સંવાદિતા
કોરોના વાવાઝોડાંમાં પણ આપણે સામાજિક સંબંધોનો એક અત્યંત વરવો અને બિહામણો ચહેરો જોયો
ભગવાન થાવરાણી
ઘણી સામાજિક પ્રથાઓ કુરુચિપૂર્ણ લાગે છે તો ઘણી અરેરાટી ઉપજાવે એવી પણ. દેશે-દેશે અને સમાજે – સમાજે આવી પ્રથાઓના વ્યાપ પાછળ કોઈને કોઈ સામાજિક અને વિશેષ તો આર્થિક કારણ જવાબદાર હોય છે. આવી ઘણી પ્રથાઓ કાળે ક્રમે અને પરિસ્થિતિઓ બદલાતાં વિલય પણ પામે છે.
જાપાનનાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં છેક ઓગણીસમી સદી લગી એક ક્રૂર લાગે તેવી પ્રથા અમલમાં હતી. એ પ્રથાનું જાપાનીઝ નામ ઉબાસૂતે અથવા ઓયાસૂતે. એનો વાચ્યાર્થ થાય ‘ વડીલોને છોડી દેવાં ‘. આ પ્રથા હેઠળ મોટી ઉંમરના માબાપ કે વૃદ્ધ સગાંઓને એમના જ સંતાનોએ કોઈક પર્વત અથવા સુદૂરની વેરાન જગ્યાએ મૂકી આવવાનું રહેતું જ્યાં એ લોકો ભૂખ, તરસ અને અન્ય કારણોથી થોડાક દિવસોમાં મૃત્યુ પામતાં. સ્વાભાવિક છે, આ કુરિવાજના કારણમાં ઘરની પહેલેથી દયનીય આર્થિક હાલતમાં વૃદ્ધોના પેટ ભરવાનો ‘ બિનજરૂરી ‘ બોજો કારણભૂત હતો. આ ક્રિયાને અંગ્રેજીમાં SENICIDE ( સેનીસાઈડ ) કહેવાય છે.
યુરોપ અને એશિયાના અન્ય કેટલાક દેશોમાં પણ આ રિવાજ અલગ અલગ સમયમાં અલગ અલગ નામે પ્રચલિત હતો. ક્યાંક એની પાછળ અંધશ્રદ્ધા પણ જવાબદાર રહેતી પણ મહદંશે તો આર્થિક પશ્ચાદભૂ જ. જૂનું યુગોસ્લાવિયા અને હાલ જે સર્બિયા કહેવાય છે એ દેશના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રથા LAPOT ( લેપોટ ) નામે અસ્તિત્વમાં હતી. ત્યાં ધરના વયોવૃદ્ધ વડીલો, જે ઘરની અર્થવ્યવસ્થા ઉપર બોજ હોય એમને ગામના ચોકમાં લઈ જવાતા. ગામ આખાને નોતરું દેવાતું અને બધાંની હાજરીમાં એમને કુહાડી કે લાકડીથી મારી નાંખવામાં આવતાં.
જાપાનીઝ લેખક શિચીરો ફુકાઝાવાએ આ પ્રથાને કેંદ્રમાં રાખી એક નવલકથા ‘ ધી બેલેડ ઓફ નારાયામા ‘ ( નારાયામા પર્વતની ગાથા ) ૧૯૫૬ માં લખી. આ નવલ ઉપરથી પ્રથમ ફિલ્મ સર્જક કેસૂકે કિનોશિતાએ ૧૯૫૮ માં અને ત્યાર બાદ અન્ય એક પ્રતિષ્ઠિત સર્જક શોહેઈ ઈમામૂરાએ ૧૯૮૩ માં એ જ નામની ફિલ્મો બનાવી. બન્ને ફિલ્મનું કથાવસ્તુ મૂળ નવલકથાને વફાદાર રહીને ફિલ્માવાયું છે પરંતુ કિનોશિતાની ૧૯૫૮ ની ફિલ્મ જાપાનીઝ નાટ્ય પ્રકાર કાબૂકી શૈલીમાં છે જેમાં એક સૂત્રધાર હોય અને ગાયન – નર્તન પણ હોય. એ દરમિયાન તખ્તા પર મૂળ કથાનું નિરૂપણ પણ થતું રહે.
આપણે વાત કરીએ ૧૯૮૩ ની ફિલ્મની. ઓગણીસમી શતાબ્દીના જાપાનમાં નારાયામા પર્વતની તળેટીમાં વસેલા એક અત્યંત ગરીબ અને બારે માસ દુષ્કાળગ્રસ્ત એવા નાનકડા ગામમાં એવી પ્રથા હતી કે ગામનો કોઈ પણ માણસ કુદરતી મૃત્યુ પામ્યા વિના સિત્તેરની ઉંમરે પહોંચે તો એના પોતાના જ સંતાનો એને ઉપાડીને નારાયામાની ટોચે મૂકી આવે. ત્યાં જો એ ભૂખ-તરસથી ન મરે તો અસહ્ય ઠંડી અને બરફ વર્ષાથી મરી જ જાય ! નિયમોમાં પાછું એવું કે આવા વૃદ્ધને એનો જ્યેષ્ઠ પુત્ર જ પોતાના ખભે ઉપાડી જાય, વળી એ માટે એવી રીતે નીકળવાનું કે ગામનું કોઈ પણ એમને જોઈ ન જાય. કઠિન ચઢાણ દરમિયાન બન્નેમાંથી કોઈએ એક હરફ પણ ઉચ્ચારવાનો નહીં અને સ્હેજે પાછું વાળીને જોવાનું પણ નહીં.

ગામની વિધવા વૃદ્ધા ઓરીનને હજી ૬૯ થયા છે. એ દરેક રીતે કડેધડે છે. ધરનું બધું કામ એ પોતે કરે છે. એના બત્રીસેય દાંત સાબૂત છે પણ રિવાજની આમન્યા તો રાખવી જ પડે. એનો મોટો દીકરો તાત્સુહેઈ પોતે વિધુર છે અને માને દિલોજાનથી ચાહે છે. એ લેશમાત્ર રાજી નથી કે માને નારાયામા મૂકી આવવી. નાનો તો સાવ માથે પડેલો ગામનો ઉતાર છે. ઓરીન નારાયામાની અંતિમ મુસાફરી માટે તૈયાર છે પણ એ પહેલાં એની ખ્વાહેશ છે કે બન્ને દીકરાને ઠેકાણે પાડવા. મોટા માટે તો એણે બાજુના ગામની એક વિધવા સ્ત્રી શોધી પણ રાખી છે, પોતાના ગયા પછી થોડીક આસાની રહે એટલા માટે એ આ ભાવિ વહુને દૂર પર્વતોની આડશમાં આવેલા એક ગુપ્ત ઝરણાં પાસે લઈ જઈ ત્યાં ટ્રોટ માછલીઓ કેમ પકડવી એનો હુન્નર પણ શીખવે છે.
ભયાનક ભૂખમરાએ ગામમાં બીજી એક કુપ્રથાને જન્મ આપ્યો હતો. ગામમાં જો કોઈને પુરુષ બાળક જન્મે તો એને મારીને એનું મૃત શરીર ગામ પાસે આવેલા ડાંગરના ખેતરમાં નાંખી આવવાનું. ખાતરનું ખાતર અને એક વધુ પેટ ભરવામાંથી છુટકારો ! સ્ત્રી બાળકને જિવાડવાનો કારણ કે એ ભાવિ માતા છે !
ઓરીન પોતાની પાડોશમાં જ રહેતા એક વૃદ્ધને એનો દીકરો બાંધીને બળજબરીપૂર્વક નારાયામા લઈ જાય છે એ જૂએ છે અને મનોમન પોતાની આવી હાલત નહીં થવા દે એ નિશ્ચય કરે છે. પોતે અશક્ત અને બિચારી લાગે એટલા ખાતર એ પોતાના જ સાબૂત દાંત ક્રૂરતાપૂર્વક તોડી નાંખે છે!
ફિલ્મના કેટલાક દ્રશ્યો જુગુપ્સાપ્રેરક છે અને કેટલાક અમાનવીય અને ભારતીય માનસિકતા માટે અસહ્ય , એટલે એનો ઉલ્લેખ ટાળીએ. ફિલ્મમા થોડા ઘણાં જે ખુશનુમા દ્રશ્યો છે એમાં કુદરતના વિવિધ રંગો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની અવનવી મુદ્રાઓ, પક્ષીઓ – સર્પો – દેડકાંનું સાહચર્ય વગેરે થોડો થોડા અંતરે મૂક્યા છે.
અલબત્ત, ફિલ્મના અંત ભાગમાં પુત્ર કાત્સુહેઈ કમને પણ માની મક્કમતા આગળ ઝુકીને એને નારાયામાને હવાલે કરી પાછો ફરે છે.
વૃદ્ધા ઓરીનનું પાત્ર ભજવતી અભિનેત્રી સુમીકો સાકામોટોની ઉંમર એ વખતે એના પુત્ર તાત્સુહેઈની ભૂમિકા ભજવતા અભિનેતા કેન ઓગાટા જેટલી જ પચાસની આસપાસ હતી. ફિલ્મને ૧૯૮૩ ના કાન ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળેલો. ફિલ્મનું શીર્ષક એક લોકપ્રિય જાપાની લોકગીતની ધ્રુવ પંક્તિ છે જે ૧૯૫૮ વાળી ફિલ્મમાં લેવાયું છે.
વૃદ્ધોને પરાણે મૃત્યુ તરફ ધકેલવાનો ફિલ્ર્મનો વિચાર પ્રથમ દ્રષ્ટિએ ક્રૂર ભલે લાગે, એનો ઉદ્ભવ મજબૂર કરતી આર્થિક પરિસ્થિતિઓમાંથી નીપજ્યો છે એનો ઈન્કાર થઈ શકે નહીં. જરા સરખામણી કરીએ હમણાં થોડાક વર્ષો પહેલાંની કોરોના મહામારી વાળી એ દારુણ પરિસ્સાથિતિ સાથે જ્યારે વિકસિત રાષ્ટ્રોમાં પણ હોસ્પીટલોએ વૃદ્ધોને સારવાર આપવાનો ઈન્કાર કરવો પડેલો જેથી નાની ઉંમરના લોકોને બચાવી શકાય ! એ પણ એક પ્રકારનું ‘ ઉબાસૂતે ‘ જ હતું.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
