વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

સંધ્યાના ઓળા આકાશમાંથી ઉતરવા માંડ્યા હતા. આખા દિવસનો ઉજાસ સમેટીને સૂર્યદેવ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા. પંખીવૃંદ આ વિદાય પર મંગળગીતો ગાઈ રહ્યાં હતાં. પવનની ગતિ ધીમી પડી હતી.

આવા સમયે એક યુવતી પોતાના પિતાની સમાધિ પાસે ધ્યાનાવસ્થામાં બેઠી હતી. હૃદયના ભાવોની ચઢઊતર ચહેરા પર દેખાઈ રહી હતી. એ લુઇઝા હતી. અચાનક ચાર્લ્સનો  અવાજ સાંભળીને એ ધ્યાનભંગ થઈ. પિતાના મૃત્યુ પછી છેલ્લા પંદર દિવસથી લુઇઝાની આ હાલત હતી.

સ્પેનમાં નીતિ-અનીતિ, સરમુખ્યતારશાહી- ફાસીવાદ- અને પ્રજાતંત્રવાદ વચ્ચે તુમુલ સંઘર્ષ ચાલી રહ્યો હતો. માતૃભૂમિ માટે ખેલાયેલી આ ભીષણ ક્રાંતિ સમયે લુઇઝાના પિતા એમના અંત સુધી ઝઝૂમ્યા હતા. અંતિમ સમયે એમના ચહેરા પર સંતોષ અને શાંતિની આભા હતી. ચાર્લ્સ લુઇઝાના પરમવીર પિતાની આ ક્ષણોને યાદ કરીને લુઇઝાને આશ્વાસન આપવા મથતો.

લુઇઝા આ બધું જાણતી હતી છતાં પણ કોણ જાણે કેમ લુઇઝાની વેદના ઓછી થતી જ નહોતી. એનાં મનમાં પિતાની છેલ્લી ક્ષણે સ્વરમાં છલકાતી વેદના, ચહેરા પર અંકિત થયેલી કોઈ અસ્પષ્ટ આકાંક્ષાની છાયાથી અતિરિક્ત કોઈ દુઃખ હતું જે એ દિલ ખોલીને દર્શાવી શકતી નહોતી. ચાર્લ્સ પણ આ વાત સમજી શકતો હતો. લુઇઝા પ્રત્યે અપાર પ્રેમ હોવાથી એનું દુઃખ ઓછું કરી શકવાની અસમર્થતાનાં લીધે એ પણ વ્યથિત હતો. અંતે પોતાના પ્રાણના ભોગે પણ લુઇઝાની વ્યથા દૂર કરવાની ચાર્લ્સે પ્રતિજ્ઞા લીધી.

ચાર્લ્સ ક્યાં જાણતો હતો કે જેને એ અનહદ પ્રેમ કરે છે એ લુઇઝા એને નહીં ફિલિપ્સને પ્રેમ કરે છે? એ ફિલિપ્સ જેને રાષ્ટ્રવાદી સેનાની સાથે વિદ્રોહીઓની વિરુદ્ધ લડવા માટે સ્પેન રોકાઈ જવું પડ્યું હતું. લુઇઝાને ફિલિપ્સની ચિંતા સતાવતી હતી, એની તપાસ કરાવવી હતી પણ એ કોને કહે? ચાર્લ્સના પોતાના પ્રત્યેના અનહદ પ્રેમથી એ જ્ઞાત હતી આથી ફિલિપ્સની ભાળ કાઢવા માટે એને કહી શકતી નહોતી. લુઇઝાનું મૌન ચાર્લ્સને વધે ને વધુ અકળાવતું હતું.

“લુઇઝા, એવી કઈ વાત છે જે તને શૂળની જેમ વાગી રહી છે. એવું કયું દુઃખ છે જે તને આટલી હદે સતાવી રહ્યું છે. એક વાર તું મન ખોલીને બોલ અને તું જો કે તારો આ ચાર્લ્સ તારા માટે શું કરી શકે છે.” ચાર્લ્સની અધીરાઈ માઝા મૂકી રહી હતી.

લુઇઝા હવે પોતાની જાતને રોકી શકી નહીં. મનની પૂરી તાકાત એકઠી કરીને બોલી, “ચાર્લ્સ, મારો એક સાથી છે ફિલિપ્સ મેડ્રિડ, જેને વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ કરવા સ્પેન રોકાઈ જવું પડ્યું છે. આજ સુધી એની કોઈ ભાળ નથી મળી. ઈશ્વર કરે ને જો એને કંઈક થઈ….” અને એ આગળ બોલવાનાં બદલે ભાંગી પડી. શબ્દોના બદલે માત્ર એની સિસકીઓ ચાર્લ્સને સંભળાઈ. એ બે હાથે મ્હોં ઢાંકીને રડી પડી.

ચાર્લ્સને લુઇઝાના મનની અકળામણ, એના મનની વ્યથા સમજાઈ તો એ સન્ન થઈ ગયો. પ્રેમનાં આવેશમાં આવીને એણે વિચાર્યું હતું કે, લુઇઝા આકાશના તારા માંગશે તો એ તોડીને હથેળીમાં ધરી દેશે. એ એના પિતાની સમાધિ પર મોટી ઈમારત બનાવી આપવાનું કહેશે તો એ આકાશને આંબે એવી અટારી બનાવી દેશે. અરે ! કોઈ ઉચ્ચ પદાધિકારી માટે ફરિયાદ હશે તો એનો શિરચ્છેદ કરી દેશે પણ આ તો સાપના માથેથી એનો મણી ઉતારીને આપવાની વાત હતી. એને ક્યાં કલ્પના કરી હોય કે ભિક્ષામાં કોઈ એના જ પ્રાણ માંગી લેશે?  શરીરમાંથી જાણે લોહી સૂકાઈ ગયું હોય એમ ચાર્લ્સનો ચહેરો ફિક્કો પડી ગયો.

“લુઇઝા, હું તારા ફિલિપ્સનો પત્તો મેળવી આપીશ.” માંડ એ એટલું જ બોલી શક્યો. લુઇઝાની વ્યાકુળ નજરનો એ સામનો માંડ કરી શકતો હતો.

******

ફ્રાંસના કરકેસોન શહેરમાં પ્રભાતનો ઉજાસ રેલાવાની શરૂઆત થઈ હતી. જાણે રાત્રે આકાશ ઘેરીને ચમકી રહેલા તારકદળનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો હોય એમ સૂર્યના કિરણો અવની પર ત્રાટક્યા હતા. અંબરનો ચહેરો ક્રોધથી તમતમી ગયો હોય એમ એ લાલચોળ થવા માંડ્યું હતું. સમસ્ત વાયુમંડળ પર એનો અધિકાર સ્થપાવા માંડ્યો હતો. ચાર્લ્સનાં મનની હાલત પણ કંઈક એવી જ હતી. એને ક્યાં ખબર હતી કે સમગ્રતયા લાગેલી પ્રતિશોધની જ્વાળા કેવી ભભૂકી ઊઠવાની છે!

અસ્ત્ર,વસ્ત્ર સજીને, ઘોડો પલાણીને ચાર્લ્સ યાત્રાની તૈયારી કરીને નીકળતો હતો ને લુઇઝાએ એને રોક્યો. એ સાથે જવા માંગતી હતી.

“લુઇઝા, નાદાની ના કર. કોઈ કાળે આ શક્ય નથી. તને ખબર નથી કે હાલ સ્પેનની શી હાલત છે. કલાકો સુધી આસમાનમાંથી આગના ગોળા વરસે છે. કોઈનાય હાલ પૂછવાવાળા કે કહેવાવાળા નથી. વિશ્વાસ રાખ. ક્યાં તો હું બનતી ત્વરાએ ફિલિપ્સની ભાળ લઈને કે ફિલિપ્સને સાથે લઈને જ આવીશ. મારી રાહ જોજે.”

લુઇઝાને ત્યાં છોડીને ચાર્લ્સે ઘોડો દોડાવી મૂક્યો. લુઇઝા ચૂપચાપ ઊભી રહી પરંતુ એણે મનોમન એક નિર્ણય લઈ લીધો હતો.

સ્પેન અને ફ્રાંસ વચ્ચેનો રાજનૈતિક સંઘર્ષ ટાળી શકવાની હોય એમ પૂર્વથી પશ્ચિમ સુધી પ્રાકૃતિક પિરિનીઝની પહાડી શ્રુંખલા ફેલાયેલી દેખાતી હતી પરંતુ વિજ્ઞાનનાં બળ પર મુસ્તાક માનવજાતે પ્રકૃતિની છાતી પર પત્થરો મૂકીને પોતાનું આધિપત્ય જમાવાનો પ્રયાસ કર્યો હતો. પિરિનીઝ પાર કરીને એક સીધો પણ જંગલમાંથી પસાર થતો રસ્તો શોધીને ચાર્લ્સ આગળ વધ્યો. નાદાન લુઇઝા એનું આંધળું અનુકરણ કરતી પાછળ આવી રહી હતી.

જંગલના અજાણ્યા રસ્તે આગળ વધવામાં લુઇઝાને ડગલેપગલે મુશ્કેલી નડતી હતી. આમ તો એણે અનેકવાર ઘોડેસ્વારી કરી હતી પણ આવો ભયાનક અનુભવ ક્યારેય નહોતો થયો. અંગઅંગમાં પીડા થતી હતી છતાં એ રોકાવાનું નામ નહોતી લેતી. કહે છે ને કે, પ્રેમની પરીક્ષા ભારે કપરી હોય છે.

સ્પેનની સરહદ નજીક આવી રહી હતી.

‘ચાર્લ્સ સ્પેન પહોંચી ગયો હશે. એનું જીવન પણ સંકટમાં હશે. આકાશમાં મણ મણના ગોળા ફેંકાતા હશે.’ લુઇઝા વિચારી રહી. આ વિચારની સાથે જ ચાર્લ્સ જેવા વીર અને દૃઢપ્રતિજ્ઞ પુરુષે પોતાના માટે થઈને એનું જીવન સંકટમાં હોમ્યું છે એ યાદ આવતાં લુઇઝાનું હૃદય કાંપી ગયું. ભાવિ આશંકાથી એ થથરી ઊઠી. ચાર્લ્સ માટે સહાનુભૂતિ થઈ. સહાનુભૂતિ પ્રેમમાં પલટાઈ. વિચારમગ્ન લુઇઝાનો ઘોડો ઢાળ પરથી આપમેળે ઉતરી રહ્યો હતો. એટલામાં એક સ્પેનિશ સિપાહીએ એને રોકી. એ ચાર્લ્સ વિશે પૂછવા જતી હતી ત્યાં બાજુમાં એક ઝાડ પાસે બંધાયેલો ચાર્લ્સનો ઘોડો અને ઘોડાની નજીક જ સફેદ વસ્ત્રોમાં લપેટાયેલું એક શબ નજરે પડ્યું. સફેદ કફન હટાવીને જોયું તો જે ભાવિની આશંકાથી એનું મન ઘેરાયેલું હતું એ હકિકતમાં પલટાયેલી દેખાઈ. એ મૃતદેહ ચાર્લ્સનો હતો.

લુઇઝા બેહોશ બનીને ઢળી પડી. થોડી વાર પછી ચહેરા પર પાણીનો છંટકાવ થતાં એણે આંખો ખોલી. નજર સામે સિપાહીની વેશમાં ફિલિપ્સ દેખાયો. એ ચકિત થઈ ગઈ.

લુઇઝાની નજર ફિલિપ્સ પરથી ખસીને ચાર્લ્સ પર પડી. આ ક્ષણે પણ પોતની ભીષ્મપ્રતિજ્ઞા અને એની પરિપૂર્તિનાં ગૌરવથી એનો ચહેરો ચમકતો હતો. ચાર્લ્સનું શબ જોઈને કાંપેલી લુઇઝાએ ફિલિપ્સને ચાર્લ્સ વિશે સવાલ કર્યો.

પ્રવેશ-પત્ર વગર સ્પેનમાં પ્રવેશ કરવા બદલ ફિલિપ્સે ચાર્લ્સને મૃત્યુદંડ આપ્યો હતો. જે ફિલિપ્સ અને લુઇઝાના મિલન માટે ચાર્લ્સે જાનની પરવા કરી નહોતી એ ફિલિપ્સ જ ચાર્લ્સનો હત્યારો હતો. જેને મળવાની આતુરતા, ઝંખના લુઇઝાને અહીં સુધી ખેંચી લાવી હતી એ એના પ્રાણથી અધિક એવા ફિલિપ્સને મળવાની, બે શબ્દ પ્રણયના કહેવાની લિપ્સા જ મરી પરવારી.

એક તરફ મિલન હતું. એક તરફ વિયોગ. બેધારા ભાવથી લુઇઝા જાણે પાગલ બની રહી. ઉન્માદથી ઘેરાયેલી લુઇઝા ચાર્લ્સના ઘોડા પાસે ગઈ. એને પંપાળ્યો. ઘોડો હણહણ્યો અને બીજી ક્ષણે એનું માથું ઢળી પડ્યું. ઘોડાને છોડીને લુઇઝા ફરી એક વાર એક અજાણ્યા પથ પર, ક્ષિતિજને પેલે પાર અનંત તરફ નિરુદ્દેશ્ય ચાલી નીકળી.

ફિલિપ્સ બૂમો મારતો રહ્યો. “લુઇઝા…લુઇઝા…”

લુઇઝાનો અંતરાત્મા પોકારતો હતો…”ચાર્લ્સ…ચાર્લ્સ..”


ભુવનેશ્વર પ્રસાદ શ્રીવાસ્તવ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.