સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
૧ જુલાઈ ૨૦૨૪ ના દિવસે હાથરસમાં એક સત્સંગ પછી થયેલી ભાગદોડમાં લગભગ ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાં. આ સત્સંગમાં જનારા ‘ભોલે બાબા’ નામે જાણીતા થયેલા સુરજ પાલ નામના એક ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલના અનુયયીઓ હતા. બનાવ પછી આ પ્રકારના બાબાઓ વિરુદ્ધ પ્રસાર માધ્યમોમાં, બુદ્ધિજીવીઓમાં અને ખાસ કરીને પોતાને રેશનાલિસ્ટ માને છે તેવા વર્ગમાં ખૂબ ચર્ચા ચાલી. આ ચર્ચા કરનારાઓમાં એક સમાનતા એ છે કે તેઓ મોટાભાગના ભદ્ર વર્ગના છે. તેઓ માને છે કે આવા બાબાઓના સત્સંગોમાં જનારા લોકો અંધશ્રદ્ધાળુઓ, મૂર્ખ કે ગમાર છે. તેમની વાતમાં તથ્યાંશ તો છે જ. પરંતુ લોકો આવા સત્સંગોમાં કે બાબાઓ પાસે શા માટે જાય છે, તેનો જવાબ શોધવા માટે આ ચર્ચા આગળ વધતી નથી.
હાથરસના બનાવની વાત કરીએ તો અહીં આવનારા લોકો દલિત સમાજના અને ઘણાખરા ગરીબ લોકો છે. ગરીબી, બેરોજગારી અને બીમારી જેવી તેમની ઘણીખરી સમસ્યાઓ એક સમાન છે. આ ઉપરાંત સામાજિક અને વ્યક્તિગત સમસ્યાઓ તો હોય જ. રાજ્ય કે સમાજ પાસે આ સમસ્યાઓનો કોઈ ઉકેલ તેમને દેખાતો નથી. વળી રાબેતા મુજબ આપણને ઉચ્ચ વર્ગના લોકોને તો તેમની સાથે કોઇ લેવાદેવા જ નથી.
માણસની ખાવાપીવા, પહેરવાઓઢવા ઉપરાંત પોતે સામાજિક પ્રાણી હોવાથી હળવામળવા જેવી પણ જરૂરિયાતો હોય છે. આપણે ત્યાં જેને ભીડ કહીએ છીએ તેવા સમૂહમાં ભેગા થવાનો આનંદ લોકોને કેમ આવે છે તેનો જવાબ કોઇ મનોવૈજ્ઞાનિક કે સમાજશાસ્ત્રીએ શોધવો રહ્યો. અમદાવાદના સી જી રોડ પર દર વર્ષે ૩૧ ડિસેમ્બરે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોઁ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડે છે કે આ રોડ પર વાહનવ્યવહાર બંધ કરાવીને પોલીસ વ્યવસ્થા ગોઠવવી પડે છે. ક્રિકેટમાં મોટી જીત મેળવીને મુંબઈમાં આવેલા રમરવીરોની પરેડ જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી. અહીં જે આનંદ છે તે માત્ર ભીડનો જ છે.
રાજનેતા કે ધર્મનેતા કેટલી મોટી ભીડ ઉભી કરી શકે છે તેને આધારે તેના પદ અને પ્રતિષ્ઠા નક્કી થતાં હોય છે. કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને ધાર્મિક સંપ્રદાયો જેમાં વધુ ને વધુ લોકો ભેગા થાય તેવા ઉત્સવો ઉજવે છે. આ ઉત્સવોમાં લોકોને એવું લાગે છે કે તેઓ એક પ્રકારે મનોરંજન મેળવી રહ્યા છે. ગુજરાતના એક મોટા સંપ્રદાયમાં તો આજ્ઞા કરવામાં આવી છે કે વારેવારે સમૈયા(ઉત્સવો) કરવા. જે સંપ્રદાય સાધનસંપન્ન હોય તેની પાસે વ્યવસ્થાશક્તિ પણ આવી જાય છે, જેથી અકસ્માતો થવાની શક્યતા ઘટી જાય છે.
ઉજળિયાત અને આર્થિક રીતે સંપન્ન એવા લોકોના સંપ્રદાયોનાં ઉત્સવમાં દલિતોને નહિવત સ્થાન છે. સહજાનંદ સ્વામીએ સુથાર, દરજી, મોચી જેવા કારીગર વર્ગને પોતાના સંપ્રદાયમાં સ્થાન આપ્યું અને કદાચ તે સમયે તે એક ક્રાંતિ પણ ગણી શકાય. ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’ એ ભજનને ગાંધીજીએ આશ્રમ ભજનાવલિમાં સ્થાન આપ્યું છે. એ ભજનના રચયિતા નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં સુથાર હતા. આમછતાં આઝાદી પછી પણ અમદાવાદના કાળુપુર સ્વામીનારાયણ મંદિરમાં વહીવટદારો દલિતોને પ્રવેશ આપવા ઇચ્છતા ન હતા. આથી દલિતોનો મંદિરપ્રવેશ અદાલતના હસ્તક્ષેપથી જ શક્ય બન્યો હતો. આજે પણ ગામડાઓમાં કેટલા દલિતો મંદિરમાં જઈ શકે છે તે આપણે સૌ જાણીએ છીએ.
ધર્મ કે આધ્યાત્મિકતાની ભૂખ જેને કહેવાય છે તે ઘણેઅંશે તો ઘેલછામાં જ પરિણમે છે. દલિત વર્ગ પણ તેમાંથી મુક્ત રહી શકે નહિ. આત્માનાં કલ્યાણ અર્થે પ્રગટ થયેલા ગુરુઓ પાસે જતા લોકોને આત્મકલ્યાણની વાત ભૂલાઈ જાય છે અને લૌકિક લાભો માટેની આશા ઊભી થાય છે. મોક્ષ માટે નહિ પરંતુ પોતાના ભૌતિક સુખ માટે સંપ્રદાયના વડા પાસે ધબ્બાનો લાભ મેળવીને ધન્ય થનારા અનુયાયીઓનો તોટો નથી. ભોલે બાબા પોતાને ભગવાન તરીકે ઓળખાવે તે અયોગ્ય જ છે પરંતુ વિદેશમાં જઈને ત્યાની પ્રગતિનું શ્રેય જે તે પ્રજાને આપવાને બદલે ત્યાંની વ્યવસ્થાનું સંચાલન પોતે જ કરે છે એવું ગુજરાતના મોટા સંપ્રદાયના વડાએ કરેલા નિવેદનની નોંધ લેવાતી નથી. વળી આ સંપ્રદાયના વડાને તેના ભણેલાગણેલા (ડોક્ટરો કે એન્જીનિયરો સુધ્ધાં [!]) અનુયાયીઓ પણ પ્રગટ બ્રહમસ્વરૂપ – એક અર્થમાં ઇશ્વર-માને છે.
કેદારનાથજીએ તેમના’ વિવેક અને સાધના’ નામના પુસ્તકમાં લખ્યું છે, “હાલ એકલા મહારાષ્ટ્રમાં જ 40 જેટલા (બની બેઠેલા) ભગવાનો વિચરણ કરે છે” કેદારનાથજીએ કહ્યાની પોણી સદી પછી દંતાળીવાળા સ્વામી સચ્ચિદાનંદ આવી જ વાત કરતા કહે છે કે ગુજરાતમાં હાલ અનેક ભગવાનો છે અને તેમનાં કેટલાક મારા મિત્રો પણ છે!
તાત્પર્ય એ છે કે પ્રજાના મોટા સમૂહને અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે તથા જીવનમાં તેમને ખાલીપો લાગે છે. આનો કોઈ ઉકેલ ક્યાંય દેખાતો નથી. આથી તેઓ બાબાઓ, જ્યોતિષિઓ કે ભુવાઓ પાસે જાય છે. અહીં પણ કોઇ લાભ થતો નથી પરંતુ એક પ્રકારે કામચલાઉ સાંત્વનનો અનુભવ તેમને થાય છે. નવલકથા તેમજ વિવેચનમાં નવો વળાંક લાવનારા એક મોટા ગજાના ગુજરાતી સાહિત્યકારને અભણ ભુવાના પ્રભાવમાં આવેલા જાણ્યા છે.
ભોલે બાબાને ત્યાં એક્ઠી થયેલી ભીડની માનસિકતા અને ક્રિકેટની ટીમની પરેડ નિહાળવા ભેગી થયેલી લાખોની ભીડની માનસિકતામાં મને કોઇ ફરક દેખાતો નથી.
ટૂંકમાં લોકોને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં એક્ઠા થવાથી પોતાની આધ્યાત્મિક જરૂરિયાતો સંતોષાશે એવો ભ્રમ થાય છે સાથે સાથે ભીડનો આનંદ પણ મળે છે. પરંતુ આ આધ્યાત્મિક્તા કે ભીડનો આનંદ અલ્પજીવી જ હોય છે. તેમની ખરી જરૂરિયાત તો સાંસ્કૃતિક છે. પરંતુ તેની પૂર્તિ કઈ રીતે થાય તેની જાણ ન હોવાથી જેમ વાંદરાઓ ચણોઠીથી તાપીને પોતે ઠંડી ઉડાડી રહ્યા છે તેમ માને છે તે જ રીતે લોકોને એમ લાગે છે કે પોતે કાંઈક મેળવી રહ્યા છે.
જેમ જેમ મૂડીવાદ આગળ વધતો જાય છે તેમ તેમ લોકોની ભૌતિક લાભ મેળવવાની અપેક્ષા વધતી જાય છે અને નોકરીધંધાની અસલામતી વધતી જાય છે. આ સમસ્યાનો ઉપાય રાજ્ય કે સમાજ પાસે નથી. આથી ડૂબતો તરણું ઝાલે તેમ લોકો ભૂવા, જ્યોતિષિઓ કે તાંત્રિકો પાસે જાય છે. આજે પરિસ્થિતિ શું છે તેના જાણ નથી, પરંતુ થોડા વર્ષો પહેલા નિર્મલબાબાને નામે જાણીતા બાબા પાસે લોકો જતા. આ બાબા સમસ્યાનો હાસ્યાસ્પદ ઉપાય બતાવતા છતાં ત્યાં આવેલા લોકો તેને ગંભીરતાથી લેતાં.
માણસની સાંકૃતિક જરૂરિયાત એટલે ચિત્ર, સંગીત, શિલ્પ, અભિનય, સાહિત્ય વગેરે અનેક કલાઓની અભિવ્યક્તિની તક. કચ્છી માલધારી બહેનોનાં ભરતકામે વ્યાપારી સ્વરૂપ તો પછીથી લીધું પરંતુ વર્ષો પહેલા તેઓ નિજાનંદ માટે જ ભરતકામ કરતાં. કચ્છ સિવાય અન્યત્ર પણ મહિલાઓ ભરતગૂંથણ કામ કરતાં. લગ્નગીતો માટે આજે ભાડે ક્લાકારોને બોલાવવમાં આવે છે પરંતુ હજુ થોડા જ વર્ષો પહેલા લગ્નગીતો મહિલાઓ જાતે જ ગાતી. ગામોગામ ભજનમંડળીના સભ્યો સંગીતનો આનંદ માણતા હોય છે. અગાઉ દલિત જાતિઓમાં તો ઘેરઘેર ભજનિકો હતા.
સંતોષીમા કે દશામાના વ્રત કરતી બહેનોનો આનંદ પણ ભેગા મળીને આરતી કે કીર્તન ગાવાનો હોય છે. કદાચ અગાઉના જમાના જેવો ત્રાસ મહિલાઓને ભોગવવો નહિ પડતો હોય, પરંતુ ગૃહિણીઓએ તો ઘરની બહાર નીકળવા માટે મંદિર, સત્સંગ કે વ્રતોનો જ આશરો લેવો પડે છે.
દલિતો અને અન્ય પછાત વર્ગ પ્રત્યેની માનસિકતા આજે પણ ખાસ બદલાઇ નથી, આથી દેશમાં દલિતો અને પછાત વર્ગોએ પોતાના અલગ ભગવાન કે માતાજી ઉભા કરવા પડ્યા. રામાપીર કે મેલડી માતા તેના ઉદાહરણો છે. અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામે સવૈયાનાથનાં મંદિરમાં જનારામાં લગભગ દલિતો જ હોય છે અને ત્યાંના ગાદીપતિ પણ દલિત હોય છે. આનું કારણ એ છે કે ઉચ્ચ વર્ગના લોકોના સત્સંગોમાં તેઓ આવકાર્ય નથી. આથી તેમણે પોતાની આગવી વ્યવસ્થા ઊભી કરવી પડે છે. જેમ દલિતો માટે અલગ રહેઠણો, પાણી માટે કૂવાઓ, અંતિમ સંસ્કાર માટે સ્મશાનો છે તે જ રીતે(કહેવાતું ભલે હોય કે આપણે સૌ એક પિતાનાં સંતાનો છીએ) તેમના માટે અલગ પૂજાસ્થાનો ઉભા થતા હોય છે. બાબા કે ધર્મોપદેશક પણ દલિત કે અન્ય પછાત હોય છે. ભોલે બાબા પોતે પણ દલિત જ છે.
ટૂંકમાં, સમાજ સવર્ણ હોય કે પછાત, દરેકને કેટલીક સામાન્ય કે વ્યક્તિગત સમસ્યા, જરૂરિયાતો અને અપેક્ષાઓ હોય છે. કેટલીક વખત આ સમસ્યાઓ માની લીધેલી ને જરૂરિયાતો તથા અપેક્ષાઓ ખોટી પણ હોય છે. તેનો ઉકેલ રાજ્ય,માનસશાસ્ત્રીઓ કે સમાજશાસ્ત્રીઓ સહિતના સમગ્ર સામાજ પાસેથી જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી પ્રજાના મોટા વર્ગનો મુકામ મંદિરો, સત્સંગ મંડળો, બાબાઓ, ભુવાઓ, ત્રાંતિકો કે જ્યોતિષિઓ જેવા વર્ગ પાસે જ રહેશે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
