સંવાદિતા

 છઠ્ઠા દરિયા – વિભાજન વખતે પંજાબની પાંચ નદીઓ ઉપરાંત બન્ને કાંઠે ભરપૂર વહેલી આંસુ, લોહી અને વ્યથાની છઠ્ઠી નદીની વાત.

ભગવાન થાવરાણી

ફિક્ર તૌંસવી ( ૧૯૧૮ – ૧૯૮૭ ) ભારતના અને ઉર્દૂના પ્રખ્યાત  કટાર લેખક, કવિ અને વ્યંગકાર હતા. એમનું અસલ નામ હતું રામલાલ ભાટિયા. ફિક્ર ( એટલે વિચાર, માન્યતા, દરકાર ) એમનું તખલ્લુસ હતું. પંજાબમાં  લાહોરથી પશ્ચિમે ૫૦૦ કિ મી દૂરના ગામ તૌંસા શરીફના વતની હતા એટલે તૌંસવી. મૂળભૂત કવિ પણ મોટા લોકસમૂહ સુધી પહોંચવા કવિતા છોડી વ્યંગલેખન પસંદ કર્યું. હયુલે ( ભૂત પ્રેત ) એમનો કાવ્ય સંગ્રહ. આ ઉપરાંત ચૌપટ રાજા, ફિક્રબાની, પ્રોફેસર બુદ્ધુ, ફિક્રીયત અને બદનામ કિતાબ જેવા ૨૮ ઉર્દૂ હિંદી વ્યંગલેખોના સંગ્રહો પણ.

પત્રકારની નોકરીના કારણે પરિવારને તૌંસા શરીફ છોડી એકલા લાહોર આવી રહ્યા. ત્યાંના ઉર્દૂ મેગેઝીન ‘ મિલાપ ‘ ની એમની કોલમ ‘ પ્યાજ કે છિલકે ‘ એટલી લોકપ્રિય હતી કે અનેક લોકો એ વાંચવા માટે ઉર્દૂ લિપિ શીખેલા. ઉર્દુ સાહિત્યના ધુરંધરો કૃષ્ણ ચંદર, રાજિંદર સિંગ બેદી, ઈસ્મત ચુગતાઈ અને સાહિર લુધિયાનવી એમના મિત્રો હતા. આ ઉપરાંત ભાગલા બાદ પાકિસ્તાન રહી ગયેલા અહમદ રાહી, મુમતાઝ મુફતી, ચૌધરી બરકત અલી, આરિફ અબ્દુલ મતીન અને કતીલ શિફાઈ પણ.

વિભાજન પહેલાં, દરમિયાન અને પછી લાહોરમાં રહી પોતાની સગી આંખે જે તબાહી, હત્યાઓ, અંધાધુંધી, અમાનુષિકતા અને અત્યાચારો જોયાં એની ચશ્મદીદ દાસ્તાન એમણે ૯ ઑગસ્ટ ૧૯૪૭ થી ૮ નવેમ્બર ૧૯૪૭ દરમિયાન અનિયમિત દૈનિક હપ્તારૂપે વ્યંગના આવરણ હેઠળ લખી. એનું ઉર્દૂ પુસ્તક ‘ છઠ્ઠા દરિયા ‘ ( છઠ્ઠી નદી ) નામે ૧૯૪૮ માં પ્રકાશિત થયું. એ પછી છેક ૨૦૧૯ માં માઝ બિન બિલાલ નામના વિદ્વાન કવિ, અનુવાદક અને વિવેચકે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ‘ ધી સિક્સ્થ રીવર ‘ નામે રજૂ કર્યો. અહીં આપેલી હકીકતો એ પુસ્તકનો સારાંશ છે.

આશરે ૧૮૦ પાનાનું આ પુસ્તક ઉપરોક્ત ગાળા દરમિયાન લાહોર શહેરની પરિસ્થિતિનું બયાન કરે છે. પુસ્તક ત્રણ ભાગમાં છે. પહેલા ભાગ ‘ અંધેરે કે રેલે મેં ‘ માં ૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીની વાત છે. બીજા ભાગ ‘ યે કૌન સા મકામ હૈ ‘ માં ૨ સપ્ટેંબરથી ૧૫ ઓક્ટોબરની દાસ્તાન છે તો અંતિમ હિસ્સા ‘ આઓ ફિર સુબ્હ કો ઢૂંઢેં ‘ માં ૧૭ ઓક્ટોબરથી ૮ નવેમ્બરના નવ દિવસનું બયાન છે.

વિચારણીય વાત એ કે આ ગાળા દરમિયાન હજારો હિંદુ અને શીખોની કત્લેઆમ પોતાના લાહોરમાં જોયા છતાં અને એવા જ અસંખ્ય મુસ્લિમોની સામે પાર હત્યા વિષે સાંભળ્યા છતાં ફિક્ર જિદ અને આત્મવિશ્વાસપૂર્વક લાહોરમાં જ રહ્યા અને પોતે જે જોયું – અનુભવ્યું એ વિષે વ્યંગના ઓઠાં હેઠળ લખતાં રહ્યાં . અલબત્ત, એમને પોતાના કતીલ, સાહિર, મુમતાઝ, આરિફ, રાહી અને બરકત અલી જેવા મુસ્લિમ મિત્રોની ઓથ હતી જે એમના સાથી લેખકો – કવિઓ હતાં એટલું જ નહીં, એક જ પ્રકારની માનવીય, ધર્મનિરપેક્ષ વિચારસરણી ધરાવતા હમદર્દો પણ હતા.

આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા પ્રાપ્તિના એ ભીષણ સમયમાં એક કરોડથી યે વઘુ હિંદુસ્તાની પ્રજાએ દેશની પૂર્વ અને પશ્ચિમની સરહદો દારુણ પરિસ્થિતિઓમાં ઓળંગી અને મજબૂરન નવાં મુલકમાં આવી વસ્યા. આપણને એ પણ ખબર છે કે હજી ગઈ કાલ સુધી એકમેકના પડોશી એવા વિધર્મી લોકોએ ધર્મનાં ઝનૂન હેઠળ પોતાના જ દેશના લોકોના શા હાલ હવાલ કર્યા પણ એનો આંખે દેખ્યો અને હળવી ભાષામાં આલેખાયેલો આ ગંભીર અહેવાલ હચમચાવી મૂકે છે. જે લાહોરમાં થયું એ જ દેશ ભરમાં પણ. એક બાજુ આ પાશવિકતા હતી તો સામે પક્ષે એવા અનેક દાખલા છે જે આપણા માણસાઈમાંના ભરોસાને પુનર્સ્થાપિત કરે છે. ફિક્રના મુસ્લિમ મિત્રો એનું જીવતું જાગતું ઉદાહરણ છે.

પુસ્તકમાં એક હૃદયસ્પર્શી પ્રસંગ છે. ઘણી કશ્મકશના અંતે ફિક્ર લાહોર છોડી ભારત – અમૃતસર ચાલ્યા જવાનું નક્કી કરે છે. સાહિર સહિતના એના મિત્રો એને લાહોરના હિંદુ નિરાશ્રિત કેંપમાં મૂકવા આવે છે. કેંપનો ગુરખો – હિંદુ ચોકીદાર એને પ્રવેશ આપવા એનાં હિંદુ હોવાની સાબિતી માંગે છે. એને એ પણ આશ્ચર્ય થાય છે કે આટલાં બધાં મુસ્લિમ મિત્રો એને મારી નાંખવાને બદલે એને જીવતો કેંપમાં છોડવા આવ્યા ! ફિક્રને કેંપમાં છોડી જતાં પહેલાં સાહિર સમગ્ર ઈસ્લામ વતી એની માફી માગે છે.

પુસ્તકમાં આલેખાયેલા અન્ય એક પ્રસંગમાં લાહોરના ગુંડાઓને ખબર પડે છે કે ભાગલાના આટલા દિવસો પછી પણ એક હિંદુ પોતાના મુસ્લિમ મિત્રો સંગે લાહોરમાં રહે છે. એ લોકો એને ધમકી આપી ઘરની બહાર બોલાવે છે. ફિક્ર એમને પોતે મુસ્લિમ છે એમ કહી સાબિતીમાં કલમા શરીફ પઢે છે. એ ટોળકીને સામું પૂછે છે ‘ તમે કુરાન વાંચ્યું છે ? નમાઝ કેમ અદા કરાય તે જાણો છો ? હું જાણું છું. તમે કહો, મારી જાતને મુસલમાન સાબિત કરવા  બીજું શું જરૂરી છે ? ‘

ફિક્રનો લાહોર અને પંજાબ પ્રેમ જોઈ એના અખબારનો ‘ સજ્જન ‘ મુસ્લિમ મેનેજર એને સમજાવટપૂર્વક ઈસ્લામ અંગીકાર કરી આ બધી જફામાંથી છૂટવાનું કહે છે. અહીં રહી જવા મળે તો પાકિસ્તાનના નાગરિક કહેવડાવવામાં પણ ખચકાટ ન અનુભવતા ફિક્રને એ મંજૂર નથી કારણ કે માનવતા સિવાય કોઈ ધર્મને એ માનતા નથી.

કરૂણતાની પરાકાષ્ઠા એ કે ફિક્રના ગામ તૌંસામાં એમનો જ એક પડોશી અને જૂનો મુસ્લિમ મિત્ર એમની કિશોર વયની દીકરીને ક્રૂરતાપૂર્વક મારી નાંખે છે. વિચલિત થઈ ગયેલા ફિક્ર પોતાના મુસ્લિમ મિત્રોને પોતાની પત્ની અને બીજી દીકરીને બચાવી લાવવા તૌંસા મોકલે છે પણ આવા વાતાવરણમાં બે હિંદુ સ્ત્રીઓને આટલી લાંબી મજલ કાપી લાવવી કેમ ? અને અહીં લાહોરમાં વળી કઈ સલામતી હતી ? આ બધું થવા છતાં ફિક્ર પોતાની એ માન્યતામાં અડગ રહે છે કે એક કલાકારનું કામ જીવનના મૂળભૂત સત્યોની હિફાઝત કરવાનું છે અને માનવતા એ જ એનો પ્રથમ અને આખરી ધર્મ છે.

વધુ એક વિડંબનાની વાત એ કે પંદરમી ઓગસ્ટે જ્યારે સરહદની બન્ને પાર આઝાદીની ઉજવણી થઈ રહી હતી ત્યારે લાખો લોકોને એ ખબર નહોતી કે એમનું ગામ, શહેર કે વિસ્તાર પાકિસ્તાનમાં જશે કે ભારતમાં. અંગ્રેજ ધારાશાસ્ત્રી રેડક્લીફે વિભાજન રેખાની જાહેરાત કરી સતરમી ઑગસ્ટે ! એ જાહેરાત થતાં એક વધારાની અરાજકતાએ જન્મ લીધો. ઘણા મુસ્લિમ બહુમતીવાળા શહેરો ભારતમાં ગયા અને હિંદુ બહુમતીવાળા પાકિસ્તાનમાં ! જે લોકો નિશ્ચિંત થઈ બેઠા હતા એમને રાતોરાત જીવ બચાવી ‘ પોતાને દેશ ‘ ભાગવું પડ્યું !

સમગ્ર ડાયરીમાં ડગલે ને પગલે ફિક્રે ગાંધીજી, નહેરૂ, જિન્નાહ અને ભાગલાને સ્વીકૃતિ આપનાર સૌ નેતાઓ ઉપર પ્રહારો કર્યા છે. એમના નિર્ણયની સરખામણી એમણે મુહમ્મદ તઘલખના ચાર સો વર્ષ પહેલાંના રાજધાની બદલવાના નિર્ણય સાથે કરી છે. એ હેરાફેરીમાં હજારો લોકો માર્યા ગયા હતા.

અંતે ૮ નવેમ્બરના ફિક્ર મજબૂરી વશ અમૃતસરની ખાલસા કોલેજની નિર્વાસિત છાવણીમાં પહોંચે છે. ત્યાં એમને ખબર પડે છે કે એમની પત્ની અને ( બચેલી ! ) દીકરી પણ સહી સલામત અંબાલા પહોંચી ગયેલા.

એ દિવસે દિવાળી હતી. નિરાશ્રિત કેંપમાં ઉજવણીની રોશની કરવામાં આવેલી પણ પોતાનું સર્વસ્વ ગુમાવી આવેલા ચીંથરેહાલ બદનસીબોને દિવાળી કેવી ? શું ઉજવણી કરે ?

આ પુસ્તક ઈતિહાસના શુષ્ક પૃષ્ઠોમાં એટલો ઉમેરો કરે છે કે વંચાય છે એ બધું જમીન ઉપર કેમ જીવાય છે, શરીર પર કેમ ઝીલાય છે અને હૃદયમાં કેમ અનુભવાય છે. એ આપણા સૌના સહિયારા પરાજયની કથની છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.