સંવાદિતા

આપણે એવા પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને વીંધે, ઈજા પહોંચાડે, હચમચાવે.

ભગવાન થાવરાણી

એમ કહેવાય છે કે ગત શતાબ્દીઓમાં જન્મેલા ત્રણ જર્મનભાષી યહુદીઓએ પોતાની વિચારસરણી અને અન્વેષણથી માનવજાતના વિકાસ પર દુરંગામી અસર કરી છે. આ મહામાનવો એટલે કાર્લ માર્ક્સ, સિગમંડ ફ્રોઈડ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન. ( જે યહુદીઓનું નિકંદન કાઢવામાં જર્મનીના નાઝી શાસને પાછું વાળીને જોયું નહીં ! ) સાહિત્યના ક્ષેત્રે આવા એક જર્મન યહુદીનું નામ લેવું હોય તો નિ:શંકપણે ફ્રાંઝ કાફ્કાને ( ૧૮૮૩ – ૧૯૨૪ ) ઉમેરી શકાય. હમણાં ૩ જૂને એમના મૃત્યુને સો વર્ષ પૂરાં થયાં. એમના સાહિત્યે વાંચકો અને એમના પછીની પેઢીના સાહિત્યકારોને એ હદે પ્રભાવિત કર્યા છે કે સાહિત્યની પરિભાષામાં એમના નામ પરથી એક શબ્દ પ્રચલિત થયો છે – KAFKAESQUE – કાફ્કાએસ્ક એટલે એક એવી પરિસ્થિતિ જે કાફ્કાની કૃતિઓમાં અવારનવાર આવતી પરિસ્થિતિની જેમ અણગમતી, બિહામણી અને મૂંઝવણજનક હોય.

માત્ર ચાલીસ વર્ષની જિંદગી જીવી ઓસ્ટ્રીયામાં ક્ષયરોગથી અવસાન પામનારા કાફ્કાએ વિપુલ પ્રમાણમાં લખ્યું. કરુણતા એ કે એમણે લખ્યું એમાંનું મોટા ભાગનું એમણે પોતે પોતાના હયાતીકાળમાં જ નષ્ટ કરી નાંખ્યું. એ એટલા અંતર્મુખી અને સ્વમાની ( પોતાની વ્યાખ્યા પ્રમાણે ! ) હતા કે મૃત્યુ પહેલાં પોતાનું બચેલું લખાણ પોતાના મિત્ર મેક્સ બ્રોડને એવી સૂચના આપી સુપ્રત કરી ગયા કે એમના મૃત્યુ બાદ એ બધું સળગાવી દેવામાં આવે ! આપણા સૌના સદભાગ્યે એમના મિત્રએ એવું ન કર્યું અને અહીં તહીં વિખેરાયેલું બધું સુગ્રથિત કરી એમના મરણોપરાંત પ્રકાશમાં આણ્યું.

કાફ્કાએ માત્ર ત્રણ નવલકથાઓ ધી કેસલ, અમેરીકા અને ધી ટ્રાયલ લખી. ત્રણેય એમના મૃત્યુ પછી પ્રકાશિત થઈ. એમણે પોતાના પિતાને લખેલો દીર્ધ પત્ર ‘ લેટર ટૂ હીઝ ફાધર ‘ અને એમની ચર્ચિત લઘુ નવલ ‘ ધી મેટામોર્ફોસીસ ‘ એમના જીવનકાળમાં પ્રકાશિત થયાં પણ કોઈએ એની નોંધ લીધી નહીં. એમની ડાયરીઓ, પ્રેમિકાઓ ફેલીસ અને મિલેના, બહેન ઓટલા અને મિત્રો – કુટુંબીઓ- સંપાદકોને લખાયેલા સંકલિત પત્રો પણ સંગ્રહો રૂપે પછીથી છપાયાં. એ ઉપરાંત અનેક ટૂંકી વાર્તાઓ પણ.

એમના સાહિત્યમાં વાસ્તવવાદ કલ્પનામાં એકાકાર થતો જોવા મળે છે. અસ્તિત્વવાદ નામે ઓળખાતી વિચારધારાના પુરસ્કર્તાઓ સોરેન કિર્કગાર્ડ, જ્યાં પોલ સાર્ત્ર, સિમોન દ બુવાર, ફ્રેડરીક નિત્શે, ફ્યોડોર દોસ્તોએવસ્કી વગેરે સાથે કાફ્કાને પણ માનભેર બેસાડી શકાય.

કાફ્કા આજીવન કુંવારા રહ્યા હતા પણ એમને સ્ત્રીઓ સાથેના સંબંધોમાં ભરપૂર રસ હતો. એમણે ત્રણ સ્ત્રીઓ સાથે સગાઈ કરી અને સમયાંતરે તોડી નાંખી. પોતાના શરીરની ક્ષમતા અંગે એમનામાં કાયમી લઘુતાગ્રંથિ હતી. લેખનને એ ‘ પ્રાર્થના – નૃત્ય ‘ કહેતા. એ ચિત્રકાર પણ હતા. ૨૦૨૨ માં એમણે દોરેલા ચિત્રોનું પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.
કવિ ડબલ્યુ એચ ઓડેન એમને ‘વીસમી સદીનાં દાંતે’ કહે છે તો ‘ લોલિતા ‘ ના સર્જક વ્લાદિમાર નોબાકોવ એમને એ સદીના મહાનતમ લેખકોમાંના એક તરીકે બિરદાવે છે. એમની ડાયરીમાં ટપકાવેલા એક પરિચ્છેદ ઉપરથી એમની જગતને જોવાની દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે :
‘ મારી ચાર દિવાલોની અંદર કેદ હું પરદેશ ફેંકાઈ ગયેલા વિસ્થાપિત જેવો છું. મારા કુટુંબીઓ મને વિચિત્ર પરગ્રહવાસીઓ જેવાં લાગે છે. એમની અજાણી રીત- રસમો, વિધિઓ અને ભાષા મારી સમજની બહાર છે. મારી અનિચ્છા છતાં એ લોકો એમની આ વિધિઓમાં ભાગ લેવા મને ફરજ પાડી રહ્યાં છે. હું એમનો સામનો કરી શકતો નથી. ‘
એમની કેટલીક ઉક્તિઓ :
– ઝુકો નહીં, ઢીલા ન પડો, તમારી વાતને તર્કસંગત બનાવવા પ્રયત્ન ન કરો, રૂઢિ પ્રમાણે તમારા આત્માને ઢાળો નહીં, તમારા ગાંડપણને નિર્દય બની અનુસરો.
– પુસ્તક એવું હોવું જોઈએ જે આપણી ભીતરે થીજી ગયેલા બરફને કુહાડી બની તોડે.
– ઘણા પુસ્તકો આપણી ભીતરના દુર્ગને ખોલવાની ચાવી જેવાં હોય છે.
– જે મુક્ત હોય એ જ ભૂલો પડી શકે.
– જેનું અસ્તિત્વ જ નથી એને તીવ્ર રીતે આકાંક્ષીને આપણે એનું સર્જન કરીએ છીએ. કોઈનું ન હોવું એટલે પર્યાપ્ત માત્રામાં ન ઇચ્છવું તે .
– રસ્તાઓ ચાલવાથી બંને છે.
પોતાના પિતાને એમણે લખેલો દીર્ઘ પત્ર ( જે એમના પિતાએ તો ક્યારેય વાંચ્યો પણ નહીં ! ) એક અનોખી સાહિત્યિક કૃતિ છે. એમાં એમણે પિતાને ‘ કરડા, વ્યવહારુ અને કડક દુકાનદાર ‘ કહ્યા છે, જેમના માટે ભૌતિક સફળતા અને સામાજિક પદ જ સર્વસ્વ  હતું. પોતાના જીવનની નિષ્ફળતા અને પોતાને સાહિત્ય તરફ વાળવા માટે પણ એ પિતાને જ જવાબદાર ઠેરવે છે.
એમના હયાતિ કાળમાં પ્રકાશિત થયેલી અને શરુઆતમાં સાવ જ ધ્યાને ન લેવાયેલી એમની લઘુ નવલ METAMORPHOSOS – મેટામેર્ફોસીસ – રુપાંતરણ વિષે થોડીક વાતો.
નવલની શરુઆત આમ થાય છે. ‘ એક સવારે જ્યારે ગ્રેગોર સામ્સા એના વિચલિત કરતા સપનાઓમાંથી જાગ્યો ત્યારે એને ખબર પડી કે એ રાતોરાત માણસ મટી એક કદાવર વંદામાં તબ્દીલ થઈ ગયો હતો. ‘ ગ્રેગોર એક ટ્રાવેલીંગ સેલ્સમેન હતો અને એનું માતા, પિતા અને બહેન સહિતનું ઘર એની કમાણી પર ચાલતું હતું.
શરુઆતમાં એની લાડકી બહેન એની પરિસ્થિતિ સમજી એની પર્યાપ્ત કાળજી લે છે પણ એના સરમુખત્યાર પિતા ( કાફ્કાના પોતાના પિતાની પ્રતિકૃતિ ! ) એને એના બેડરૂમમાં પડ્યા રહેવાની ફરજ પાડે છે. ગ્રેગોર વાત કરી શકતો નથી. એને સમજાતું નથી કે આ શું થયું ! એની હાલત કથળતી જાય છે. એ ધીમે ધીમે કુટુંબ અને સમાજથી અળગો થતો જાય છે. એનું કુટુંબ પણ વેરવિખેર થતું જાય છે. કુટુંબમાં આર્થિક કટોકટી ઊભી થાય છે. વધારાની આવક ઊભી કરવા નાનકડા ઘરમાં ભાડુઆત લાવવા પડે છે.
કુટુંબીઓ ગ્રેગોરથી વિમુખ થતા જાય છે, એની હાલત પ્રત્યે બેદરકાર ! ગ્રેગોર એકલો પડી જાય છે. એનો કમરો એ જ એનું કારાગાર બની જાય છે. આખરે એ એકલો મૃત્યુ પામે છે અને પોતાની યાતનામાંથી છુટકારો મેળવે છે. એનું કુટુંબ એના મૃત્યુને એક પ્રકારની મુક્તિ અને પોતપોતાની જિંદગીમાં પાછા ફરવાની એક તક તરીકે જુએ છે .
ગ્રેગોરનું રૂપાંતરણ એક રીતે એના કુટુંબના અસલી ચહેરાની ઓળખમાં પરિણમે છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.