સંકલન : યાત્રી બક્ષી

વિશ્વની મોટાભાગની સભ્યતાઓમાં પ્રકૃતિના જતન બાબતે પીઢ જ્ઞાની વ્યક્તિઓએ કેટલીક પાયાની સમજ વિકસે એવા સંદેશાઓ વહેતા મૂક્યા છે. આ સભ્યતાઓમાં ભૌગોલિક રીતે જોઈએ તો ભારતીય દ્વીપકલ્પમાં વિકસેલી સભ્યતાઓએ કમાલ કરી છે.

એક પછી એક એવા દ્રષ્ટાઓ, જ્ઞાતાઓ અને સામાજિક વ્યક્તિત્વો આવ્યાં જેઓએ પેઢી દર પેઢી સર્વસમાવેશક જીવનશૈલી વિકસે એવા સંદેશાઓ અને પ્રચલનો આપ્યાં. મોટાભાગની સભ્યતાઓએ પોતાના દેવ-દેવી કે આસ્થાના પ્રતીકોમાં જીવસૃષ્ટિને સમાવી હોવાનું જાણવા મળે છે, પરંતુ ભારત સિવાયની સભ્યતાઓમાં ભય અને માન્યતાઓ બહુ પ્રારંભિક અવસ્થાઓથી જોવા મળે છે. જ્યારે ભારતીય સભ્યતાઓમાં તે દૈવીય તત્ત્વોને વાહન તરીકે પરિકલ્પિત કરેલા જોવાય છે. તે દર્શાવે છે કે વિવિધ જીવોને એ ઈશ્ર્વરી તત્ત્વો-શુભ અને લાભના વાહન તરીકે પ્રસ્થાપિત કરી તેને સન્માનવાનો પ્રયત્ન થયો છે. આ વિષય પ્રચારપ્રસારનાં માધ્યમોના અત્યંત પ્રારંભિક તબક્કાને દર્શાવે છે, અને તેની પાછળ લોકોને જીવો પરત્વે ભયના બદલે અહોભાવ વિકસાવવા તરફ દોરે છે, તેવું માની શકીએ. પરંતુ એથી આગળ જઈ વેદ-ઉપનિષદ, સંહિતાઓ પ્રકૃતિની જીવસૃષ્ટિથી આગળ જઈ ખગોળ, ભૂમિ, વર્ષા અને પાણીના સ્રોતોને મહત્ત્વ બાબતે પણ શિક્ષણ આપે છે. એ બાબતના અનેક શ્ર્લોકો મળી આવે છે.

આ પરંપરામાં અનેક ધર્મોના વિકાસને વિશિષ્ટ જ્ઞાન તરીકે જોઈએ ત્યારે આ સમગ્ર વિષય, માનવવિકાસમાં મનોવિજ્ઞાન અને સામૂહિક મનોવિજ્ઞાનની શાખા તરીકે વિકસતી જણાય છે. કેડી કંડારનારાઓને જાણવાના આ પ્રયત્નોમાં હાલમાં પ્રચલિત ધર્મ સંપ્રદાય લક્ષ્યમાં છે જ નહિ, પરંતુ તેમ છતાં વિશ્ર્વભરના ધર્મ સંપ્રદાયો પ્રકૃતિ-જતન બાબતે શું કહે છે એ ટૂંકમાં જોઈએ તો વિશ્ર્વની તમામ ફિલોસોફીકલ શાખાઓ એક સામાન્ય માર્ગદર્શન શોધવા તરફ પ્રેરે છે. જે પૃથ્વીના માનવસમુદાયની પ્રકૃતિ ઉપર અસર બાબતે વૈશ્ર્વિક સમાજને એક સૂત્રમાં બાંધે એવી શીખ આપે છે. સદીઓ પહેલાં જે ધર્મોએ આદેશો દ્વારા સામૂહિક આચરણ બાબતે દિશાઓ આપેલી તે એક થતું નવું વિશ્ર્વ પણ યાદ કરે, એ આશા યુ.એન.ના પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. વિજ્ઞાન, ધર્મના આદેશોના વાહનમાં બેસી સમુદાયોને શિક્ષિત કરે એ બહુ જૂની પદ્ધતિ છે. ફરી બહાઈ, બુદ્ધ, જૈન, હિન્દુ, ઇસ્લામ, ઈસાઈ, જ્યુડાઈઝમ, શીખ, તાઓ વગેરેના સંદેશાઓને ચકાસીએ તો તે તમામમાં પૃથ્વીનાં પરમ પોષક તત્ત્વોને જાળવવા બાબતે એક સૂર ગવાતો જોવાયો. અથર્વવેદનું ભૂમિસૂક્ત જાણે આ તમામ ધર્મોના સંદેશાઓમાં વણાયેલું અનુભવાયું.

સર્વ વિદિતનું પુનરાવર્તન કરું તો હિન્દુ પંચતત્ત્વોને પૂજે છે – વન્યજીવોમાં શક્તિ જુએ છે, જૈન માઈક્રોબાયોલોજી શાખાને વિકસાવી સૂક્ષ્મ જીવહિંસાને સમજાવે છે, બૌદ્ધ કર્મકાંડથી વિમુખ રહી સર્વને સ્વીકારવા કહે છે, ઈસાઈ કરુણા અને ઇસ્લામ નીતિમત્તાથી જીવન જીવવા પ્રેરે છે. ઋગ્વેદનું પૃથ્વી સૂક્ત અને તેનું વિસ્તરણ અથર્વ વેદનું ભૂમિસૂક્ત જાણે આ તમામ ધર્મોના સંદેશાઓમાં વણાયેલું અનુભવાયું. એટલે કે કાળક્રમે શું કરવું, શું ના કરવું તેવા યમ અને નિયમોની શીખ દ્વારા પોતાની સામૂહિક પ્રાકૃતિક સંપદાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનાં પ્રચલન, સભ્યતાઓ કે સમુદાયોમાં ધર્મ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યાં.

આ આચારવિચારની વહેતી ધારામાં ભારતમાં એક ગુરુ એવા મળી આવે છે જેણે પ્રકૃતિના સંરક્ષણમાં અભૂતપૂર્વ આસ્થા ધરાવતો સમુદાય ઊભો કર્યો. કેડી કંડારનારામાં આજે આ ગુરુ, તેમણે આપેલા નિયમો નિભાવતો સમુદાય અને વિશ્ર્વભરમાં હંમેશાં પ્રથમ રહેનારા પ્રકૃતિ માટેના બલિદાનની પ્રેરણા આપનાર તેની શિષ્યાની વાત કરવી છે.

પાંચમી સદીના અફાટ રણમાં થઈ ગયેલા સંત-ગુરુ જામભેશવરજી

જામભેશવરનો જન્મ ૧૪૫૧માં નાગૌરના દૂરના ગામ પીપાસરમાં પંવર કુળના રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ લોહત પંવાર અને હંસાદેવીના એકમાત્ર સંતાન હતા. તેમના જીવનનાં પ્રથમ સાત વર્ષ સુધી, ગુરુ જામભેશવરને મૌન અને અંતર્મુખ માનવામાં આવતા હતા. તેમણે તેમના જીવનનાં ૨૭ વર્ષ પશુપાલક તરીકે વિતાવ્યાં હતાં. ૩૪ વર્ષની વયે, ગુરુ જામભેશવરે સમરાથલ ધોરા ખાતે વૈષ્ણવ ધર્મના પેટા સંપ્રદાય-બિશ્ર્નોઈની સ્થાપના કરી. તેમના ઉપદેશો શબ્દવાણી તરીકે ઓળખાતા કાવ્યાત્મક સ્વરૂપમાં હતા. તેઓ કબીર (૧૪૪૦-૧૫૧૮), સુરદાસ (૧૪૮૩-૧૫૬૩), અને નાનક જેવા અન્ય ભક્તિ સંતોના સમકાલીન (૧૪૬૯-૧૫૩૮) હોવા છતાં એકબીજાને મળવાનો કોઈ ઐતિહાસિક રેકોર્ડ નથી, તેમણે ૫૧ વર્ષ સુધી પોતાના આદેશો-નિયમોના પાલનનો પ્રચાર કર્યો. તેમણે શબ્દવાણીના ૧૨૦ શબ્દ અથવા શ્ર્લોકોની રચના કરી હોવાનું મનાય છે, જે મોટાભાગે લોકોક્તિ રૂપે જ સચવાયેલી છે. ૧૪૮૫માં રાજસ્થાનમાં મોટા ભયંકર દુષ્કાળ પછી તેઓએ બિશ્ર્નોઈ સંપ્રદાયની સ્થાપના કરી હતી.

બિશ્ર્નોઈ શબ્દ – બીસ એટલે કે વીસ અને નોઈ એટલે કે નવ પરથી આવ્યો છે. જ્યારે બંને ઉમેરવામાં આવે છે, ત્યારે સરવાળો બિશ્ર્નોઈ થાય છે. બિશ્ર્નોઈ સમુદાયના આ ગુરુએ આપેલા નિયમોના આધારે એક આંદોલન શરૂ થયું એ જાણવું રસપ્રદ છે.

તેમણે સંપ્રદાય દ્વારા અનુસરવા માટે ૨૯ સિદ્ધાંતો નક્કી કર્યા હતા. તેના ૨૯ નિયમોમાંથી આઠ જૈવવિવિધતાને જાળવવા અને સારા પશુપાલનને પ્રોત્સાહિત કરવા, સાત સ્વસ્થ સામાજિક વર્તણૂક માટે દિશાઓ પ્રદાન કરે છે, અને દસ વ્યક્તિગત સ્વચ્છતા અને મૂળભૂત પ્રામાણિક સામૂહિક જીવન માટે નિર્દેશિત છે. અન્ય ચાર આજ્ઞાઓ દરરોજ વિષ્ણુની ઉપાસના માટે માર્ગદર્શિકા પૂરી પાડે છે. આપણે જાણીએ છીએ કે હિન્દુ પૌરાણિક ગાથાઓ મુજબ વિષ્ણુ એ પૃથ્વીના સંતુલનના દેવતા છે, જેઓ તત્ત્વો અને જીવોના સંયોજનને સંંભાળે છે.

બિશ્ર્નોઈ સમુદાયના પંથકમાં પ્રાણીઓની હત્યા અને લીલાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ અને તમામ જીવન સ્વરૂપોને રક્ષણ આપવાના નિયમોનો સમાવેશ થાય છે. સમુદાયને એ જોવા માટે પણ નિર્દેશિત કરવામાં આવે છે કે તેઓ જે લાકડાનો ઉપયોગ કરે છે તે નાના જંતુઓથી વંચિત છે. વાદળી કપડાં પહેરવા પર પ્રતિબંધ છે કારણ કે તે રંગ મેળવવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપવામાં આવે છે. પર્યાવરણીય સંતુલન જાળવવા અને પર્યાવરણના રક્ષણમાં સક્રિય અભિગમને કારણે તેઓને પ્રથમ ઈકો યોદ્ધા કહેવામાં આવે છે. ખેજરી વૃક્ષ (પ્રોસોપીસ સિનેરિયા),એ પ્રતિજ્ઞાઓ મુજબ આજે પણ બિશ્ર્નોઈઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે.

૨૯ નિયમો/સિદ્ધાન્તો ઉપરાંત જામભેશવરજીએ શબ્દમાં પોતાની ટીકા વર્ણવી છે. તેઓએ પ્રાણીઓ અને પર્યાવરણને પોતાની આદતો અને રીતરિવાજોમાં રહેલી બદીઓના કારણે કરાતી હિંસા અને વિનાશ બાબતે મધ્ય પૂર્વ પ્રાંતોમાંથી આવેલા મુસ્લિમ અને સ્થાનિક હિન્દુ બંનેની આકરા શબ્દોમાં ટીકા કરી છે, એમના દસમા શબ્દમાં તેઓ રહેમાનને માનનારાઓને રહેમ કરવા સમજાવે છે, તેઓ પ્રત્યેક જીવમાં એ જ રહેમાન વસતા હોવાનું કહી, હિંદુઓને તાંત્રિક કુપ્રથાઓમાં કરાતી હિંસાને અને તાંત્રિક-દંભી ગુરુઓને પણ વખોડે છે. જાણે કે વન્યજીવ સંરક્ષણ ધારો ૧૫-૧૬મી શતાબ્દીમાં લોક નીતિરીતિમાં પ્રવેશ કરે છે.

જામભેશવરના અન્ય પ્રવચન-જામ્ભસારમાં તેઓ છ નિયમો આપે છે, જેમાં જામ્ભરી પાલ -જીવહત્યાનો નિષેધ, જીવનીવિધિમાં પાણી અને દૂધને ગાળીને આરોગવું, જળાશયોના જીવોને જળાશયમાં જ રાખવા, ઉંદર સાપ-કીટકો વગેરેની અજાણતા હિંસા રોકવા બળતણનાં લાકડાં કે ગોબરને પૂરાં સૂકવી ઉપયોગમાં લેવાં અને હરણ મૃગને દુધાળા ઢોરની જેમ જ રક્ષણ આપવા જંગલ વગડાઓનું રક્ષણ કરવું જેવા નિયમોનો સમાવેશ થાય છે. તેમના દ્વારા પ્રચલનમાં મૂકવામાં આવેલા નિયમોને પ્રકૃતિ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો તેઓએ એક એવા સમાજનિર્માણની દિશા ચીંધી છે, જે ૨૦૧૨માં આપણા વિશ્ર્વ સમુદાયે ટકાઉ વિકાસના જે આંતરરાષ્ટ્રીય લક્ષ્યો જણાવ્યાં છે તેને સરળ રીતે આંબી શકીએ.

ઇકોલોજિકલી બેલેન્સ્ડ લાઈફ સ્ટાઇલ-સંતુલિત જીવન દ્વારા પ્રકૃતિના જતનના પાયાના સિદ્ધાન્તોને અમલમાં મુકાવી એક સમુદાય ઊભો કરી શકાય તેનું વિશ્ર્વભરમાં પ્રથમ ઉદાહરણ આ બિશ્ર્નોઈ સમુદાય કહેવાય. એક ગુરુ-સાચો નેતા પોતાની પ્રજાને આવી પ્રેરણા આપે એ અનુપમ કેડી કંડારનારા ગુરુ જામભેશવરને નમન એટલે પણ કરવાનું મન થાય કે એમના સમુદાયે સૈકાઓ અને દાયકાઓ પછી પણ નિયમોના પાલન વડે કેટલાંક ઊજળાં ઉદાહરણો આપી ગુરુએ આપેલા માર્ગને સતત પ્રશસ્ત કર્યો છે.

ખેજરી બલિદાન – પર્યાવરણ કાજે વિશ્ર્વનું પ્રથમ અહિંસક આંદોલન

બિશ્ર્નોઈ સમુદાય ગુરુ જામભેશવરે ૧૫૦૦ની આસપાસ સ્થાપિત કર્યો હતો. પ્રકૃતિનું રક્ષણ હંમેશાં બિશ્ર્નોઈ સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ૧૭૩૦ માં જોધપુરના તત્કાલિન મહારાજા અભયસિંહ મારવાડ રાજ્ય પર શાસન કરી રહ્યા હતા, તેઓને એક નવો મહેલ બનાવવા માટે ચૂનો રાંધવા માટે લાકડાંની જરૂર હતી. તેમણે રાજ્યના રાજકુમાર ગિરધારીદાસ ભંડારીની આગેવાની હેઠળ કર્મચારીઓને ખેજરીને કાપીને લાવવા મોકલ્યા. ખેજલડી ગામમાં પુષ્કળ ખેજડીઓ હતી. તે એક બિશ્ર્નોઈ પ્રભુત્વ ધરાવતું ગામ હતું. જોઈતાં લાકડાં મેળવવાં સૈનિકો ખેજલડી ગામ મોકલવામાં આવ્યા. અમૃતાદેવી નામના બિશ્ર્નોઈ મહિલા જોધપુર પંથકના આ ગામમાં રહેતાં હતાં, ખેજડી કપાઈ રહી છે જાણતાં અમૃતાદેવી નિર્ભયપણે દોડી જઈ સૈનિકોની કુહાડીથી ઝાડને બચાવવા વળગી પડ્યાં. સામંત પક્ષે વિચાર્યું કે મહિલાને બચાવવા અને વૃક્ષો કાપવા માટે લાલચ કામ કરશે પણ અમૃતાદેવી વૃક્ષ હત્યાનો વિરોધ કરતાં રહ્યાં, અંતે જાન ગુમાવવાની ધમકી આપવામાં આવી પરંતુ બિશ્ર્નોઈ મહિલા અડગ રહ્યાં. ધાર્મિક આસ્થાના પાલન માટે તેઓ લીલાં વૃક્ષોને બચાવવા માટે પોતાનો જીવ આપવા તત્પર રહ્યાં. તેઓએ સૈનિકને કહ્યું “सर सान्टे रुख रहे तो भी सस्तो जाण ! એક વૃક્ષ કાજે માથું પણ સસ્તું જાણ” કારણ કે બિશ્ર્નોઈ  તરીકે તેનું રક્ષણ કરવું તેની ફરજ છે. મહારાજના ફરમાનની અવગણના ગણી સૈનિકોએ ઝાડ કાપવા માટે લાવવામાં આવેલી કુહાડી વડે અમૃતાદેવીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. માતા સાથે આવેલી ત્રણ દીકરીઓ આસુ, રતની અને ભગુએ પણ બલિદાન આપ્યું. જોતજોતાંમાં બિશ્ર્નોઈ ગામોમાં વાત ફેલાઈ અને લોકો વૃક્ષોને વળગવા મંડ્યા. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. બિશ્ર્નોઈઓ ભેગા થયા અને ૮૩ બિશ્ર્નોઈ ગામોને સમાચાર મોકલાયા. ચારેયના સર્વોચ્ચ બલિદાનને અવગણી લીલાં વૃક્ષોને કાપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું, તેથી નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક લીલા વૃક્ષને બચાવવા માટે, એક બિશ્ર્નોઈ તેના જીવનનું બલિદાન આપશે. ટૂંક સમયમાં જ ગામના અન્ય લોકોએ પણ અમૃતદેવીના બલિદાનનું અનુસરણ ચાલુ કર્યું અને સૈનિકોએ તેમને મારવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે મહારાજાએ તેમના નિર્ણય પર પસ્તાવો કર્યો અને સૈનિકોને પાછા બોલાવ્યા તે પહેલાં ૩૬૩ (૬૯ મહિલા, ૨૯૪ પુરુષ) લોકોએ ખેજરી વૃક્ષોની સુરક્ષા માટે પોતાનો જીવ આપ્યો.

ખેજરી બલિદાન સર્વ પ્રથમ પ્રકૃતિ કાજે થયેલું અહિંસક લોક- આંદોલન છે, જેને બિશ્ર્નોઈઓ પોતાના ધર્મનું ફરજપાલન માત્ર માને છે. તેમના માટે દરેક છોડ અથવા પ્રાણી, મનુષ્યની જેમ જ એક જીવંત પ્રાણી છે અને તેથી તે સુરક્ષિત થવાને પાત્ર છે. આ એ ધર્મ છે જે મનુષ્યો, તેમના પર્યાવરણ, તેમની ધાર્મિક માન્યતાઓ અને એકબીજા વચ્ચે વધુ સારા સંબંધને ઉત્તેજન આપે છે, બધાને સુમેળથી જીવવા દે છે. આજે નિષ્ણાતો આને ‘ટકાઉપણું’ કહે છે, અને બિશ્ર્નોઈને ‘ભારતના પ્રથમ પર્યાવરણવાદી’ તરીકે ઓળખાવે છે પરંતુ સદીઓ સુધી એક સમુદાય તેને માત્ર પોતાની ફરજ ગણે છે.

ગુરુ જામભેશવર અને તેમના અનુયાયીઓએ પ્રકૃતિને સહાયક કાર્યો કરેલાં તેની વાત પણ મળી આવે છે. જેમ કે જેસલમેરના માર્ગે આવતા નંદેલુ ગામમાં બાંધેલું તળાવ કે જ્યાં વન્યજીવોનો પહેલો હક રહે છે. બિશ્ર્નોઈના ગામોમાં એવાં કેટલાંય જીવતાં મંદિરો છે જ્યાં નાનાં નાનાં વનો ઊભાં કરવામાં આવ્યાં છે અને ત્યાં રોજ પશુ પંખીઓને ચારો નાખવામાં આવે છે. અહીંનાં વૃક્ષોનાં સૂકાં પાંદડાઓ અને પક્ષીઓની હગારને ખાતર માટે વાપરવામાં આવે છે. આવા દર્શનીય સ્થળને સાથરી કહે છે, જે લોહવાટ અને લાલસાર ગામે જોવા મળે છે. અહીં જામભેશવરનાં વ્રતોને પથ્થરમાં કંડારી મૂકવામાં આવ્યા છે.

ખેજલડી એ સ્થાન છે જ્યાંથી ભારતમાં ચિપકો ચળવળની શરૂઆત થઈ હતી. ખેજડલીમાં તે મંગળવાર, કાળો મંગળવાર હતો. ૧૭૩૦ એ.ડી.માં ભાદ્ર (ભારતીય ચંદ્ર કેલેન્ડર) મહિનાના તેજસ્વી પખવાડિયાનો ૧૦મો દિવસ યાદ કરી આજે પણ મેળો ભરાય છે. અહીં ખેજલડી સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં, બિશ્ર્નોઈ સમુદાય હજી પણ અહીં એકઠા થાય છે.

ભારત સરકાર દ્વારા ૧૯૭૨માં એક દુરંદેશી ધારો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અમલમાં મૂકતા રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના પશ્ર્ચિમી ભાગોમાં ફેલાયેલા બિશ્ર્નોઈ સમુદાયે એક આગવી માન્યતા અને ઓળખ મેળવી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરકારોએ શરૂઆતમાં વન્યજીવોના સંરક્ષણ અને સંરક્ષણમાં યોગદાન માટે રાજ્ય-સ્તરીય અમૃતાદેવી બિશ્ર્નોઈ એવોર્ડની શરૂઆત કરી હતી. એવોર્ડમાં રોકડ રૂપિયા ૨૫,૦૦૦નો સમાવેશ થાય છે. પાછળથી ૨૦૧૩ માં, પર્યાવરણ અને વન મંત્રાલયે અમૃતાદેવી બિશ્ર્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની સ્થાપના કરી. રોકડ પુરસ્કારમાં વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવતા ₹૧,૦૦,૦૦૦નો સમાવેશ થાય છે.

વન્યજીવ સંરક્ષણ માટેનો પ્રથમ અમૃતાદેવી બિશ્ર્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી દ્વારા રાજસ્થાનના જોધપુરના ચિરઈ ગામના ગંગારામ બિશ્ર્નોઈને મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. ગંગારામ કેટલાક શિકારીનો પીછો કરી રહ્યા હતા જેમણે એક હરણને મારી નાખ્યું હતું અને શિકારીઓની ગોળીથી તેનું મૃત્યુ થયું હતું. ૧૧ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

લગભગ ૨૩૦ વર્ષ પછી, ૧૯૭૩માં, ઉત્તરાખંડમાં તેહરી-ગઢવાલમાં ચિપકો આંદોલન આ ખેજરી શહીદોથી પ્રેરિત હતું. ૨૦૦૧માં, પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપનારા લોકોને ઓળખવા માટે, તેમના સન્માનમાં એક રાષ્ટ્રીય પુરસ્કાર (અમૃતાદેવી બિશ્ર્નોઈ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એવોર્ડ) બનાવવામાં આવ્યો હતો. આના પરિણામે, બિહાર અને ઝારખંડમાં જંગલ બચાવો આંદોલન (૧૯૮૨), કર્ણાટકના પશ્ર્ચિમ ઘાટમાં અપ્પીકો ચાલુવલી (૧૯૮૩), અને અન્ય સમાન વિરોધનો જન્મ થયો. આ બધાનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરવાનો હતો અને પરિણામે જાહેર નીતિઓ બદલાઈ. ચિપકો આંદોલનની ‘ટ્રી-હગિંગ’ યુક્તિ અને તેના સંદેશાઓએ ભારતની સરહદોની બહારના ઘણા દેશોમાં લોકપ્રિયતા મેળવી, જેના કારણે સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, મલેશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં આ રીતે અહિંસક આંદોલનો થયાં છે.

ખેજરીને પશ્ર્ચિમ ભારત તેમજ પશ્ર્ચિમ એશિયાના ઘણા ભાગમાં એક મહત્ત્વપૂર્ણ પ્રજાતિ માનવામાં આવે છે કારણ કે તે ગરમ, શુષ્ક પ્રદેશોમાં સારી રીતે ઊગે છે અને તે લોકો અને પ્રાણીઓ બંને માટે ઉપયોગી છે. દાખલા તરીકે, પાકી ન ગયેલી શીંગોનો ઉપયોગ કેર-સાંગરીનું શાક બનાવવા માટે થાય છે જે કોઈપણ રાજસ્થાની થાળીનો મહત્ત્વનો ભાગ છે, દુકાળ દરમિયાન લોકો છાલનો ખાવામાં ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે પણ થઈ શકે છે, તેનાં મૂળ નાઈટ્રોજનનું સંતુલન કરે છે અને જમીનની ફળદ્રુપતા પુન:સ્થાપિત કરીને, ભૂમિ સુધારણા સાથે ગાય અને બકરા માટે સારા ચારાનો લાભ આપે છે.

(Source: Wikipedia)


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જૂન, ૨૦૨૪