ગીતોના ગઢવી ગણાતા કવિ શ્રી મુકેશ જોશીનું ત્યારે સાલું લાગી આવે ગઝલ–ગીત મન મમળાવે તેટલું મર્મભર્યું બન્યું છે. સ્વરકાર શ્રી શ્યામલ–સૌમિલના અવાજમાં સ્વરબદ્ધ થયું છે અને અનેક મેગેઝીનોમાં પ્રકાશિત થઈને ખૂબ જ જાણીતું અને સૌનું માનીતું પણ થઈ ચૂક્યું છે.
સૌથી પ્રથમ આપણે રચના માણીએ અને પછી તેનું રસદર્શન.
ત્યારે સાલું લાગી આવે…..
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.
સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
– મુકેશ જોશી
:રસદર્શનઃ
‘લાગી આવવું’ આ બે શબ્દો જ સંવેદનાથી તરબતર છે. દરેક માનવીને એની ભાવનાઓ કે વિચારો પર મનને ક્યાંક ને ક્યાંક, કશુંક લાગી આવે એ લગભગ સતત ચાલુ જ રહેતુ હોય છે. કારણ કે, જીવન કે જગતમાં ક્યાંય સંપૂર્ણ સમાનતા હોય તેવું નથી હોતું. તો આ બંને શબ્દોના અર્થને મુખ્ય ધ્વનિ તરીકે રાખીને મુકેશભાઈએ એક સુંદર અસરકારક રચના કરી છે.
માત્ર ૮ જ લીટીની આ રચના જીવનના સાર અને વિચારોની એક નવી દુનિયામાં લઈ જાય છે. શબ્દેશબ્દનો ખૂબ ઉચિત પ્રયોગ નોંધનીય છે.
‘સાલુ’ જેવો અતિ સામાન્ય શબ્દ અહીં નરમ,ગભરું સસલાની જેમ સંવેદનાની આસપાસ જાણે ગૂંચળું વળીને બિચારો બની ગોઠવાઇ ગયો છે. ગાગાગાગા નો હળવો લય પણ લાગણીના તારને અનુરૂપ થઈ ભળી ગયો છે.
ગીતનો ઉઘાડ કવિ કુદરતથી કરે છે. “પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે.. જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.” દેખીતી રીતે આમાં વાત તો સંવેદનાની છે, પણ માત્ર સંવેદનાની નથી. શબ્દોની ભીતર એક સનાતન સત્યનો, એના ક્રમનો અને સ્વીકારનો ભાવ છૂપાયેલો છે. જડ કે ચેતન સમગ્ર સૃષ્ટિનો એક નિયમ છે. ઊગવું અને આથમવું, ખીલવું અને ખરવું, ભીડ અને એકાંત, સભરતા અને ખાલીપણું કેટકેટલાં અર્થોને ‘લાગી આવવું’ શબ્દમાં ભરી દીધા છે અને તે પણ સાવ સાદા સીધા, સરળતાથી સમજાઈ જાય એવા શબ્દોમાં.
આગળ જઈને કવિ એક બીજી વિષમતાની વાત એક સુંદર પ્રતીક દ્વારા ચિત્રિત કરે છે. પર્વતારોહણ કરનાર કોઈ વ્યક્તિ લગભગ છેક ટોચ પર પહોંચવાની તૈયારીમાં હોય અને અચાનક એનું ધ્યાન ચળી જાય તો શું થાય? કવિ એ સ્પષ્ટ કહેતા નથી. ગબડી પડવાનો અર્થ આપણી પર છોડી દે છે! માત્ર એક ‘લાગી આવવું” શબ્દથી! શા માટે લાગી આવે? ચલિત થયેલ માણસ ગબડી પડે ત્યારે ને? થોડા શબ્દોમાં કેટલો મોટો ગર્ભિત ઈશારો! તેમાં પણ ‘રોજ પર્વતારોહણ કરનારા’ શબ્દમાં પણ એક ઉંચેરો સંદેશ છે. ખૂબ ઉપર જઈને અહમની ટોચે બેઠેલ માનવીનું મન જરાક પણ ચંચળ બને, સ્થિરતા ગુમાવે તો રોજની આદત હોવા છતાં, ક્ષણમાત્રમાં એ ફેંકાઈ જતો હોય છે. ધ્યેય પ્રત્યેની એકાગ્રતા અને નમ્રતાનું મહત્વ કેટલી સરળ રીતે કહેવાયું છે? એ કવિ હૃદયની સજાગતા દર્શાવે છે.
ક્રમિકપણે કવિ એક બીજાં વીંધતા વિરોધાભાસની, દિલને સોંસરવી ઉતરી જાય તેવી વાત કરે છે. એક ફૂટપાથ પર, ભૂખ્યાં બાળકો આંસુ પીને, ગરમ શ્વાસો ભરતાં પોઢી ગયાં હોય અને સામેની સડક પર એક આલીશાન હોટલ નજરે પડે….શું થાય ત્યારે? લાગી આવે ને? શબ્દેશબ્દમાં ભારોભાર દર્દ છે. ભૂખ્યું બાળક, ફૂટપાથ, આંસુ પીવું, સામે આલિશાન હોટલ.. કોઈ નાનું નિર્દોષ દુભાયેલું ભૂલકું ઉદાસ બનીને, મોં વકાસીને બેઠું હોય ને કોઈ એને પૂછે કે શું થયું તને? પછી એ માસુમ બાળક, હોઠને સહેજ લાંબો કરીને, રડમસ ચહેરે, ધીરે ધીરે એક પછી એક કારણો કહેતું જાય એવું કોઈ અજંપાનુ છતાં રિસાળ ચિત્ર ઉપસે છે અહીં. ઓહ..ઓહ. એક તીવ્ર રુંધામણની પીડાથી ભાવકોના હૈયાંને હલબલાવીને મુકેશભાઈ આગળ વધે છે.
જીંદગીમાં કેવી આકરી પરીક્ષાઓ થતી હોય છે તેની પણ એક કરુણ વાત જુઓ. કવિતાને અંતે એ કહે છે કે, કોઈની સામે કશોક પડકાર ફેંક્યો હોય, એ વિશેની તમામ પ્રકારની તૈયારી કરીને કોઈ બેઠું હોય, પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય પણ ખરે ટાંકણે પાસાં અવળાં પડે ને બાજી ઊંધી વળે ત્યારે કેવું લાગે? આ આખીયે લાચારીની લાગણીને કેવી સાહજિકતાથી અભિવ્યક્ત કરી છે અહીં! જીંદગીમાં આવતા વળાંકો અને અચાનક આવતા એક અલગ મોડની, કારમી વાસ્તવિકતાની વાત છે.
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
અહીં દુશ્મન,રણ અને મ્યાન તો એક રૂપક છે. ખરી વાત તો કંઈક બીજી જ છે. ભાવવિશ્વના કંઈક કેટલાય પડળો ખુલે છે. પુરુષાર્થ અને પ્રારબ્ધનો અર્થ પણ નીકળે છે અને જેના પર આખીય જીંદગી આધાર રાખ્યો હોય તે છેલ્લી ઘડીએ ફરી જાય એવી છૂપી વેદનાનો સૂર પણ અહીં સંભળાય છે. યુદ્ધ, રણ, મ્યાન અને તલવાર કોઈ સમરાંગણમાં નથી. આપણી આસપાસ, કદાચ આપણી પોતાની અંદર પણ હોઈ શકે. જેવું જેનું ભાવજગત. સાચી કવિતાનું આ જ તો સૌંદર્ય છે કે એમાંથી જાતજાતના દૄશ્યો અવનવા રૂપ ધરી પ્રતિબિંબિત થાય છે.
આમ, શરુઆતમાં વિષયના ઉઘાડથી માંડીને, ક્રમિક રીતે વિવિધ રૂપકો અને સજીવારોપણ અલંકારો રચી, અંત સુધી ‘લાગી આવવા’ના અનેક ચિત્રો તાદૃશ થયાં છે. ભાવ,લય અને સંગીતનો પણ સુભગ સંયોગ વર્તાય છે. સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે, અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલ આ ગીતનુમા ગઝલ ભાવકની ભીતર સુધી સ્પર્શ્યા વગર રહેતી નથી. કવિ શ્રી સુરેશ દલાલે સાચું જ કહ્યું છે કે, મુકેશભાઈના ગીતોમાં આંખના ખૂણે ભેજ પ્રગટાવવાની તાકાત છે અને લાગણીઓના પીંછામાંથી મોર ઊભો કરવાની કળા છે.
ddhruva1948@yahoo.com

કાવ્ય અને રસદર્શન બન્ને ખૂબ સરસ.
LikeLike