સંવાદિતા
જે દેશોને ત્રાસવાદી, ચાંચિયા, બદમાશ કે અસલામત જેવાં નામ અપાયા છે ત્યાં પણ સામાન્યજન જ બહુમતીમાં છે
ભગવાન થાવરાણી
ટલાંયને મન ફરવું, પ્રવાસ, ભ્રમણ એટલે માત્ર જે તે દેશ કે શહેરના ‘ જોવા લાયક સ્થળો ‘ નું સાઈટ સીઇંગ અને ઈતિશ્રી ! કેટલાક એવું ય માને કે કોઈ દેશ જોવો એટલે ત્યાંના અંતરિયાળ સ્થળો અને જાણીતાં શહેરોની અજાણી ગલીઓમાં જીવાતા જીવનને નજીકથી જોવું એ છે. મૂળ જર્મન ભાષાનો શબ્દ ‘ વોંડરલસ્ટ ‘ કદાચ આ ભાવનું પ્રતીક છે.
ઘણા યાત્રિક આત્માઓ એવું માને કે પ્રવાસ એટલે પગપાળા અને એ પણ એકલાં ઘૂમવું. રસિક ઝવેરીની ભાષામાં ‘ અલગારી રખડપટ્ટી ‘. આવું ભ્રમણ દરેક માટે, દરેક ઉંમરે અને દરેક પરિસ્થિતિઓમાં મુશ્કેલ છે પણ ઈંટરનેટની દુનિયાએ આવી તરસ ધરાવનારાઓ માટે એક બારી ખોલી આપી છે. ભલે અસલ યાત્રાની સમકક્ષ નહીં પરંતુ યુટ્યૂબ જેવી ચેનલો[1] પર હવે હજારો ‘ વોકીંગ ટૂર ‘ ઉપલબ્ધ છે. થોડીક મિનિટોથી માંડીને કલાકોના કલાકો ચાલતી આ ટૂરમાં એક અદ્રશ્ય કેમેરાધારક કોઈ જાણ્યા-અજાણ્યા નગરની સડકો પર ચાલતો જાય અને અહેસાસ આપણને થતો રહે કે આપણે ચાલીએ છીએ. કોઈ કોમેંટ્રી નહીં, અવાજો માત્ર પસાર થતા લોકોના અને આજુબાજુની ચહલપહલના. નગરના અંતરિયાળ વિસ્તારોમાં ચાલતાં ત્રિભેટે એકથી વધુ રસ્તા કે ગલીઓ આવે ત્યારે એ અદ્રશ્ય સૂત્રધાર થોડીક ક્ષણો વિચારતો ઊભો રહે ( આપણી જેમ ! ) અને પછી નિર્ણય લઈ કોઈ એક શેરીમાં પ્રવેશે. આજુબાજુનો માહોલ પોતાની નજરે જોતો અને આપણને પણ દેખાડતો જાય. એ દ્રશ્યોમાં ઘણાને જોવા જેવું કશું જ ન લાગે કારણ કે એ સીધું સપાટ જીવન હોય, સાઈટસીઈંગ નહીં !
જાપાનની એન.એચ.આર વર્લ્ડ નામની કંપનીએ એક અદ્ભુત શ્રુંખલાનું સર્જન કર્યું છે જેનું નામ છે ‘ સમવ્હેર સ્ટ્રીટ ‘ એટલે કે અજાણી શેરી. એ વિશ્વના પ્રમાણમાં અજાણ્યા, નાના નાના નગરોનું એક દિવસીય દર્શન કરાવે છે અને એ પણ ચાલતાં – ચાલતાં ! અહીં પણ સૂત્રધાર અદ્રશ્ય રહે છે . એનો સ્ટેડીકેમ કેમેરા આગળ વધતો રહે.

આ ટૂરની એક નક્કી શિસ્ત. મોટા ભાગે અઠવાડિક પ્રસારણ ( જે મૂળ જાપાનીઝ ભાષામાં અને પછીથી અંગ્રેજીમાં ડબ કરી યૂટ્યુબ જેવી ચેનલો પર મૂકવામાં આવે ) . દરેક હપ્તો ૪૯ મિનિટનો. નગર પ્રવાસની શરુઆત ત્યાંની તાસીર પ્રમાણે સવારના આઠ કે નવ વાગ્યે થાય. સૂત્રધાર નગરની સડકો પર ચાલવાનું શરુ કરે. એ ખુલ્લા દિલે સામે મળતાં રાહદારીઓ, ફેરિયા, સાયકલ સવારો અને લારી-ગલ્લાવાળાઓનું અભિવાદન કરતી જાય. રિક્ષા – ટેક્સી, ઘોડાગાડી, ગધેડાગાડી, છાપાંવાળા પણ મળે જેમની સાથે સ્થાનિક ભાષામાં થયેલી વાતચીત આપણને અંગ્રેજીમાં સંભળાય. વિડિયોમાં એ સંવાદો અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ પણ ખરો. થોડી થોડી વારે એ કોઈકને વિનંતી કરીને રોકે અને એની રોજીરોટી, દિનચર્યા અને સામાન્ય જીવનની વાતો કુતુહલપૂર્વક પૂછે. એમાં ક્યારેક શાકભાજી લેવા નીકળેલી કોઈ ગૃહિણી હોય, કોઈક મોર્નીંગ વોકમાં નીકળેલું વૃદ્ધ દંપતિ હોય અને કોઈ છાપાંનો ફેરિયો પણ હોય.
પછીના ક્રમે શહેરનો કોઈક સ્થાનિક ભોમિયો આપણને શહેરના જાણીતા અને જોવાલાયક સ્થળોની ટૂંકી મુલાકાત કરાવે પણ એ માત્ર થોડીક મિનિટોમાં જ.
બપોર ઢળવા આવે અને સૂત્રધાર આપણને ગામના રહેણાંક વિસ્તારોમાં લઈ જાય . અહીં શેરીઓ અને મહોલ્લાઓમાં બાળકો રમતાં હોય, ક્યાંક ફુવારાઓ કે નળ હેઠળ નહાતા હોય, સ્ત્રીઓ ધરના ઓટલે બેસી સીવણ, ગૂંથણ કે શાકભાજી સમારતી હોય. એમાંનુ કોઈક વળી સૂત્રધારના અવાજમાં રહેલો મૈત્રીભાવ ભાળી એને ઘરની અંદર આમંત્રે. ઘરના સભ્યો સાથે મુલાકાત કરાવે, ઘરમાં ચાલતી ગતિવિધિઓથી અવગત કરાવે. રસોડામાં એ સમયે બની રહેલી કોઈ સ્થાનિક વાનગીનો આસ્વાદ પણ કરાવે અને એ બનાવવાની પદ્ધતિથી વાકેફ કરાવે. કોઈક ઘરમાં કોઈક વૃદ્ધ દંપતિ સંતાનોથી અલગ રહેતું હોય તો ક્યાંક ઘરમાં અસંખ્ય રોપા ઉછેરાતા હોય, કોઈક ઘરમાં ગૃહ ઉદ્યોગ ચાલતો હોય અને માલિક સૂત્રધાર સહિત આપણને અંદર લઈ જઈ સમગ્ર વિધિ સમજાવે, કોઈક સેવાભાવી યુવક ગામના ઊંચાણવાળા વિસ્તારોમાં ચડઉતર કરી અશક્તોને દૂધ, શાકભાજી કે બ્રેડ પહોંચાડતો હોય, ક્યાંક કોઈ એકલવાયા વૃદ્ધના ખોરડાંને પડોશીઓ સેવા ભાવે ધોળી આપતાં હોય. ટૂંકમાં નકરું અને નિર્ભેળ જીવન, જીવન અને જીવન !
શેરીમાંથી બહાર નીકળીએ અને વિષય બદલે. હવે જઠરાગ્નિ માટે કશુંક. આપણો મેળાપ થાય નગરના કોઈ સ્વાદપ્રિય અને ખાઉધરા શોખીન સાથે. એ આપણને નગરની સૌથી જાણીતી ત્રણ વાનગીઓનો પરિચય કરાવે. એ પોતે આરોગતો ( કે આરોગતી ) જાય અને એ વ્યંજન બનાવવાની વિધિ આપણી સમક્ષ પસાર થતી જાય ( ચેતવણી : મોટા ભાગની વાનગીઓ સામિષ હોય જેમાં ડુક્કર, ઘોડા, ઓક્ટોપસ અને કૂતરા સુદ્ધાંના માંસનો ઉપયોગ થયો હોય ! )
એ પછી બસ કે ટ્રેનમાં બેસી નગરની આજુબાજુના બે’ક સ્થળોનો ઝડપી પ્રવાસ અને પરત.
સાંજના પાંચેક વાગ્યે નગરની સાંસ્કૃતિક પ્રવૃતિઓ, નૃત્ય – સંગીત, રમતગમત, કસરતો અને સ્થાનિક લોકોના શોખની ગતિવિધિઓ.
આખરે દિવસ આથમવાનું અને અંધકાર ઘેરાવાનું શરુ થાય ત્યારે સૂત્રધાર અનિવાર્યપણે આપણને લઈ જાય નગરની ભાગોળે વહેતી નદી કે સમુદ્ર કને. ત્યાં દૂર જળ સમાધિ લેતા સૂર્યને નમન કરીને આપણે નગરની વિદાય લેવાની, ફરી કોઈ નવલા નગરમાં એક આખો દિવસ ગાળવાનાં સ્વપ્ન સેવતાં !
કેવા કેવા નગર અને દેશને સેંકડો હપ્તા વાળી આ શ્રુંખલા હેઠળ આવરી લેવાયા છે એની સંક્ષિપ્ત ઝાંખી :
ગોર્દેસ ( ફ્રાંસ ), ડ્રેસડન ( જર્મની ), આલબેરોબેલ્લો ( ઈટાલિ ), ગ્વાડાલાજારા ( મેક્સિકો ), કાનાઝાવા ( જાપાન), ઉતરેખ્ત ( નેધરલેંડ્સ ), ડુનેડીન ( ન્યુઝીલેન્ડ ), લિસ્બન ( પોર્ટુગલ ), દુનહુઆંગ ( ચીન ), લા પાઝ ( બોલીવિઆ ), ગ્રાઝ ( ઓસ્ટ્રીયા ), સાન મેરીનો ( સાન મેરીનો ), જિઓંજુ ( દક્ષિણ કોરિયા ), જીરોકાસ્તરા ( આલ્બેનિયા ), કોટરો ( મોંટેનેગરો ), વિયેનતિયેન ( લાઓસ ) અને વેલેટ્ટા ( માલ્ટા ).
[1] https://www.youtube.com/playlist?list=PLMGrCYM_ZSd0-9deXotCi35YjIp93uRcr
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
