દેવિકા ધ્રુવ
આજે, ૧૧ જુલાઈ ૨૦૨૪ના રોજ, ચોથો દિવસ.. હ્યુસ્ટનમાં એક જબરદસ્ત તોફાન આવીને ચાલ્યું ગયું…
૧૩મી સપ્ટે,૨૦૦૮માં ‘આઈક’ અને ૨૮મી ઑગષ્ટે ૨૦૧૭માં ‘હાર્વી’ નામે હરિકેન પછી, આ ૮મી જુલાઈ ( ૨૦૨૪)ના રોજ ‘બેરિલ’ નામના હરિકેને હ્યુસ્ટનમાં ભયાનક તાંડવો કર્યાં.
એ આવનાર છે એની આગાહી તો હતી જ અને તેથી સજ્જતા પણ પૂરેપૂરી હતી. પણ જ્યારે ૮મી તારીખની પરોઢિયે જોરશોરથી ધૂમધડાકા શરૂ થયા કે તરત જ એક આંચકા સાથે આંખ ઉઘડી ગઈ. એની ગતિ જ્યારે તીવ્રતાએ પહોંચી ત્યારે તો એમ જ લાગ્યું કે જાણે જંગલનાં તમામ હિંસક પશુઓ એકસામટાં આપણી તરફ ધસી રહ્યાં છે અને તે પણ માતેલા આખલાની જેમ! માથે છત પર સેંકડો ભાલા, બરછી, તીર, તલવાર, કરવત, કુહાડા સાથે જાણે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું.
જરાક અમસ્તું બારીમાંથી ડોકિયું કર્યું તો કુદરત બિહામણી લાગી. વા, વીજ, વાદળ ને વરસાદ, કે જે આમ તો ખૂબ વહાલાં, પણ તેય વીજળીના કડાકા સાથે જાણે રાક્ષસ બની ભયંકર રીતે ત્રાટકધિન્ ત્રાટકધિન્.ધિન્. કરી સખત ડરાવતાં હતાં.
આ તાંડવ સળંગ બે કલાક ચાલ્યું. દરમ્યાનમાં જુદીજુદી રીતે, મનોમન ‘સુપ્રીમ પાવર’ને અમે પ્રાર્થતાં રહ્યાં. થોડીવાર પછી હિંમત કરી લિવિંગ રૂમમાં જઈ Sliding Glass Doorના પડદાને ખસેડી નજર કરી તો ઓહોહોહોહો…’બેકયાર્ડ’નાં તમામ છોડ, પાન, ફૂલો, પૉટ્સ, અરે, ‘ટૂલબોક્સ સોફા બધું જ્યાં ને ત્યાં ફંગોળાઈને રગડ્યે જતું હતું. એકાદ-બે ગભરા કબૂતર/ચકલીની લાશ તરતી હતી, સામેના તળાવનો ફૂવારો તો ક્યારનોયે તૂટીને ઢળી પડ્યો હતો અને પાણી ધસમસતા વેગે અડધા યાર્ડ સુધી આવી ગયું હતું, વહેણનો ધસારો તો એમ લાગે કે આ તળાવ છે કે ગાંડો બનેલો દરિયો!! ઈલેક્ટ્રીસીટી ખોરવાઈ ગઈ હતી. અંધારી આલમ પર પ્રકૃતિનો બેરહમી જુલમ ચાલી રહ્યો હતો. વમળમાં ચકળવકળ તરફડતું ‘બેરિલ’ ફાંફાં મારતું મંદ ગતિએ ધીમું પડતું જતું હતું.
પૂરા સાડા પાંચ કલાક સુધી આભ મૂશળધાર રડતું રહ્યું. બહારની દુનિયામાં શું થયું હશે તે તો ઇન્ટરનેટ બંધ હોવાને કારણે ખબર જ ન હતી. મોબાઈલ્સ પણ બેટરી સાચવી રાખવાને કારણે કંઈ સમાચાર જણાવતા ન હતા. પાછળથી ખબર પડી કે આપણને તો ખાસ કંઈ નુક્સાન થયું નથી. હ્યુસ્ટનમાં તો આ ‘બેરિલ’ નામના રાક્ષસને કારણે કેટલીક જાન-હાનિ પણ થઈ છે, મકાનો અને છાપરાંઓ ભાંગ્યા છે, વૃક્ષો ઉખડ્યાં છે, વાડો તૂટી છે, ૧૧૦૦ જેટલી ફ્લાઈટ્સ કેન્સલ થઈ, લાખો લોકોને ત્રણથી ચાર દિવસ સુધી લાઈટ વગર રહેવું પડ્યું; અને સૂરજ તો બિચારો…ક્યાંયે ગાયબ, સાવ અદૄશ્ય..
આજે ચોથો દિવસ. હવે લગભગ બધે જ વીજળીનો સંચાર થતાં શબવત્ જીવનક્રમમાં પ્રાણ ફૂંકાયો છે, ચેતના સળવળતાં સૌ પ્રાણી, જીવજંતુ વગેરે બેઠાં થયાં છે અને વૃક્ષો પણ થોડી મરામત પછી ધીરેધીરે ટટ્ટાર થવા માડ્યાં છે. વાદળાં અને વરસાદ એમની અજુગતી, કઢંગી લીલા પછી સ્તબ્ધ છે. વમળમાંથી અથાગ પ્રયત્ન પછી બહાર આવેલો જળપ્રવાહ ઠરીને શાંત પડ્યો છે અને સૂરજે પોતાનું હૃદય ચીરીને, રક્ત ટપકતાં રંગના લસરકા સાથે સહાનુભૂતિભર્યો સાથ વ્યક્ત કરવા માંડ્યો છે.

પ્રકૃતિના પ્રકોપનાં આ તે કેવાં અને કેટલાં રૂપો? હરિ-cane!! ક્યારેક જળપ્રપાત, કદીક ચક્રવાત, ક્યારેક વળી આગ-જ્વાલા અને ધરતીકંપ. બ્રહ્માંડનાં જે પાંચ તત્ત્વો ( પૃથ્વી, જળ ,વાયુ, અગ્નિ અને અવકાશ.) પોષક છે તે જ જ્યારે અસંતુલન બને ત્યારે પ્રકોપ થાય છે, વિનાશ થાય છે. માનવ પ્રકૃતિનું પણ એમ જ છે ને ? શરીરનાં તત્ત્વોનાં અસંતુલનથી ઘણાં પ્રકારની તન અને મનની વ્યાધિઓ જન્મે છે.
મન ઈશ્વર તરફ આભારવશ છે, એમ વિચારીને કે આવી ભીષણતા વચ્ચે અને તે પછી પણ, જીવનસેતુ અકબંધ છે. તેથી જ તો એ શ્રદ્ધા પણ અકબંધ જ છે કે, બહુ દૂર નહિ એવા સામે દેખાતા પડાવ સુધી એ હેમખેમ પાર પહોંચાડશે જ.
—દેવિકા ધ્રુવ
જુલાઈ ૧૧,૨૦૨૪
