તું વરસે છે ત્યારે
જન્મદિને
તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.
વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.
તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.
– રઘુવીર ચૌધરી
સ્માઇલ પ્લીઝ
પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,
ક્યાં કહું છું આખાય જીવનને- સ્માઇલ પ્લીઝ ?
તરત પછી તો સરસ મજાની સુગંધ આવી,
જરા અમસ્તું કહ્યું પવનને- સ્માઇલ પ્લીઝ.
મેકઅપ બેકઅપ આભૂષણ બાભૂષણ છોડો,
પહેરાવી દો સ્મિત વદનને- સ્માઇલ પ્લીઝ.
ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે,
કહ્યું હતું જે ક્ષણે સ્વજનને- સ્માઇલ પ્લીઝ.
સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર,
કઈ રીતે કહેશો મનને- સ્માઇલ પ્લીઝ ?
– શ્યામલ મુનશી
