ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાની નવલકથાની જે વાતે મારાં મનની અંદર અદકેરાં સ્પંદન જગાડી, મને અનેરા આનંદથી પ્રકૃતિ સાથે પ્રેમ કરતાં શીખવ્યું છે, તેની વાત આજે મારે તમારી સાથે વહેંચવી છે. સામાન્ય રીતે આપણે કોઈ નવલકથા વાંચીએ તો તેમાં સ્ત્રી-પુરુષ, પ્રાણીપ્રેમ કે પરમ સાથે પ્રેમની નવલકથા હોય.
પણ જે પરમે આ સૃષ્ટિની રચના કરી છે તેનાં એકે એક સર્જન પવન, આકાશ, દરિયો, વાદળ, અગ્નિ, વૃક્ષ, પર્વત, તેમજ સર્જનહારે સર્જન કરેલાં દરેક પ્રાણીઓ અને માનવ-માનવ વચ્ચેનાં અજાણ પ્રેમની ઓળખ ખૂબ સહજતાથી, દિલને સ્પર્શી જાય તેમ ધ્રુવદાદાએ આપણને કરાવી છે. ક્યાંક તે પ્રેમ પોતે અનુભવ્યો છે, તો ક્યાંક દરિયા કિનારે કે ગીરનાં અડાબીડ જંગલોમાં ફરતાં, ત્યાંનાં સાવ નિર્દોષ માણસો પાસેથી સહજતા સાથે તેમને સાંપડ્યો છે. તેનો ઉઘાડ આપણને નવલકથાઓમાં અને તેમનાં ગીતો થકી આપણને કરાવ્યો છે. તેમની ખૂબ ખ્યાતિ પામનાર નવલકથા અકૂપારની અહોભાવ થઈ જાય તેવી અભિવ્યક્તિ તો જુઓ,
હીરણ, મેઘલ જાનડિયું ને ગયરમાં ઝાકમઝોળ “
“મુસ્તફા કહે છે તે અધોડિયાની રમ્ય ,પારદર્શક હીરણ, લીલા રંગની અગણિત છટા દર્શાવતી ઝાડીઓથી ઢંકાએલી, તેને કાંઠે, પાસેના નાનકડા ડુંગરોએ મળીને સર્જેલી અબોલ રમ્ય શાંતિ ,ઉપર ભૂરા આકાશનો ચંદરવો કલ્પીને ભવ્ય લગ્નમંડપની રચના વિચારી શકનાર , કેવી કેવી સૃષ્ટિની કલ્પના કરવા સમર્થ હશે!”
ઘંટલા-ઘંટલી ડુંગરાંનાં લગ્ન એમાં રમતિયાળ રુપાળી નદીઓ જાનડીઓ, પડોશી ડુંગરો વાંહોઢોર અણવર અને લીલી ઝાડીઓથી થયેલ મંડપની સજાવટ અને આકાશનો ચંદરવો મને તો જાણે હું પણ ત્યાં પ્રકૃતિના લગ્નમંડપમાં બેસી લગ્નમાં મ્હાલતી હોઉં તેવું મહેસુસ થયું. પ્રકૃતિને પ્રેમ કરવાની આ અદકેરી રીત જોઈ આપણે પણ તેને પ્રેમ કરતાં શીખી જઈએ છીએ ખરું ને?
દાદા આટલેથી અટકતા નથી.
આવા લગ્નમાં મહાલતાં મહાલતાં જાપાન અને ભારતીય સંસ્કૃતિની સામ્યતા દર્શાવવાનો પ્રયત્ન પણ કરે છે..
જાપાનનાં બે ડુંગરોના હાર પહેરેલા ,લગ્નની ચોરીમાં બેઠાં હોય તેવા ફોટા અકૂપારનાં પાના નંબર-૩૪ પર મૂકીને પ્રકૃતિપ્રેમીઓ જગતમાં ક્યાંય પણ હોય એકસરખાં જ હોય તે દર્શાવ્યું છે. ભલે તે જાપાનમાં હોય કે ગીરમાં પણ “વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના અને માણસ તો બધે એક સરખો માણસ જ છે, તેની કલ્પનાઓ પણ બધે જ એક સરખી, તે દર્શન કરાવ્યું છે.
મુસ્તફા જ્યારે આંબલા ડુંગરને ‘રૂપાળો’ અને હીરણ નદીને ‘રૂપાળી’ કહે છે,આઈમા ,ગીરને ‘ખમા’ કહે છે અને સાંસાંઈ સિંહણને ‘જણી’ કહે છે ત્યારે ગીરમાં રહેનાર તળનાં લોકો પાસેથી પ્રેરણા લઈને જ શું આપણાં વેદોની રચના દેવોએ કરી હશે, તેવો પ્રશ્ન અચૂક ઊઠે જ ! અને એટલે જ ધ્રુવદાદા કહે છે,” બધું ઉપરથી નીચે નથી આવ્યું, પણ નીચેથી (તળથી) ઉપર ગયું છે. અને મને યાદ આવે છે ગીતાના ૧૫મા અધ્યાયનો પહેલો શ્લોક,
છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥
આજના રોબોટનાં જમાનામાં અને ટેકનોલોજી જ્યારે દરેક રીતે માનવજીવનને અતિક્રમી ગઈ છે ત્યારે પણ પ્રકૃતિને ખૂબ સહજતાથી પ્રેમ કરતાં તળનાં લોકોની સહજતાથી વ્યક્ત થતી લાગણીઓ અને સંવેદનાઓ સાંભળીને ઘડીભર આખા શરીરમાં એક અનોખી લાગણીનું લખલખું અનુભવાય છે.
ધ્રુવદાદાનાં એક પુસ્તકમાં જોયેલો એક ફોટો યાદ આવે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
એ ફોટામાં એક અનાથ હરણનાં બચ્ચાંને પોતાનાં બાળકની સાથે જ સ્તનપાન કરાવતી એક બિશ્નોઈ સ્ત્રીને જોઈને એક જ વિચાર આવ્યો હતો કે, આ સ્ત્રી ભણેલી ગણેલી હશે કે ખબર નહીં પણ એને કોઈ ગીતા, વેદ કે ઉપનિષદોને ભણવા કે જાણવાની જરુર નથી. કોઈ વ્યક્તિ આટલું પ્રેમ અને કરુણાસભર હોય, એનામાં જ ઈશ્વરનો વાસ મને દેખાય છે અને યાદ આવે છે આ સ્ત્રીનાં ફોટાને જોઈ વિદ્વાન ભરતઋષિ જે એક મહાન જ્ઞાની ઋષિ હોવા છતાં એક ગર્ભવતી હરણી પોતાનો જાન બચાવવા પાણીનુંઝરણું કૂદવા જતાં તેને ત્યાં જ બચ્ચું અવતરે છે અને તે પોતાનો જાન ગુમાવે છે અને ભરતમુનિ એ અનાથ હરણનાં બચ્ચાંને પોતાને આશ્રમ લઈ જાય છે.અને પછી ઋષિ તેની માયામાં અને પ્રેમમાં પડી જાય છે.આ વાત સૌ જાણે છે. તેનો અર્થ એ પણ ખરો ને કે, એક મહાન જ્ઞાની ઋષિ અને એક ગામડાની સામાન્ય સ્ત્રીનાં વિચારો અને વર્તન સાવ સરખા !
એકવાર એક ગામડાંનો સીધો સાદો માણસ દિવાળીનું બોનસ લઈને ઘેર પાછો ફરી રહ્યો હતો. બસમાંથી ગામને પાદર ઉતર્યો. ગામને પાદર પોતાની નિશાળની બહાર એક આંબલીનું જૂનું ઝાડ હતું. તેને એક કઠિયારો કાપી રહ્યો હતો. પેલા માણસે બસમાંથી ઉતરીને પોતાની નિશાળની બહારનાં પોતાનાં ખૂબ વહાલા ઝાડને કોઈ કાપતું હતું તે જોયું ને તેનો જીવ કપાઈ ગયો. તેને થયું કે જે ઝાડ પર ચડીને,હું આંબલી -પીપળી બચપણમાં રમ્યો છું. જેની છાયામાં બેસીને મિત્રો સાથે ગિલ્લી-દંડા અને લખોટીઓ રમ્યો છું, તેને આ કાપી નાંખે છે??? ઝાડ કપાઈ જવાની વાતથી તેનો જીવ કપાઈ ગયો. તેને થયું ઝાડ કપાવવાની સાથે જાણે તેનું બાળપણ ભુંસાઈ જશે. એ કેવી રીતે ચાલે ?
તે પેલા ઝાડ કાપવાવાળા પાસે જાય છે અને પોતાની વરસની દિવાળી બોનસની કમાણીનાં આઠસો રૂપિયા તેને આપી દે છે અને પોતાનાં વહાલાં ઝાડને કપાતું રોકી લે છે. એક ગરીબ માણસને મન તેનાં આખા વરસની મહેનતની કમાણી તેના વહાલા ઝાડથી વધારે નથી. તળનાં માનવીઓની આ સંવેદના જોઈને ધ્રુવદાદાનાં શબ્દો સરી પડે છે,
‘આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં
એકાદી ડાળ કોઈ એમનેમ કાપે તો દાદાજી સાનભાન ખોતા,
ગામની નિશાળ એમાં ભણવામાં ઝાડવું ને ગણવાનાં આવતાં’તાં દેરાં
આગળના પાઠ પછી સોટી સંભળાતી ને માસ્તરનાં કાન થતાં બેરાં
આપણે એ જાણીને કરવાનું શું કે એક ઝાડવું ઊભુ’તું તે સૂતું
શું એવી વાર્તાઓ સાંભળવા બેસવું કે ઝાડવાનાં નામ હોય હું-તું
આપણી નિશાળ હવે નદીઓથી દૂર અને ભણવામાં કેટલાંય થોથાં..’
હવે ભણવામાં થોથાં તો ખૂબ વધી ગયાં છે ,પણ નદીઓ અને વૃક્ષો સાથેની સમગ્ર સૃષ્ટિ સાથે જોડેલી આપણી સંસ્કૃતિની ધરોહર સમ સંવેદનાનાં સબડકા ક્યાં છે? આ ખૂબ સુંદર વાત દાદા એમની નવલકથાનાં પાત્રો દ્વારા અને તેમનાં ગીતો દ્વારા સમજાવે છે.
ધ્રુવદાદાની આવી જ સંવેદનાસભર વાત સાથે આવતા અંકે મળીશું.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

ઘંટલો અને ઘંટલી ડુંગરનાં લગ્નની વાત…. જાણે સંજીવની રોપાઈ.
LikeLike