ફિર દેખો યારોં

બીરેન કોઠારી

નામ શું સૂચવે? ઓળખ? માન? કે અપમાન? આ ત્રણે જવાબ અલગ અલગ સ્થિતિમાં પોતપોતાના સ્થાને સાચા છે. નામનો પ્રાથમિક અને મૂળભૂત હેતુ ઓળખનો છે. ચાહે એ મનુષ્ય હોય, નગર હોય કે બીજું કંઈ. પણ માન અને અપમાન? આ મુદ્દે જરા વિચારવા જેવું છે. માનની વાત કરીએ તો એનાં સૌથી પ્રચલિત અને સાદાં ઉદાહરણ વિજ્ઞાનમાં જોવા મળશે. ગુરુત્વાકર્ષણ બળની શોધ કરનાર વિજ્ઞાની ન્યૂટનના નામે બળનો એકમ ‘ન્યૂટન’ તરીકે ઓળખાવાયો. વીજપ્રવાહનો એકમ એમ્પિયર ફ્રેન્‍ચ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આન્‍દ્રે એમ્પિયરના નામથી ઓળખાય છે. વીજઅવરોધનો એકમ ઓહ્‍મ જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ ઓહ્‍મના માનમાં નામકરણ પામ્યો છે. આવાં અનેક ઉદાહરણો અન્ય ક્ષેત્રમાં પણ મળી આવશે.

ઓળખ અને માન પછી વાત અપમાન માટે થતા નામના ઉપયોગ વિશે. આ યાદી ઘણી લાંબી થઈ શકે એવી છે. માણસો એકબીજાને અપમાનિત કરવા માટે પ્રાણીઓના નામે સંબોધે છે. વિવિધ પ્રાણીઓનાં નામ સાથે માનવીય ગુણોનું સામ્ય દર્શાવીને તેમને પણ ઉતારી પાડવામાં આવે છે. વિવિધ જ્ઞાતિઓ માટે અપમાનસૂચક સંબોધનો ચલણમાં હતાં, જેનો પડઘો આપણી અનેક કહેવતોમાં જોઈ શકાય છે.

શું વનસ્પતિના નામને આ બાબત લાગુ પડી શકે? એક સમાચાર હમણાં અખબારોમાં ચમક્યા.

જુલાઈ, ૨૦૨૪માં, સ્પેનના મેડ્રિડ શહેરમાં છ દિવસીય ‘ઈન્‍ટરનેશનલ બોટનીકલ કોંગ્રેસ’  (આંતરરાષ્ટ્રીય વનસ્પતિશાસ્ત્રીય સંમેલન) યોજાઈ ગઈ. સોથી વધુ સંશોધકોએ તેમાં હાજરી આપી. તેમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો. તે એ કે વંશીય રીતે અપમાનજનક જણાતા હોય એવી ચોક્કસ વનસ્પતિઓનાં નામ બદલવાં.

ખાસ કરીને ‘કાફ્રા’ (અથવા કેફ્રા/Caffra) શબ્દ ધરાવતી તમામ, લગભગ બસોથી વધુ વનસ્પતિઓ, ફૂગ અને લીલ પ્રજાતિનું નામ બદલીને ‘આફ્રા’ (affra) કરવામાં આવશે. જેમ કે, પ્રોટીઆ કાફ્રા નામની વનસ્પતિ હવે પ્રોટીઆ આફ્રાના નામે ઓળખાશે. આવું કેમ એ જાણવા માટે આ શબ્દનું મૂળ જાણવું રહ્યું.

પ્રોટીઆ આફ્રા
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

‘કાફ્રા’ શબ્દનું મૂળ અરબી શબ્દ ‘કાફિર’માં રહેલું છે. ‘કાફિર’ શબ્દ આમ તો ‘અશ્રદ્ધાળુ’ થાય છે, પણ આ શબ્દનો વધુ વ્યાપક બનતો ગયો, અને ખાસ કરીને આફ્રિકાના શ્યામવર્ણા લોકો માટે અપમાનજનક રીતે વપરાવા લાગ્યો. અપમાનમાં તિરસ્કાર અને ધિક્કાર ભળેલો હોય છે. આમ, આફ્રિકાના આ ચોક્કસ જૂથની વનસ્પતિઓની પાછળ તેની આફ્રિકી ઓળખ દર્શાવતો શબ્દ કે પ્રત્યય ‘કાફ્રા’ લગાડાતો થયો. એક આખા માનવવંશ માટેનો ધિક્કાર કેવાં કેવાં ક્ષેત્રોમાં, સાવ અનાયાસે વ્યાપી રહે છે એનો આ નમૂનો છે. આગળઉપર એમ પણ બનતું રહે છે કે આવા અપમાનવાચક શબ્દનું મૂળ ભૂલાઈ જાય અને આગળની પેઢીમાં તે સાવ અનાયાસે પ્રસરતો રહે છે.

‘કાફ્રા’ને બદલે ‘આફ્રા’ લગાડવાનો હેતુ એ છે કે તેનાથી વનસ્પતિની એ પ્રજાતિનું મૂળ આફ્રિકા હોવાનું સૂચિત થાય છે. નામકરણ સત્રમાં ભાગ લેનારા વિજ્ઞાનીઓ એક વિશેષ સમિતિ રચવા બાબતે સંમત થયા. આ સમિતિ નવી શોધાયેલી વનસ્પતિઓ, લીલ અને ફૂગના નામકરણ પર કામ કરશે. સામાન્ય રીતે જે વ્યક્તિ દ્વારા વિજ્ઞાનલક્ષી સાહિત્યમાં પહેલવહેલી વખત તેનું વર્ણન કરવામાં આવે એ વ્યક્તિના નામ પરથી નવું નામ રાખવામાં આવે છે. અલબત્ત, કોઈ નામ ચોક્કસ સમુદાય કે વંશ માટે તુચ્છકારસૂચક જણાય તો સમિતિ એને નકારી કાઢી શકે છે.

આ જ સંમેલનમાં વિવાદાસ્પદ ઐતિહાસિક લોકોનાં નામ ધરાવતી વનસ્પતિઓનું નવેસરથી નામકરણ કરવાના પ્રસ્તાવને નકારી કઢાયો. જેમ કે, ભૂખરા રંગનું, આંખ વિનાનું બીટલ પ્રકારનું જીવડું એનોફ્થાલ્મસ હીટલરી નામ ધરાવે છે, જેનું નામકરણ જર્મન સરમુખત્યાર હીટલરના નામ પરથી રખાયું છે. એ જ રીતે હીપોપ્તા મુસોલિની નામનું એક ફૂદું ઈટાલિયન સરમુખત્યાર મુસોલિનીની પાછળ નામકરણ પામ્યું છે.

આમ છતાં, એ હકીકત છે કે આ પ્રકારે વનસ્પતિઓનાં વાંધાજનક નામ બદલવાનું પગલું આ પહેલવહેલું છે. તેની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

વનસ્પતિની નવી શોધાતી પ્રજાતિ માટે નામકરણ અનિવાર્ય બની રહે છે. તેમાં આવી કાળજી રાખવામાં આવે એ આનંદની વાત છે.

આ ઘટનાના સામા પક્ષે આપણા દેશની કેટલીક શિક્ષણસંસ્થાઓનાં નામ જોઈએ. જ્યાં દેશના ભાવિ નાગરિકો તૈયાર થવાના છે એવી શિક્ષણસંસ્થાઓનાં નામ કેવાં હોવાં જોઈએ એના કરતાં વધુ સ્પષ્ટતા એ કેવાં ન હોવાં જોઈએ એ બાબતે હોવી જોઈએ.

આપણી આસપાસ નજર કરતાં ખ્યાલ આવશે કે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓનાં નામ કોઈ ને કોઈ ધર્મ, સંપ્રદાય, સમુદાયવિશેષનાં દેવીદેવતા, જ્ઞાતિવિશેષ કે પેટાજ્ઞાતિવિશેષ સાથે સંબંધિત હોય છે. આવું નામકરણ કોઈ શૈક્ષણિક સંસ્થાનું થાય ત્યારે સમાજમાં સાવ ખોટો સંદેશ પ્રસરે છે. જો કે, ઘણાખરા કિસ્સામાં એમ બનતું હશે કે શાળાના સંચાલકો એવું નામ રાખીને પોતે ઈચ્છે છે એવો જ સંદેશ પહોંચાડવા માગે છે. ઘણા સ્થાપકો માટે હવે શાળા એક સત્તાકેન્‍દ્ર બનવા લાગ્યું છે, એવું સત્તાકેન્‍દ્ર જેની વ્યાસપીઠ પર બિરાજીને પોતે ‘પ્રતિષ્ઠિત’ બની શકે અને નાણાંની આવકનો એ અખૂટ સ્રોત બની રહે.

આમાં જો કે, એકલા સ્થાપકો કે સંચાલકોનો દોષ શી રીતે કાઢી શકાય? તેઓ મોટે ભાગે એ જ પૂરું પાડે છે, જેની મોટા ભાગના લોકોને જરૂર હોય છે. હવેના યુગમાં પ્રત્યેક માબાપ ઈચ્છે છે કે પોતાનાં સંતાનો ‘ગમે એવાં’ બાળકો સાથે બેસીને ન ભણે, અને ‘પોતાનાં જેવાં જ’ વર્ગનાં બાળકો સાથે હળેમળે. ભલે એના માટે જે નાણાં ચૂકવવા પડે એ.

આમ, હજી આપણે ત્યાં શિક્ષણનો સીધો સંબંધ નાણાં સાથે જોડાયેલો છે. મોંઘી શાળા, અઢળક આવક ધરાવતી કારકિર્દી, અઢળક આવક પેદા કરતા લોકો આપણો આદર્શ હોય એમ લાગે. આવા સંજોગોમાં શાળાના નામ જેવી ક્ષુલ્લક બાબત વિશે શું કામ કોઈ વિચારે?

એ દૃષ્ટિએ જોતાં વનસ્પતિશાસ્ત્રીઓની આ ચેષ્ટા અવશ્ય બિરદાવવા લાયક ગણાવી શકાય.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)