તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

વંચિતોના વાણોતર, કહો કે દીનબંધુ મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશી પરિવર્તનના વડા સલાહકારની હેસિયતથી ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લઇ આક્રાન્ત હિંદુ બહુમતીને હૂંફવાની કોશિશ કીધી તે પછી તરતના કલાકોમાં આ લખી રહ્યો છું.

કેટલી ઝડપથી બની ગયા આ બનાવો! ઓગસ્ટ બેસતે છાત્ર યુવા આંદોલને કથિત અનામતનાબૂદી આંદોલનને વટી જતા વ્યાપક લોકશાહી આંદોલનનું સ્વરૂપ લીધું અને સન ૧૯૭૧ની બાંગ્લા સ્વરાજેલડતનું કેમ જાણે પુન:આવાહન થયું! ભ્રષ્ટાચાર અને સોબતી મૂડીવાદ તેમજ નાગરિક અધિકારો પરની ભીંસથી ગ્રસ્ત લોકશાહી વાસ્તે જાણીતાં શેખ હસીના વાજેદે રાજીનામું આપવાની નોબત આવી. પાંચમી ઓગસ્ટે આ બન્યું તે સાથે યુવા આંદોલન અને એના નેતૃત્વને લગારે ઇષ્ટ નહીં એવો એક લઘુમતી વિરોધી ઉદ્રેક ને ઉત્પાત અનુભવાયો. બાંગ્લાદેશમાં મુખ્ય દૈનિક તરીકે સ્થિત પ્રતિષ્ઠ ‘ડેઇલી સ્ટાર’ના દસમી ઓગસ્ટના અંકને મથાળે ચીખીને હેવાલ પથરાયો કે હસીના વાજેદનાં ગયાં પછીની અનવસ્થામાં હિંદુ વસ્તી-મિલકત-મંદિર પર ૨૦૫ હુમલા નોંધાયા છે. (હિંદુ સંગઠનનો આંકડો પણ આ જ છે.) પણ બે જ દિવસમાં (બારમી ઓગસ્ટ લગીમાં) સ્થિતિ એ થઇ કે ‘ડેઇલી સ્ટાર’ કને આ બાબતે છાપવા જેવા કોઇ સમાચાર નહોતા. ઢાકાથી શુભજીત રોયનો હેવાલ બોલે છે કે પાંચમી ઓગસ્ટે અમે જ યુવજનોને વિરોધ કૂચનું નેતૃત્વ કરતા જોયા હતા તે પૈકી કેટલાકને આજે (દસમી ઓગસ્ટે) હું રાજમાર્ગો પર ટ્રાફિક નિયમનની સ્વૈચ્છિક કામગીરીમાં મચી પડેલા જોઉં છું.

જે બધી તસવીરો વાઇરલ થઇ ને વિશ્વભરમાં ચક્રવૃદ્ધિ ગતિએ ઊંચકાઇ તે પૈકી કેટલીક ભળતાસળતા સ્ત્રોતોમાંથી ખેંચાયેલી, જુદાં જ સ્થળકાળની હોવાનુંયે ફેક્ટ ચેક થકી માલૂમ પડ્યું છે. જેમ હુમલા એક દુર્દૈવ વાસ્તવ હશે તેમ વાઇરલ વિષવંટોળ પણ એક વાસ્તવ છે. બળાત્કારની વૈશ્વિક ચકરડીભમરડી રમી ગયેલી એક તસવીર પૂર્વે મણિપુર ને ઇન્ડોનેશિયામાંય વપરાયેલી છે અને એનું પગેરું ૨૦૨૧માં પૂર્વ બેંગ્લુરુના રામમૂર્તિ નગર વિસ્તારમાં થયેલી એક બળાત્કારની ઘટના સંબંધે ત્રણ મહિલા સહિતના કુલ બાર બાંગ્લાદેશી તેમાં પકડાયેલાં છે! ફેક્ટ ચેક દરમિયાન બહાર આવેલી ભળતીસળતી તસવીરોની આખી દાસ્તાંમાં નહીં જતાં અહીં જે કહેવું પ્રાપ્ત થાય છે તે એ છે કે હિંદુ-ખ્રિસ્તી લઘુમતીઓ પર હુમલાનો એક દોર જેમ દુર્દૈવ વાસ્તવ છે તેમ એક મોટા લોકઉઠાવને કોઇ કોમી કાંડમાં ખતવી નાખવા ખેંચાઇ જઇએ તો એ મહાદુર્દૈવ લેખાશે.

હમણાં વિભાજનને વિભીષિકા તરીકે જોવું કે કારુણિકા તરીકે, એની ચર્ચા કરતી વેળાએ સ્વાભાવિક જ ૧૯૪૭ની જેમ ૧૯૭૧ ને પણ સંભારવાનું થયું હતું. સન એકોતેરે બંગબંધુ મુજિબના નેતૃત્વ તળે ત્યાંની મુક્તિવાહિની અને હિંદની લશ્કરી કુમક (ડિસે. ૩થી ડિસે. ૧૬, ૧૯૭૧) થકી આઝાદ બાંગ્લાદેશને ઉદયને જોયો. બાંગ્લાદેશ એ પ્રયોગ, એમ તો વીસમી સદીનાં આરંભ વર્ષોમાં જ રવીન્દ્રનાથની રચના, ‘આજી બાંગ્લાદેશેર હ્યિદોય’ કે કાઝી નઝરુલ ઇસ્લામની ‘નમો નમો બાંગ્લાદેશ મોમો’ સરખી રચનાઓથી સહજ સ્વીકૃતિ પામવા લાગ્યો હતો. બંગભંગની બ્રિટિશ પેરવી સામેના લોકઆંદોલને બંગાળી અસ્મિતાની એક મનોવૈજ્ઞાનિક સરસાઇ હિંદુ વિ. મુસ્લિમ સામસામી પર સ્થાપી હતી. આખો ઇતિહાસ તો ક્યાં ઉલેચું પણ અંગ્રેજ પૂર્વ સૈકાઓમાં શમ્સુદ્દીનની સલ્તનતના વારામાં બાંગ્લાશાહ એ પ્રયોગ પણ થયેલો છે. આ વાંચતી વેળાએ મને એ પણ સહજ સાંભરતું હતું કે ‘ગુજરાતી’ ઓળખ પ્રયોગને વિશેષ માન્યતા અહમદશાહને આભારી છે. દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર ઓળખ આગળ કરવા માટે એ આગ્રહપૂર્વક ‘ગુજરાતી’ એવો પ્રયોગ કરતા.

પાછો, તવારીખમાં નજીક આવું તો, ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાન-હિંદુસ્તાન ચાલ્યું ત્યારે એક તબક્કે શરતચંદ્ર બોઝ (સુભાષચંદ્ર બોઝના ભાઇ) અને હસન સુહરાવર્દી (ભાગલા પૂર્વ બંગાળના મુખ્યપ્રધાન) વગેરેએ સ્વતંત્ર બંગાળની હિમાયત કરી હતી, જાણે બંગભંગ ચળવળનું પુન:આવાહન! ખેર. પાકિસ્તાનના ઉદય સાથે ઝીણા નેતૃત્વે ને પંજાબી લોબીઓ પૂર્વ પાકિસ્તાન પર ઉર્દૂ લાદવાની કોશિશ કરી ત્યારે છાત્રયુવા બલિદાન સાથે એક નવસંચાર શરૂ થયો. ૨૧મી ફેબ્રુઆરી જે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ મનાવાય છે એના સગડ તમને તે તારીખે થયેલા છાત્ર બલિદાનમાં મળશે. આ દિવસે જેમ દેશભાષા સંભારાય છે તેમ, યુનેસ્કોએ એની સાથે મૂળભૂતપણે જોડેલો ખયાલ ભાષિક ને સાંસ્કૃતિક વિવિધતાઓના સંવર્ધનનો પણ છે. દુર્નિવાર એવા વૈશ્વિકીકરણ વચ્ચે માતૃભાષાઓને જાળવી લેવી એ પણ પોતપોતાનાં સાંસ્કૃતિક અસ્તિત્વ સારુ જરૂરી છે, જેમ વિવિધતાઓનું પારસ્પર્ય પણ!

‘મુસ્લિમ લીગ’ અને ‘અવામી લીગ’ એ મુખ્ય પક્ષો વચ્ચે ૧૯૭૦ની ચૂંટણીમાં નિર્ણાયક બહુમતી શેખ મુજિબૂર રહેમાનના નેતૃત્વ હેઠળની ‘અવામી લીગ’ને મળી. પણ લશ્કરી વડા યાહ્યા ખાન અને ભુટ્ટો ‘અવામી લીગ’ને સરકાર સોંપવા રાજી નહોતા. પરિણામે પ્રતિકાર અને દમનનો જે દોર શરૂ થયો એમાંથી મુજિબના નેતૃત્વ હેઠળના પૂર્વ પાકિસ્તાનને છૂટા પડવું અનિવાર્ય લાગ્યું. ઉપરાંત રાજકીય સત્તાથી વંચિતતા સાથે એક વાસ્તવિકતા પણ એ હતી કે પૂર્વ પાકિસ્તાન થકી પ્રાપ્ત રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો સિંધ-પંજાબ ખાઇ જતા હતા. એટલે પાકિસ્તાન બન્યું પણ એમાં પૂર્વ બંગાળની હાલત એક શોષિત સંસ્થાન શી હતી. આ સંસ્થાનની સ્વરાજકથા ને રાષ્ટ્રવાર્તા વચમાં લોકશાહીને બદલે નાગરિક સ્વાતંત્ર્યના દમનરાજમાં ખોવાઇ ને ખોરવાઇ ગઇ હતી.

કથિત વિકાસવેગ અને સ્વરાજનું ને લોકતંત્રનું વિકસન-વિલસન બેઉ સાથેલગાં ચાલે એ યુગ પડકાર છે : એક જ ઉપખંડના, ખરું જોતા વ્યાપક અર્થમાં એક જ તહજીબના હોઇ શકતાં આપણે સ્વદેશહિતપૂર્વક આ યુગ-પડકારના ભાગિયા બનીશું કે અભાગિયા, કહો જોઉં.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.