સોરઠની સોડમ
ડો. દિનેશ વૈષ્ણવ
ક્ષમાયાચના –
મારા બેય હાથમાં “ટ્રીગર ફિંગર”ની વ્યથા આવીતી ને હું “કીબ્રોડિંગ” નો‘તો કરી સક્તો. હાલપૂરતું પીડિત આંગળીઓમાં ઇન્જેક્શનો લઈને ગાડું ગબડાવું છ. પછી મને બીજી વાર કોવિડ થ્યો ને એમાંથી પણ હવે સાજોનરવો થ્યો છ. બાકી ઉંમરની નાનીમોટી ઉપાધીઓને તો હું હવે ગણકારતો નથી કારણ ઈ રોજનું થ્યું. પણ આનંદ ઈ છે કે લાંબાસમયના અંતરાલે પણ આપ વાંચક મિત્રો સમક્ષ હું તરોતાજો આવું છ કારણ કે મને આશા છે કે મારી ગેરહાજરીને દરગુજર કરી આપ ફરી મને વાંચશો ને પ્રોત્સાહિત ટિપ્પણ લખશો.

મેંદરડામાં ભાગેરથીબેન આગળ “ક્કો બારખડી” ને એકથી દસ લખતાં શીખીને મને છ વરસની ઉંમરે યાંની તાલુકાશાળામાં ભાણજીભાઈના વર્ગમાં પે’લા ધોરણમાં બેસાડ્યો. તે યાંથી લઈને નવસારીમાં કોલેજનું ભણતર પૂરું કર્યું યાં લગી મારું ભણતર ચોપડીઓ વાંચીગોખી ને સારા માર્ક્સમાં સીમિત હતું. કોલેજમાં ભણ્યો ત્યારે પપ્પાએ જરૂરિયાતથી વધુ પુરા પાડેલ પૈસા અને જે ફાજલ વખત હાથે હતો એનો સદ્દઉપીયોગ કરવાનું પણ મને ભાન નો’તું. પણ આ બેયને ઓળંગે એવી મારી મોટી નબળાઈ ત્યારે ઈ હતી કે મારામાં સ્વતંત્ર વિચારશક્તિ જ નો’તી. પરિણામે ગતાગમ વિનાના પણ જો કોઈ વડીલ ક્યાંક કે’તો ઈ હું સનાતનસત્ય માનતો કે જેનો નીચેનો એક જ પુરાવો પૂરતો છે.
તો ઈ ૧૯૬૭ની સાલે ઈંટરસાયન્સમાં મારા માર્ક્સ પ્રમાણમાં ઓછા આવ્યા એટલે જામનગર મેડિકલ કોલેજમાં દાક્તરીનું હું ન ભણી શક્યો પણ ત્યારે નાનીમોટી શિષ્યવૃતિ હારે મને પીલાણીમાં “ફાર્મસી”માં, કર્નાલમાં “ફૂડસાયન્સ એન્ડ ટેક્નોલોજી”માં અને આણંદમાં “વેટરનરી સાયન્સમાં” એડમિશનો મળ્યાંતાં. આ ત્રણેય એડમીસનો મળ્યાનો મને આનંદ હતો ને હું વિચારતોતો કે આગળ સું ભણવું. એવામાં પપ્પાના મિત્ર કે જેની આજીવિકા શીતળાની રસી ટાંકાવાની હતી ઈ વડીલ મને મેડીકલમાં એડમિશન ન મળ્યું એનો ખરખરો કરવા ઘેર આવ્યા. ઈ શોકસભા પતી પછી મારા આગળ ભણવાના વિચારો જાણી ને એને કીધું,”તું ફાર્મસીનું ભણીને કેમિસ્ટ થઈસ તો ઝંડુના બામ ને સુગંધી તેલની સીસી વેં‘ચીને પેટ નહીં ભરી સક ને ફૂડસાયન્સનું ભણીને રસોયો થઈસ કે વેટરનરીનું ભણીને ઘોડાદાકતર થઈસ તો વાંઢો મરીસ. એટલે જો તું મારું માન તો પેથોલોજીનું ભણીને ઝાડોપેશાબ તપાસવાની લેબોરેટરી જૂનાગઢમાં ઉઘાડ, ગામને જરૂર છે.”
બસ, આ રસીદાક્તરની સલાહ બાદ કાંઈ પણ વિચાર્યા વગર, કોઈને પૂછ્યા વગર કે કોઈનું સાંભળ્યા વગર હું નવસારી જઈને માઇક્રોબાયોલોજીમાં બી.એસસી. થ્યો. આ વિષયમાં યુ.ની.માં હું બીજા નંબરે પણ આવ્યો પણ પેથોલોજી લેબ ખોલીને કોકનાં ઝાડોપેશાબ ફેંદવાની મને માનસિક જ ચીતરી ચડી. વળી હું નાગર ને સૌ જાણે છ એમ અમારી નાતને ઈશ્વરે ઘણું દીધું છ પણ વાણિજ્ય વૃત્તિ, ધંધે પૈસા રોકવાની હામ ને નફોતોટો ગણવાની આવડત ન દીધી. એટલે ઈ લેબોરેટરીનો વિચાર તો આમારા ઘરના ઉંબરે પણ ન આંબ્યો. પણ ત્યારે હું નસીબે બળિયો હોઇસ એટલે મને માઇક્રોબાયોલોજીમાં એમ.એસસી. કરવા શિષ્યવૃતિ મળી ને ઈ મેં નવસારીમાં જ ચાલુ કર્યું. પછી પે’લા બેચાર મહિનામાં “ગુજરાત સમાચાર” ને “સંદેશ” છાપાંઓ ઉથલાવતાં મેં જોયું કે મારી હારે ભણતા ને બીજા ને ત્રીજા વર્ગમાં બી.એસસી. પાસ કરેલ ત્રણેક છોકરાઓ વધુ અભ્યાસર્થે અમેરિકા ગ્યાતા. એટલે મારા માથે ઈ ભૂત સવાર થ્યું, માં-પપ્પાએ મંજૂરી દીધી ને હું આગળ ભણવા યુ.એસ. ૧૯૭૦માં આવ્યો. કે’વાનું બિનજરૂરી જ છે કે હું મારી અલ્લહડ, અણઘડ અને “ખાધુંપીધું ને રાજ કર્યું” એવી યુવાનીના સરવાળા રૂપે કિંમત વિનાના “લીલા સોપારી” જેવો યુ.એસ. પે’લી વખત આવેલ ને ઈ પણ ઈ જ ઇરાદે કે ભણીને હું પાછો ભારતમાં જ – અને શક્ય હોય તો ગુજરાતમાં – સારી નોકરી ને છોકરી હારે સ્થાયી થઈસ.
આંઈ સાત વરસ ભણ્યો ને એમ.એસ. અને પીએચ.ડી. થ્યો. એમાં પે’લાં દોઢેક વરસ મને કોઈ શિષ્યવૃતિ ન મળી ને મળી ત્યારે ઈ અપૂરતી હતી. વળી ઈ દાયકાઓમાં ભારત સરકાર પણ દર સાલ માત્ર બે સેમિસ્ટરના ભણતર પૂરતું જ – ખીસા ખર્ચીનું નહીં – મૂડીચલણ દેતી. ત્યારે સાડાચારેક રૂપિયાનો એક યુ.એસ. ડોલર એવો મોંઘોદાટ વટામણ દર પણ હતો એટલે મેં મનોમન થામી લીધેલ કે પપ્પા પાસેથી વધુ પૈસા ન લેવા. પરિણામે દા.ત. ૧૯૭૧ના ઉનાળામાં પૈસાના અભાવે મેં બેએક મહિના બપોરના પાંચ સેન્ટસમાં અનલિમિટેડ કોફીએ પેટ ભર્યું ને ચારેક મહિના મિત્રની કારમાં અકસ્માતે તૂટેલી પાંસળીઓએ લાકડાની ઘોડીએ આવકજાવક રોજના છ કી.મી. હાલીને નોકરી કરી.
અમારા કેમ્પસમાં નવું બાંધકામ થાતુંતું એટલે ૧૯૭૨ના ઉનાળે પચાસ કિલોની એક એવી રોજની સોએક રેતીની કોથળીઓ મેં મારા ખભે સારી જેના વેતનમાં હું રોજના દસ ડોલર્સ કમાતો. તો ૧૯૭૩માં પાંચેક મહિના અઠવાડિયાના સાતેય દી’ રોજના આવકજાવક ૪ કી.મી. હાલીને “ડેરી સાયન્સ ડિપાર્ટમેન્ટ”માં સવારના ચારથી સાત ચીઝ બનાવા જાતો અને આઠથી સાંજના ચાર ક્લાસીસ ભરતો. ઉપરાંત મફત ખાવા મળે એટલે સાતેય વરસ યુ.ની.ના કાફેટેરિયામાં રોજ બે કલાક વેઈટર બન્યો. આ બધાં કામોમાં પણ દર શનિવાર સિવાય સાંજના સાતથી રાતના બાર ભણવામાં અને રિસર્ચમાં વ્યસ્ત રે’તો. વધુમાં હું તમાકુ ખાવાનો બંધાણી હતો પણ ઈ આઈ ન મળતી એટલે મિત્રો પાસે માંગીને મેં સિગારેટો ને ઈ લોકો ના પાડે ત્યારે ઠૂંઠા પણ વીણીને ફૂંકતો.
ટૂંકમાં,આ દેશમાં સંજોગોએ મને નાની વયે ઘણના ઘાએ ઘડ્યો અને સેલ્ફમેઈડ બનાવ્યો. નીતિનું કોઈ કામ નાનું નથી ઈ સમજ દીધી અને મારાથી શક્ય એટલું જે તે કામ ઉત્તમ કરવાની ઉર્જા અને વર્ક એથીક્ક્ષ આપ્યાં. મને નખશીખ પ્રમાણિક બનાવ્યો ને પૈસાની અછતમાં કેમ જીવવું અને સમય અને પૈસાનું કેમ સફળ સંચાલન કરવું ઈ પણ આ દેશે મને નાની વયે શીખવ્યું. વધુમાં ભણતાંભણતાં હું જે કાંઈ પુસ્તક બા’રનું શીખ્યો અને “વર્તુળાકાર જ્ઞાન” મેળવ્યું એમાં મારા એમ.એસ. અને પીએચ.ડી.ના ગાઈડ/પ્રોફેસર સ્વ.ડો. બ્રાઉનનો પણ જંગી ફાળો હતો.
છથી વધુ વરસે ૧૯૭૬ના ડિસેમ્બરમાં મારું પીએચ.ડી.નું ડ્રાફ્ટ ડિઝર્ટેશન કમિટીને રીવ્યુ કરવા આપીને ટોચાયેલો, ઘડાયેલો હું પે’લી વાર દેશ પાછો આવ્યો. ઈ વખતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી દેશ પરત આવવાના ઇરાદે મેં નોકરીની તપાસ કરી. મને વડોદરામાં ઈ સમય અનુસાર સારી નોકરી મળત પણ વધુ તપાસ કરતાં ખબર પડી કે ઈ કમ્પનીમાં પ્રમોશન્સ,વ.આવડત કરતાં વ્યક્તિની કોમ પર વધુ આધારિત હતાં. ગુજરાત બા’રની બે નોકરીમાંથી એકમાં પૈસા ખવરાવની અને બીજીમાં ઉંચી લાગવગની જરૂર હતી. એટલે ઈ વખતે મને સ’ખેદ લાગ્યું કે અપ્રમાણિકતા મેં દેશ છોડ્યો એના કરતાં પણ વધુ વ્યાપક અને સરેઆમ હતી. ત્યારે ડો. વિનોદ શાહના આપઘાતનો હૃદયદ્રાવક કિસ્સો પણ યાદ આવ્યોતો અને આજે પણ ઈ યાદ છે કારણ કે એનાં માતાપિતા હારે અમારે ચોરવાડનો નાતો. આ કિસ્સો હું એક આડવાતે લખું છ જેથી આઝાદી પછીના દસકાઓમાં ભારતના રાજકારણની આરાજકતાનો અંદાજ આવે.
વિનોદભાઈ આપણી લોકસભાના માજીસભ્ય, અન્ય રાજકીય અને સામાજિક ક્ષેત્રે અગ્રીમ અને “મુકુંદ આયર્ન”ના માલિક સ્વ. વિરેન્દ્ર શાહના કાકા હરખલાલ શેઠના પુત્ર. આ શેઠનો પરિવાર આચરેવિચારે ગાંધીજીનો સંપૂર્ણ અનુયાયી. વિનોદભાઈ એગ્રોનોમી વિષયમાં યુ.એસ.ની વરિષ્ઠ યુનિવર્સીટી માંથી પીએચ.ડી. કરી ૧૯૬૦માં સ્વદેશ પાછા આવ્યા. ઈ વખતે ભારતમાં “ગ્રીન રેવોલ્યૂશન” પૂરબહારમાં હાલતુતું એટલે વિનોદભાઈ “ઇન્ડિયન અગ્રિકલચરલ રિસેર્ચ ઇન્સ્ટિટ્યૂટ”માં (પુસા ઇન્સ્ટિટ્યૂટમાં) ભારતમાં મકાઈ ઉત્પાદનમાં વધારો કરવાના રિસર્ચ પ્રોજેક્ટમાં મેનેજર તરીકે જૉડાણા અને સફળ થ્યા. થોડા વખતમાં રાજકીય વગથી જે બે વ્યક્તિઓને કૃષિ ક્ષેત્રે બિલકુલ જાણકારી નો’તી ઈ વિનોદભાઈના અધિકારી બન્યા ને એની સફળ રિસર્ચમાં દખલ દેવા મંડ્યા. વિનોદભાઇએ આ બાબતે એની નારાજગી ઉપલા અધિકારીઓને વખતોવખત વ્યક્ત કરી પણ એમાં અસફળ રયા. અંતે ચુસ્ત ગાંધીવાદી વિનોદભાઇએ આ ઘટનાઓ વર્ણવતો એક કાગળ લખ્યો ને એમાં જણાવ્યા મુજબ “પ્રોટેસ્ટ બાય સ્યુસાઇડ” એને કર્યો. ત્યાર બાદ તપાસપંચો નિમાણાં, બેઠકો મળી, ચર્ચાવિચારણા કરાણી પણ ઈ દાયકાઓની મૂંગી, બે’રી ને આંધળી સરકારમાં સરવાળો શુન્ય જ થ્યો ને બધું ભીનું સંકેલાઇ ગ્યું. આ સમગ્ર બાબતનો ઉલ્લેખ ૧૯-૫-૧૯૭૨ના વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય “નેચર” જર્નલમાં થયેલ છે.
ખેર, મારી નોકરીની નિરાશાજનક તપાસ વખતે મારું ડિઝર્ટેશન માન્ય નો’તું થ્યું, એને મેં સાત નિષ્ણાતો વચ્ચે ડિફેન્ડ નો’તું કર્યું, અમારા ડિપાર્ટમેન્ટની પોલિસી મુજબ એમાંથી ત્રણ પેપર્સ આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત નો’તાં કર્યાં ને મને કાયદેસર પીએચ.ડી.ની ડિગ્રી હજી નો’તી મળી. એટલે આ બધી ફોર્માલિટીસ પતાવા મારે યુ.એસ.નો એક ધક્કો બાકી હતો. એવામાં કે’છ ને કે “ભગવાન બાયણું બંધ કરે તો બારી ઉઘાડે” એમ મારું નોકરીનું બાયણું ભલે એને ન ઉઘાડ્યું પણ એના બદલે આલીશાન બારી ઉઘાડી ને મને મનગમતી કન્યા નીલા દીધી કે જેની હારે હું આજ ૪૭ વરસથી છેડાછેડીએ બંધાઈને મોજે તોરા છોડું છ.
હવે ત્યારે એકાદ મહીનાથી પયણેલો હું ડિગ્રીની ફોર્માલિટીસ પુરી કરવા યુ.એસ. એકલો પરત થ્યો ને જુન ૧૯૭૭માં પીએચ.ડી. થ્યો. ઈ દસકાઓમાં ભણ્યા બાદ ૧૮ મહિનાનો પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ વિઝા મળતો એટલે મેં “અલાબામા” રાજ્યમાં એક યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ લીધી ને ઈ પણ ઈ જ વિચારે કે આ દરમ્યાન નીલા યુ.એસ. આવે, કોન્વોકેશનમાં મને પીએચ.ડી.ની ડિગ્રી મેળવતો જોવે ને સજોડે અમે યુ.એસ. ફરી ભારત પાછા ફરીયેં. ઈ મારી નવોઢા યુ.એસ. આવી, અમે હર્યાંફર્યાં, એને પણ આંઈ ગમ્યું ને અમે ગ્રીનકાર્ડ લીધું. એમાં પણ એક જ હેતુ કે કોઈ વિઝાની લમણાઝીક વિના અમે ગ્રીનકાર્ડે યુ.એસ.માં ટૂંકી મુદ્દતે રહી ને ભારત પાછા ફરવું. ઈ ટૂંકી મુદ્દતને આજકાલ કરતાં ૫૪ વરસના વ્હાણા વાઈ ગ્યા ને મારા ૭૬માં વરસે આજ હું ખુદને પૂછું છ કે યુ.એસ.ને મેં મારું સાવકું સરનામું શું કામ બનાવ્યું? અલબત્ત, આ સવાલનો જવાબ અમે બેય માણસનો પણ અલગ હશે ને હોવો પણ જોયેં પણ મારો બહુપાંખી જવાબ કે જે આજની વાતનો પ્રાણ છે ઈ નીચે મુજબછે.
ઘટમાળ – “ઊંચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ છે ઓટ પછી જુવાળ.” આ દલપતરામની કવિતા હું ત્રીજા ધોરણમાં એનો મર્મ સમજ્યા વગર ભણેલ કે જે મર્મ મને હવે સમજાય છ. પયણ્યા પછીથી આજ દી’ લગી મારું જીવન જાણેઅજાણે કુંભારના ચાકડે ચડ્યું છ. પે’લાં તો જાણે બેએક વરસમાં “અલાબામા”ની નોકરી છોડી ને મેં યુનિવરસીટી ઓફ વિસ્કોન્સીનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ અને રિસર્ચ સાયન્ટિસ્ટની નોકરી લીધી ને પછીના ગાળામાં વ્યવસાયિક ધાર્યાથી વધુ પ્રગતિ કરી. આ વરસોમાં અમે બે છોકરાંના માબાપ બન્યાં ને નીલાએ પણ કોમ્પ્યુટર સાયન્સમાં બે ડિગ્રી લીધી અને સારી નોકરી મેળવી. ઈ જ રીતે અમારાં બેય સંતાનો ભણ્યાં ને દીકરી લગ્ન કરી બે બાળકની માં બની. હવે અમારો પરિવાર મળતો રે’છ ને એની મોજ છે. ઉપરાંત અમે બેય હવે નિવૃત્તિમાં દેશવિદેશની જાત્રાએ ન હોયેં ત્યારે અમારા ગામમાં “દુઃખમાં આગળ ને સુખમાં પાછળ” એવા મિત્રો હારે મોજમસ્તીથી દિવસો વીતાવીયેં છ. ટૂંકમાં, આ સંબંધોનાં જાળાં ક્યારે બંધાણાં ને એમાં ક્યારે હું માકડી થઇ ઘુમરા લેવા મંડ્યો એનું મને ભાન જ ન રયું ને હવે આ જાળું મારી કર્મભૂમિ એવા આ દેશમાં સ્થાયી થાવાનું સાચાંખોટાં કારણોમાંનું એક કારણ બની ગ્યું છ.
બીક – હું દેશથી પે’લી વખત યુ.એસ. આવ્યો ત્યારે ને પછી પણ વરસો સુધી ભારત અઢારમી સદીમાં “કુંભકરણની નીંદરે” સૂતુંતું ને “હોતી હૈ ચલતી હૈ”ની હાલે હાલતુંતું. જો ઈ જ વખતે હું ભણીને ભારતમાં આવી ગ્યો હોત તો “ફૂલમાં સોગઠી”ની જેમ ગોઠવાઈ જાત કારણ કે ઈ જ ભારતને હું ઓળખતોતો ને મને ગમતુંતું. પણ ઈ પછીનાં વરસોમાં મારો પરિવાર યુ.એસ.માં સુખી હતો, અમે બેય માણસ વ્યવસાયે અને વેતને પ્રગતિના પંથે હતાં એટલે મધદરિયે એક સ્થિર હોડીમાંથી ભારતમાં વણખેડેલ હોડકે કુદવાની ત્યારે બીક હતી. ઉપરાંત પે’લી વાર જયારે ભારતમાંથી મનગમતી છોકરી મળી પણ નોકરી નહીં એટલે ઈ પણ એક સાચીખોટી બીક તો હતી જ.
અનફિટ – ઉપર કીધું એમ હું સુસુપ્ત ભારતમાંથી ત્યારે વીસમી સદીના યુ.એસ.માં આવેલ એટલે ત્યારે મને ને સૌને આ દેશ અધધધ…લાગતો, ગમતો. પણ સમય જાતાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા ને જાપાન જેવા દેશોએ યુ.એસ.ની સરખામણીમાં નૈતિક, આર્થિક, સામાજિક, ભૌતિક અને માણસના જીવનધોરણના સુધારામાં વધુ પ્રગતિ કરી અને કરે છ. ઘણીવાર તો મને એમ પણ લાગે છ કે ભારત આજ બાવીસમી ને યુ.એસ. હજી પણ વીસમી સદીમાં જીવે છ. મારા મતે તો છેલ્લાં કેટલાંક વરસોથી યુ.એસ.નું રાજતંત્ર સ્થગિત છે ને અમારા બેય રાજકીય પક્ષો લોકહિત ભૂલી જઈ પરસ્પર બાધ્યા કરે છ. ઉપરાંત અમુક વર્ગમાં તો માણસાઈનાં મૂલ્યો પણ પાતળાં થાતાં મને દેખાય છે.
હવે સર્વોમુખી અને સર્વાંગી પરિવર્તન ઈ સંસારનો નિયમ છે. ઘણી વખત ઈ ન અનુભવાય એટલું કીડીવેગે “એવોલ્યુશન” રૂપે થાય તો કોકવાર હરણફાળે “રેવોલ્યુશન” રૂપે, કે જે ભારતમાં થઈ રયું છ. મારી જ ઉંમરના ભારતના હમવતનીઓ આ ત્વરિત પ્રગતિનો હિસ્સો છે, એમાં ગોઠવાઈને જીવે છે, એને મ્હાણે છ. પણ છેલ્લા દસકાની મારી ભારતની મુલાકાતો દરમ્યાન મને એમ લાગ્યા કરે છ કે વીસમી સદીનો “હું” મારા જ વતનમાં પુરાતત્વ ખાતાએ ખોદેલ એક અવશેષ જેવો છું. મારો જુનાગઢનો પિત્રાઈ તો મીઠી ટકોર પણ કરે છ કે “દિનેશભાઇ તમને “ડીપફ્રીઝ”માંથી પચાસ વરસે કાઢ્યા હોય એવા છો. જો બદલાસો તો આજના ભારતમાં ભળી જાસો ને આંઈ રોજેરોજ મોજેમોજ કરશો.” ઈ આ તેરમણનો “તો” જ મને હંફાવે છ, હરાવે છ ને એટલે હું નીચી મૂંડીએ સ્વીકારું છ કે બાવીસમી સદીના ભારતમાં હું કદાચ બંધ ન બેસું, એમાં કાયમ રે’વા કદાચ હું અનફિટ હોઉં.
કમ્ફર્ટ ઝોન – છેલ્લા થોડાક અરસાથી યુ.એસ. જે હતું ઈ નથી પણ છત્તાં “ભાંગ્યું તોયે ભરૂચ” એટલે આ દેશનું ભાવિ મને સ્થિર અને ઉજળું લાગે છે. આંઈ લોકતંત્ર સવાબે સયકાથી વધુ જૂનું અને પ્રબળ છે. આ દેશની ઈકોનોમી વિશાળ અને વિશ્વટોચે છે ને એનું ચલણ સ્થિર ને દુનિયાના લગભગ બધા જ દેશોમાં માન્ય છે. એક નોંધનીય હકીકત ઈ છે કે વિશ્વમાં બીજો કોઈ પણ દેશ બીજા દેશને આફતના સમયે યુ.એસ. જેટલી આર્થિક, શારિરીક, તબીબી ને અન્ય અનેક પ્રકારની મદદ નથી કરતો ને આમ “જીવ સેવા” ઈ યુ.એસ.નો સર્વોત્તમ ગુણ છે. આ દેશની મોટાભાગની વસ્તી એની શક્તિનુસાર દાનેશ્વરી અને નિશ્વાર્થ છે ને ખરા અર્થમાં ખ્રિસ્તી ધર્મમાં કીધા મુજબ “લવ ધાય નેબર એઝ ધાય સેલ્ફ” નિયમે જીવે છે. બીજું, આ દેશની જંગી સંપત્તિ એની પ્રમાણિક, મહેનતુ, સાદી અને સરળ પ્રજા છે. ઉપરાંત દેશ પાસે વિવિધ પ્રકારની અમાપ કુદરતી સંપત્તિ (નેચરલ રિસોર્સીસ) છે. આંઈ વનસ્પતિથી લઈ વાતાવરણ / પર્યાવરણ, વિશ્વવિનાષક શસ્ત્રોથી લઈ વિશ્વશાંતિ, વાણિજ્યથી લઈ વિજ્ઞાન અને દારૂથી લઈ દવા અને અન્ય સૌ ક્ષેત્રે અભ્યાસ અને રિસર્ચ / ડેવલપમેન્ટ સક્રિય છે કે જેનો લાભ અન્ય દેશોને પણ મળે છે. આ દેશની નીપજના પ્રમાણમાં વસ્તી ઓછી છે એટલે લોકોને જરૂરિયાતથી જાજું પ્રાપ્ય છે ને જેને નથી એને સરકાર પૂરું પાડે છ.
ખેર, યુ.એસ.ની જાજી વાત્યું ન કરતાં જો હું મારું સજોડે કહું તો આ દેશના કાયદા મુજબ ૬૫ વરસની ઉંમરથી બહુ ઓછી કિંમતે સરકાર અમારી સંપૂર્ણ અને ઉત્તમ ચિકિત્સક જરૂરિયાત “મેડિકેર” ઇન્સ્યોરન્સ દ્વારા પુરી પાડે છ. આર્થિક રીતે પણ અમને બેયને મળતાં સરકારી પેન્સન્સ ને અમારી નાનીમોટી બચત વચ્ચે અમારું ગાડું ગબડે જાય છ. બીજું, મારું ઘર પણ ઝાડઝાડી વચ્ચે શાંત વિસ્તારમાં છે એટલે મારો વખત વિવિધ પશુપક્ષીઓ જોવામાં સરસ પસાર થાય છે ને ઈ જ રીતે નીલા એની મનગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત રે’છ. મારી આજ સાડાસાત દાયકાની ઉંમર હું હવે નિજાનંદે જીવું છ અર્થાત હું કોક પાસેથી આનંદ ઉછીનો નથી લેતો. મને હવે જાજો ગોકીરો, અણધર્યા મેં’માન, રેસ્ટોરાંમાં ખાવું, વધુપડતાં ટી.વી. ને ફોન પસંદ નથી કે ઘરની બા’ર બેએક અઠવાડિયાથી વધુ ગમતું નથી.
હું જાણું છું કે આજ ભારત અને અન્ય કેટલાક દેશોમાં યુ.એસ.થી વધુ સુખ, સગવડ, સંપત્તિ, મોજમસ્તીનાં સાધનો અને એશોઆરામ છે પણ હું હવે જ્યાં છું, જે છું, જેવો છું, જેની હારે છું અને મારી પાસે જે છે કે નથી ઈ બધું ઈશ્વરની કૃપા ગણી શક્ય એટલું ઓશોસન્યાસે જીવવા પ્રયત્ન કરું છ. મારે માટે આ સમય ઈ આનંદ છે, ઉપલબ્ધિ છે, પ્રાપ્તિ છે, વિધાયક છે ને છતાં કોઈ પણ રીતે ઈ વૈરાગ નથી કારણ કે મને સંસાર વ્હાલો છે. હા, યુ.એસ.માં ગૂંથેલ સાંસારિક ઘટમાળ કે “કમ્ફર્ટ ઝોન” છાંડી, ભારતમાં કાયમી વસી ને “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી…” ઈ ગજું મારામાં હવે નથી. જ્યાં સુધી મારાં માં-પપ્પા બેઠાતાં, અમારું પોતાનું ઘર ધબક્તુંતું ને જેમાં થેલી મુકવાનો ખુદની માલિકીનો ખાલી ખૂણો હતો યાં લગી અમે વખતોવખત દેશમાં આવતાં. અમારું ખુદનું ઘર બંધ થ્યા પછી પણ અમે મારી બેન અને મોસાળને ઘેર આવીયેં છ પણ હવે ઉંમરના લીધે પ્રમાણમાં ઓછું. કોકવાર મને ભારત હવે “આઉટ ઓફ સાઈટ ઇઝ આઉટ ઓફ માઈન્ડ” પણ લાગે છ પણ એનો અર્થ એમ નથી કે માદરેવતન રે’તાં “મારાં પોતીકાં” મને હૃદયસ્થ નથી કે “વતનની ધૂળથી માથું ભરી લ્યોને આદિલ.. .ઈચ્છા મારામાં પ્રજ્જવલિત નથી ભલે મારું સરનામું સાવકું હોય.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

આ વખતે બહુ રાહ જોવડાવી. ખેર,દેર સે આયે દુરસ્ત આયે. સંજોગો આપના જીવનને દોરે છે. હવે તમે ડાયરો માંડ્યો છે તો વિધાર્થી અવસ્થા અને અમેરિકાને રહેવાસ વિશે લખતા રહેજો. આજની પેઢીને ખબર પડે કે વખતે કેટલી વીસે સો થતાં હતા. વળી, આપના સંસર્ગમાં આવેલા લોકો વિશે પણ લખશો. આવા વ્યક્તિચિત્રો તમારી નિરીક્ષણની આવડત ને લીધે રસપ્રદ બનશે. આભાર . વરસતા રહેશો એવી વિનંતી.
LikeLike
Very well written biogrphy and question that is it worth going back to India? My friend whom I talk quite often asks me same question. I dont have the answer but from my life experiences, grass always looks greener on other side. Life may not be that easy in India. And regarding having fun, it is a slippery slope, It has no end. I was reading Gita and in last 3 chapters and specifically last chapter says that Rajas life may be fun but it does not give joy at the end. I dont know though what gives job. But very well written biography and good thoughts Dineshbhai.
LikeLike
મુ.વ શ્રી દિનેશભાઇ
ઘણા લાંબા સમય પછી આપની ગામઠી સેઈલી માં લેખ વાંચવા ની માજા આવી, ફેસબુક ઉપર તમને મિસ કરીયે છીએ, જોકે મેં પણ હવે અપલોડ કરવા નું ફેસબુક ઉપર બંધ કરી દીધું છે, રોજ રોજ જોતો નથી વીક માં એકાદ બે વાર ફેસ બુક ઉપર આંટો મારી લવ
થોડા સમય પેહલા પુના ગયેલ મુ.વ બકુ મામા ને મળેલ તમને યાદ કરેલ, તમારા તબિયત ના સમાચાર તેમના થી જાણેલ હતા
કમ્ફર્ટ ઝોન અનફિટ છેલ્લા પેરાગ્રાફ માં માજા આવી, બરોડા માં તમને નોકરી ના મળ્યા નો રંજ છે, પણ દરેક માટે કુદરતે કયાંક અલગ જ લખેલ હોય છે, 1989 માં મને એમ હતું કે પુના બેગ્લોર, દિલ્હી, સેટ થઈસ માઢ ના દિકરા એ મોટા સીટી જોયેલ ના હતા, ઘણા મોટા સીટી માં નોકરી માટે એ વખતે મેહનેત કરી પણ નસીબ માં અમદાવાદ લખેલ તો પેહલા જ પ્રયત્ને નોકરી મળી અને અમદવાદ ને કર્મ ભૂમિ અને વતન બનાવી દીધા અને બે પાનદડે થયા,
હાલ માં તો ઓફીસી ના કામે છેલ્લા ત્રણ મહિના થી ઝાંઝીબાર ( તાન્ઝાનિયા) છું, કોને ખબર હતી માઢ નો સામાન્ય ઘર નો દીકરો દેશ વિદેશ ના પાણી પીશે,
મને તમારા લેખ માં થી પ્રેરણા મળે છે સાથે ભુલાય ગયેલ તળપદી ભાષા માણવા ની વાંચવા ની આ ઉંમરે મજા આવે છે
આપની અને આપના કુટુંબીજનો ની કુશળતા ઈચ્છું છું
હિતેશ કે ઓઝા
LikeLike
Dinesh,
Really feels good story. Enjoyed reading with my morning coffee. Luckily or not but I ended up getting last medical seat of Jamnagar Medical College and still regretting letting go LD electrical engineering 😀.
Please keep writing.
Hitesh Pandya
LikeLike
Dineshbhai, After a long time! Enjoyed your writing. Very well written. Bahu gamyu. Yes we are all getting old and it gets tough to make long flights to India.
LikeLike
દિનેશભાઈ
નવસારી ના દિવસો નજર સમક્ષ તઃ થયા . એક શ્વાસે તમારી જીવન ગાથા વાંચી ગયો ખુબજ ગૌરવ થયું . આજ મારે ૭૫ વરસે પણ કાર્યરત છું અને માઇક્રો બાયોલોજી બાદ મુંબઇ માં અને ૧૯૭૨ થી ૨૦૦૬ સુધી ગોવા પોર્ટ ટ્રસ્ટ ની ૧૦૦ બેડેડ હોસ્પિટલ માં હેડ ઓફ પેથોલોજી ૫૮ માં નિવૃત્ત થઈ પોતાની ટેકનો ક્લીન pathological એન્ડ રિસર્ચ લેબરેટરી શરૂકરી આજ ૧૮ વર્ષ થયા મારો વિકાસ તમો ગુગલ બીઝનેસ ઉપર ટેકનો ક્લીન લેબોરેટરી વાસ્કો ડા ગામા ગોવા ઇન્ડિયા. જોઇ શકો છો. ખૂબ મજા આવી આર્ટિકલ વાંચી ને . આભાર . પ્રણામ સનત જોશી
LikeLike
ગાભા નીકળી ગયા તારો નિબંધ વાંચી ને યાર. ઘણી યાદો તાજી થઇ…..
LikeLike
વાહ દીનેશભાઈ!
ઘણાં વર્ષે તમને સાંભળ્યા!
આપની લખવાની શૈલી આબેહુબ એજ ચીત્ર ઉભું કરેછે જે ગીલ્બર્ટમાં બેસી અડધી રાતે વાતો કરતાં અનુભવેલ.
ખૂબ આનંદ થયો.
LikeLike
Really enjoyed going through your article Dinesh bhai. You were very honest in describing your journey
It’s very true that one thing leads to another & idea is to enjoy every stage & moments of the life
Jagdish Desai
LikeLike