સમાવવામાં આવ્યા છે. પુસ્તકના લેખોમાં કેટલાંક બહુ જાણીતાં એવા અજંતાના શિલ્પાંકનો કે કૈલાસ મંદિરનાં શોભાંકનો સાથે કપિલેશ્વર શિવાલય (વાવ), આરસનાં શિલ્પો (વડાવલ), ઘૂમલી (બરડા ડુંગરની તળેટીનું સ્થળ) જેવાં ઓછાં જાણીતાં કે અજાણ્યાં સ્થળોએ આવેલાં શિલ્પને લગતાં લખાણો આ પુસ્તકમાં છે.

આ ભાગમાં મંદિરસ્થાપત્યનો પરિચય આપતા વિવિધ લેખો છે. તેમાં મંદિરનાં સ્થાપકીય અંગો જેવાં કે જગતિ (ઓટલો), સ્તંભો, તોરણો, ઘૂમટ, શિખર, ગર્ભગૃહની બાહ્ય ભિત્તિની – મંડોવરોની રચના વગેરે પર શિલ્પશાસ્ત્રના પારંગત એવો હરિપ્રસાદ સોમપુરાના લખાયેલાં લેખો છે. હેમંતભાઇ વાળાનાં ગુફાસ્થાપત્યો, નાગર શૈલીનાં મંદિરો, મંદિરોમાં વાસ્તુશાસ્ત્ર અને દ.ભારતનાં મંદિરો એમ મંદિરોના વિવિધ પ્રકારોને આવરતા લેખો છે. એ ઉપરાંત ભારતનાં ગુફાસ્થાપત્યો ઉપરાંત મંદિરનિર્માણને લગતાં વિવિધ લેખકોનાં સમયાંતરે લખાયેલા લેખો તેમજ ખાસ કરીને ગુજરાત- સૌરાષ્ટ્રનાં મંદિરો, ગુફાઓ અને નાગદમન વિષયો પર આધારિત અલગ લેખો સમાયેલા છે.

‘કુમાર’ એક જમાનાથી પ્રતિષ્ઠિત સામયિક રહ્યું છે. અનેકવિધ વિષયના વિદ્વત્તાપૂર્ણ લેખો માટે તે જાણીતું છે. વિતેલાં સો વર્ષોમાં અનેક વિવિધ વિષયો પર અનેક ઉત્તમ લખાણો આવી ચૂક્યા છે, તેનો લાભ આગલી પેઢીના વાચકોએ મેળવ્યો છે. શિલ્પ અને સ્થાપત્યને લગતા આ સો વર્ષોમાં પ્રકાશિત લેખો આ પુસ્તકો થકી એક સાથે રજૂ કરી કલાતીર્થ ટ્રસ્ટે ખાસ કરીને આજની પેઢીના વાચકો માટે વિષયવાર વાંચન હાથવગું અને સુલભ બનાવ્યું છે. તે બદલ તે અભિનંદનને પાત્ર છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

પુસ્તકનું નામ: શિલ્પ સ્થાપત્ય સંપદા ભાગ- ૧ અને ૨

સંપાદક: નિસર્ગ આહીર

પૃષ્ઠસંખ્યા : ભાગ-1 : 331 ભાગ-2 : 354

કિંમત : ₹ અમૂલ્ય | આવૃત્તિ :2024

પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :  ❛રંગ❜ 18, રાજાનન સોસાયટી વિભાગ-3, ગજેરા સ્કૂલ સામે, કતાર ગામ, સુરત- 395 004.

વિજાણુસંપર્કઃ kalatirth2021@gmail.com ; ramnikgkp@gmail.com

મો.નં: + 91 98256 64161


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com