પ્રવાસી યુ. ધોળકિયા

હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિઓએ વિશ્વની સૃષ્ટિના સર્જક પરમ પિતાને  બ્રહ્મ સ્વરૂપે અનુભવ્યા હતા. તેથી તેઓએ તેમની આંતરિક ચેતના દ્વારા એ પણ જાણી લીધું હતું કે એ પરમ ચૈતન્યએ ઈચ્છા કરી અને સમગ્ર બ્રહ્માંડનું સર્જન થઈ ગયું. પરંતુ આ બધા ગહન વિષયો સામાન્ય લોકોની સમજની બહાર હતા. વળી આપણા ધર્મગ્રંથો પણ જગતમાં પંચદેવો કઈ રીતે પુજાતા થયા એ વિશે બહુ પ્રકાશ પાડતા નથી. તેથી પંચદેવો વિશે કંઇ સમજીએ તે પહેલાં સૃષ્ટિ સર્જનની પ્રક્રિયા સમજવી જરૂરી બની રહે છે.

વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સર્જન પ્રક્રિયાને સારી રીતે વ્યક્ત કરનાર એક રહસ્યવાદી ગુરુ કોઈ ભારતીય નથી, પરંતુ આજથી ૧૨૫ વર્ષ પહેલાં થઈ ગયેલ રશિયન  ચિંતક જ્યોર્જ ગુર્જિયફ છે. સર્જનની પ્રક્રિયાનું વિશ્લેષણ તેમણે તેમનાં પુસ્તક, IN SEARCH OF THE MIRACULOUS – FRAGMENTS OF AN UNKNOWN TEACHING[1]  માં આપ્યું છે. ગુર્જિયફ પોતે અક્ષરજ્ઞાન નહોતા ધરાવતા. એટલે આ પુસ્તક તેમણે તેના શિષ્ય અને મહાન વિચારક પી ડી ઔસ્પન્સકી પાસે લખાવ્યું છે. ગુજરાતીમાં તેનું ભાષાંતર સ્વ. ભાલચંદ્ર દવેએ ‘અલૌકિકની ખોજમાં’ (પ્રથમ આવૃતિઃ ૧૯૯૮) તરીકે કરેલું છે.

સર્જન કિરણ નીચેની આકૃતિમાં સમજાવ્યું છે.

ક્રમ નામ પરિબળ ભારતીય નામ સાત સુર આઘાત
મહાસત્તા

(Absolute)

૦ (શૂન્ય) પરબ્રહ્મ, વિરાટ પુરુષ સા
સમગ્ર વિશ્વ

(All World)

ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ, હિરણ્યગર્ભ રે પ્રથમ આઘાત
નિહારીકાઓ

(Nebula)

આકાશગંગા
સૂર્યો

(aal Suns)

૧૨ આપણો સૂર્ય
સૂર્યોની ગ્રહમાળાઓ

(All Planets)

૨૪ આપણું ગ્રહમંડળ દ્વિતીય
પૃથ્વીઓ

(All Earths)

૪૮ આપણી પૃથ્વી (જીવસૃષ્ટિ)
All Moons ૯૬ આપણો ચંદ્ર નિ

ગુર્જિયફ પોતાના વિશ્લેષણમાં જણાવે છે કે આ સર્જન કિરણમાં ત્રણ ગુણો (સત્વ, રજસ, તમસ) અને સાત અંક (સુર) ની ખાસ ભૂમિકા છે. વળી જેમ સંગીતના સાત સૂરમાં ‘સા’ અને ‘રે’ વચ્ચે જેમ અંતરો (Octave ) હોય છે. એ અંતરાનો ધક્કો ન લાગે તો સર્જન પ્રક્રિયા આગળ નથી વધતી. તેથી ‘સા’ અને ‘રે’ વચ્ચેનો  કુદરતી છે અને સર્જન આગળ વધે છે. આઘાતનો બીજો તબક્કો ‘સૂર્ય’ અને ‘પૃથ્વી’ વચ્ચે છે. આ આઘાત આગળનાં પરિબળો પૂરાં પાડે છે, અને આપણી પૃથ્વી સજીવ બને છે,. વધારામાં આપણાં પંચદેવો – બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ તથા સૂર્યનો ઉલ્લેખ ગુર્જિયફની પ્રક્રિયામાં સ્પષ્ટ જોવા મળે છે.

હવે પછી આપણે અલગ અલગ દેવો પર વિશ્લેષણ કરીશું.

 

ત્રિમૂર્તિના પ્રથમ દેવતા અને અખિલ વિશ્વના કર્તા – બ્રહ્મા

ત્રિમૂર્તિના પ્રથમ દેવતા

ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધાએ સનાતન ધર્મનો પાયો છે. ईशावास्यम् ईदम् सर्वम् । એ તેનો મહામંત્ર છે. તેથી જ, આ પરંપરામાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિમુર્તિ પ્રધાન પદે છે. તેઓને અનુક્રમે જગતની સંરચના, પાલન અને સંહારની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

બ્રહ્માજી આ જગતના કર્તા છે. તેથી જ આ મહાકાય સૃષ્ટિને બ્રહ્માંડ નામ આપવામાં આવ્યું છે. વેદોમાં બ્રહ્માનો ઉલ્લેખ એક દેવતા તરીકે નથી મળતો. વેદો તેને પુરુષ સુક્તમાં ‘પુરુષ’ તરીકે ઓળખાવે છે. પરબ્રહ્મની એકમાંથી અનેક થવાની ઈચ્છામાંથી સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાની જે શરૂઆત થઈ તેના પ્રથમ કર્તા તરીકે તે હિરણ્યગર્ભમાંથી પ્રગટ થયા. આ રીતે બ્રહ્મા, પ્રજાપતિ, પુરુષ અને હિરણ્યગર્ભ એ બધું એક જ છે. વેદો બ્રહ્માને વિશ્વકર્મા, બૃહસ્પતિ, બ્રહ્મણાસ્પતિ, ધાતા અને વિધાતા તરીકે ઓળખાવે છે. શતપથ બ્રાહ્મણ અને મનુસ્મૃતિ પ્રમાણે બ્રહ્મા સ્વયંભૂ, એટલે કે આપમેળે, પ્રગટ થયા છે. મનુસ્મૃતિ પ્રમાણે બ્રહ્માએ પહેલાં ‘આપ’ જળ ઉત્પન્ન કર્યું. પછી તેમાં પોતાનું બીજ રોપતાં ‘સુવર્ણ અંડ’ સર્જાયું. સુવર્ણ અંડમાંથી બ્રહ્મા – હિરણ્યગર્ભ – પ્રગટ્યા. પુરાણોમાં તેમને હરિ અને મહત તત્ત્વ તરીકે વર્ણાવાયા છે. મહત્ માંથી બુદ્ધિ, અહંકાર, ૧૧ ઇન્દ્રિયો, પંચ-તન્માત્રાઓ અને પંચમહાભૂત સૃષ્ટિ સર્જાઈ છેં[2].

મહાભારત જણાવે છે કે આરંભમાં પ્રલય સ્થિતિ સમયે સર્વત્ર અંધકાર વ્યાપ્ત હતો ત્યારે અંડનો પ્રાદુર્ભાવ થયો. સમગ્ર સૃષ્ટિ મહાવિદ્યામાં લીન હતી. આ અંડમાંથી બ્રહ્મા સર્જાયા. તેઓએ દેવો, અસુરો, અને અનેક પ્રજાનું સર્જન કર્યું વરાહ અવતાર રૂપે વિરાટ મહાસાગરનાં પાણીમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરીને પૃથ્વી પર જીવસૃષ્ટિ સ્થાપિત કરી. આમ, બ્રહ્માજી આપણા પિતામહ છે.

અગ્નિ પુરાણ, ભાગવત અને હરિવંશપુરાણના જણાવ્યા પ્રમાણે અનંત શય્યામાં પોઢેલા વિષ્ણુની નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉદભવ્યા અને પછી તેમણે આ સૃષ્ટિ રચી. આ રીતે માંડુક્ય ઉપનિષદનાં એ ઉચ્ચારણ – ब्रह्मा देवानां प्रथमः सम्बभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता । –  સાથે આપણે સહમત થશું

બ્રહ્માએ માત્ર ભૌતિક અને સજીવ સૃષ્ટિ જ નથી સર્જી, પણ તેનાં યોગ્ય સંચાલન અર્થે ચાર યુગ, ચાર વર્ણ અને ચાર વેદો પણ સર્જ્યા છે. એટલે જ બ્રહ્માનાં ચાર મુખ છે. ચાર બાજુઓવાળો સ્વસ્તિક બ્રહ્માનું પ્રતિક છે. તે માનવ માત્રનું અમોઘ સુરક્ષા કવચ છે. બ્રહ્મા સર્વજ્ઞાનના અધિષ્ઠાતા છે અને ત્રિકાળજ્ઞાની છે. ભૌતિક સૃષ્ટિનાં સર્જન પહેલાં બ્રહ્માજીએ માનસી સૃષ્ટિ અને મૈથુની સૃષ્ટિનું સર્જન કર્યું. તે પછી, મૈથુની સૃષ્ટિ દ્વારા ભૌતિક સૃષ્ટિની રચના કરી. બ્રહ્માજીના માનસપુત્રોમાં સનતકુમારો, મરિચિ, અત્રિ, અંગીરસ, પુલત્સ્ય, પુલહ, દ્રતુ, પ્રચેતા, ભૃગુ, વશિષ્ઠ અને નારદ છે. આમાંથી જ માનવ જાતના ઉદ્ધારકો, સપ્તર્ષિ અને સાત પિતૃઓ આપ્યા છે. બ્રહ્માનાં અન્ય સંતાનો પ્રજાપતિ, દક્ષ, ધર્મ, મનુ અને મન્મથ (કામદેવ) છે. પરિણામે એક બાજુ માનસ સૃષ્ટિમાંથી માનવ જાતને સંયમ, સત્ય, અહિંસા અને તપનાં ઉદાત્ત તત્ત્વોની ભેટ મળી. બૌદ્ધ અને જૈન ધર્મોના આ પાયાના સિદ્ધાંતો માનસપુત્રોના આ ઉદાત્ત ગુણો પરથી રચાયા છે. તો બીજી બાજુ મૈથુની સ્રૂષ્ટિના પરિપાકરૂપે માનવીમાં મૂળભૂત રીતે કામ,ક્રોધ, લોભ, મોહ,મદ અને મત્સરનું  જન્મથી જ આરોપણ થયેલું છે.  તેથી જ માનવ સ્વભાવે અડધો પશુ અને અડધો દેવ છે.

બ્રહ્માએ સૃષ્ટિનાં સર્જન પછી એક ઘડીનો પણ આરામ નથી કર્યો, કેમકે આ વિશાળકાય સૃષ્ટિના કાલગણના અને સમયગણનાની નિયમિતતાની જાળવણી બ્રહ્માજીને શિરે છે. તેથી આપણી આંખની પાંપણ એક નિમિષ ફરકે ત્યારથી સમય દોડવા લાગે છે. આવી પંદર નિમિષમાંથી એક કાષ્ટ બને છે. કાષ્ટમાંથી સમય – કાલની જે ગણત્રી આગળ ચાલે છે તે તો આપણને ચકરાવી નાખે એવી છે. કાષ્ટમાં કળા, મુહૂર્ત, દિવસ, પખવાડિયું, માસ, અયન, વર્ષ, મહાયુગ, કલ્પ અને બ્રહ્માનું વર્ષ અને બ્રહ્માનું જીવન બને છે, જે માનવ ગણત્રી મુજબ ૩૧,૧૦,૪૦,૦૦૦,૦૦૦,૦૦૦ વર્ષ થાય.

બ્રહ્મા સતયુગના દેવતા છે. તેમ છતાં તેમણે જે સૃષ્ટિ રચી તે રજોગુણી છે. તેથી બ્રહ્મા રજોગુણી દેવતા મનાય છે. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને અત્યાચાર વધી જાય છે ત્યારે બ્રહ્માજી જ વિષ્ણુને અવતાર લેવા રાજી કરે છે. રામાયણની રચના કરવાની પ્રેરણા તેમણે જ વાલ્મિકીને આપી. વેદવ્યાસે જ્યારે મહાભારત રચ્યું ત્યારે તેનો બોધ સમગ્ર વિશ્વને સુલભ બને એવો અનુરોધ પણ બ્રહ્માજીએ જ કર્યો. ભગવાન બુદ્ધને ‘જ્ઞાન’ પ્રાપ્તિ થઈ તે પછી તેનો લોકોપદેશ કરવાની દોરવણી પણ બ્રહ્માજીની જ હતી. બ્રહ્માના સાત સુરો પર આપણો સૂર્ય ટકી રહ્યો છે. શિવ – પાર્વતીનાં લગ્ન વખતે પુરોહિતની ભૂમિકા નિભાવીને તેમણે વિશ્વને એક આદર્શ દંપતિની ભેટ ધરી.

બ્રહ્માજી ગૂઢવાદ – અધ્યાત્મવિદ્યાના સ્થાપક છે. તેમના પુત્ર અથર્વણને તેમણે આ બ્રહ્મવિદ્યા – મધુવિદ્યા જાતે શીખવી. પછી તે જ્ઞાન વિરંચી અને ઈન્દ્રએ પ્રાપ્ત કર્યું. આ વિદ્યાને આધારે માનવ જાતનો આત્મિક ઉદ્ધાર શક્ય બન્યો.

અખિલ વિશ્વના કર્તા

ત્રિમુર્તિ બ્રહ્મા વિશ્વના કર્તા છે અને प्रथमस्य देव છે. તેઓએ ભૌતિક સૃષ્ટિ રચી અને તેના પર સજીવ સૃષ્ટિનું આરોપણ કર્યું. બ્રહ્માજીના આપણા પર અનેક ઉપકાર છે જેની વાત આપણે અગાઉ કરી ગયા છીએ.

મહાભારતનાં શાંતિપર્વમાં વિશ્વમાં આજ સુધી થયેલાં સાત ધાર્મિક પરિવર્તનો દર્શાવાયાં છે, જેમાં આપણો સનાતન ધર્મ પણ આવી જાય છે. વિષ્ણુ ભગવાનનાં જુદા જુદાં અંગોમાંથી પ્રગટ થઈને બ્રહ્માજીએ આ પરિવર્તનો સંપન્ન કર્યાં હતાં. પરિણામે, પૃથ્વી પર ધર્મ ટકી ગયો. અસુરો અને દેવો પહેલાં સમાન રીતે પવિત્ર હતા. અસુરો બ્રહ્માનું છેલ્લું સર્જન છે. આ પવિત્ર અસુરોમાંથી જ પારસીઓના આહુરમઝદા પ્રગટ થયાનું આપણા વિદ્વાનોનું મંતવ્ય છે.

માનવ્ જાતિ પણ પોતાના પિતામહ, બ્રહ્મા,ને ભુલી નથી. આપણા મહા ગુરુ તરીકે આપણે તેમને હંમેશાં गुरुर ब्रह्मा ને સ્થાન આપ્યું છે. પૂજા અર્ચના માટે વહેલી સવારનો જે સમય આપણે શ્રેષ્ઠ ગણીએ છીએ તેને બ્રાહ્મ મુહુર્ત કહે છે. સ્મૃતિઓમાં જે આઠ પ્રકારના સંસ્કાર વર્ણવવામાં આવ્યા છે તેમાં બ્રાહ્મ વિવાહ શ્રેષ્ઠ ગણાય છે. આપણાં ઘરની વાસ્તુ વિધિ વખતે સૌ પહેલાં બ્રાહ્મ શીલાની સ્થાપના એ મુખ્ય વિધિ છે. આપણા મંદિરોમાં જે દાઢીવાળા ભગવાન જોવા મળે છે તે બ્રહ્મા છે. મરણોત્તર શ્રાદ્ધ ક્રિયામાં પીંડોની સ્થાપના ભલે વિષ્ણુએ કરી હોય પણ મહાવિષ્ણુ પછી બીજું સ્થાપન બ્રહ્માજીનું જ કરવામાં આવે છે.

રાજસ્થાનમાં આવેલાં પુષ્કર તીર્થને આપણે સર્વોત્તમ તીર્થ માનીએ છીએ. પુરાણ કથા મુજબ, બ્રહ્માજી યજ્ઞ કરવા માટે યોગ્ય સ્થાનની શોધ અર્થે નીકળ્યા હતા. તે સમયે તેમના હાથમાંનું કમળ જે જગ્યાએ પડ્યું ત્યાં પુષ્કર તીર્થ બન્યું. બોધ ગયા અને ગયા પણ મૂળતઃ તો બ્રહ્માજીનાં તીર્થો હતાં. એક સંશોધન પ્રમાણે બ્રહ્માને અશ્વત્થ વૃક્ષ (પીપળો) તરીકે પૂજવામાં આવતા હતા. કેટલાક માને છે કે આ વૃક્ષમાં ત્રિમૂર્તિનો નિવાસ છે. મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને પર્ણોમાં શિવજીનો વાસ છે. મોહેં – જો – દડોની સંસ્કૃતિના પ્રદેશમાંથી અશ્વત્થ વૃક્ષની અનેક સીલ મળી અવેલ છે જે બ્રહ્માજીને આપણા પ્રાચીન દેવ તરીકે પ્રસ્થાપિત કરે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જે સૌથી વધારે વિનાશક શસ્ત્ર મનાય છે તેને બ્રહ્માસ્ત્ર નામ આપવામાં આવ્યું છે.સુદર્શન ચક્ર પણ ખરેખર તો બ્રહ્મચક્ર જ હતું. આપણા દરેક પવિત્ર સ્થળોમાં બ્રહ્મકુંડ અવશ્ય હોય છે.

ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન સાથે સંકળાયેલી બ્રાહ્મણ જ્ઞાતિનું નામ પણ બ્રહ્મા પરથી પડ્યું છે તેવું આધુનિક સંશોધન બતાવે છે. આપણા શિલ્પ ગ્રંથોએ બ્રહ્માની મૂર્તિ બહુ ભાવનાપૂર્વક રચી છે. આ મૂર્તિમાં બ્રહ્માને તેમનાં આસન કમળ પર બેઠેલા કે ઊભેલા કે વાહન હંસ પર સવાર થયેલા દર્શાવાય છે.  તેમનાં ચાર મુખ અને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં સુર્વા (ઘી)થી ભરેલું પાત્ર છે, જે તેઓ વિશ્વના પુરોહિત હોવાનું પ્રતિક છે. ડાબા હાથમાં જે પુસ્તક છે તે વેદ છે. નીચેના જમણા હાથમાં અક્ષમાળા છે જે કાળનું પ્રતિક છે. નીચેના ડાબા હાથમાં જે કમંડળ છે તેમાં વિશ્વ સર્જન સમયનું જળ છે.

બ્રહ્માજી આપણા પિતામહ હોવા છતાં સેંકડો વર્ષોથી ઉપેક્ષિત બન્યા છે. સમગ્ર ભારતમાં તેમનાં માત્ર સત્તર જ મંદિરો છે. તેમાંનાં સાત મંદિરો ગુજરાતમાં છે. બ્રહ્માજીને સમજવા માટે ખેડબ્રહ્માનાં મંદિરની મુલાકાત ખાસ લેવા જેવી છે.

આજનો હિંદુ સમાજ મુખ્યવે વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. આ બધામાં બ્રહ્માજી ગૌણ બની ગયા છે. શ્રી તારાપદ ભટ્ટાચાર્ય નામના વિદ્વાન માને છે કે બ્રહ્માજીની પરંપરા વૈદિક પરંપરા કરતાં પણ પ્રાચીન છે. વિષ્ણુના પ્રથમ ત્રણ અવતારો – મસ્ત્ય, કચ્છપ અને વરાહ – ખરેખર તો બ્રહ્માના અવતારો છે. બ્રહ્માનો સંપ્રદાય પંચરાત્ર કે સપ્તરાત્ર તરીકે જાણીતો હતો. અહીં ‘રાત્ર’નો અર્થ રાત્રિ નહીં પણ બ્રહ્માનું તનુ – શરીર – એવો થાય છે. પાંચ તત્ત્વોમાં આપ, તેજ, મરૂત, પૃથ્વી અને તન્માત્રાઓનો સમાવેશ થય છે. સપ્તરાત્ર સંપ્રદાયમાં ૭ અને ૧૭ની સંખ્યાઓ બ્રહ્માની પ્રિય સંખ્યાઓ છે.

કાળક્રમે બ્રહ્માની પૂજા અને લોકપ્રિયતા ઘટ્યાં. શિવ અને વિષ્ણુ સમાજ પર છવાઈ ગયા. એટલે પુરાણોમાં એમ દર્શાવાયું છે કે બ્રહ્માએ ‘સ્ત્રી’ની રચના કરી. એ રીતે ‘સ્ત્રી’ બ્રહ્માની પુત્રી ગણાય.  પણ બ્રહ્મા પોતાની પુત્રી ઉષા (કે શતરૂપા) ઉપર જ કામાસક્ત થયા અને સૃષ્ટિની રચના કરી.  વળી એક વાર તેઓએ પોતાને શિવ કરતાં પણ મહાન બતાવવાની ભૂલ કરી. તે ઉપરાંત, તેમણે દેવો કરતાં રાવણ, ઇંદ્રજીત, અરુણ દાનવ, હલાહલ, તારકાસુર, શુંભ – નિશુંભ જેવા દાનવોને વધારે અસરકારક વરદાનો આપ્યાં. આ બધાં કારણોસર તેઓ જનસમાજની નજરેથી ઉતરી ગયા. ત્રણ કલ્પ સુધી તેમની આરાધના વિશ્વમાં નહીં થાય એવો નારદે બ્રહ્માને આપેલો શ્રાપ આમ ફળ્યો.

આમ સરસ્વતી, બ્રહ્માણી અને ગાયત્રીના પતિ, ત્રિમુર્તિના અગ્રેસર અને સમગ્ર સૃષ્ટિના કર્તા બ્રહ્મા પશ્ચાદભૂમિકામાં ધકેલાઈ ગયા.  જોકે હિંદુ જનમાનસ બ્રહ્માજીને સાવ વીસરી નથી ગયું. તેથી ઋગ્વેદનાં સુક્ત સાથે  આપણે સહમત થઈએ છીએ કે

स दाधार पृथिवीं दयामुतेमां
कस्मै देवाय हविषा विधेम

‘હે બ્રહ્મા, તમે જગતનો આધાર છો.
તમારા સિવાય અમે અન્ય ક્યા દેવની પૂજા કરીએ’.

હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ત્રિવિક્રમ વિષ્ણુની વાત કરીશું


[1] http://www.gurdjieff.am/in-search/index.pdf

[2]

૧૧ ઇંદ્રિયો : કાન, ત્વચા, આંખ, જીભ, નાક, વાચા (જીભ), હાથ, ઉપસ્થ (લિંગ), ગુદા, પગ અને મન. આમાં પ્રથમ પાંચ ઇંદ્રિયોને ‘જ્ઞાનેન્દ્રિય’ તથા પછીની પાંચને ‘કર્મેન્દ્રિય’ કહે છે, જ્યારે ‘મન’ને ઉભયેન્દ્રિય (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય) કહેલ છે.

પાંચ તન્માત્રાઓ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.

પંચ મહાભૂતઃ આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.