સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

ખુદની વિચાર શક્તિની ખાલી જોળી ચોપડીયા જ્ઞાને ભરીને બગસરાના સોના જેવો હું ૧૯૭૦માં યુ.એસ.માં આગળ ભણવા ભારતથી પે’લી વખત આવેલ તે આજકાલ કરતાં મને આંઈ ૫૪ વરસ થઇ ગ્યાં ને આ દેશ મારું ઓરમાયું વતન અને કર્મભૂમિ બની ગ્યો. આ પારકા પરદેશે મને પયપાન નથી કરાવ્યું કે ઉજેર્યો નથી પણ બેશક એને ફૂંકણીની અગને ધગાવી, ગાળીને મને સોળવલ્લો કર્યો ને અનુભવના એરણે ટીચીટીપીને ઘાટે ઘડ્યો. ટૂંકમાં, આ સાવકી માંએ એક અણઘડ છોકરાને જીવતર જીવવાની સીડી ચીંધી જેમ લગનમાં ચાર ફેરા પછી “સપ્તપદિ” નવદંપતિને ચીંધે, અંતરજ્ઞાની ગુરુ – નહીં કે બની બેઠેલ ગુરુ – એના અનુયાયીને ચીંધે કે હિતેચ્છુ માણસ જીવતરની કેડી ચાતરેલાને ચીંધે.

મારી ઓરમાન માંએ દેખાડેલ દસ પગાંની જીવતરની સીડી ચડવી શક્ય છે કારણ કે એનો સાર ઈ છે કે:

(૧) નખશીખ પ્રમાણિક રે’વું કારણ કે ખોટું વેણ, કેણ, કાર્ય કે વર્તન વિચાર સંતાડવા બીજાં સો ખોટાં કરવાં પડે.

(૨) નીતિનું કોઈ કામ નાનું નથી અને જે કામ માથે લ્યો ઈ ઉત્તમ કરવું.

(૩) સમય અને પૂંજીનો કારભાર અને એનો સદ્દઉપયોગ કરવો.

(૪) દસેય દિશામાં જોઈને, અર્થાત વર્તુળાકારે વિચારીને, ઠરેલ મગજે નિર્ણય લેવો.

(૫) તાગ વિનાની ચર્ચામાં ન પડવું કે કોઈની ધાર્મિક માન્યતાને વિજ્ઞાનની નજરે ન જોવી કારણ કે વિજ્ઞાનનો પાયો શંકા ને ધર્મનો શ્રધ્ધા છે ને આ બેયને “બારમો ચંદરમાં” છે.

(૬) જીવનના કડવા અનુભવો ન ભુલાય તો એને અવગણવા જેથી ખુદના અને અન્યના જીવતરમાં ઝેર ન ઘોળાય.

(૭) અનુભવનાં પડીકાં વેંચાતાં નથી મળતાં, અસફળ જાતઅનુભવ જ સફળતાનો પાયો છે.

(૮) સંજોગ નહીં બદલાય, જરૂરિયાતે માણસે જ બદલાવું પડે.

(૯) માણસ જે છે, જેવો છે, જ્યાં છે અને જેટલું એની પાસે છે ઈ બધું ઈશ્વરીદેન ગણી એનો હરખશોક ન કરવો, અને

(૧૦) હળવા હૈયે, વર્તમાનમાં જિંદગી જીવવી કારણ “બેફામ” કે’છ એમ “જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.”

આ ઉપરાંત હું એમ પણ માનું છ કે જીવતરની સીડી ચડીને માણસ કદાચ આદર્શ જીંદગી જીવી શકે પણ એને જો જીંદગી જીતવી હશે તો સીડીના દસમા પગે ઊભી, હાથ લંબાવી ભક્તકવિ નરસિંહે દીધેલ “વૈષ્ણવજન તો તેને રે કહીયે”ની સંજીવની પામી, પી, પચાવી ને જીવવી પડશે.

હવે ઉપરોક્ત ડાહીડાહી વાત્યું પરથી કદાચ એમ લાગે કે હું યુ.એસ.ઉપર વારી ગ્યો છ, એને વરી ગ્યો છ તો ઈ ખોટું છે કારણ કે મારી ઉછ્ળતી જુવાનીમાં વતનમાં રઇને હું જે જોઈ શક્યો હોત, જીવી શક્યો હોત્ત ઈ બધું મેં ગુમાવ્યું છ. એટલે મારે આ ખોટને – જેમ કે મારી ચાળીસેકની ઉંમર પછી મને મારી ગેરહાજરી પારિવારિક સારાનરસા પ્રસંગોમાં ખટકે છ – મારી કર્મભુમી યુ.એસે. દીધેલ જીવતરની સિલક માંથી બાદ કરવી જ પડે. ભલે આ અને આવા ખટકાઓને હું હવે દેશ છોડ્યાની કિંમત ગણી “લાફો મારી મોં લાલ રાખું.” ઉપરાંત હું હવે જિંદગીના ઈ આરે પણ ઉભો છ કે “મારાં પોતાનાં” સિવાય ઘણું તો હવે “નજર બાર ઈ મગજ બાર” પણ થઇ ગ્યું છ. વધુમાં, છેલ્લા દસેક વરસથી તો મને એમ પણ લાગે છ કે મારી જન્મભૂમિએ બદલાવનું એક એવું કરારું પડખું ફેરવ્યું છ કે હું આ બદલાવ જીરવવાની ક્ષમતા ગુમાવવી બેઠો છ.

બાકી મારી પાંગરતી અને કૂકડાપાંખે આવેલ જુવાનીમાં યુ.એસ.માં કાઢેલ ભણતરનાં વરસોમાં મને જે ખટકતું ઇ ભારતની રાત-દી’ બદલાતી ફેશન કે જે હું નો’તો જોઈ કે જીવી શક્તો કારણ કે ત્યારે હોલીવુડે બોલીવૂડને જોજનવા છેટું રાખ્યુંતું. વધુમાં હું જ્યાં ભણતો યાં હિન્દી ચલચિત્રો તો શું પણ કોઈને અંગ્રેજી સિવાય અન્ય ભાષા હોઈ શકે ઈ માન્ય પણ નો’તું ને કોઈ માની પણ નો’તું સકતું. ઈ જ રીતે કોઈ બીજા દેશની ખાણીપીણીની ખબર યાંની વસ્તીને હોવી ઈ તો ઉગતા સૂરજને પશ્ચિમે નેજવું માંડીને જોવા જેવું હતું. પરિણામે, હું પણ ઈ વિસ્તારના નાગરિકોની જેમ “કૂવામાંના દેડકા”ની જેમ રંગેચંગે જીવતો થઇ ગ્યોતો ને દી’ના ત્રેણય ટંક મીઠામરચાં વિનાનું મોળું, ફીકું, બાફેલ વેજ અને નોનવેજ અમેરિકન ખાણું ઈ જ મારું નવું ખાણું ને ભાણું થઇ ગ્યાતાં. નવાઈની વાત ઈ છે કે આ ખાણું મને હજીયે ત્રણ રંગના, હોઠે બટકે એવા જાળીદાર મેસુબ; ચોખા ઘી ને ગુલાબની પાંખડીના થરે મઘમઘતા મોહનથાળ કે શુદ્ધ ઘીમાં બનેલ કેસરયુક્ત બંગડી જેવી જલેબી જેવું ને જેટલું જ ભાવે છ. ટૂંકમાં, આ દેશની મને ગમતી પાશ્ચાત્ય રે’ણીકે’ણી – સંસ્કાર નહીં – મેં ત્યારે અને આજે પણ અપનાવી છ કારણ કે એમાં હું જીવવાનો હેતુ અને જીવ જાતા વખતનો સાર ભાળું છ.

મેં જયારે દેશ છોડ્યો ત્યારે જુવાનીમાં શું ગુમાવ્યું એનો હિસાબ જો હું માંડું તો જુવાનીયાઓની ફેશન પૃથ્વીરાજ કપૂર, સો’રાબ મૉદિ, સાયગલ, નાગેશ, મોતીલાલ ને શેખ મુખ્તારથી હરણફાળે આગળ વધીને જીતેન્દ્રનાં તડોતડ પાટલૂને ને અણીયાળા બૂટે અને દેવાનંદ ને ધર્મેન્દ્રના ચટ્ટાપટ્ટા પેરણે પૂગીતી. માથે મોવાળાની ફેશન બાબરીને બદલે ગુચ્છો, ક્રુકટ કે બેય કાને લાંબા કાનસિયે આવીતી. “વક્ત”ના રાજકુમારે થોડાકને ડાબે-જમણે ડોલતા તાબૂતની ચાલે તો “જબ જબ ફૂલ ખીલે”ના શશી કપૂરે બીજા થોડાકને “ચટક ચાલે” હાલતા કર્યાતા. થોડાક તો વળી મદનપૂરી, અમજદખાન, જીવન કે પ્રાણ જેવા દેખાવા હાથમાં કડાં ને પેરણનાં બે ઉઘાડે બટને પણ બજારમાં ભટકતા. પણ જેને આવી જાકમજોળ ન ગમી, પરવડી કે પોતીકાપણું રાખવુંતું ઈ સૌ દિલીપકુમાર, મનોજકુમાર, સુનિલદત્ત ને ગુરુદત્તની સાદગી વ્હોરી, પગમાં બે પટ્ટીની સ્લીપર્સ પે’રી “સિમ્પલ લિવિંગ, હાઈ થીંકીંગ કરતાતા. મિત્રો, હું પણ આમાંથી ચટ્ટાપટ્ટા પેરણની ફેશન જીવીને જમણો ટાંટિયો મયડાણો યાં લગી રાજકુમારની હાલે હાલ્યોતો. અલબત્ત અસ્તિત્વમાં હશે તોયે મેં રાજેશ ખન્ના કે અમિતાભનાં નામ તીંયેં નો’તાં સાંભળ્યાં એટલે ઈ શું ફેશન કરતા એની મને ખબર નો’તી

તો બીજી કોર યુ.એસ. આવ્યો તીંયેં જુવાનડીયુંની ફેશન પણ મુન્નાવર સુલતાના, દુર્ગા ખોટે, શોભના સમર્થ, કામિનીકૌશલ, તબ્સૂમ, કલ્પના કાર્તિક, નલિની જયવંત, મધુબાલા ને નરગીસેથી ઠેકડો મારીને મીનાકુમારી, નૂતન, માલાસિંહા ને વહીદા રે’માન જેમ અવળા છેડાની સાડી કે પો’ળા પંજાબી ડ્રેસે પૂગીતી. તો બીજી ઘણી વૈજન્તીમાલા, નંદા ને સાયરાબાનુ જેમ સ્લીવલેસ બ્લાઉઝ ને પોતાનું પોણું પેટ દેખાય એમ સાડી પે’રતી થઇતી. પ્રમાણમાં ઓછી આશા પારેખ ને મુમતાઝ જેમ ચપોચપ સલવાર-કમીઝે પૂગીતી. હા, કેટલીક છોકરીયું સ્કર્ટ્સ ને કોટી પે’રતી પણ મિનિસ્કર્ટ તો મોટા શહેરની કે પારસી ને ગોવાનીઝ છોડીયું જ પે’રતી ને બાકી રૂપેરી પડદે હેલન ને શશીકલા પે’રતાં. ટૂંકમાં, મેં ભારત છોડ્યું ત્યારે યુવાનો અને યુવતિઓનું ફેશન જગત અટલે આમ્બ્યુંતું.

પછી હું ૧૯૭૬ના ડિસેમ્બરમાં છ વરસે પે’લી વાર દેશ પાછો આવ્યો ઈ દરમ્યાન ફેશનનો ફાળકો કેટલાંય ચક્કર ફરી ગ્યોતો ને ત્યારે મેં જે જોયું એના થોડાંક ઉદાહરણોમાં: કેટલાય યુવાનો પાટલૂન કે જેના પાયજામાંથી માખીએ ન ઘુસી સકે એમાંથી હાથીની સૂંઢ ઘુસી જાય એવાં “બેલબોટમ” પાટલૂન ને અણિયાળા ને બદલે જાડા તળિયાના (પ્લેટફોર્મ) બુઠ્ઠા જોડે પૂગ્યાતા. બીજા કેટલાય આવાં પોળા પાયજાના પાટલૂન, એના ઉપર અમાપ જભા, પગમાં ચંપલ, માથે લાંબા જટિયાં વાળ, બગીયાબાપુના બોકડા જેવી દાઢી, ખભે ખાલીખમ બગલથેલો ને ભરઉનાળે પણ સાલમાં વીંટળાઈને ફરતાતા. આમાના કેટલાયને તો મેં વળી કાળી રાતે સનગ્લાસીસમાં આંખ સંતાડી ઘોડીએ ચડાવેલ થ્રિવિહલરે બેસીને એની વ્હાલી દિલદારાની વાટ જોતાએ જોયાતા. પણ સાહેબ, દી’ના આ બધા જે વેંસ કાઢતા હોય ઈ પણ રાતના સુવામાં મેં પે’ર્યાંતાં ઈ કફનીલેંઘા કે ચટ્ટાપટ્ટા નાઈટડ્રેસને બદલે આ બધા બાંકેબિહારી લતીફખાન જેવી લૂંગીમાં વીંટળાતાતા. આ લૂંગી પે’રવાની સમાનતા જોઈ એટલે મેં તપાસ કરી તો જાણ્યું કે રાજેશ ખન્ના ને અમિતાભ ઘણીવાર ત્યારે આવી લૂંગીમાં વીંટળાતા.

યુવતીઓની ફેશનમાં પણ આ છ વરસમાં એવી ઉથલપાથલ થઇ ગઇતી કે ચોરવાડમાં અમારાં જુનાં કામવાળાં કાનીમાંની દીકરી કંકુથી લઈને ગામમાં એલચી કેળાંની વખારના માલિક કાકુભાઇ શેઠની કોકિલા લગી સૌ ચપોચપ પંજાબી ડ્રેસ ને લાંબાં કે ટૂંકા સ્કર્ટ્સ પે’રતાં થઇ ગ્યાતાં. કેટલીક છોકરીયું તો ઘેર વિનાનું સાથળયું ફરાક પણ પે’રતીતી. પણ્યવાની ઉંમરની છોડીયું પણ સાડી તો પ્રસંગોપાત જ પે’રતીતી બાકી તો બધી કંકુ ને કોકિલા જ થઇ ગઇતી. સૌના પગમાં પણ બાટાની બે પટ્ટીની સ્લીપર્સને બદલે સાડાચાર ઇંચ એંડીના ચંપલ ને મોજડી ગર્યાંતાં. તો માથે અરીઠે ધોયેલ ને તેલ નાખેલ ચપોચપ બે ચોટલાની જગ્યાએ શેમ્પુ કરેલ કોરાધાકોર, ઢીલા એક ચોટલે છોડીયું ઉભી બજાર માથે કરતીતી. પાછી આવી ભેંસ-પોદળા ચોટલે કેટલીયેને લાલપીળા ચણિયા ને માથે એના બાપુજીના પેરણે મેં ભાળી ત્યારે મને વધુ નવાઈ લાગીતી. વખત હારે બદલાવો તો મેં ધાર્યાતા જ પણ અમદાવાદમાં મારા મામા ભેગો હું “આકાશેઠ ફૂવા”ની પોળના એક ઘરમાં ગ્યો યાં માં, એની આધેડ વયની દીકરી, પ્રમાણમાં જુવાન વહુ ને એની હાડેતી દીકરી એમ સાગમઠે સૌને “મેક્ષી”માં ભાળ્યાં ત્યારે મને આ બદલાવની પરાકાષ્ટા લાગીતી.

હવે મારો રિસર્ચ-ડેવલ્પમેન્ટનો સ્વાભાવ એટલે મેં આ “મેક્ષી”ની ઉપજ વિષે વિચાર્યું તો મારાં “ટીન” વરસોમાં “ઈલ્યુસ્ટ્રેટેડ વીકલી”માં ફોટા જોયાતા ઈ યાદ આવતાં મને લાગ્યુંતું કે “મેક્ષી”ક્રિસ્ટયન આયાઓ ઘરમાં માથાથી પગ લગી લાંબુંલપસીંદર ક્યાંક પે’રતી એની કદાચ “ઝેરોક્ષ” હતી. હું આ “મેક્ષી” વિષે ૧૯૭૮ ફેબ્રુઆરી લગી એટલો અજ્ઞાની હતો કે બેનોએ ઈ ચણીયા ઉપર પે’રી હોય કે શું ઈ મને ખબર નો’તી ને છતાં આજ ૪૭થી વધુ વરસ ગૌધુલીક સમયે, ચાર ફેરે અપનાવેલ મારાં પત્ની હારે મારું હોવું ઈ પણ ઈ “મેક્ષી”ને જ આભારી છે. એટલે આજ મને થ્યું કે મારી પાતળી પરમાર ઘરવાળીની અર્ધાકિલાથી ઓછી “મેક્ષી”ના ઋણના ભાર તળે હું આજીવન દબાયેલ રહું એના કરતાં ઈ વાત માંડીને એનો ઋણસ્વીકાર કરું.

તો વાત એમ છે કે ૧૯૭૬ના ડિસેમ્બરમાં પોરબંદરમાં સુદામાચોકથી ઘેર આવવા બસમાં બેસતાં પપ્પાએ મને પૂછ્યું:

“તમારે લગન કરવાં છ?

હું: હા, વાંધો નથી.

પપ્પા: તમારે અમેરિકામાં કોઈ લફરું નથી ને?

હું: ના.

પછી માર્ચ ૧૩, ૧૯૭૭માં મેં ને નીલાએ ચાર ફેરા ફરી લીધા બાદ એક મહિનો અમે બે માં-પપ્પા હારે જૂનાગઢ રયાં કે જેમાં અમારો અર્ધો દી’ અઘેરા કુટુંબના વડીલોને પગે લગાવામાં ને પાસેનાં સગાંસબંધીઓને ઘેર જમવા જાવામાં ગ્યો. વધુમાં નીલા પણ ત્યારે શરમાળ કારણ કે ત્યારે મૉટે ભાગે ઘરમાં એના માં, ચાર બેનો અને એક પુરુષ – ને ઈ એના પિતા – હારે જ એનો ઊઠવા-બેસવા-બોલવાનો રોજનો નાતો હતો. આજ જો હવે મારા મશ્કરા મગજે વિચારું તો ઈ દિવસોમાં મને એમ પણ ક્યારેક લાગતું કે નીલા “વૈષ્ણવ જન તો તેને રે કહીયે”નું “પર સ્ત્રી જેને માત રે…” ને બદલે “પર પુરુષ મારો બાપ રે…” એમ સમજ્યાં હશે. ખેર, પછી લગનનો આફરો હેઠો બેઠો એટલે હું પણ યુ.એસ. પરત થઇ પીએચ.ડી. જલ્દી પૂરું કરવાના વિચારમાં બાકીનો અર્ધો દી’ કાઢવા મંડ્યો. છેલ્લે એપ્રિલ ૧૪ના હું યુ.એસ. પાછો આવ્યો. પાછા આવીને મેં પીએચ.ડી.નું ડીઝર્ટેસન લખી, ડિફેન્ડ કરી ને એમાંથી ત્રણ પેપર્સ લખીને પ્રસિદ્ધ કરવા મોકલ્યાં. પછી આસિસ્ટન્ટ પ્રોફેસરની પે’લી નોકરી મેં ઓગસ્ટ મહિનામાં અલાબામા રાજ્યના એક ગામમાં લીધી.

લગ્ન પે’લાંના મારાં યુ.એસ.નાં વરસોમાં હું ડોર્મમાં રેતો એટલે અલાબામાના નવા ગામમાં મારી નાની કારમાં કચરાપેટી, સાવયણી ને મારાં ચાર પાટલૂન ને ચાર ખમીસ હારે આવ્યો ને મેં બે બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું. પે’લો પગાર મહિને આવ્યો એટલે લિવિંગરૂમ સજાવા કોઈએ વાપરેલ પણ સારો સોફાસેટ ને એક ખુરસી લીધાં. રસોડામાં વાપરેલ એક ટેબલ ને ચાર ખુરસી ગોઠવ્યાં ને રાંધવા સારુ ચાર વાસણો લીધાં. એક બેડરૂમ ખાલી રાખી બીજા સારુ ખાટલો, ગાદલું, બે ઓશીકાં ને ઓઢવા એક ધાબળો વસાવ્યાં. બાથરૂમમાં બે ટુવાલ ને બે નેપ્કીન્સ મૂક્યા ને આમ જિંદગીનું પે’લું ઘર મેં માંડ્યું કે જેમાં પે’લો પગાર વાપરી નાખ્યો. પછીનો મહિનો ખાવાપીવાના સાંસા પડ્યા પણ મને બ્રેડ, કેચપ ને પાણીએ પેટ ભરવાની ટેવ હતી એટલે આ તાણનો મહિનો રોડવી દીધો.

નવું ગામ, મારું પે’લું ઘર, નવી નોકરી, લેક્ચરો ને લેબ્સની તૈયારી, વ.માં હું વ્યસ્ત રે’તો ને નીલાનો ચેહરો ધીરેધીરે ભૂલવા મંડયોતો છતાં દર અઠવાડિયે એને એક પ્રેમપત્ર ને મારે ઘેર ખુશીસમાચારનો કાગળ લખતો. ફોન તો ત્યારે નોંધાવા પડતા ને મોંઘા પણ હતા એટલે ઈ ઓછા કરતો. મને સજોડે અમારા ભાડાના ઘરમાં રે’વાનો ઉમળકો હતો એટલે હું વ્યસ્ત હતો છતાં રાત જાગીને નીલાના વિઝા માટે મેં કામ હાથ ધર્યું ને એને વિઝા મળ્યો. ઈ અલાબામાના મારા નવા ગામ પાસે લોકલ એરપોર્ટ પર ન્યુયોર્ક થઇને એક શનિવારે આવશે એમ નક્કી થ્યું. ઈ નિયત શનિવારે હું બપોરે એને તેડવા ગ્યો પણ મનમાં ભય ઈ હતો કે જો જાજી છોકરીઓ ફ્લાઇટમાંથી ઉતરશે તો મને કેમ ખબર પડશે કે આમાં નીલા કોણ છે. ઈ બપોરે છોકરીઓ તો ઘણી ઉતરી પણ “મેક્ષી”માં એક જ ઉતરી એટલે “ચેતતો નર સદા સુખી” ઈ રુહે ઈ “મેક્ષી”ધારી પાસે જઈને મેં વિવેકથી પૂછ્યું,”એક્સક્યુઝ મી પ્લીઝ. આર યુ નીલા?” એને કીધું, યસ,યસ” ને બસ ત્યારથી અમે સજોડીયો ઇતિહાસ રચવાની શરૂઆત કરી.

એરપોર્ટથી આવતાં રસ્તામાં નાનીમોટી વાતો થઇ એમાં જાણ્યું કે હું નીલાને પુરેપુરો યાદ હતો. આની વિરુદ્ધમાં મને એનો ચેહરોમોહરો જાજો યાદ નો’તો પણ ત્યારે નીલા દશેદિશાયે ભારતથી “ફ્રેશ ઓફ થઈ બોટ” આવેલ ભારતીય યુવતી હતી એટલે એને ધારી લીધું હશે કે મને પણ ઈ યાદ જ હશે. ઈશ્વરકૃપા કે મારી “બાંધી મૂઠી લાખની” રહી ગઈ ને ખાકની ન થઇ.

ખેર, આ હતો ૪૬ વરસ પે’લાંનો ભૂતકાળ પણ મિત્રો આજ હવે મારા હળવા હૈયે સવાલ કરું તો, જો ઈ “મેક્ષી” ન હોત તો આઘેરી ને આછેરી પણ શક્યતા તો હતી ને કે નીલા માનીને હું કોક બીજી હારે આજ ઘર માંડીને બેઠો હોત?”


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.