ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
‘ગાય તેના ગીત’ આવું નામ આપી, ક્યારેક વાદળને વરસાદ સાથે વાત કરતા તો ક્યારેક પ્રેમની પરિભાષા શીખવતા ગીત ધ્રુવદાદાએ લખ્યાં છે. ક્યારેક માછલીની આંખની ભીનાશને વર્ણવતાં, લય અને શબ્દોનાં સાયુજ્ય સાથે દરિયો, ડુંગરા,અને ગાઢ જંગલોમાં અનહદનો અનાહત નાદ સંભળાવતાં ધ્રુવદાદાનાં ગીતો તેમણે ગાનારનાં કરી દીધાં છે. આજનાં કલિયુગમાં લેખકો, કવિઓ અને સાહિત્યકારો પોતાની લખેલ એક લીટી કે શબ્દ માટે પણ પોતાના નામની માંગણી કરે છે, ત્યારે દાદાએ તો પોતાની લય સાથે વહાવેલી લાગણીઓને ગીત ગાનારાને નામે કરી દીધી છે.
ધ્રુવદાદા તેમના ગીતો ગાનાર સાથે પ્રેમથી વહેંચતા કહે છે,
‘તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારા કહેવાય કઈરીતે?
ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં તો કેવડાં કે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ
જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારાં કહેવાય કઈ રીતે..’
આમ ગીતને સૌ ગાનારનાં કરી દેનાર ધ્રુવદાદા પર એક દિવસ કલક્ત્તાનાં એક બાઉલનો (baul)ફોન આવ્યો કે ‘ધ્રુવદાદા મને તમારું એક ગીત મોકલો મારે તમારું ગીત ગાવું છે.’
આ બાઉલને તેમણે ગીત લખીને મોકલ્યું અને બાઉલ એટલે કોણ અને તે લોકોની શરુઆત કરનાર લાલોનની સુંદર વાત દાદાએ કરી હતી તે કહું.
“બંગાળ અને કલકત્તાની એવી એક જાતિના લોકો છે જે તંત્ર, વૈષ્ણવ, સુફીઝમ, બૌદ્ધિઝમ જેવા ધર્મોને ભેગા કરી બનાવેલ જુદા ધર્મમાં માને છે અને ગાઈ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે. બાઉલ લોકો ભગવા કપડાં પહેરી ભજનો પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગાય છે. બાઉલ શબ્દ Vtula પરથી આવ્યો છે. Vtula means Vyakula. બાઉલને લોકો પાગલ ગણે છે, પણ બાઉલ લોકો પોતાના ગીત-સંગીત અને ભજનોમાં મસ્ત બની ભગવાન સાથે જોડાઈ જવા માંગે છે. તેમને નાતજાત, ધર્મના વાડા નથી હોતા. દાદાએ આ બાઉલ પ્રથાની શરુઆત કેવી રીતે થઈ તેની પણ વાત સરસ રીતે સમજાવી હતી.
લાલોન નામનો એક છોકરો હતો. તે તેના શેઠ સાથે કામ કરતો હતો. શેઠને જગન્નાથપુરી જવાનું થયું તો આ લાલન પણ શેઠની પાલખી સાથે ચાલે અને શેઠને પાણી કે જે વસ્તુ જોઈએ તે લાવી આપી, પાલખી જોડે ચાલતાં ચાલતાં શેઠની સેવા કરે. રસ્તામાં હતાં ત્યાં જ લાલોનને શીતળા નીકળ્યા એટલે શેઠ તેને રસ્તામાં છોડીને આગળ નીકળી ગયાં. લાલોનને બેભાન અવસ્થામાં જોઈ એક મુસ્લિમ દંપતી લાલોનને પોતાને ઘેર લઈ ગયાં અને તેની સેવા કરીને સાજો કર્યો. સાજા થઈ ગયાં પછી લાલોન તેના ઘેર પાછો ગયો તો તેના માતા-પિતાએ અને ગામનાં લોકોએ ‘તું વટલાઈ ગયો છે’ કહી, ઘરમાંથી કાઢી મૂક્યો. લાલોનને કંઈ સમજાયું નહીં કે ‘હું કેવીરીતે વટલાઈ ગયો? ‘આ ધર્મ અને નાત-જાતનાં ભેદભાવ પર તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ગામને છેવાડે જઈ, ફકીર બની તંબૂરા સાથે ભજન ગાઈ રહેવા લાગ્યો. આ લાલનની સાથે જે લોકો જોડાયા તે બાઉલ લોકો ગામનાં છેવાડે ભજન ગાઈને પોતાનો જીવન નિર્વાહ કરે અને આ લોકો બાઉલ તરીકે બંગાળ અને કલકત્તામાં ઓળખાય છે. બાઉલ ફકીરો ભગવા કપડાં પહેરી ભજનો ગાય છે અને કોઈ નાત-જાતનાં કે ધર્મનાં વાડામાં માનતા નથી.
જે નાતજાત અને ધર્મનાં વાડામાં પોતે પણ નથી માનતા અને પોતાનાં ગીત ગાઈને પ્રકૃતિ સાથે જોડાઈ પરમ સાથે જોડાવવાનો આનંદ લે છે તે બાઉલ માટે ધ્રુવદાદાએ “અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું“ જેવું સરસ ગીત લખીને મોકલ્યું .આ ગીત તેમનાં “ગાય તેનાં ગીત” પુસ્તકની પ્રસ્તાવનાનું ગીત છે.
હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળા પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન, સત્ય, પ્રેમ, સર્જન, સેવા, શ્રદ્ધા અને આનંદનાં..આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે. ધ્રુવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે. આગળનાં શબ્દો તો જુઓ,
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો,
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ
પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
શબદ કહે તું સાતે સાંકળ તોડ
શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે. માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે. હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે, કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે, નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી?
સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું. એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે. પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે. બધું ભૂલી, તમારી જાતને પણ ભૂલી, ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન નથી શું?
અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું. દાદા આપણને રસ્તો બતાવવા દીવો તો ધરશે જ. શબદને છોડી, અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ
અમે
‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા
ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.
અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,
‘તું રાખ ભરોસો ખુદપર, તું શાને શોધે છે ફરીસ્તાઓ,
સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે રસ્તાઓ…..’
આપણે ત્યાં કવિવર ટાગોરની, શરદબાબુ અને બંકીમચંદ્રની કવિતાઓ અને વાર્તાઓના બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયા છે અને આપણે વાંચ્યાં છે.
પણ ધ્રુવદાદાનું આ બાઉલ લોકોને માટે લખીને મોકલેલું ગીત
‘અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું, માટી ફંફોસી તો મહોર્યા મોલ’ નો તે લોકોએ બંગાળીમાં અનુવાદ કરીને ભાવથી ગાયું.
ધ્રુવદાદાનાં ગીતો તેમણે પાઠ્યપુસ્તકનાં ઇતિહાસને ચાતરીને મનુષ્યનાં નૈસર્ગિક ઇતિહાસને સમજવા મથતાં માનવબાળને અર્પણ કર્યા છે. શબનમ વિરમાણી, વિપુલ રીખી, રાસબિહારી દેસાઈ, જન્મેજય વૈધ, ક્ષેમુભાઈ દિવેટીયા,અમર ભટ્ટ જેવા ખૂબ ઊંચાં ગજાનાં અને હવે તો નીલા ફિલ્મ્સનાં અનેક સુંદર ગાયકોએ ધ્રુવગીત ગાઈ ઘ્રુવગીતને પોતાનાં સ્વર આપી આપણા સુધી પહોંચાડ્યાં છે.
ધ્રુવદાદાનાં આવા જ મનને પ્રફુલ્લિત કરી મોજ કરાવતાં અને જીવનની સાચી ફિલસુફી સહજતાથી સમજાવતાં બીજા ગીતની વાત કરતાં મળીશું આવતા અંકે.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
